(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે, 

શ્રી હર્ષદભાઈ પટેલે આ ભાષાંતર કર્યુ છે. -સં.)

જો કે શ્રીમા શારદાદેવી વિશ્વજનની હતાં છતાંય આ જગતની કેટલીક ચીજોથી ગભરાઈ ઊઠતાં. એમ તો માનવ તરીકે તેઓ આવા અજ્ઞાનનો આનંદ પણ લેતાં.

માર્ચ, ૧૮૮૧માં શ્રીમા પોતાનાં માતા અને ભાઈ પ્રસન્ન સાથે કોલકાતામાં આવ્યાં હતાં અને પ્રસન્ને કાંસારીપાડામાં ભાડે રાખેલ મકાનમાં થોડો વખત વસવાટ કર્યો હતો. શ્રીમા પોતાનું સંસ્મરણ વાગોળતાં કહેતાંઃ

આ પહેલાં હું કોલકાતા આવી ત્યારે મેં પાણીનો નળ જોયો ન હતો. હું સ્નાનગૃહમાં ગઈ, પાણીનો નળ ખોલ્યો અને તેમાંથી સાપ નીકળતો હોય તેવો સૂ-સૂ-સૂ અવાજ સંભળાયો. ગભરાઈ જઈને હું સ્નાનગૃહમાંથી બહાર દોડી આવી અને સ્ત્રીઓને કહેવા લાગી, “અરે! તમે અહીં આવો અને જુઓ! નળમાં સાપ ઘૂસ્યો છે અને સિસકારા બોલાવે છે.” તેઓ હસી પડી અને કહ્યું, “મા! જુઓ, નળમાં સાપ નથી. ગભરાશો નહીં. હવાનું દબાણ પાણી નીકળતાં પહેલાં સૂ-સૂ અવાજ કરે છે.” હું પણ તેઓની સાથે સાથે ખુલ્લા દિલે હસી પડી.

સંસારમાં સૌથી સૂક્ષ્મ યંત્ર છે માનવહૃદય. પરંતુ જે મા પોતાના કૃપાકટાક્ષ માત્રથી આવા સૂક્ષ્મ યંત્રને પરિવર્તિત કરી શકતાં હતાં, તેઓ એક સામાન્ય ભૌતિક યંત્રથી ગભરાઈ ઊઠતાં કે વિસ્મિત થઈ જતાં.

શ્રીમા અવારનવાર સરળ, ભલાં-ભોળાં, અસંસ્કૃત ગ્રામ્ય નારીની જેમ વર્તતાં. જેમ લોકો બાળકની નિર્દોષતાનો આનંદ માણે છે તેમ ભક્તો અને શિષ્યો પણ શ્રીમાની સાંસારિક બાબતો અંગેની મુગ્ધકારી અજ્ઞાનતા નીરખીને આનંદાશ્ચર્ય અનુભવતા. સ્વામી ગૌરીશ્વરાનંદે લખ્યું છેઃ

“તે સમયે જયરામવાટીમાં શિક્ષિતો અલ્પ સંખ્યક હતા. સ્ત્રીવર્ગમાંની બે-ત્રણ સ્ત્રીઓ જ બંગાળીમાં પોતાનાં નામ લખી શકતી. શ્રીમાએ કહ્યું હતું, “બેનરજી પરિવારના એક છોકરાનાં લગ્ન થયાં છે. છોકરાની વહુ કોલકાતાની છે અને તે ઘડિયાળને કેવી રીતે ચાવી પૂરવી તે જાણે છે.” શ્રીમાને એ જાણીને પરમ આશ્ચર્ય થયું કે છોકરી એટલી બધી બુદ્ધિશાળી છે કે તે ઘડિયાળની ચાવી પૂરી શકે છે! શ્રીમાએ જયરામવાટીમાં ક્યારેય બી.એ કે એમ.એ પદવીધારી  સ્ત્રીને કે ઘડિયાળ પહેરેલ છોકરીને જોઈ નથી.”

