(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ પોતાની ચરણરજથી આશ્રમને ધન્ય કર્યો હતો અને આશ્રમના મંદિરમાં શ્રીરામકૃષ્ણ અને પોતાની છબીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ શ્રીમા જેટલી વાર જયરામવાટીથી કોલકાતા યાત્રા કરતાં એટલી વાર કોઆલપાડા આશ્રમમાં વિશ્રામ કરવા રોકાતાં. શિક્ષક કેદારબાબુ અને એમના કેટલાક વિદ્યાર્થીઓ સંન્યાસ ગ્રહણ કરીને કૃતાર્થ બન્યા હતા.

એ વિદ્યાર્થીઓમાંના જ એક સ્વામી ઈશાનાનંદજી (વરદા) મહારાજ દ્વારા લિખિત તથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘માતૃસાન્નિધ્યે’માંથી આ કોઆલપાડા આશ્રમની કેટલીક વાર્તાઓ અહીં પ્રસ્તુત કરી છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં)

‘જગદંબા આશ્રમ’નું નિર્માણ

ઈ.સ. ૧૯૧૫ની સાલમાં શ્રીશ્રીમાએ કોલકાતાથી રાધુના હાથે કોઆલપાડામાં કેદારબાબુને ઉદ્દેશી એક પત્ર લખાવ્યો:

“બેટા કેદાર, તમે જો કોઆલપાડામાં મારા માટે એક મકાન કરી શકો, તો હું જ્યારે જયરામબાટી આવું ત્યારે વચમાં વચમાં તમારે ત્યાં રોકાઈ શકું. જયરામબાટીમાં ભાઈઓના સંસારમાં દિનપ્રતિદિન કજિયા વધતા જાય છે. હવે તેમની ઝંઝટ બધો સમય સહન કરી શકતી નથી. થોડી બીમાર થાઉં ત્યારે હવાફેર કરવાનો પણ ઉપાય નથી.”

આ પત્ર મેળવી અમે પોતે પરમ ઉત્સાહથી તેમના માટે કેદારબાબુના જૂના ઘર-આંગણમાં અલગ અલગ ત્રણ મોટા ઓરડા, એક કુટિયા અને એક પાકા શૌચાલયનું નિર્માણ કરવાનો આરંભ કરી દીધો.

પ્રથમ તો, આશ્રમની આર્થિક સ્થિતિ બિલકુલ સારી હતી નહીં. દ્વિતીય, કોઈની પણ પાસેથી કોઈ પણ પ્રકારનું દાન ગ્રહણ કરવાનો નિયમ હતો નહિ; એમાં પણ ગામના જમીનદાર સાથે થોડો મતભેદ ઊભો થયો હોવાથી મજૂર-કારીગરો પણ અમારે ત્યાં આવીને કામ કરવાનું સાહસ નહોતા કરી શકતા. માત્ર વચ્ચે વચ્ચે એકાદ બે મજૂરોની સહાયતા મળતી. પરિણામે આશ્રમના સાધુઓએ જ જાત-મહેનત અને પરિશ્રમ કરીને નિર્માણ-ઉપયોગી સામગ્રી એકત્ર કરીને રહેઠાણ તૈયાર કર્યું.

૧૯૧૫ની સાલના વૈશાખ મહિનાના પ્રારંભમાં શ્રીશ્રીમાએ કોલકતાથી જયરામબાટી જવાના રસ્તામાં કોઆલપાડા પધારી નવનિર્મિત રહેઠાણમાં નિવાસ કર્યો હતો. ત્યાં બધી વ્યવસ્થા જોઈને તેઓ ખૂબ આનંદિત થયાં. અમે પણ ધન્ય બન્યા. આ રહેઠાણ ‘જગદંબા આશ્રમ’ નામે પરિચિત થયું હતું. ત્યાં સ્ત્રી-ભક્તો નિવાસ કરતાં. જયરામબાટીની યાત્રા કરતાં તેઓ કોઆલપાડા આવીને જગદંબા આશ્રમમાં નિવાસ કરતાં. એ સમયથી શ્રીશ્રીમા પણ કોલકતાથી જયરામબાટી આવ-જા કરવાના સમયે દરેક વખતે જગદંબા આશ્રમમાં પધારી એક-બે દિવસ વિશ્રામ કરીને જતાં. ત્રણ વાર તો શ્રીશ્રીમાએ જગદંબા આશ્રમમાં દીર્ઘકાળ સુધી નિવાસ કર્યો હતો.

