૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન અને અધ્યાપન. ૭મી ઓક્ટોબર, ૨૦૧૧માં તેમના દેહાંત સુધી જીવનપર્યંત તેઓ આ જ કાર્યમાં વ્યસ્ત રહ્યા હતા.

તેઓ એક દીક્ષિત ભક્ત હતા અને તેમનો પરિવાર પણ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલો હતો.

શ્રી દુષ્યંતભાઈ પંડ્યા ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ જીવનના અંત સુધી શ્રીરામકૃષ્ણનું કાર્ય કરતા રહ્યા. તેમણે તેમના દેહાંતના આગલા દિવસે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિક માટે લેખ લખ્યો અને બીજે દિવસે, એટલે કે તેમના નિધન થવાના દિવસે તે લેખ સાથે જ તેમના દેહાંતના દુઃખદ સમાચાર રાજકોટ આશ્રમને મળ્યા.

મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૨ દરમિયાન શિક્ષક તરીકે સેવાઓ આપી, એ વચ્ચે જ તેમણે ૧૯૫૦માં Ph.Dની પદવી પ્રાપ્ત કરી. ૧૯૫૨ થી ૧૯૭૭ સુધી તેમણે પ્રિન્સિપાલ તરીકે સેવા આપી, તે દરમિયાન ૧૯૫૬ થી ૧૯૬૬ સુધી જામનગર કૉલેજમાં માનદ્ અધ્યાપક તરીકે અને બાદમાં ૧૯૮૫ થી ૧૯૯૩ દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ટીચિંગના માનદ્ અધ્યાપક તરીકે સેવા પ્રદાન કરી. તદુપરાંત વિદ્યોત્તેજક મંડળ, જામનગરમાં ૧૯૭૭-૨૦૧૦ દરમિયાન વિભિન્ન પદો પર રહી વિવિધ પ્રકારે નિ:સ્વાર્થ સેવારત રહ્યા. તેઓ જ્ઞાનથી સભર અને સમર્પિત અધ્યાપક હતા.

સેવાનિવૃત્તિ બાદ પણ તેઓએ ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી, જામનગર અને કસ્તુરબા સ્ત્રીવિકાસ ગૃહ જેવી સામાજિક સંસ્થાઓમાં નિઃસ્વાર્થ અમૂલ્ય સેવાઓ આપી.

તેઓ ૧૯૪૩માં જ્યારે કરાંચીમાં શારદા સ્કૂલમાં શિક્ષક હતા ત્યારે તેમના મિત્ર શ્રી જયાનંદભાઈએ તેમને એક સંન્યાસીનું પ્રવચન સાંભળવા આવવાનું કહ્યું. શ્રી દુષ્યંતભાઈ તેમની આત્મકથામાં કહે છે કે તે સમયે તેમને સાધુ-સંન્યાસીઓ પ્રત્યે પૂર્વગ્રહ હતો. તેઓ એવું જ માનતા કે બધા સાધુઓ નકામા બેસી રહે છે, પરાવલંબી છે, આપણા દેશ માટે બોજારૂપ છે. તેઓ તે સમયે નાસ્તિક સ્વભાવના હતા. તેઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. અંગ્રેજી પુસ્તકો વાંચીને લોકોની જે માનસિકતા થઈ જાય છે એવી જ માનસિકતા દુષ્યંતભાઈની હતી. તેમને પોતાના અંગ્રેજીના જ્ઞાન પર ગર્વ હતો.

જયાનંદભાઈના અતિ આગ્રહથી ન ગમે તો પાછા આવવાની શરત સાથે તેઓ બંને પ્રવચન સાંભળવા ગયા. સ્વામી રંગનાથાનંદજી મહારાજનું કઠોપનિષદ વિશે અંગ્રેજીમાં પ્રવચન ચાલી રહ્યું હતું. તેમના ધારાપ્રવાહથી દુષ્યંતભાઈ અચંબિત થઈ ગયા. મહારાજે એક પછી એક અંગ્રેજીનાં વાક્યો ઉદ્ધૃત કર્યાં, શ્લોકના ઉચ્ચારણ કર્યા અને એ પણ કોઈપણ લખાણ સામે રાખ્યા વિના, વિક્ષેપ વગર, અનર્ગલ. દુષ્યંતભાઈ મુગ્ધ થઈ ગયા અને તેમનો અંગ્રેજી પરનો પોતાનો ગર્વ ચૂરચૂર થઈ ગયો. બીજે દિવસે કરાંચીના આશ્રમમાં પહોંચી તેમણે મંદિરમાં દર્શન કર્યાં અને પૂજ્ય રંગનાથાનંદજી મહારાજને મળ્યા.