જેમ ગણિત ઠાકુરને મૂંઝવતું તેમ યંત્ર કે યંત્રરચના શ્રીમાને ગૂંચવી દેતાં. સ્વામી સારદેશાનંદે લખ્યું છેઃ

શ્રીમામાં માનવ-હૃદયને પૂર્ણતઃ પરિવર્તિત કરવાની ક્ષમતા હતી, કે જે સૂક્ષ્મતમ યંત્ર છે પરંતુ એક સાદી ફાનસ (લાલટેન)ને લગતું કામ કરવાનું તેમને માટે અતિશય મુશ્કેલીભર્યું હતું. જયરામવાટીમાં શ્રીમા પાસે એક વિશિષ્ટ ફાનસ હતું. ફાનસનો કાચનો ગોળો બહારના ભાગે તારથી સુરક્ષિત હતો. કાચનો ગોળો સાફ કરવા માટે તારની જાળી દૂર કરવાનું અને કેરોસીન પૂરવા માટે ઢાંકણું ખોલવાનું કાર્ય શ્રીમા માટે મુસીબતભર્યું હતું. તેથી તેઓ ફાનસ સાફ કરવાનું કામ અન્યને બતાવતાં. તેઓ સાદો દીવો અને નાનકડો કેરોસીનનો દીવો વાપરવા ટેવાયેલાં હતાં. જે સ્ત્રીઓ કાચના ગોળાવાળું ફાનસ વાપરતી તેમનાં કૌશલ અને હોશિયારીની શ્રીમા પ્રશંસા કરતાં. તેઓ કહેતાં, “ઓહ! તેઓ કેટલી બધી બાબતો જાણે છે! તેઓ કેરોસીનના દીવાને કેવી ત્વરાથી તૈયાર કરી દે છે!”

પરંતુ શ્રીમાને નવી નવી બાબતો શીખવાનું ગમતું હતું. સ્વામી ગૌરીશ્વરાનંદે પોતાની સ્મૃતિકથામાં લખ્યું છેઃ

શ્રીમાએ વર્ણ પરિચય ભાગ-૧ના પાઠો પૂરા કરીને ભાગ-૨ના શિક્ષણનો પ્રારંભ કર્યો—ઐક્ય, માણિક્ય, ક્વાક્ય—કે તરત જ હૃદયે શ્રીમાના હાથમાંથી પુસ્તક ખૂંચવી લઈને કહ્યું, “સ્ત્રીઓ માટે વધુ પડતું શિક્ષણ સારું નથી. આવા શિક્ષણની તેમના ચારિત્ર્ય પર અવળી અસર પડે છે અને તેઓ પુરુષો સાથે ખરાબ પત્રવ્યવહાર કરે છે અને નાટકો તેમજ ઉપન્યાસો વાંચે છે.”

આવી હતી શ્રીમાની શિક્ષણ વિષયક પરિસ્થિતિ! લગભગ નિરક્ષર હોવા છતાં શ્રીમાનું આધ્યાત્મિક જ્ઞાન પરનું પ્રભુત્વ કેવું અનોખું હતું! હું તે વખતે તો સાવ કિશોર હતો. સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ભક્તો વિભિન્ન પ્રશ્નોના નિરાકરણ માટે શ્રીમા સમક્ષ આવતા ત્યારે મારા મનમાં શ્રીમાની એ પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાની ક્ષમતા અંગે ભય ઉત્પન્ન થતો. મને આશ્ચર્ય થતું કે આ બધા શા માટે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે જેઓ શાસ્ત્ર-નિપુણ છે એવા બેલુર મઠના સંન્યાસીઓ જેવા કે સ્વામી બ્રહ્માનંદ, શિવાનંદ, સારદાનંદ વગેરે પાસે જતા નથી? પરંતુ શ્રીમા તેમને કદાપિ કહેતાં નહીં, “રાખાલ પાસે જાઓ, તારક કે શરદ પાસે જાઓ અને તેમની પાસેથી પ્રશ્નોના જવાબો મેળવો.” શ્રીમા દરેકના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળતાં અને જવાબો એવા રહેતા કે કોઈ શંકા જ રહેતી નહીં. ખૂબ નાનો હોવાથી હું ન તો પ્રશ્નકર્તાના પ્રશ્નો સમજતો કે ન તો શ્રીમાના સુસંગત જવાબો સમજતો. પરંતુ જોતો કે બધા પ્રશ્નકર્તાઓ સંતોષકારક જવાબો મેળવીને વિદાય થઈ રહ્યા છે.

