(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.)

એક કથા છે. જ્યારે ભગવાન શ્રીરામચંદ્રજીએ ‘દશહરા’ને દિવસે દસ માથાવાળા રાવણનો વધ કર્યો, તે દિવસે બધા દેવતાઓ આવ્યા અને શ્રીરામચંદ્રજીની સ્તુતિ-વંદના કર્યાં. પરંતુ એક દેવ નહોતા આવ્યા—શિવજી. તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે—

‘જ્યારે બધા દેવતાઓ સ્તુતિ કર્યા બાદ પોતપોતાનાં વિમાનમાં ચાલ્યા ગયા, ત્યારે શિવજી આવ્યા અને અભિનંદન આપવાને બદલે શ્રીરામને કહેવા લાગ્યા, ‘રક્ષા કરો! રક્ષા કરો!!’. રાવણનો વધ થયો છે, છતાં શિવજી કહે છે કે રક્ષા કરો, રક્ષા કરો! આ કેવી વાત!

ત્યારે મહાદેવે કહ્યું, ‘તમે એક રાવણને માર્યો છે, જે બાહ્ય છે. પરંતુ મનુષ્યની અંદર તો કેટલાયે રાવણો રહેલા છે. જ્યારે તમે એને મારશો ત્યારે જ મનની શાંતિ પ્રાપ્ત થશે.’

‘રામચરિતમાનસ’ની આ અગત્યની વાત સમજવા જેવી છે. બહારનો રાવણ તો અંદર રહેલા કેટલાયે અસુરોનો માત્ર એક પ્રતિનિધિ છે, એક પ્રતીક છે.

સુપ્રસિદ્ધ રામાયણી પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય બનારસ યુનિવર્સિટીમાં તેમના વ્યાખ્યાનમાં કહે છે—

‘જય અને વિજય એ બે દ્વારપાળોને શ્રાપ હતો, તેથી તેમને ત્રણ વાર અસુર રૂપે જન્મ લેવો પડ્યો હતો. સતયુગમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રૂપે, ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ રૂપે અને દ્વાપરયુગમાં શિશુપાલ અને દંતવક્ત્ર રૂપે.’ ત્યારે કોઈએ પૂછ્યું, ‘પંડિતજી, તો પછી કળિયુગમાં તો કોઈ અસુર પેદા થયો નથી, જો એમ હોત તો તુલસીદાસજીએ એનો ઉલ્લેખ જરૂર કર્યો હોત.’ ત્યારે શ્રી રામકિંકરજીએ ઉત્તર આપ્યો, ‘ના, એવું નથી. તમે જાણો છો કે એ સમયે માત્ર એક રાવણ હતો, જ્યારે અત્યારે કળિયુગમાં અનેક રાવણો છે. કોનો ઉલ્લેખ કરવો અને કોનો નહીં! એ રાવણ દરેકના હૃદયમાં રહેલો છે. એ છે વિષયવાસના, લોભ, મનની દુષ્ટ ભાવનાઓ-વૃત્તિઓ.’

એ અસુરોનો નાશ કરવા શ્રીરામકૃષ્ણ અવતરિત થયા હતા. ભગવાનનો એ ખાસ અવતાર શ્રીરામકૃષ્ણ હતા. એટલે જ સ્વામી વિવેકાનંદે તેમને ‘અવતારવરિષ્ઠ’ કહ્યા છે. સ્વામી વિવેકાનંદે પોતે જ આ શ્લોકની રચના કરી છે—

‘સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે,
અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણાય તે નમ:’

કેવો વિરોધાભાસ! સ્વામીજીએ હંમેશાં કટ્ટરવાદનો વિરોધ કર્યો હતો, અને વળી તે જ પોતાના ગુરુદેવને ‘અવતારવરિષ્ઠ’ કહે છે! પણ સ્વામીજીએ જાહેરમાં એમ ક્યારેય નથી કહ્યું કે તમારે શ્રીરામકૃષ્ણનો અવતાર તરીકે સ્વીકાર કરવો પડશે. તેમણે કહ્યું છે કે તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમારી શ્રદ્ધા પ્રમાણે તેમનો સ્વીકાર કરવો; સંત તરીકે, મનુષ્ય તરીકે, અવતાર તરીકે. કોઈ બળજબરી નહીં.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે—

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥

“જ્યારે પણ આ પૃથ્વી પર ધર્મનો નાશ થાય છે, વિનાશનું કાર્ય થાય છે અને અધર્મ વધે છે, ત્યારે હું સમયાંતરે આ પૃથ્વી પર અવતરું છું.”