તે સમયે સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે અન્ય બે બ્રહ્મચારીઓ હતા. એક, નારાયણ મહારાજ—જે પછીથી સ્વામી સર્વાગતાનંદ બન્યા અને સમયાંતરે બોસ્ટન કેન્દ્રના અધ્યક્ષ થયા. બીજા હતા અર્જુન મહારાજ—જે પછી સ્વામી ભવ્યાનંદ બન્યા અને લંડન કેન્દ્રના અધ્યક્ષ થયા. આ બન્ને સ્વામીજીઓ સાથે દુષ્યંતભાઈને અતિ ઘનિષ્ઠ સંબંધ હતો. સમય જતાં દુષ્યંતભાઈ મુંબઈ આવ્યા અને તે વખતે મુંબઈ કેન્દ્રના અધ્યક્ષ સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ બંધાયો. આમ, યુવાવસ્થામાં થોડાક જ સમયમાં કેટલાયે સંન્યાસીઓ સાથે તેઓ સંપર્કમાં આવ્યા અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં જોડાઈ ગયા.

અગત્યની વાત એ છે કે તેઓ કરાંચીમાં હતા ત્યારે એક વખત ડૉ. રાધાકૃષ્ણન આવ્યા હતા, જેઓ તે સમયે બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા. એક અઠવાડિયું તેમણે કરાંચીમાં પ્રવચનો આપ્યાં. આ સમય દરમિયાન સ્વામી રંગનાથાનંદજીએ શ્રી દુષ્યંતભાઈને તેમની સેવામાં લગાવી દીધા. સ્વામી રંગનાથાનંદજી અને ડૉ. રાધાકૃષ્ણન વચ્ચે વિદ્વત્તાપૂર્ણ વાતચીત થતી રહેતી અને તેનાથી દુષ્યંતભાઈ ખૂબ પ્રભાવિત થયા અને આમ તેમની જ્ઞાનપિપાસા સંતોષાઈ. આ પ્રસંગનો ઉલ્લેખ કરી દુષ્યંતભાઈ પોતાની આત્મકથામાં લખે છે, “That was my Golden week.” અને પછી તેઓ અંતિમ શ્વાસ સુધી રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા રહ્યા.

અધ્યાપન ક્ષેત્રનાં કાર્યો માટે તેઓ કહે છે, “I had the privilege of being educated in six educational institutions and two universities and of teaching in eight schools of three countries.” પાકિસ્તાન અને ભારત ઉપરાંત ૧૯૬૫-૬૬માં એક વર્ષ માટે તેઓને અમેરિકન લોકોને અંગ્રેજી શીખવવા મોકલવામાં આવ્યા હતા.

સાહિત્ય ક્ષેત્રે લેખનકાર્યના તેમના શોખને કારણે તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે અને અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી અનુવાદ કર્યા છે. તેમાંનાં કેટલાંક પુસ્તકોનો ઉલ્લેખ આ મુજબ છે—

