(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંની એક શાળાના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. શ્રીમાએ પોતાની ચરણરજથી આશ્રમને ધન્ય કર્યો હતો અને આશ્રમના મંદિરમાં શ્રીરામકૃષ્ણ અને પોતાની છબીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ શ્રીમા જેટલી વાર જયરામવાટીથી કોલકાતા યાત્રા કરતાં એટલી વાર કોઆલપાડા આશ્રમમાં વિશ્રામ કરવા રોકાતાં. શિક્ષક કેદારબાબુ અને એમના કેટલાક વિદ્યાર્થીઓ સંન્યાસ ગ્રહણ કરીને કૃતાર્થ બન્યા હતા. આ કોઆલપાડા આશ્રમની કેટલીક વાર્તાઓ ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘માતૃસાન્નિધ્યે’માંથી ગ્રહણ કરી અહીં પ્રસ્તુત છે. લેખક સ્વામી ઈશાનાનંદજી મહારાજ એ વિદ્યાર્થીઓમાંના જ એક હતા. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં)

શ્રીશ્રીઠાકુર અને શ્રીશ્રીમાનાં ફોટાની પૂજા

૧૩૧૮ બંગાબ્દના (૧૯૧૧ ઈ.સ.) અગ્રહાયણ (માગસર) માસની શરૂઆતના એક દિવસે વહેલી સવારે મા, રાધુ, લક્ષ્મીદી, માકુ, તથા રાધુના પતિ મન્મથ ચાર પાલખીઓમાં બેસીને કોઆલપાડા આશ્રમમાં પધાર્યાં. માના અન્ય કેટલાક પરિજનો બળદગાડામાં અને અન્ય કેટલાંક પગપાળા પધાર્યાં હતાં. એવું આયોજન હતું કે સંધ્યાવેળા બધાં બળદગાડામાં વિષ્ણુપુર જશે અને ત્યાંથી ટ્રેનમાં સવાર થઈ કોલકાતા રવાના થશે.

શ્રીશ્રીમાએ પહેલેથી જ સૂચના આપી હતી કે તેઓ આશ્રમના મંદિરમાં શ્રીશ્રીઠાકુરની પ્રતિષ્ઠા કરશે. માટે યથાસાધ્ય સંક્ષિપ્ત પૂજાનું આયોજન થયેલ છે. માએ કહ્યું હતું કે, “ઠાકુરને (મંદિરમાં) બિરાજમાન કરીને જઈશ.”

પરંતુ અમને તો ખબર છે કે સશક્તિક (શક્તિ સહિત) ભગવાનની પૂજા કરવી એ જ સાચી પ્રણાલી છે. માટે જ અમે આશ્રમના મંદિરમાં શ્રીશ્રીઠાકુર અને શ્રીશ્રીમા બંનેની છબીઓ રાખી હતી. શ્રીશ્રીમા આવ્યાં બાદ તરત જ સ્નાન કરી પધાર્યાં. તેઓએ શ્રીશ્રીઠાકુરની તથા પોતાની છબીઓને વારાફરતી પોતાના મસ્તકે સ્પર્શ કરાવી મંદિર સ્થિત નાનકડા સિંહાસન ઉપર સ્વહસ્તે સ્થાપિત કરી. ત્યાર બાદ ફૂલ તથા ચંદનથી એમની પૂજા કરી. છેવટે બ્રહ્મચારી કિશોરીના હસ્તે સાદગીપૂર્ણ રીતે હોમ કરાવ્યો.

કોઆલપાડા આશ્રમ

પ્રકાશ મહારાજની વાત

શ્રીમાની સેવા કરવા તથા એમની સંભાળ રાખવા માટે પ્રકાશ મહારાજ સાથે આવ્યા હતા. પૂજા સમાપ્ત થઈ ગયા પછી ભોજનને હજુ વાર છે એ જોઈ બધાંએ અલ્પ ફળ અને મીઠાઈનો પ્રસાદ ગ્રહણ કર્યો. બપોરના સમયે આશ્રમના અધ્યક્ષ કેદારબાબુનાં મા લક્ષ્મીદી, રાધુ, માકુ તથા શ્રીમા સહિત પોતાના ઘરે ફરવા લઈ ગયાં. જ્યારે પ્રકાશ મહારાજે સાંભળ્યું કે શ્રીમા પગપાળા કેદારબાબુના ઘરે ગયાં છે ત્યારે તેઓ ખૂબ નારાજ થઈ ગયા અને કહ્યું, “તમને લોકોને માની ગરિમા જાળવતાં આવડતું નથી. મને જાણ કર્યા વિના માને પગપાળા કેમ લઈ ગયા? હવે જે થયું તે થયું, પાછાં ફરવાના સમયે માને પાલખીમાં બેસાડીને લઈ આવો.” આમ કહી તેઓ તત્ક્ષણ પાલખી વહન કરવાવાળા કહારોને બોલાવીને કેદારબાબુના ઘરે રવાના થયા.

