(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ પોતાની ચરણરજથી આશ્રમને ધન્ય કર્યો હતો અને આશ્રમના મંદિરમાં શ્રીરામકૃષ્ણ અને પોતાની છબીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ શ્રીમા જેટલી વાર જયરામવાટીથી કોલકાતા યાત્રા કરતાં એટલી વાર કોઆલપાડા આશ્રમમાં વિશ્રામ કરવા રોકાતાં. શિક્ષક કેદારબાબુ અને એમના કેટલાક વિદ્યાર્થીઓ સંન્યાસ ગ્રહણ કરીને કૃતાર્થ બન્યા હતા.

એ વિદ્યાર્થીઓમાંના જ એક સ્વામી ઈશાનાનંદજી (વરદા) મહારાજ દ્વારા લિખિત તથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘માતૃસાન્નિધ્યે’માંથી આ કોઆલપાડા આશ્રમની કેટલીક વાર્તાઓ અહીં પ્રસ્તુત કરી છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં)

પુરનો પ્રકોપ

ઈ.સ. ૧૯૧૩ના ચોમાસાની શરૂઆતમાં જયરામવાટીમાં મલેરિયા અને મરડાનો પ્રકોપ ફેલાયો હતો. શ્રાવણ માસમાં શ્રીશ્રીમાને પણ રક્ત-મરડો થયો હતો. રાસબિહારી મહારાજ જ્યારથી માની સાથે આવ્યા હતા ત્યારથી જયરામવાટી હતા. થોડા દિવસો પહેલાં ધોધમાર વરસાદ પડવાથી દામોદર નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. જયરામવાટીની પોસ્ટ-ઓફિસ હતી હુગલી જિલ્લાના આનૂડ ગ્રામમાં. સપ્તાહમાં માત્ર બે જ દિવસ પત્ર-વિતરણ થતું. નાની નદી આમોદર છલોછલ ભરાઈ જવાથી એ બે દિવસનું પત્ર-વિતરણ પણ બંધ થઈ ગયું. પત્ર-વ્યવહારની ઘણી અસુવિધા ઊભી થઈ. કોલકાતામાં શરત્‌ મહારાજને જયરામવાટીથી કોઈ પત્ર ન મળવાથી, તેઓએ ખબર મેળવવા માટે ગણેન મહારાજને જયરામવાટી મોકલ્યા.

પૂર આવવાને કારણે મિશન દ્વારા વર્ધમાન, ઘાટાલ વગેરે સ્થળોએ રાહત-કેન્દ્રો ખોલવામાં આવ્યાં હતાં. પૂરને કારણે જયરામવાટી વિસ્તારની કેવી પરિસ્થિતિ થઈ છે એના સમાચાર લેવા માટે પણ શરત્‌ મહારાજે ગણેન મહારાજને મોકલ્યા હતા. તેઓએ આવતાં જ જોયું કે શ્રીશ્રીમાને લોહીનો મરડો થયો છે. તેમણે આ બધા ખબર આપતો એક પત્ર શરત્‌ મહારાજને લખ્યો અને કોઈના મારફતે કોતુલપુરની પોસ્ટ-ઓફિસમાં મોકલાવ્યો.

ડૉ. કાંજીલાલ અને સુધીરાદેવી

માની બીમારીના સમાચાર મેળવીને શરત્‌ મહારાજે ડૉ. કાંજીલાલ અને નિવેદિતા સ્કૂલનાં અધ્યક્ષા સુધીરાદેવીને માની સેવા માટે મોકલી દીધાં. તેઓ વિષ્ણુપુરથી બે બળદગાડીમાં રવાના થઈ સવારના સમયે કોઆલપાડા આશ્રમે આવી પહોંચ્યાં. ડૉ. કાંજીલાલ એ જ પાલખીમાં બેસીને તુરત જ જયરામવાટી જવા રવાના થયા. ખૂબ જ શોધખોળ કરવા છતાં માત્ર એક જ પાલખી મળી હતી. તેથી ડૉ. કાંજીલાલે સુધીરાદેવીને કહ્યું, “રોગીને નર્સ કરતાં ડૉક્ટરની જરૂર વધારે હોય છે માટે હું જાઉં છું.”

જમી-પરવારીને સુધીરાદેવીને સાથે લઈ હું પગપાળા જયરામવાટી રવાના થયો. સુધીરાદેવી થોડાં સ્થૂળકાય હતાં, કોલકાતાના રહેવાસી હતાં, અને છ-સાત કિલોમીટર ચાલવાનો અભ્યાસ બિલકુલ હતો નહિ. ખેતરાઉ કેડી, અતિવૃષ્ટિથી રસ્તા-ઘાટ ખૂબ કાદવ-કીચડવાળાં થઈ ગયાં હતાં. આમોદર નદી પહોંચતાં પહોંચતાં તો સુધીરાદેવી ખૂબ જ થાકી ગયાં. તેમને લઈને અતિ કષ્ટે સંધ્યા સમયે જયરામવાટીમાં માની પાસે પહોંચ્યો. શ્રીશ્રીમા સુધીરાદેવીની આ અવસ્થા જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગયાં અને ઘણો આદરસત્કાર કરવા લાગ્યાં. બે-એક દિવસ પછી યોગેન-માનાં બહેન કાલીદાસી અને પૂજનીય માસ્ટર મહાશયનાં પત્ની માની સેવા માટે આવી પધાર્યાં.

