(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ પોતાની ચરણરજથી આશ્રમને ધન્ય કર્યો હતો અને આશ્રમના મંદિરમાં શ્રીરામકૃષ્ણ અને પોતાની છબીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ શ્રીમા જેટલી વાર જયરામવાટીથી કોલકાતા યાત્રા કરતાં એટલી વાર કોઆલપાડા આશ્રમમાં વિશ્રામ કરવા રોકાતાં. શિક્ષક કેદારબાબુ અને એમના કેટલાક વિદ્યાર્થીઓ સંન્યાસ ગ્રહણ કરીને કૃતાર્થ બન્યા હતા. એ વિદ્યાર્થીઓમાંના જ એક સ્વામી ઈશાનાનંદજી (વરદા) મહારાજ દ્વારા લિખિત અને ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘માતૃસાન્નિધ્યે’માંથી આ કોઆલપાડા આશ્રમની કેટલીક વાર્તાઓ ગ્રહણ કરી અહીં પ્રસ્તુત કરી છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં)

લેખકની દીક્ષા

૧૩૧૯ બંગાબ્દ (ઈ.સ. ૧૯૧૨), જન્માષ્ટમીના એક-બે દિવસ પહેલાં (માયેર વાડી, કોલકાતામાં) મેં શ્રીશ્રીમા સમક્ષ દીક્ષા લેવાની ઇચ્છા પ્રગટ કરી. એ સમયે મારી ઉંમર હતી માત્ર ૧૩ વર્ષ. ગોલાપ-મા આ વાત સાંભળી ગયાં.

તેમના સ્વાભાવિક ઉચ્ચ સ્વરે તેઓ કહેવા લાગ્યાં, “આટલુંક તો બાળક છે, બે દિવસ પછી મંત્ર ભૂલી જશે. પાછી અત્યારથી જ દીક્ષા લેવી છે! કેદારની આવી મૂર્ખામી! (કેદારબાબુ કોઆલપાડા આશ્રમના સ્થાપક અને લેખકના શિક્ષક હતા.) એ દિવસે આપણને રાત્રે દસ વાગ્યે સૂકાયેલ સંદેશ-મીઠાઈ એક થાળામાં ખાવા આપી હતી. મા તો તમારા દેશનાં (જયરામવાટી-કોઆલપાડા વિસ્તારનાં) જ છે. તેઓ જ્યારે ત્યાં આવે, ત્યારે સમજી-વિચારીને પછી પણ દીક્ષા આપી શકે.” આમ કહેતાં કહેતાં ગોલાપ-મા ચાલ્યાં ગયાં.

ત્યારે શ્રીશ્રીમાએ કહ્યું, “જુઓ તો, ગોલાપ શું કહે છે! બાલ્યાવસ્થામાં જે સારી રીતે શીખ્યું હોય તે શું ક્યારેય ભૂલાય? અત્યારથી જ જેટલું થઈ શકે એટલું ભલેને કરે. પછી તો હું છું જ.”

જે હોય તે, જન્માષ્ટમીના દિવસે શ્રીશ્રીઠાકુરની પૂજા સમાપ્ત કરીને શ્રીશ્રીમાએ મને દીક્ષા આપી. મને જેમ જેમ શીખવ્યું, તેમ તેમ જપ કરતો જોઈને માએ કહ્યું, “ઠીક, સાચું, આટલું વળી યાદ ન રહે? જરૂરથી રહે. પછી જેમ જેમ જરૂર પડશે, તેમ તેમ સમયાનુસાર બધું કહી દઈશ.”

મેં શ્રીમાનાં ચરણે પ્રણામી (દક્ષિણા) રાખી, પ્રણામ કરી ચરણરજ લીધી. માએ મારાં મસ્તક અને છાતી પર હાથ પસારતાં પસારતાં આશીર્વાદ આપી મારી ચિબુક ધરી ચુંબન કર્યું અને ઠાકુરની તરફ જોઈને કહ્યું, “આનો ઇહલોક-પરલોક બધું જોજો.”

ત્યાર બાદ આસન પરથી ઊભાં થઈ માએ કહ્યું, “મારી સાથે આવ.” હું એમની સાથે પાસેના ઓરડામાં ગયો. એમણે શીકામાંથી બે પ્રસાદી રસગુલ્લાં લઈ, એકને દાંતથી કાપીને થોડું ખાધું (આમ, પોતાનો પ્રસાદ બનાવી દીધો) અને બાકીનાં મારા હાથમાં આપી કહ્યું, “ખા.” હું એમની સામે ખાતાં શરમાઉં છું એ જોઈ કહ્યું, “લજ્જા શેની? દીક્ષા પછી પ્રસાદ ખાવો પડે.” આમ કહી એક ગ્લાસ પાણી આપ્યું. એ ગ્રહણ કરી, નીચે જઈ શરત મહારાજને પ્રણામ કર્યા. તેમણે ખૂબ ખુશ થઈ આશીર્વાદ આપ્યા.