જગદંબા આશ્રમમાં પ્રથમ વાર પધારીને શ્રીશ્રીમા કહેવા લાગ્યાં, “આ વખતે વધારે રોકાવાશે નહીં, સાથે ઘણા લોકો છે. આ બધાને જયરામબાટી લઈ જઈ, ત્યાં રાખીને પછીથી રાધુની સાથે એકલી આવીશ અને થોડા દિવસો રહીશ.” આમ કહી એ વખતે માત્ર એક રાતરોકાણ કરી બીજા દિવસે સવારે બધાને લઈને શ્રીશ્રીમા જયરામબાટી રવાના થયાં. માએ રાધુના પતિ મન્મથને એક હાર્મોનિયમ ઉપહાર રૂપે આપ્યું હતું. માની ઇચ્છાનુસાર સંધ્યા બાદ અમે બધાએ ભેગા થઈને આ હાર્મોનિયમ વગાડી શ્રીશ્રીમાને ભજન સંભળાવ્યાં હતાં.

માતૃભક્તિની પરાકાષ્ઠા

ત્યાર બાદ અમારા બધાના વિશેષ આગ્રહને પરિણામે શ્રાવણ મહિનામાં શ્રીશ્રીમાનો કોઆલપાડા આવવાનો એક દિવસ નક્કી થયો. અમે સમસ્ત આયોજન કરી શ્રીશ્રીમાને જયરામબાટીથી લઈ આવવા માટે પાલખી તૈયાર કરીને બેઠા હતા. પરંતુ એ દિવસે સવારથી જ મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો. ખબર આવ્યા કે નદીમાં પાણીની ભરતી આવી ગઈ છે. આ પરિસ્થિતિમાં શ્રીશ્રીમાને કેવી રીતે લઈ આવવા એ સંબંધે અમે વિભિન્ન ઉપાયો વિચારી રહ્યા હતા. છેવટે કેદારબાબુએ મને અને રાજેનદાને કહ્યું, “તમે માના આદેશ અનુસાર પાલખી લઈને જયરામબાટી જવા રવાના થાઓ, ત્યાર બાદ મા જેમ કહે તેમ કરો.”

અમે બે પાલખીઓ અને ફાનસ લઈને બપોરના સમયે જયરામબાટી જવા રવાના થયા. નદીકિનારે આવીને જોયું તો ભરપૂર પાણી! આ કિનારે હોડી ન મળવાથી રાજેનદા નદી તરીને સામે પાર ગયા અને હોડી લઈને પાછા આવ્યા. અમે વારાફરતી બેઉ પાલખીને હોડીમાં રાખીને નદી પાર કરી. છેવટે અમે સાંજે ચાર વાગ્યાની આસપાસ જયરામબાટી પહોંચ્યા.

અમને જોઈને કાલી મામા ક્રોધિત થઈને કહેવા લાગ્યા, “તમે બધા જેટલા પણ વાંદરાઓ છો, બધા દીદીના ભક્ત થયા છો. કેદારની જડબુદ્ધિ ખરીને! યોગેન મહારાજ કેટલી શ્રદ્ધા-ભક્તિપૂર્વક દીદીની સેવા કરતા! શરત્‌ મહારાજની કેટલી સાવધાની, બધું કામ કેટલી સાવધાનીપૂર્વક કરતા! એમની કેવી ભક્તિ હતી! અને તમે આ તોફાની વરસાદમાં શું વિચારીને દીદીને લેવા આવ્યા?” આ બાજુ, શ્રીશ્રીમા અમારી તરફ જોઈને મૃદુ હાસ્ય કરી રહ્યાં હતાં.