“ઉદ્‌બોધન” કે “તત્ત્વમંજરી” સામયિકના અંકો આવે એટલે તરત જ શ્રીમા પૃચ્છા કરતાં, “શરદે લખેલ કોઈ લેખ છે?” જો એમ હોય તો શ્રીમા મને મોટેથી વાંચવાનું કહેતાં. એક વાર “તત્ત્વમંજરી”માં એક સંસ્કૃત સ્તોત્ર પ્રકાશિત થયું હતું. જ્યારે મેં શ્રીમા સમક્ષ વાંચી સંભળાવ્યું ત્યારે શ્રીમા બોલ્યાં, “મારા માટે બંગાળી ભાષામાં તેનો અનુવાદ કરી સંભળાવ.” હું ‘देशिकेन्द्रम्‌’ તેમજ બીજા કેટલાક શબ્દોનો અર્થ સમજતો ન હતો અને શબ્દકોશ હાથવગો ન હતો. તેથી મેં કહ્યું, “હું કેટલાક શબ્દોનો અર્થ સમજતો નથી, હું શાળામાં મારા સંસ્કૃત વિષયના શિક્ષકને પૂછીને તમને કહીશ.” છતાંય માએ કેડો મૂક્યો નહીં. શ્રીમાએ આગ્રહ કર્યા કર્યો, “તું જેટલું સમજતો હોય એટલું કહે.”

શ્રીમા અત્યંત દક્ષ હતાં અને દરેક વિગતની સૂક્ષ્મ નોંધ લેતાં. એક વાર મેં સાલવૃક્ષના પાંદડામાંથી બનેલ પતરાળાં પર પાણીનો છંટકાવ કર્યો, તેને ખંખેર્યાં અને ત્યારબાદ ઓસરીમાં ભોજન માટે ગોઠવ્યાં. આ રીતે કામ કરતો જોઈને મને શ્રીમાએ કહ્યું, “અરે, એવું નહીં, દીકરા. મારાં સંતાનો તેમાં ભોજન લેશે. પહેલાં પતરાળાંને સારી રીતે ધુઓ, નહીંતર તેના પર ધૂળ જામેલી રહેશે. જ્યારે હું સાજી-નરવી હતી ત્યારે પ્રત્યેક પતરાળું ધોતી અને કપડાથી લૂછતી.” એક વખત બપોરના ભોજન પ્રસંગે હું આસન ગોઠવતો હતો. શ્રીમાએ ઓસરીમાંથી આ જોયું અને મને કહ્યું, “આસનો હારબંધ ગોઠવાયાં નથી.” મેં થોડીક ગોઠવણી કરી, છતાંય શ્રીમાએ કહ્યું, “ના, એકદમ સીધી લાઈનમાં નથી.” જ્યારે હું મારી ભૂલ શોધી ન શક્યો ત્યારે તેઓ આગળ આવ્યાં અને આસન બરાબર ગોઠવી દીધાં. મેં જોયું કે બધાં આસન એકબીજાને સમાંતર અને વચ્ચેની જગ્યા એક સરખી છે તેમજ આગળના ભાગેથી જોતાં સીધી લાઈનમાં ગોઠવાયેલાં છે.

આશુ મિત્રે એક રસપ્રદ પ્રસંગ વિશે લખ્યું છેઃ

એક વાર અમે યુરોપિયન ફોટોગ્રાફરના સ્ટુડિયોમાંથી શ્રીમાના કેટલાક ફોટો (૧૨”X૧૫”) તૈયાર કરાવ્યા. મેં એક નકલ શ્રીમાને જોવા આપી, તેમણે બેઉ હાથે ફોટો પકડી અને પોતાના મસ્તકે સ્પર્શ કરાવ્યો. તેમનું આ બાળસુલભ કૃત્ય જોઈને મેં હસવાનું ખાળ્‍યું. જ્યારે તેમણે ફોટો પાછો આપ્યો ત્યારે મેં શ્રીમાને પૂછ્યું, “મા, આ કોનો ફોટો છે?” ભોળી કન્યાની જેમ તેમણે જવાબ આપ્યો, “કેમ, આ તો મારો ફોટો છે.” હું હસ્યો. તેમણે પૂછ્યું “તું શા માટે હસે છે?” મેં જવાબ આપ્યો, “તમે આને મસ્તકે સ્પર્શ કરાવીને શા માટે વંદન કર્યાં?” તેઓ પણ હસ્યાં અને અંતે કહ્યું, “ઠાકુર આમાં પણ વિદ્યમાન છે.”

