જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છે—હર્ષોલ્લાસથી ‘જગન્નાથ સ્વામી નયનપથગામી ભવતુ મે’ બોલીને જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથોને દોરડાંથી ખેંચીને જઈ રહ્યો છે. નાતજાતના ભેદભાવ વગર બધા આ મહોત્સવમાં ભાગ લે છે. ફક્ત જગન્નાથ પુરીમાં જ નહિ, દેશનાં વિભિન્ન સ્થળોએ આ ઉત્સવ હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. કેટલાય સૈકાઓથી આ પ્રથા ચાલી રહી છે તથા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અવિભાજ્ય અંગ બની ચૂકી છે.

એમ માનવામાં આવે છે કે નવમી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યે જગન્નાથ પુરીમાં જ ‘જગન્નાથાષ્ટક’ સ્તોત્રની રચના કરી હતી. વળી શ્રીચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ યાત્રામાં સંકીર્તન અને નૃત્ય સાથે સમ્મિલિત થઈ રાજા પ્રતાપરુદ્ર વગેરે બધાને પરમ આનંદિત કર્યા હતા. આપણા સમયમાં શ્રીરામકૃષ્ણદેવે પણ આ રથયાત્રામાં ભાગ લીધો હતો—પણ જરા જુદી રીતે. તેઓ પોતાના ભૌતિક દેહથી જગન્નાથ પુરી ક્યારેય ગયા નહોતા કારણ કે તેમની એવી માન્યતા હતી કે, તેમના દેહનો આવિર્ભાવ જગન્નાથ પ્રભુથી જ થયો છે અને તેમનાં દર્શન પછી એ દેહ પોતાના મૂળ સ્વરૂપમાં સંકેલાઈ જશે. પણ તેમણે પોતાના ભક્ત બલરામ બસુના ભવનમાં ૧૪મી જુલાઈ, ૧૮૮૫ના રોજ આયોજિત રથયાત્રાના ઉત્સવમાં ભાગ લીધો હતો. બલરામ બસુના ઘરમાં જગન્નાથજીની નિત્ય સેવા થતી હતી. (હવે આ ભવન ‘બલરામ મંદિર’ના નામથી પ્રખ્યાત છે, અને રામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર બની ગયું છે.) શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આ પ્રસંગનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે:

‘મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫. આજે રથોત્સવ. શ્રીરામકૃષ્ણદેવ બલરામબાબુને ઘેર પધાર્યા છે. બપોર નમી ગયા છે. ઓસરીમાં ઠાકોરજી શ્રીજગન્નાથદેવનો નાનો રથ ધજા, પતાકા વગેરેથી સારી રીતે શણગારીને બહાર લાવવામાં આવ્યો છે. શ્રીજગન્નાથ, સુભદ્રા અને બલરામ ચંદનચર્ચિત છે અને વસ્ત્ર, આભૂષણ અને પુષ્પમાળા વગેરેથી સુશોભિત થયાં છે. ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) બનવારીનું કીર્તન છોડીને ઓસરીમાં રથની સામે પધાર્યા. ભક્તોય સાથે ચાલ્યા. ઠાકુરે રથની દોરી પકડીને જરાક વાર ખેંચી. ત્યાર પછી રથની સામે ભક્તો સાથે નૃત્ય અને કીર્તન કરે છે. બીજાં ગીતોની સાથે ઠાકુરે ગીત ઉપાડ્યું:

જેમનાં હરિ બોલતાં નયન ઝરે એવા,

એવા બે ભાઈ આવ્યા છે રે!

જેઓ માર ખાઈને પ્રેમ યાચે એવા,

એવા બે ભાઈ આવ્યા છે રે!

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ ૨, પૃ.૧૫૮)

આ પછી તો સંકીર્તનની રમઝટ ચાલી. ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં શ્રીરામકૃષ્ણદેવની સાક્ષાત્‌ ઉપસ્થિતિમાં ભક્તોએ રથયાત્રાનો આનંદ માણ્યો.’

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજી મહારાજે જગન્નાથ પુરીની યાત્રા ઘણી વાર કરી હતી. પુરીમાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ-ભક્ત શ્રી બલરામ બસુના નિવાસસ્થાન ‘શશિ નિકેતન’માં તેઓ રહેતા. અનેક વાર તેઓ શ્રીજગન્નાથ મહાપ્રભુ, સુભદ્રા અને બલરામનાં દર્શન કરતી વખતે ભાવાવેશમાં આવી જતા. એક વાર તો તેમને તેમાં શ્રીકૃષ્ણ ભગવાનના સખા રાખાલનાં દર્શન થયાં હતાં. જાણે કે પોતાનું અસલ સ્વરૂપ તેમને જોવા મળ્યું! ઘણી વાર તેઓ રથયાત્રા વખતે રથ ખેંચીને ધન્યતા અનુભવતા. એક વાર તેમને જગન્નાથ પુરીમાં સર્વત્ર વ્યાપ્ત ચેતનાની અનુભૂતિ થઈ હતી. તેમણે સાગર કાંઠે એક આશ્રમની પણ સ્થાપના કરી હતી. હાલ જગન્નાથ પુરીમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં બે શાખાકેન્દ્રો કાર્યરત છે.