આના એક-બે દિવસ પછી અમે કેદારબાબુનાં માને સાથે લઈ કોઆલપાડા રવાના થયાં. જવાના સમયે માએ કેદારબાબુને થોડા રૂપિયા આપીને કહ્યું, “જગદ્ધાત્રી પૂજા માટે થોડી ડાંગર ખરીદી, એને ખાંડીને છોતરા વગરના ચોખા બનાવીને તૈયાર રાખજો.” જયરામબાટીમાં પોતાના નાના ભાઈના શિશુ સંતાન માટે એક મચ્છરદાની, જવના બે ડબ્બા, અને થોડી સાકર વગેરે આપીને માએ મને કહ્યું, “તું કેદારનાં માની સાથે જયરામબાટી જઈ આ બધું વરદાને (શ્રીમાના નાના ભાઈ. એમનું નામ પણ વરદા હતું.) આપી આવજે.”

શ્રીમાનું ગ્રામમાં આગમન

1913ના ફાલ્ગુન માસમાં મા કોલકાતાથી ગ્રામે પધાર્યાં. કોઆલપાડા આશ્રમથી હું, રાજેનદા, અને ગગન ખૂબ વહેલી સવારે ત્રણ માઈલ દૂર ગગડા ગ્રામ સુધી માનું સ્વાગત કરવા ગયા. થોડી વાર રાહ જોયા પછી દૂરથી શ્રીશ્રીમાની બળદગાડી જોવા મળતાં જ રાજેનદા અને ગગન આશ્રમમાં ખબર આપવા માટે નીકળી ગયા. હું ગાડી સાથે સાથે જઈશ એમ કહી રોકાઈ ગયો.

માની ગાડી પાસે આવતાં જ મા મને જોઈને બોલી ઊઠ્યાં, “કોણ છે રે? વરદા છે?” મેં નજીક આવીને પ્રણામ કરતાં જ માએ બધાંના ક્ષેમકુશળ પૂછ્યા. ગાડી ચાલવા લાગી. હું પણ સાથે સાથે ચાલું છું. શ્રીશ્રીમા ગાડીમાંથી ડોકિયું કરીને પ્રશ્નો કરે છે, “આ કયું ગ્રામ છે? એ કોનું તળાવ છે? કોઆલપાડા હજુ કેટલું દૂર છે?” જયરામબાટી અને કોઆલપાડાનાં બધાંની બારીકાઈથી ખબર પૂછે છે.

કોતલપુર પાર થઈ ગયા પછી માએ કહ્યું, “ગાડીમાં બેસને, હજુ કેટલું ચાલીશ?” ગાડીમાં માની સાથે રાધુ પણ હતી. થોડી વાર બાદ ગાડી હાંકનારે ગાડીમાંથી ઊતરીને કહ્યું, “હું થોડું ચાલું છું. તમે અહીં સામે બેસો.”

હું યુવક. મેં ગાડીમાં ચઢીને બે બળદને થાપો મારી થોડી જોરથી હાંકતાં જ ગાડી પૂરવેગે ચાલવા લાગી. આ જોઈ મા ખૂબ હસવા લાગ્યાં અને કહ્યું, “તને તો સરસ ગાડી હાંકતાં આવડે છે. બધું કામ શીખી રાખવું સારું.”

યથાસમયે આશ્રમે આવી પહોંચ્યાં. છ-સાત બળદગાડીઓમાં બાકી બધાં પણ પધાર્યાં. માનું સંધિવાવાળું શરીર. બળદગાડીમાં લાંબો સમય બેસી રહેવાથી પગ જકડાઈ ગયા છે. કેદારબાબુનાં માએ શ્રીશ્રીમાનો હાથ પકડીને ગાડીમાંથી નીચે ઉતાર્યાં અને ધીરે ધીરે ઠાકુરઘરના વરંડામાં બેસાડ્યાં.

એક એક પછી બધાંએ પ્રણામ કર્યા. મારા પિતાએ પણ શ્રીશ્રીમાની ચરણરજ ગ્રહણ કરી. તેઓ ઘણા ઉંમરલાયક હતા. કેદારબાબુનાં માએ તેઓનો પરિચય કરાવતાં હળવેકથી કહ્યું, “આ વરદાના પિતાજી છે.” માએ પણ સન્માનપૂર્વક તેમની સામે જોઈ મસ્તક સ્પર્શ કરી આશીર્વાદ આપ્યા. પિતાએ કહ્યું, “હું પણ તમારો દીકરો છું. પરંતુ આજે મારા દીકરાના નામે તમને પરિચય આપવો પડ્યો. આશીર્વાદ આપો કે તમારો સત્સંગ અને શ્રીચરણ સેવાનો અધિકાર મારો દીકરો મેળવે. એટલાથી જ હું આનંદિત થઈશ. મારી અન્ય કોઈ વાસના નથી.” શ્રીશ્રીમાએ કહ્યું, “આહા! એમ જ તો, સેવા જ તો ખરી વાત છે.” જ્યારે આ બધી વાત ચાલતી હતી ત્યારે મારી મા પણ પાસે ઉપસ્થિત હતી.