રાજેનદાએ કહ્યું, “મામા, શું અમારી કોઈ વિસાત છે કે માને લઈ જઈએ કે તેમની સેવા કરીએ? એમની સાથે થયેલ પરામર્શ અને એમનો જે આદેશ હતો એ અનુસાર આજે પાલખી લઈને આવવાનું નક્કી હતું, માટે જ અમે પાલખી લઈને આવ્યા છીએ.”

ત્યારે માએ હસતાં હસતાં કહ્યું, “તમે વચનપાલન કરી શકો, તો શું હું ન કરી શકું? જ્યારે તમે પાલખી લઈને, કષ્ટ વેઠીને આટલે દૂર સુધી આવ્યા જ છો, ત્યારે હું એકલી જ તમારી સાથે પાલખીમાં આવીશ. અત્યારે મને લઈને ચાલો. રાધુ અને બીજાં બધાં પછીથી આવશે.”

શ્રીશ્રીમાની આ વાત સાંભળીને અમે હાર માની લીધી અને કહ્યું, “ના, મા, શું આમ થાય? આ તોફાની વરસાદમાં કોઈ ઘરની બહાર નીકળી શકતું નથી. અમે તમને પલળતાં પલળતાં લઈ જઈને શું બીમાર પાડીશું?”

આ સાંભળીને કાલી મામા અને મા ખૂબ હસવા લાગ્યાં. અમે પણ પાલખી લઈને તોફાન અને અંધકારમાં રાત્રે આઠ વાગ્યે કોઆલપાડા આશ્રમે પાછા ફર્યા.

જગદંબા આશ્રમમાં પ્રથમ નિવાસ

આ ઘટનાના કેટલાક દિવસો બાદ ભાદ્ર મહિનામાં શ્રીશ્રીમાએ માકુ, રાધુ, નલિનીદી, નાની મામી વગેરેને લઈ જગદંબા આશ્રમમાં શુભાગમન કર્યું. આ આશ્રમમાં માનો આ પ્રથમ દીર્ઘ નિવાસ. સ્વાભાવિક રૂપે અમે આનંદમાં એટલા તરબોળ થઈ ગયા હતા કે એ શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે. ભાદ્ર મહિનામાં આવ્યાં હતાં માટે મા માત્ર પંદર દિવસ રહીને ફરીથી બધાંને લઈને એ મહિનામાં જયરામબાટી પાછાં ફર્યાં.

આનંદના અવિરત પ્રવાહમાં આ પંદર દિવસ ક્યાં ચાલ્યા ગયા, કશી ખબર રહી નહીં. અમે લોકો ખૂબ વહેલી સવારે ઊઠીને માના ઘરની ચારેબાજુ કચરો વાળીને, સાફ-સફાઈ કરીને માને પ્રણામ કરતા, માનાં કામ માટે ચારેબાજુ દોડાદોડી કરી ફળ-ફૂલ, અનાજપત્ર વગેરે સંગ્રહ કરી લાવતા. જે બધા ભક્તો માનાં દર્શન કરવા માટે આવતા, એમની સેવા અને આદરસત્કાર વગેરે વિવિધ કાર્યોમાં દિવસ ક્યાંય પસાર થઈ જતો! સંધ્યા સમયે પાછા બધા માને પ્રણામ કરવા જતા. ક્યારેક ક્યારેક બહાર બેસીને બે-એક ભજન-ગાન ગાઈને સંભળાવતા. ગામનાં સ્ત્રી-પુરુષ ભક્તો બપોરે અને સાંજે શ્રીમાનાં દર્શન કરવા માટે આવતાં, કોઈ કોઈ વળી શ્રીમાની સેવા માટે ફળ-મીઠાઈ વગેરે લઈ આવતાં. પરંતુ એક દિવસ સાંભળ્યું કે એક વ્યક્તિએ લાવેલ દહીં અને મીઠાઈ માએ ગ્રહણ કર્યાં નહીં તથા બીજાને પણ ખાવા દીધાં નહીં. હું એ વખતે આનું કારણ સમજી શક્યો ન હતો. જયરામબાટી પાછા ફરવાના સમયે મા અમને બધાને જગદ્ધાત્રી-પૂજામાં સહભાગી થવા માટે વિશેષ આમંત્રણ આપીને ગયાં હતાં. માનો કેટલો સ્નેહ, કેટલા આશીર્વાદ! અમારા બધાનાં હૃદય ભરાઈ ગયાં.