સાચો ધર્મ એટલે ઈશ્વર-સાક્ષાત્કાર. ધર્મ બાહ્ય ધાર્મિક ચિહ્નો કે શાસ્ત્રીય વાક્‌પટુતામાં સમાયેલો નથી. શ્રીમાના શિષ્ય સ્વામી નિખિલાનંદ પોતાનાં સંસ્મરણમાં નોંધે છે, “જે શાસ્ત્રજ્ઞાન ઈશ્વર પ્રતિ અનુરાગ અને શ્રદ્ધા ન જન્માવે તેવા જ્ઞાનની શ્રીમાને મન કોઈ કિંમત ન હતી. શ્રીમા કહેતાં, ‘શું કોઈને માત્ર શાસ્ત્રાભ્યાસથી શ્રદ્ધા-વિશ્વાસ જાગે છે? વધુ પડતું શાસ્ત્રાધ્યયન ગૂંચવાડો ઊભો કરે છે.’ શ્રીમા તર્ક કે બૌદ્ધિક વિવાદ પસંદ કરતાં ન હતાં. જો કે, તેઓ સારાસારના વિવેકની ઉપાદેયતાનો આગ્રહ રાખતાં. શ્રીમાના ઉપદેશ તેમના અંતઃકરણ અને અનુભૂતિમાંથી ઉદ્‌ભવ્યા હતા. એક વાર કોઈકે શ્રીમાને ઈશ્વરના અસ્તિત્વ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘જેને તમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છો, તેના અસ્તિત્વ અંગે શા માટે દલીલ કરો છો?’ તેમણે ભક્તને કહ્યું, ‘શુષ્ક ચર્ચા, તત્ત્વજ્ઞાનની ખીચડી કરવાનું મૂકી દો. તર્કબુદ્ધિ દ્વારા ઈશ્વરને કોણ જાણી શક્યું છે?’”

શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા સંકીર્ણતા, ધર્માંધતા, કલહ, ધર્મઝનૂન અને સંઘર્ષ જન્માવે તેવા ગુરુવાદ–પ્રવર્તનનાં અત્યંત વિરોધી હતાં. એક વાર સ્વામી અરૂપાનંદે શ્રીમાને કહ્યું, “જેઓ તમારા આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે તેઓ ખરેખર ભાગ્યવાન છે! ભવિષ્યમાં લોકોનું શું થશે?” અત્યંત વિસ્મયપૂર્વક શ્રીમાએ કહ્યું, “તમારો કહેવાનો અર્થ શું છે? તેઓ પણ તેમ કરવામાં શાથી સફળ નહીં થાય? ઈશ્વર સર્વત્ર અને સર્વદા વિદ્યમાન છે. શું બીજા દેશોના લોકો ઈશ્વર-સાક્ષાત્કાર નથી કરતા?”

બીજા એક પ્રસંગે શ્રીમાએ કહ્યું, “ઈશ્વરીય પથનું માર્ગદર્શન કરવા માટે સંસારમાં સત્પુરુષોનો આવિર્ભાવ થાય છે. તેઓ વિભિન્ન રીતે ઉપદેશ આપે છે. એક જ ગંતવ્યસ્થાન પ્રતિ દોરી જતા માર્ગો અનેક હોય છે. તેથી બધા જ સત્પુરુષોની ઉપદેશ-વાણી સત્ય છે.” 

શ્રીમા જગદંબાનો અવતાર હતાં તેથી તે જીવાત્માનું માયા-બંધન છેદીને તેને મુક્તિ પ્રદાન કરે છે. તેઓ ભાગ્યવાન છે કે જેઓએ શ્રીમા પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરી હતી. સદ્‌ભાગ્યે, શ્રીમાની પરમ કરુણા તેમની સમીપ ગયા હતા, તેમના પૂરતી જ સીમિત ન હતી : શ્રીમાના દિવ્ય જીવનવૃત્તાંત અને ઉપદેશામૃત દ્વારા શ્રીમાના સંપર્કમાં આવી રહેલ સંસારના અગણિત માનવો મારફત શ્રીમાની પરમ કરુણા અને નિર્વ્યાજ પ્રેમનો પ્રવાહ નિરંતર વહી રહ્યો છે.

Total Views: 559

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.