શ્રીરામકૃષ્ણદેવના અન્ય એક અંતરંગ શિષ્ય—સ્વામી તુરીયાનંદજી મહારાજે પણ જગન્નાથ પુરીની યાત્રા કરી હતી. એક વાર તેઓ જગન્નાથ પુરીના મંદિરનાં પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે તેમને એક અદ્‌ભુત દર્શન થયું. તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવે ગળામાં પુષ્પમાળા પહેરી હતી. તેઓ પગથિયાં નીચે ઊતરી તેમના તરફ આવી રહ્યા હતા. સ્વામી તુરીયાનંદજી મહારાજ તેમની પાસે દોડી ગયા અને તેમને પ્રણામ કર્યા. જ્યારે તેઓ તેમના ચરણોનો સ્પર્શ કરવા ગયા ત્યારે તેમને યાદ આવ્યું કે શ્રીરામકૃષ્ણદેવે તો કેટલાંય વર્ષો પહેલાં પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો. સ્વામી તુરીયાનંદજી મહારાજની એવી ધારણા હતી કે શ્રીરામકૃષ્ણદેવે, જેઓ શ્રીજગન્નાથ મહાપ્રભુના અવતાર હતા, તેમને કૃપાપૂર્વક દર્શન આપ્યાં હતાં.

જગન્નાથ પુરીમાં તેમને ઘણી આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ હતી. એક વાર અચાનક તેમને એક ધ્વનિ સંભળાયો. તેમનું હૃદય આનંદથી ભરપૂર થઈ ગયું. તેમને લાગ્યું કે જાણે કે તેઓ હવામાં ચાલી રહ્યા છે. તેમને યાદ આવ્યું કે તેમણે ‘અનાહત ધ્વનિ’ વિશે વાંચ્યું હતું, કદાચ આ અનાહત ધ્વનિ જ હશે.

એક વાર તેઓ ખૂબ જ બીમાર થઈ ગયા, જાણે કે મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગયા. એક વાર સ્વામી વિવેકાનંદ તેમની સમક્ષ પ્રગટ થઈ ગયા અને કહ્યું, ‘ક્યાં જાઓ છો? તમારો સમય હજી થયો નથી.’

શ્રીમા શારદાદેવીએ પહેલી વાર જગન્નાથ પુરીની તીર્થયાત્રા કરી ત્યારે તેઓ ત્યાં ૯ નવેમ્બર, ૧૮૮૮થી ૯ જાન્યુઆરી, ૧૮૮૯ સુધી રોકાયાં હતાં. તેઓ અન્ય મહિલા-ભક્તોની સાથે શ્રી બલરામ બસુના પરિવારજનોની માલિકીના ‘ક્ષેત્રવાસી’ મઠમાં રહ્યાં હતાં. તે વખતે શ્રીમા શારદાદેવી લગભગ દરરોજ સવારે અને સાંજે અન્ય મહિલા-ભક્તોની સાથે શ્રીજગન્નાથ મહાપ્રભુજીનાં દર્શન કરવા જતાં. સાંજની આરતી પછી એ જ પ્રાંગણમાં અવસ્થિત લક્ષ્મી મંદિરમાં ધ્યાન કરતાં. શ્રીરામકૃષ્ણદેવે શ્રીજગન્નાથ મહાપ્રભુજીનાં ક્યારેય દર્શન કર્યાં ન હતાં, કારણ કે તેમની ધારણા હતી કે જો તેઓ દર્શન કરવા જશે તો પોતાના સ્વરૂપને જોઈ તેમનો દેહવિલય થઈ જશે. એટલા માટે શ્રીમા શારદાદેવી પોતાની સાડીમાં ઢાંકીને શ્રીરામકૃષ્ણદેવની છબી લાવ્યાં હતાં. તે છબીને તેમણે શ્રીજગન્નાથ મહાપ્રભુજીનાં દર્શન કરાવ્યાં હતાં. તેમની દૃઢ શ્રદ્ધા હતી કે છાયા અને કાયા સમાન હોય છે.