શ્રીશ્રીમાનો મરડાનો રોગ ડૉ. કાંજીલાલની હોમિયોપેથિક દવાનું સેવન કરીને થોડા જ દિવસોમાં મટી ગયો, પરંતુ માની સેવા માટે કોલકાતાથી પ્રતિષ્ઠિત પરિવારના આટલા બધા લોકો એકત્ર થઈ જવાથી મા માટે એક બીજી મુશ્કેલી ઊભી થઈ—આ બધા માની સેવા કરવા માટે આવ્યા હતા, પરંતુ આ વર્ષાકાળે એમના રહેવા-જમવાની વ્યવસ્થા કરવી મા માટે કઠિન બની ગયું. તેથી શ્રીશ્રીમાએ મને વિશેષરૂપે કહ્યું કે અમારે દૂર દૂરનાં બજારમાંથી શાકભાજી ખરીદવી અને બધાં કાર્યોમાં મદદ કરવી.

શ્રીશ્રીમા થોડાં સ્વસ્થ થતાં ડૉ. કાંજીલાલ કોલકાતા ચાલ્યા ગયા. એના બે-ચાર દિવસ પછી રાંચીથી આવેલા ભક્તોની સાથે સુધીરાદેવી પણ કોલકાતા ચાલ્યાં ગયાં. કાદવ-કીચડવાળા રસ્તા પર રોજ જયરામવાટી આવ-જા કરીને અમે બધા મલેરિયાનો ભોગ બન્યા.

કેટલાક દિવસ અમારા કોઈ સમાચાર ન મળવાથી શ્રીશ્રીમાએ નીબૂ નામની એક કામવાળીને મોકલી. તેની પાસેથી અમારાં બધાંના રોગચાળાની વાત સાંભળીને માએ બીજે જ દિવસે રાધુની પાસે એક પત્ર લખાવીને નીબૂ મારફતે કોઆલપાડા મોકલાવ્યો. પત્રમાં માએ લખ્યું હતું, “શ્રીમાન કેદાર, તમારા આશ્રમમાં મેં શ્રીઠાકુરને પ્રસ્થાપિત કર્યા છે. તેઓ બાફેલો ભાત અને શાકભાજી ખાતા, માટે હું કહું છું કે, ઠાકુરને રોજ નહિ, તો શનિ-મંગળવારે શાકભાજીનો ભોગ ધરાવજો. ત્રણથી ઓછાં શાક કરશો નહિ. અત્યારે જેટલી કઠોરતા કરો છો એનાથી ગ્રામીણ મલેરિયાની સામે કેવી રીતે લડી શકશો?” કોઆલપાડામાં એ સમયે એક શાક અને સૂકાવેલા ચોખાનો ભાત બનતો. (તડકામાં સૂકાવેલ આ ભાત બાફેલા ચોખા કરતાં સસ્તા મળે છે, પણ તેમાં બાફેલા ચોખા કરતાં પોષકતત્ત્વો પણ ઓછાં હોય છે.)

રાસબિહારી મહારાજની બીમારી

તાવમાંથી સાજા થઈ ગયા બાદ એક દિવસ માને માટે બિલ્વફળનો મુરબ્બો લઈ ભોર વેળા જયરામવાટી ચાલ્યા. જઈને જોયું તો રાસબિહારી મહારાજને તાવ આવે છે અને મરડો થયો છે. મને જોઈને જ મા બોલી ઊઠ્યાં, “તમે (કોઆલપાડાના યુવકો) બધા એક સાથે બીમાર પડી ગયા, અત્યારે આ રાસબિહારીને મરડો થયો છે, શૌચ-ટૌચ કંઈ થતું નથી. આ બધી સંભાળ કોણ રાખશે, કહે તો? કાલે સજની ડૉ. જોઈ ગયો હતો. દીનુ (મોટા મામાનો નોકર)ની પાસે ઔષધ મગાવ્યું છે. તું એક વાર જિબટે ગ્રામ જઈ સજનીને રાસબિહારીની આજની અવસ્થા સમજાવી ઔષધ લઈ આવ. અને કાલી (માના ભાઈ, કાલીમામા)ના બેઠકખાનાની દક્ષિણ દિશામાં એક ખાડો ખોદીને પાયખાનું બનાવી દેજે.”

મેં એ બધું કામ સમાપ્ત કરી કોઆલપાડા પાછા ફરવાની તૈયારી કરી. શ્રીશ્રીમાએ કહ્યું, “કેદારને બધા સમાચાર આપજે અને જો તમારામાંથી કોઈ થોડા દિવસ અહીં આવીને રહી શકે તો બહુ સારું થાય.”

હું બપોર વેળાએ કોઆલપાડા પહોંચ્યો.