એ દરમિયાન મા બાકી બધાંની સાથે પાછાં ફરી રહ્યાં હતાં. મધ્ય-રસ્તે અમારી એમની સાથે મુલાકાત થઈ. પ્રકાશ મહારાજે માને કહ્યું, “આ કેવો અન્યાય! તમે ચાલતાં કેમ જાઓ છો?” આમ કહી તેઓએ માને પાલખીમાં બેસવાની વિનંતી કરી. મા થોડાં નારાજ થઈને પાલખીમાં બેઠાં. આશ્રમમાં પાછાં ફરી અસંતુષ્ટ થઈ કહ્યું, “પ્રકાશ, કોઆલપાડા તો છે અમારું પોતાનું ગામ. કોઆલપાડા છે મારું ‘બેઠકખાનું.’ આ બધા છોકરાઓ છે મારા પોતાના દીકરાઓ. હું ગામડે આવીને થોડા મુક્તમને હરું-ફરું છું. કોલકાતાથી અહીં આવીને હાશકારો લઉં છું. કોલકાતામાં તો તમે મને પિંજરામાં પૂરીને રાખો છો. ત્યાં મારે હંમેશાં સંકોચપૂર્વક રહેવું પડે છે. અહીં પણ જો મારે તમારા કહેવા અનુસાર રહેવાનું હોય તો નહીં ચાલે—શરત્‌ને લખી દો.”

(એ સમયની પડદાપ્રથા અનુસાર મહિલાઓને ઘૂમટો તાણીને ઘરના અંદરના ભાગમાં રહેવું પડતું. મધ્યમ કે ઉચ્ચ વર્ગની મહિલાઓ પાલખી કે ઘોડાગાડી સિવાય જાહેરમાં હરી-ફરી પણ શકતી ન હતી. એ સમયના હિન્દુ ધર્મની બધી પ્રથાઓનું કાળજીપૂર્વક પાલન કરીને જ શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદા, તથા સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મને પુન: ચેતનવંતો કર્યો હતો. કોલકાતા જઈ શ્રીમા ‘ઉદ્‌બોધન ભવન’ માં રહેતાં હતાં. શરત્‌ એટલે શરત્‌ મહારાજ અથવા સ્વામી સારદાનંદ શ્રીમાના સેવકના રૂપમાં ત્યાં રહેતા હતા. એમણે જ પ્રકાશ મહારાજને માની સંભાળ રાખવા મોકલ્યા હતા.)

પ્રકાશ મહારાજ હાથ જોડીને કહેવા લાગ્યા, “શરત્‌ મહારાજે મને આદેશ કર્યો છે કે યાત્રા દરમિયાન તમારી ખૂબ કાળજી રાખવી. મને થયું કે મારી બેકાળજીને કારણે જ તમારે પગપાળા જવું પડ્યું છે. તો મા તમારી ઇચ્છા અનુસાર જ તમે કરો.”

કોલકાતા યાત્રા

શ્રીશ્રીઠાકુરને ભોગ અર્પણ થઈ ગયા બાદ પ્રકાશ મહારાજની સાથે પરામર્શ કરીને એવું નક્કી થયું કે સાંજના છ વાગ્યા સુધીમાં અમે ભોજન પતાવીને એમના માટે ભાથું બાંધી દઈશું. પરંતુ ઘણો પ્રયત્ન કરીને પણ અમે સમયાનુસાર રાંધી શક્યા નથી એ જોઈ પ્રકાશ મહારાજ નારાજગીપૂર્વક કઠોર શબ્દોમાં ઉતાવળ કરાવવા લાગ્યા. રાજેનદાએ કહ્યું, “સારું તો, માને લઈને તમે રવાના થાઓ, ભોજન તૈયાર થઈ જશે એટલે અમે તમને આપી જઈશું, ભલે તમે ગમે એટલા દૂર ગયા હો.”