એક વાર એમને જગન્નાથ મહાપ્રભુજીનાં અદ્‌ભુત દર્શન થયાં હતાં. તેમણે ભાવ-નેત્રોથી જગન્નાથ મહાપ્રભુને પુરુષસિંહની જેમ સિંહાસન પર બિરાજમાન જોયા અને જોયું કે તેઓ પોતે તેમની સેવિકારૂપે સેવા કરી રહ્યાં હતાં. એક વાર તેમને જગન્નાથ મહાપ્રભુમાં શિવજીનાં પણ દર્શન થયાં હતાં.

એક વાર શ્રીમા શારદાદેવી રથયાત્રાનાં દર્શન કરવા ગયાં હતાં. વિશાળ જનસમુદાયને જોઈ તેઓ અતિ આનંદમાં અશ્રુ-વિસર્જન કરવા લાગ્યાં, એમ વિચારીને કે જેટલા લોકો શ્રીજગન્નાથ પ્રભુનાં દર્શન કરી રહ્યા છે, તેઓ બધા મુક્ત થઈ જશે. પણ પાછળથી એમને સમજાયું કે એવું નથી. એકાદ બે લોકો, જેઓ વાસના રહિત થઈ ગયા છે, તેઓ જ મુક્ત થશે.

નવેમ્બર, ૧૯૦૪માં શ્રીમા શારદાદેવીએ પુનઃ જગન્નાથ પુરીની યાત્રા કરી. જાન્યુઆરીના અંત સુધી તેઓ ત્યાં રહ્યાં. આ દરમ્યાન તેઓ દરરોજ સવારે શ્રીજગન્નાથ મહાપ્રભુનાં દર્શન કરવા જતાં અને સાંજે આરતીમાં ભાગ લેતાં. દરરોજ તેઓ શ્રીજગન્નાથ મહાપ્રભુનો મહાપ્રસાદ ગ્રહણ કરતાં. દરરોજ બે વાર તેઓ સમુદ્રમાં સ્નાન કરતાં, મંદિરની પરિક્રમા કરતાં અને જગન્નાથ પુરીનાં અન્ય મહત્ત્વનાં સ્થળો—શ્રીજગન્નાથ મહાપ્રભુનું રસોડું, ગુંડિચા, લક્ષ્મીજલા ધાનનું ખેતર, નરેન્દ્ર સરોવર, શંકરાચાર્યનો ગોવર્ધન મઠ, સ્વર્ગદ્વાર વગેરેની મુલાકાત લેતાં. શ્રીમા શારદાદેવી પુરીમાં અદ્‌ભુત ભાવાવસ્થામાં રહેતાં. પાછળથી તેઓ ભક્તો સમક્ષ પુરીનાં સંસ્મરણો વાગોળતાં.

૩ એપ્રિલ, ૧૯૧૧ના રોજ શ્રીમા શારદાદેવી પુનઃ જગન્નાથ પુરી આવ્યાં અને ૧૦ એપ્રિલ સુધી ત્યાં ‘શશિ નિકેતન’માં રોકાયાં. આ દરમ્યાન તેઓ દરરોજ શ્રીજગન્નાથ મહાપ્રભુનાં દર્શન કરવા જતાં.

રથયાત્રાની આ પરંપરા ક્યારે પ્રારંભ થઈ એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. ચીનના પર્યટક ફાહ્યાને પાંચમી શતાબ્દીમાં પોતાની ભારતયાત્રાના વર્ણનમાં ભગવાન બુદ્ધના જન્મોત્સવના ઉપલક્ષમાં આયોજિત બે રથયાત્રાઓનું વર્ણન કર્યું છે. કેટલાક લોકોના મતે બુદ્ધદેવની આ યાત્રા જ પછીથી જગન્નાથની યાત્રામાં પરિણમી. પણ પદ્મપુરાણ, સ્કંદ પુરાણ વગેરેમાં રથયાત્રાનો ઉલ્લેખ છે, અને પુરાણોનો રચનાકાળ ગુપ્તયુગમાં (ચતુર્થ શતાબ્દી) હોવાથી આ મત સૌને સ્વીકાર્ય નથી. આ સિવાય, કૂર્મ, ભવિષ્ય, વરાહ, મત્સ્ય વગેરે પ્રાચીન પુરાણોમાં અન્ય પ્રકારની રથયાત્રાઓનું વર્ણન છે. આથી એટલું તો સાબિત થાય છે કે દેવતાઓની રથયાત્રા ભારતીય પરંપરાનું અવિભાજ્ય અંગ છે.