ભજન-આનંદની લહેરી

એ વર્ષે કોઆલપાડાથી જયરામબાટીમાં જગદ્ધાત્રી-પૂજાના ભંડારી (પૂજા-સામગ્રીની વ્યવસ્થા કરનાર)ના રૂપમાં જેનું જવાનું નક્કી થયું હતું, તે એકાએક બીમારી પડી ગયો હતો. તેથી હું જ એ કાર્યની જવાબદારી લઈને પૂજાના આગલે દિવસે જયરામબાટી ઉપસ્થિત થયો. પ્રણામ કર્યા બાદ માને આખી વાત જણાવી. માએ મને ખૂબ ઉત્સાહ આપતાં કહ્યું, “ભલે સારું, તો તું કરી શકીશ. આજે બધું જોઈ-સમજીને રાખ. કાલે ખૂબ વહેલી સવારે સ્નાન કરીને ભંડારગૃહમાં આવજે. થોડી સાવધાનીપૂર્વક કામ કરજે, એટલું પૂરતું છે.” એ વિસ્તારમાં સમાજની રૂઢિચુસ્તતા ઘણી વધારે હતી, એટલા માટે જ માએ આમ કહ્યું હતું.

જગદ્ધાત્રી-પૂજાના દિવસે સવારથી જ મા પણ ભંડારગૃહમાં વચ્ચે વચ્ચે આવીને, એક પેટી ઉપર બેસીને મને નિર્દેશ આપતાં. કાલી મામાના ઘરની પૂર્વ દિશાના દરવાજાની પાસે આવેલ ઓરડો એ વખતે ભંડારગૃહ બન્યો હતો. પ્રથમ પૂજા સમાપ્ત થઈ ગયા બાદ પુષ્પાંજલિ આપવા માટે મા સ્નાન કરીને મામીઓને સાથે લઈને મંડપમાં પધાર્યાં. ત્રણ વખત દેવીનાં ચરણે પુષ્પાંજલિ આપી, ગળે ચૂંદડી વીંટાળી, હાથ જોડી, મા એક બાજુ થોડીક ક્ષણ નિરવે બેઠાં રહ્યાં. ત્રણ દિવસની પૂજા નિર્વિઘ્ને સમાપ્ત થઈ. મધ્યાહ્ને ગામનાં ઘણાં સ્ત્રી-પુરુષોએ પંગતમાં અન્નપ્રસાદ મેળવ્યો. દૂર-દૂરાંતરથી ઘણા સાધુ, બ્રહ્મચારી, અને ભક્તો દર્શન માટે પધાર્યા હતા.

આખો દિવસ થોડો થોડો વરસાદ પડ્યો હતો. ઠંડી લાગી જવાથી એ રાત્રે મને થોડો તાવ આવ્યો. બીજે દિવસે સવારથી જ હું ભંડારગૃહના એક ખૂણામાં સૂતો રહ્યો. એ દિવસે ભંડારનું બધું કામ માએ જ આટોપી લીધું. મા ત્રણ દિવસ સુધી જગદ્ધાત્રીની પ્રતિમા રાખી પૂજા કરતાં. (સામાન્ય રીતે જગદ્ધાત્રીપૂજા માત્ર એક જ દિવસ થાય). સાંજે દેવીનાં થોડાં પ્રસાદીફળ અને સાબુદાણા લાવીને માએ મને ખાવા આપ્યાં. અમે લોકો તો મલેરિયાના તાવથી ટેવાઈ ગયા હતા, તેથી આખો દિવસ ઉપવાસ કરવાના પરિણામે તાવ ઊતરી ગયો. એ દિવસે સંધ્યા આરતી પછી સાધુઓ અને ભક્તોએ મળીને મોટા મામાના બેઠકગૃહમાં બેસીને ભજન-ગાન આરંભ કર્યું:

માને જોવાં છે, એવી ચિંતા કોઈ કરો ના હવે,
એ જે તારાં અને મારાં મા માત્ર નથી,
જગતના બધાનાં છે મા.
અસ્પૃશ્ય ચંડાળથી માંડી બ્રાહ્મણાદિ બધી જાતો,
એક વાર મા બોલીને જે પોકારે
ક્યારેય થાયે ના નિષ્ફળ તે.
ભજનના આ અંશનું વારંવાર ગાન થવા લાગ્યું:
દીકરાના મોંએ ‘મા’, ‘મા’ વાણી,
સાંભળશે કહીને ભવરાણી
સંતાઈ રહીને સાંભળે છે પાછી,
જોશે તો પોકારશે નહીં ફરીથી.
મા જો નિષ્ઠુર હોત
તો શું પ્રસવ કરત
પૃથિવી સુકાઈ જાત
અન્ન વિના હાહાકાર
અંગે અવિરત ધારે
સ્વેદબિંદુ ઝરે
વાયુરૂપે કે તમને
શીતળ કરે છે અવિરામ.

આ ગાન બધા મળીને વારંવાર એકી-અવાજે ગાવા લાગ્યા. ગાન ખૂબ જામી ગયું હતું. ભક્તો એક સ્વરે તાળીઓના તાલે આનંદેવિભોર થઈ વારંવાર ગાતા હતા. મા સ્ત્રીઓની સાથે બાજુના ઘરમાં બેસીને એકધ્યાને સ્થિર થઈને ભજન સાંભળતાં હતાં.

ભક્તની જાત નથી

રાત્રે માએ મને કહ્યું: “આહા! ગાન સરસ જામી ગયું હતું. એટલે જ તો, ભક્તની શું વળી કોઈ જાત હોય? બધા જ દીકરાઓ તો એક. મારી તો ઇચ્છા થાય છે કે બધાને એક સાથે બેસાડીને એક પાત્રમાં ખવડાવું. પણ પાછા આ નકામા ગામડામાં જાતને લઈને ઊહાપોહ ઘણો. ભલે, મમરામાં તો કાંઈ દોષ નહીં. કાલે એક કામ કર, વહેલી સવારે કામારપુકુર જઈ સત્ય કંદોઈની દુકાનથી બે શેર મોટી મોટી જલેબી લઈ આવ.”

બીજે દિવસે પરોઢિયે કામારપુકુરથી જલેબી લાવી હું નવ વાગ્યા સુધીમાં પાછો ફર્યો. માએ ઠાકુરને જલેબી નિવેદન કરીને, એક મોટા થાળામાં મમરાનો ઢગલો કરીને, એની ચારે બાજુ સજાવી દઈ, મોટા મામાના બેઠકગૃહમાં ભક્તોની પાસે મોકલાવી દીધી. ઉપસ્થિત બધા મળીને અમે—લગભગ 10-11 સાધુ, બ્રહ્મચારી, ગૃહસ્થ—થાળાની ચારે બાજુ બેસીને મહા-આનંદે એ મમરા-જલેબી ખાવા લાગ્યા. મા પણ બાજુના ઓરડામાં ઊભાં ઊભાં અમને જોતાં હતાં. એ દિવસે ઠાકુરપૂજા પછી માએ એક બ્રહ્મચારીને ગેરુઆ રંગનું વસ્ત્ર આપ્યું હતું.

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.