શ્રીશ્રીમાએ આ બધો હોબાળો સાંભળીને પ્રકાશ મહારાજને કહ્યું, “પ્રકાશ, તું સવારથી માથું ગરમ કરીને આટલો ગુસ્સો કેમ કરે છે? આ તો છે અમારું ગામડું, કોલકાતાની જેમ શું અહીં ઘડિયાળના કાંટાની સાથે કામ થાય? જોતો નથી, છોકરાઓ સવારથી કેટલી મહેનત કરે છે! આટલાં બધાં છોકરાંછૈયાં પણ સાથે છે. તું ગમે તે કહે, અહીંથી આપણે ભોજન કર્યા વિના રવાના થઈશું નહિ.”

માની વાત સાંભળીને પ્રકાશ મહારાજ કશું બોલ્યા નહીં અને શાંત થઈ ગયા. છેવટે રાત્રે આઠ વાગ્યે આહારાદિ આટોપીને મા અને તેમનાં સહયાત્રીઓએ આઠ બળદગાડાંમાં સવાર થઈને વિષ્ણુપુર જવા યાત્રા શરૂ કરી.

રાધુની બીમારી

૧૩૧૯ બંગાબ્દના ભાદ્ર મહિનાનો (ઈ.સ. ૧૯૧૨ના- મહિનાનો) સમય છે. શ્રીશ્રીમા એ સમયે કોલકાતામાં એમના માટે નિર્મિત ‘માયેર વાડી’ માં નિવાસ કરી રહ્યાં હતાં. કોઆલપાડા આશ્રમના પ્રતિષ્ઠાતા કેદારબાબુનાં માતૃશ્રી પણ શ્રીમાની સાથે નિવાસ કરી રહ્યાં હતાં.

એ સમયે શ્રીશ્રીમાએ રાધુના હાથે કોઆલપાડા આશ્રમમાં એક પત્ર લખાવ્યો. (મા પોતે પત્ર લખી શકતાં નહિ, માટે બીજા દ્વારા લખાવતાં.) પત્રમાં લખ્યું હતું કે કેદારબાબુનાં માને ડેન્ગ્યુનો તાવ આવ્યો છે. રાધુનું સ્વાસ્થ્ય પણ એટલું સારું નથી. છાતીમાં દુ:ખાવો છે, વગેરે.

આ સમાચાર મેળવીને કેદારબાબુએ પોતાનાં માને કોઆલપાડા પાછાં લઈ આવવા માટે રાજેનદા અને મને સાથે લઈને કોલકાતા યાત્રા કરી. સંધ્યાટાણે અમે માયેર વાડીના ઉપલા માળે જઈ શ્રીમાને પ્રણામ કર્યા. મા એક ઓરડામાં બેઠાં હતાં. પાસે જ રાધુ અને કેદારબાબુનાં મા પથારીવશ હતાં.

વાતવાતમાં માએ કહ્યું, “પહેલાં તો રાધુનું સ્વાસ્થ્ય કેટલું સારું હતું, એને સાથે લઈને છેક રામેશ્વરનાં દર્શન કરી આવી છું. પણ હવે તો જ્યારે જોઈએ ત્યારે બીમારી લાગેલી જ હોય છે, હૃદય ધક્‌ ધક્‌ થયા કરે છે. ચાલી પણ શકતી નથી.”

રામેશ્વરની વાત અને સ્વામી રામકૃષ્ણાનંદ

રામેશ્વરની વાત નીકળતાં કેદારબાબુએ પ્રશ્ન કર્યો, જેના ઉત્તરમાં માએ કહ્યું, “મારી પાસે રામેશ્વરની બે છબી છે. પાછા ફરવાના સમયે લઈ જજો અને સારી રીતે મઢાવીને મંદિરમાં રાખીને પૂજા કરજો.”

કેદારબાબુએ કહ્યું, “તમે જ તો ઠાકુરને સ્થાપિત કર્યા છે અને એમને જ સર્વદેવદેવી સ્વરૂપે પૂજા કરવાનું કહ્યું છે. હવે પાછી આ છબીઓ આપો છો, અમે વળી કેટલા ભગવાનની પૂજા કરીશું! અમે હવે અન્ય કોઈ ભગવાનની પૂજા કરી શકીશું નહીં.”