રથના ઘણા પ્રસંગો આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. શ્રીમદ્ ભાગવતમાં વર્ણન આવે છે. અક્રૂર શ્રીકૃષ્ણ અને બલરામને રથમાં બેસાડીને વૃંદાવનથી મથુરા લઈ જઈ રહ્યા છે અને વ્રજની ગોપિકાઓ વિરહમાં ક્રંદન કરી રહી છે. આ પ્રસંગને અનુલક્ષીને તો કેટલાંય ભાવવાહી ગીતો રચાઈ ગયાં છે.

ગીતાના પ્રારંભમાં જ અર્જુન સારથિ શ્રીકૃષ્ણને પોતાનો ‘કપિધ્વજ’વાળો રથ સેના મધ્‍યે ઊભો રાખવાનું કહે છે: ‘सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत॥’ (ગીતા: ૧.૨૧) અર્જુન પોતાનાં સગાંવહાલાંને યુદ્ધભૂમિમાં જોઈ શોકમગ્ન થઈ, સ્વધર્મ ભૂલી જઈ ધનુષ્યબાણ રાખી રથમાં બેસી પડે છે અને પછી પ્રારંભ થાય છે ભગવાન શ્રીકૃષ્ણનો ગીતાનો એ અમર સંદેશ—જે આજે હજારો વર્ષોથી માનવજાત માટે આશીર્વાદરૂપ રહ્યો છે.

રથના ઉદાહરણને માધ્યમ બનાવી ઉચ્ચતમ ઉપદેશ આપવામાં આવ્યો છે—કઠોપનિષદમાં. યમરાજ નચિકેતાને આત્મતત્ત્વનું નિરૂપણ કરતાં કહે છે:

आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु।

बुद्धिं तु सारथिं विद्धि मनः प्रगहमेव च॥

इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान्।

आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः॥

(૧.૩.૩-૪)

‘હે નચિકેતા, જીવાત્માને રથી અર્થાત્ રથનો સ્વામી જાણ, શરીરને જ રથ માન તથા બુદ્ધિને સારથિ જાણ અને મનને લગામ સમજ. વિવેકી પુરુષ ઇન્દ્રિયોને ઘોડારૂપે જણાવે છે ને તેમની ઘોડારૂપે કલ્પના કરવામાં આવતા વિષયોને તેમના માર્ગ હોવાનું કહે છે ને શરીર, ઇન્દ્રિય તેમજ મનથી યુક્ત આત્માને ભોક્તા કહે છે. એટલા માટે પરમ પદની પ્રાપ્તિ માટેનો માર્ગ દર્શાવતાં યમરાજ કહે છે:

विज्ञानसारथिर्यस्तु मनः प्रग्रहवान्नरः।

सोडध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्॥

(૧.૩.૯)

‘જે મનુષ્ય વિવેકયુક્ત બુદ્ધિરૂપી સારથિવાળો અને મનને વશમાં રાખવાવાળો હોય છે, તે સંસારમાર્ગને પાર કરી વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરી લે છે.’

ધર્મગ્રંથોની વાણી છે –

‘रथे तु वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते’

રથમાં અવસ્થિત વામન અર્થાત્ વિષ્ણુનાં દર્શન કરવાથી પુનર્જન્મ નથી થતો. એટલા માટે જ કદાચ શ્રીજગન્નાથની રથયાત્રા જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. પણ જેઓ આ રથયાત્રા નથી નિહાળી શકતા, તેઓને માટે શો ઉપાય છે? કઠોપનિષદમાં આ વામન શબ્દની વ્યાખ્યા આત્માના રૂપમાં કરવામાં આવી છે:

‘मध्ये वामनासीनं विश्वे देवा उपासते’

(૨.૨.૩)

‘હૃદયની મધ્યમાં રહેવાવાળા તે વામનની સૌ દેવતાઓ ઉપાસના કરે છે.’

‘अंगुष्ठमात्रः पुरुषो मध्य आत्मनि तिष्ठति’

(૨.૧.૧૨)

‘અંગૂઠા જેવડા પરિમાણવાળો પુરુષ દેહના મધ્યમાં અવસ્થિત છે.’ માનવમાત્રનું કર્તવ્ય છે કે દેહમાં અવસ્થિત આ વામન અર્થાત્ આત્માનું દર્શન કરે.

આમ, આપણે જોઈએ છીએ કે આપણા ધર્મગ્રંથોએ સાધારણ માનવ માટે મનોવૈજ્ઞાનિક ઢબે, રથની ઉપમા દ્વારા ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનને સુલભ કરી દીધું છે.

રથયાત્રાના પ્રસંગે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણા બુદ્ધિરૂપી સારથિને વિવેક પ્રદાન કરે જેથી આપણી રથયાત્રા સફળ થઈ જાય અને આપણે ૫રમપદની પ્રાપ્તિ કરી શકીએ.

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.