શ્રીશ્રીમાએ થોડી વાર બાદ સ્નાન કર્યું. કેદારબાબુનાં મા કાને ઓછું સાંભળતાં. શ્રીશ્રીમાએ મને કહ્યું, “બેટા વરદા, હવે કેદારનાં માની સાથે ઘાંટો પાડીને વાત કરતાં થાકી જાઉં છું. તું વસ્ત્ર બદલી પૂજાની તૈયારી કરી દે.”

હું ઉતાવળ કરવા ગયો એમાં અજાણતાં જ માનો ભીનો ગમછો પહેરી, છાબડી લઈ ફૂલ ચૂંટવા ગયો. કેદારબાબુનાં મા અત્યંત અસ્થિર થઈ બોલ્યાં, “અરે, માનો ગમછો પહેર્યો છે રે, કાઢ, કાઢ.” ત્યારે માએ કહ્યું, “તો શું થયું? એ તો બાળક છે. મારો ગમછો પહેર્યો છે તો શું થયું? તું જા, ફૂલ ચૂંટી લાવ.”

પિતાજીએ અલબત્ત પોતાની દુકાનમાંથી એક નવો ગમછો લાવી, માને આપવા માટે કેદારબાબુનાં માના હાથમાં આપ્યો. ફૂલ ચૂંટી લાવી પૂજાની તૈયારી માટે કેદારબાબુનાં માને આપીને હું ચંદન ઘસવા લાગ્યો. કિશોરી મહારાજ ભોજન રાંધતાં રાંધતાં વચ્ચે વચ્ચે આવીને પોતે શું શું રાંધે છે, તે માને જણાવતા હતા.

શ્રીશ્રીઠાકુરની કૃપા

કેદારબાબુ માની પાસે આવીને બેઠા. વાતવાતમાં તેમણે કહ્યું, “મા, તમારાં બધાં જ સંતાનો વિદ્વાન છે. અમે જ કેટલાંક તમારાં એકદમ મૂર્ખ સંતાનો છીએ. શરત્‌ મહારાજ ઠાકુરનું પુસ્તક (શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ) લખીને તેમનો ઉપદેશ અને ભાવ-પ્રચાર કરે છે. બાકી બધા દીકરાઓ વક્તૃતા આપે છે, કેટલું કામ કરે છે!”

માએ કહ્યું, “એ શું વળી? ઠાકુરને લખતાં-વાંચતાં એટલું ક્યાં આવડતું હતું. ઈશ્વર પર અનુરાગ હોય એ જ ખરું. તમારા મારફતે આ દેશનું ઘણું કામ થશે. આ બધા છોકરાઓ મારું કેટલું બધું કામ કરે છે! ઠાકુર આ વખતે આવ્યા હતા ધની-નિર્ધન, પંડિત-મૂર્ખ—બધાંનો ઉદ્ધાર કરવા માટે. મલયની હવા ઘણી વહી રહી છે. આ વખતે વાંસ અને ઘાસ સિવાય જેનામાં થોડો સાર છે એ બધાં ચંદન થશે. (કહેવાય છે કે મલય પર્વતની હવા જે વૃક્ષને સ્પર્શે એ વૃક્ષ ચંદન થઈ જાય.) જે થોડો સઢ ખોલી દેશે, શરણાગત થશે એ ધન્ય થઈ જશે. (ઠાકુર કહેતા કે ઈશ્વરનો કૃપા-પવન હંમેશાં વહી રહ્યો છે, જે પોતાની નૌકાનું સઢ ખોલી દેશે તે ભવસાગર પાર થઈ જશે.) તમારે ચિંતા શેની છે? તમે તો મારા પોતાના છો. પણ વિદ્વાન સાધુ કેવો હોય ખબર છે, જાણે કે હાથીના દાંત સોનાથી મઢેલા.” આમ કહી, શ્રીશ્રીમા ઠાકુરની પૂજા કરવા માટે ઊભાં થયાં.

એ દિવસે સંધ્યા પૂર્વે રાધુને લઈને મા પાલખીમાં બેસીને જયરામબાટી જવા માટે રવાના થયાં. રાસબિહારી મહારાજ, ગણેન મહારાજ અને અમે સામાનપત્ર બળદગાડીમાં રાખી સંધ્યા સમયે જયરામબાટી પહોંચ્યાં.

Total Views: 590

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.