કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય કરવો પડે છે. વધુ ઉચ્ચ સમજશક્તિ અત્યંત મુશ્કેલ છે. મોઘમ (અસ્પષ્ટ) વિચાર કરતાં નક્કર વસ્તુ ઘણા ખરા લોકોને વધુ સમજાય તેવી હોય છે. આના ઉદાહરણ તરીકે મુંબઈના બે માણસો—એક હિંદુ અને બીજો જૈન—ની એક વાત કહેવામાં આવે છે. તેઓ બંને મુંબઈના એક શ્રીમંત વેપારીના ઘરમાં શતરંજની રમત રમતા હતા.

ઘર સમુદ્રની નજીક હતું અને રમત લાંબી ચાલી. જે ઝરૂખામાં બેસીને તેઓ રમતા હતા તેની સામે જ ચાલી રહેલી ભરતી અને ઓટથી તેનું ધ્યાન ખેંચાયું. એક જણે દંતકથાની વાત કહીને ખુલાસો કર્યો કે દેવતાઓ રમત રમતાં એક ખાડામાં પાણી નાખે છે અને વળી પાછું તેને ઉલેચી નાખે છે. બીજાએ કહ્યું કે ના, દેવતાઓ તે પાણીને વાપરવા માટે એક મોટા પહાડની ટોચ ઉપર ચડાવે છે અને પછી તેમનું કામ પૂરું થઈ રહે એટલે નીચે ઢોળી નાખે છે.

એક વિદ્યાર્થી ત્યાં હાજર હતો. આ સાંભળીને તે હસવા લાગ્યો અને બોલી ઊઠ્યોઃ ‘ભાઈઓ! તમને એટલી ખબર નથી કે ચંદ્રના ખેંચાણને લીધે ભરતી-ઓટ થાય છે?’ એ સાંભળતાં જ પેલા બંને જણા ગુસ્સે થઈ જઈને પેલા વિદ્યાર્થી સામે ઘૂરકીને બોલ્યાઃ ‘અલ્યા, શું તું અમને મૂરખ માને છે? શું તું એમ ધારે છે કે અમે એમ માની લઈશું કે ભરતીને ખેંચવા માટે ચંદ્ર પાસે દોરડાં રાખવામાં આવ્યાં છે અથવા એ એટલે દૂર પહોંચી શકે? એવો એકેય મૂર્ખાઈભર્યો ખુલાસો અમે માનવાના નથી.’

બરાબર એ જ વખતે ઘરમાલિક ત્યાં આવી ચડ્યો. બંને પક્ષોએ તેને ખુલાસો કરવાનું કહ્યું. એ સુશિક્ષિત હતો અને સાચા કારણની તેને ખબર હતી; પરંતુ એ હકીકત શતરંજ રમનારાઓને સમજાવવાની અશક્યતા દીવા જેવી સ્પષ્ટ જોઈને તેણે પેલા વિદ્યાર્થીને ચૂપ રહેવાની ઇશારત કરી અને પછી પોતે એ બંને જણાને સમજાવવાની શરૂઆત કરી; એના ખુલાસાથી એ બંને અજ્ઞાનીઓને ખૂબ જ સંતોષ થયો. ઘરમાલિકે કહ્યુંઃ ‘વાત એમ છે કે દૂર દૂર મહાસાગરમાં વચ્ચે એક વાદળી (sponge)નો મોટો વિરાટ પર્વત છે; હું ધારું છું કે તમે બંનેએ વાદળી તો જોઈ હશે અને હું શું કહેવા માગું છું તે તમે સમજી તો ગયા હશો. આ વાદળીનો પર્વત જ્યારે પાણી ચૂસી લે છે ત્યારે સમુદ્રમાં ઓટ થાય છે; એટલામાં ત્યાં દેવતાઓ આવે છે અને એ પર્વત ઉપર નાચવા લાગે છે. તેમના ભારથી દબાઈને પાણી બહાર નીકળી જાય છે, એટલે દરિયામાં ભરતી આવે છે. ગૃહસ્થો! ભરતીનું કારણ આ છે અને આ ખુલાસો કેટલો તર્કયુક્ત અને સરળ છે તે તો તમે સહેલાઈથી જોઈ શકો છો.’

પેલા જે બે ગૃહસ્થો ભરતી-ઓટ અંગે ચંદ્રનું આકર્ષણ કારણભૂત છે એવા ખુલાસાની મશ્કરી ઉડાવતા હતા, તેમને વાદળીના પર્વત ઉપર દેવતાઓ નાચે છે એ ખુલાસામાં કશુંય અજુગતું ન લાગ્યું! તેમને મન દેવતાઓ ખરા હતા અને વાદળી તો તેમણે સાચેસાચ જોઈ હતી; એ બંનેની સંયુક્ત અસરથી વધારે શક્ય બીજું શું હોઈ શકે?

(સંદર્ભઃ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 2.13)

(ઘણી વખત આપણી કોમન-સેન્સ કે સામાન્ય બુદ્ધિ આપણને કેવી રીતે અંધ બનાવી દે છે—નવા વિચારો ગ્રહણ ન કરવાથી આપણો માનસિક વિકાસ કેવી રીતે કુંઠિત થઈ જાય છે, એ વાતનું આ સુંદર ઉદાહરણ છે. નવા વિચારો ગ્રહણ ન કરી શકવાને કારણે જ આપણે લાંબા સમય સુધી ગુલામ રહ્યા હતા.

નવવિચારના સંદેશવાહકોને આપણે કેવી રીતે અવગણીએ છીએ, એ પણ જુઓ: સ્વામી વિવેકાનંદે વિદેશયાત્રા કરી ત્યાંથી નવી વાતો શીખવાની આવશ્યકતા સંદર્ભે એક પંડિત સાથે ચર્ચા કરી રહ્યા હતા. પંડિતે ઉચ્ચ સ્વરે ‘કદાપિ ના, કદાપિ ના’ કહેતા કહેતા એટલો વિરોધ કર્યો હતો કે સ્વામીજી નિરાશ થઈ ગયા હતા.

સ્વામીજી કાળા પાણી ઓળંગીને વિદેશ ગયા હતા તેથી તેમને ભારત પાછા ફર્યા બાદ દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. -સં)

Total Views: 590

One Comment

  1. Viren June 8, 2023 at 8:54 am - Reply

    આગળ નો લેખ મને ખબર નથી એટલે જિજ્ઞાસા પૂર્વક જ પૂછું છું…સ્વામી જી ને પ્રતિબંઘ લગાવવી ને અજ્ઞાનતા નું કામ મંદિર ના પ્રાંગણ માં થી કેમ થયું…આવુ નહોતું થવું જોએ કેમ કે ત્યાં એટલા પ્રમાણ માં જ્ઞાની લોકો તો હતા જ ….જે આ બનાવ રોકી શકે એમ હતાજ …અને જો સ્વામી ની કોઇ ભૂલ હોત તો એ પણ ક્ષમા યોગ્યજ હતા……

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.