સ્વામી રંગનાથાનંદજીનાં અંગ્રેજી પુસ્તકો ‘The Message of the Upanishads’,‘Universal Message of the Bhagavad Gita (in 3 parts)’ના તેમના અનુવાદો અનુક્રમે ‘ઉપનિષદોનો સંદેશ’ અને ‘ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ’રૂપે પ્રકાશિત થયા છે. મિલ્ટનના ‘Paradise Lost’ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘સ્વર્ગમાંથી પતન’,  ‘ભક્તિ પદારથ’—૧૧ કાવ્યોનું રસાસ્વાદન, સ્વામી રંગનાથાનંદજીના પુસ્તકનો ‘વ્યવહારુ વેદાંત અને મૂલ્યોનું વિજ્ઞાન’ શીર્ષક સાથે અનુવાદ, શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’, ગુજરાત ગ્રંથકાર શ્રેણીમાં સુંદરજી બેટાઈ વિશે (સંપાદક-શ્રી રમણલાલ જોશી), પોતાના જીવનપ્રસંગોનું વર્ણન–‘સ્મરણક્યારાનાં સુમનો’, ‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથાઓ’, ‘જગજ્જનની શારદાદેવી’, ‘યતિરાજ વિવેકાનંદ’, ‘પરમહંસ શ્રીરામકૃષ્ણ’ વગેરે પુસ્તકોમાં સંક્ષિપ્ત જીવનચરિત્રોનું આલેખન, ‘શ્રીશ્રી માતૃચરણે’નો અનુવાદ મુખ્ય છે.

તદુપરાંત, Shri Ramakrishna Paramahansa, Swami Vivekananda—The Monarch of Monks, અને Sri Saradadevi—The Universal Mother આ ત્રણ પુસ્તકો અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશિત થયાં છે.

યાત્રા-પ્રવાસ ક્ષેત્રે ‘કોલમ્બસને કેડે’, અને અન્ય વિષય પર ‘બાળવિકાસ: મોન્તેસોરી પદ્ધતિ’ જેવાં કુલ ૨૧ પુસ્તકોનું લેખન અને અનુવાદ તેમના નામે છે.

તેમનાં ઘણાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય એકેડેમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયા છે. જેમાં—

-‘બાળવિકાસ: મોન્તેસોરી પદ્ધતિ’—ગુજરાતી સાહિત્ય પરિષદનો શિક્ષણ વિષયક ત્રિવેદી પુરસ્કાર, ૧૯૯૮-૯૯. ‘સ્મરણક્યારાનાં સુમનો’—ગુજરાત સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, ‘સ્મરણોની વીથિકામાં’ અને ‘કોલંબસને કેડે’ પુસ્તકોને ગુજરાત સાહિત્ય એકેડેમીનાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકો મુખ્ય છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું બે પ્રકારે યોગદાન રહ્યું છે. એક, પુસ્તકોનું લેખન અને અનુવાદ, અને બીજું, ગૃહસ્થ ભક્તો દ્વારા ચલાવવામાં આવતાં ‘ભાવપ્રચાર પરિષદ’ હેઠળનાં કેન્દ્રોમાંનું એક કેન્દ્ર જામનગરમાં શ્રી દુષ્યંતભાઈએ શરૂ કર્યું. આ પહેલાં પણ વિવિધ પ્રસંગોએ તે કેન્દ્રમાં કાર્યક્રમો થતા, જ્યારે ૧૯૯૨માં ‘ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ’નું નિર્માણ થયું ત્યારે એક કાયદેસરનું રજિસ્ટર્ડ ટ્રસ્ટ બન્યું અને શ્રી દુષ્યંતભાઈ તેમના અધ્યક્ષ બન્યા. પછીથી આ કેન્દ્ર માટે જમીન ખરીદી અને નાનું કેન્દ્ર પણ બનાવ્યું, જ્યાં દર સપ્તાહે તેઓ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના વર્ગો પણ ચલાવતા. ઉપરાંત, સ્ટડી સર્કલ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત થતા માસિક મુખપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વિશિષ્ટતા જાળવવા માટેની સંપાદકીય સલાહકાર સમિતિના એક સદસ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. તેમનો સમગ્ર પરિવાર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન રહ્યો છે. આમ, રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ, શ્રીમા શારદાદેવી અને શ્રીમત્‌ સ્વામી વિવેકાનંદના અવિરત અગણિત આશીર્વાદ તેમના સૌ પરિવારજનોને સર્વદા પ્રાપ્ત થાય, તેવી તેઓની પાસે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ.

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.