ત્યારે શ્રીશ્રીમાએ કહ્યું, “ભલે, તો પછી આ છબીઓ સારી રીતે મઢાવીને મંદિરની દીવાલે ટાંગીને રાખજો.” કહેવાની જરૂર નથી કે એ બે છબી ઘણા દિવસો સુધી કોઆલપાડા આશ્રમના મંદિરમાં વેદીની બંને બાજુએ ટંગાયેલી રહી હતી.

ત્યાર બાદ કેદારબાબુએ કહ્યું, “મા, રામેશ્વર વગેરેની યાત્રા કેવી રહી એ કહો. આપની પાસેથી તો હજુ એ વિશે કંઈ સાંભળવા મળ્યું નથી.”

શ્રીશ્રીમાએ કહ્યું, “બેટા, જેમ રાખીને આવી હતી, ઠીક એમ જ છે.”

પૂજનીય ગોલાપ-મા એ સમયે વરંડામાંથી પસાર થઈ રહ્યાં હતાં. માની વાત સાંભળીને તેઓએ પૂછ્યું, “શું કહ્યું, મા?”

થોડાં ચમકી ઊઠીને માએ કહ્યું, “ક્યાં, શું વળી કહ્યું! કહું છું કે તમારી પાસે જેમ સાંભળ્યું હતું એમ જ જોઈને ખૂબ આનંદ થયો હતો.”

ત્યારે ગોલાપ-મા થોડું હસીને બોલ્યાં, “એમ નહિ, મા, મેં બધું સાંભળી લીધું છે. હવે વાત ફેરવી લેવાથી શું થશે? ખરું ને, કેદાર?”

ગોલાપ-મા આમ કહેતાં કહેતાં ત્યાંથી ચાલ્યાં ગયાં અને પૂજનીયા યોગેન-માને બધું જણાવવા લાગ્યાં.

શ્રીશ્રીમા આગળ કહેવા લાગ્યાં, “આહા! શશીએ મારી પાસે સોનાનાં ૧૦૮ બિલ્વપત્રથી રામેશ્વરની પૂજા કરાવી. હું આવી છું એ સાંભળીને રામેશ્વરના રાજાએ એમના દીવાનને આજ્ઞા કરી કે મંદિરનો રત્નાગાર ખોલીને મને બતાવવામાં આવે અને જો મને કોઈ વસ્તુ પસંદ આવે તો તત્ક્ષણ એ મને ઉપહાર રૂપે આપવામાં આવે. હું વળી શું કહું? રત્નાગાર જોઈને કશું નક્કી ન કરી શકવાથી કહ્યું, ‘મને વળી શેની આવશ્યકતા, બેટા? મને જે કશાની જરૂર છે, એની વ્યવસ્થા તો શશી જ કરે છે.”

“પરંતુ તેઓ નિરાશ થશે એમ વિચારીને મેં કહ્યું, ‘અચ્છા, રાધુને જો કંઈ જરૂર હોય તો એ ભલે લે.’ ત્યાર બાદ હીરા-ઝવેરાતથી ભરચક રત્નાગારમાં પ્રવેશી રાધુને કહ્યું, ‘જો, તને કશાની જરૂર હોય તો તું લઈ શકે છે.’

“જ્યારે હીરા-ઝવેરાત જોતી હતી ત્યારે ધક્‌ ધક્‌ થતું હતું અને ઠાકુરને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરતી હતી, ‘ઠાકુર, રાધુના મનમાં કોઈ વાસના ના જાગે.’ ત્યાં રાધુએ કહ્યું, ‘આ બધું વળી શું લઉં? આ બધું મને નથી જોઈતું. મારી લખવાની પેન્સિલ ખોવાઈ ગઈ છે, એક પેન્સિલ લઈ આપો.’ આ વાત સાંભળી મેં હાશકારો અનુભવ્યો. બહાર આવી રસ્તા પરની એક દુકાનમાંથી બે પૈસાની એક પેન્સિલ ખરીદી આપી.”

આ બધી વાતો પૂરી થયા બાદ શ્રીશ્રીમા ઠાકુરને ભોગ અર્પણ કરવા ઊભાં થઈને ચાલ્યાં ગયાં.

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.