રાધુનું સ્વરૂપ વર્ણન

કેદારબાબુ આ વર્ણન સાંભળીને જમી-પરવારીને ઢળતી બપોરે હોમિયોપથી ઔષધનું એક બોક્ષ લઈ મારી સાથે જયરામવાટી જવા રવાના થયા. અમે આવીને જોયું તો રાસબિહારી મહારાજ થોડા સાજા થયા છે. અમને જોઈને મા ઘણાં નિશ્ચિંત થઈ ગયાં. સંધ્યા સમયે તેઓ લોટ બાંધવા બેઠાં હતાં, મેં માની પાસેથી લોટ લઈને બાંધવાનું શરૂ કરી દીધું. કેદારબાબુ માને પ્રણામ કરીને પાસે બેઠા. રાધુ પણ પાસે બેઠી છે. માએ કેદારબાબુને કહ્યું, “રાધુનું પેટ પણ ખરાબ છે, તું જોઈ-સમજીને થોડું ઔષધ આપી દે. આટલી મોટી છોકરી થઈ, કશી અક્કલ આવી નથી. ઠાકુરે એના દ્વારા મને વળી કેવા બંધનમાં બાંધી છે!”

કોલકાતાથી જયરામવાટી આવ્યાં પછી પણ માના મનની ઉદાસીનતા દૂર થતી ન હતી. એ સમયની વાતનો ઉલ્લેખ કરીને માએ કહ્યું, “એ જગ્યાએ (આંગળી ચિંધીને બતાવી) હું બેઠી રહેતી. ત્યારે લગભગ રોજ જોતી કે લાલ વસ્ત્ર પરિહીત નાની બાળકીનું રૂપ ધરી મારી સામે ફરે છે.”

કેદારબાબુ થોડા અન્યમનસ્ક થયા હતા. એ જોઈ માએ કહ્યું, “ઓ કેદાર, સાંભળે છે? એ બાળકી હતી યોગમાયા.”

કેદારબાબુએ કહ્યું, “ના મા, હું બધું સાંભળી શક્યો નહિ, ફરીથી કહો તો.”

શ્રીશ્રીમા ત્યારે કહેવા લાગ્યાં, “ઠાકુરનું શરીર ગયા પછી જ્યારે સંસારમાં કશું સારું લાગતું ન હતું, મન ‘હુ હુ’ કરતું, ત્યારે તેમની પાસે હંમેશાં પ્રાર્થના કરતી—હવે મારા આ સંસારમાં રહેવાથી શું થશે? — એ સમયે એકાએક જોયું તો, લાલ વસ્ત્ર પરિહીતા દસ-બાર વરસની એક બાળકી સામે આંટા મારી રહી છે. સાથેસાથે જ મનમાં થયું કે ઠાકુર એ બાળકીને સામે રાખીને કહે છે—આને આશ્રય કરીને રહે; તારી પાસે હવે કેટલાંય સંતાનો આવશે.”

તત્ક્ષણે ઠાકુર અંતર્ધાન થઈ થયા. એ બાળકી પણ ફરી જોવા મળી નહિ. ત્યાર બાદ થોડા સમય પછી અહીં, જયરામવાટીમાં જ, પશ્ચિમ દિશા તરફ મુખ કરી બેઠી હતી. એ સમયે નાની વહુ (માના ભાઈની પત્ની) સાવ પાગલ થઈ ગઈ હતી. જોયું તો, એ કેટલાંક ફાટેલાં કપડાંના છેડા બગલમાં દબાવી ખેંચતી ખેંચતી એ દિશામાં જાય છે, અને રાધુ ઘૂંટણભર રોતી રોતી એની પાછળ જાય છે. એ જોઈ મારા હૃદયમાં કોણ જાણે કેવો ભાવ ઊઠ્યો. દોડતી જઈ રાધુને મારા હાથમાં ઉઠાવી લીધી. મને થયું, આહા! જોઓ તો, આને હું નહિ જોઉં, તો બીજું કોણ જોશે? બાપ નહિ, (માના નાના ભાઈ મૃત્યુ પામ્યા હતા) મા આવી પાગલ.

આમ વિચારી જેવી રાધુને ઊંચકી એવા જ ઠાકુરને સામે જોયા. તેઓએ કહ્યું, ‘આ જ એ બાળકી, એને આશ્રય કરીને રહો. આ છે યોગમાયા.’ શું ખબર ભાઈ, પહેલાં પહેલાં રાધુ ઘણી સારી હતી. આજકાલ વિવિધ રોગ, ઉપરથી લગ્ન પણ થયાં છે. હવે ભય લાગે છે કે પાગલીની દીકરી છેવટે પાગલ ન થઈ જાય! છેવટે શું એક પાગલીનું લાલન-પાલન કર્યું!”

થોડાક દિવસોમાં જ બધાં સાજા થઈ જતાં, બધાંને સાથે લઈને શ્રીશ્રીમા અશ્વિન (આસો) માસમાં કોઆલપાડાના રસ્તે કોલકાતા જવા રવાના થયાં.

Total Views: 442

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.