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥

“મહાપુરુષો અને ઋષિઓની રક્ષા કરવા અને પૃથ્વી પરથી પાપનો નાશ કરવા, દુષ્ટો અને પાપીઓનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે, હું દરેક યુગમાં વારંવાર અવતાર લઉં છું અને પૃથ્વીના તમામ રહેવાસીઓનું કલ્યાણ કરું છું.”

ત્રેતાયુગમાં શ્રીરામ, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ, એ જ આ કળિયુગમાં શ્રીરામકૃષ્ણના રૂપે અવતરિત થયા હતા. તો પછી સ્વામી વિવેકાનંદ કેમ કહે છે, શ્રીરામકૃષ્ણ ‘અવતારવરિષ્ઠ’ છે. એ ગૂઢ રહસ્ય છે, એક કોયડો છે.

શ્રીશ્રીમાના સાક્ષાત્ શિષ્ય અને રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી વીરેશ્વરાનંદજીએ સમાધાન કરતાં કહ્યું હતું, ‘એક જ અભિનેતા અલગ અલગ ફિલ્મમાં અલગ અલગ ભૂમિકા ભજવે છે. દરેક ભૂમિકામાં તે ઉત્કૃષ્ટ અભિનય કરે છે. પણ કોઈ એક ભૂમિકામાં લોકો કહે છે, ‘તે અભિનય બધામાં સર્વશ્રેષ્ઠ હતો.’ તે જ રીતે એક જ ઈશ્વર જુદા જુદા યુગમાં વિવિધ અવતાર રૂપે મનુષ્યદેહ ધારણ કરે છે. આ વખતે શ્રીરામકૃષ્ણ રૂપે તેમણે જે ભૂમિકા કરી હતી તે સર્વશ્રેષ્ઠ હતી. આ વખતે તેઓ સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને અવતર્યા હતા. સ્વામી વિવેકાનંદજી કહે છે—“તેઓ આધુનિકતમ અને સર્વાંગ સંપૂર્ણ અવતાર છે.”

આપણા મનમાં પ્રશ્ન થાય છે કે શ્રીરામકૃષ્ણદેવે કયા રાક્ષસોનો વધ કર્યો હતો? તેમણે સંશય-રાક્ષસ, ઉપભોક્તાવાદરૂપી રાક્ષસ તેમજ ધર્માંધતારૂપી રાક્ષસનો વધ કર્યો હતો.

આજનો યુવાન ધર્મ કરતાં આધુનિક વિજ્ઞાનમાં અને સંશોધનોમાં વધુ રુચિ દાખવે છે. આસ્થા, અને શ્રદ્ધાને બદલે આપણને જોઈએ છે આધારભૂત વૈજ્ઞાનિક સત્ય. આપણા બધા વતી નરેન્દ્રનાથ દત્તે કાન્ટ, હેગલ, જ્હોન સ્ટુઅર્ટમીલ, સ્પેન્સર એ બધા પાશ્ચાત્ય લેખકોને વાંચ્યા હતા. એ બધાને વાંચ્યા પછી તેઓ અજ્ઞેયવાદી બની ગયા હતા. પરંતુ આ જ અરસામાં તેમને પરમ સત્યનો સાક્ષાત્કાર કરવાની તીવ્ર તાલાવેલી લાગી હતી. દરેક સંતને પ્રશ્ન પૂછતા રહ્યા, ‘તમે ઈશ્વરને જોયા છે?’ પરંતુ ક્યાંયથી પણ સંતોષકારક ઉત્તર ન મળ્યો. અંતે તેમની કૉલેજના પ્રૉફેસરે દક્ષિણેશ્વરમાં રહેતા શ્રીરામકૃષ્ણ પરમહંસની અનુભૂતિની વાત કરી. તેઓ તો જઈ પહોંચ્યા દક્ષિણેશ્વર. પછીની વાત સ્વામીજીના જ શબ્દોમાં જોઈએ—

‘…તેમની સાથે થોડી વાતો થઈ. તેમની વિચિત્ર રહેણીકરણી, આધ્યાત્મિક વાતચીત, હાવભાવ અને સમાધિદશા ઉપરથી મને એમનામાં સાચા ત્યાગીનાં દર્શન થયાં. હું તેમની વધુ નજીક ગયો અને જે પ્રશ્ન મેં અનેક વાર અનેકને પૂછ્યો હતો તે એમને પણ પૂછ્યો: ‘મહાશય, આપે ઈશ્વરને જોયો છે?’ એમણે ઉત્તર આપ્યો, ‘હા, જેવી રીતે તને જોઉં છું તેવી જ રીતે ઈશ્વરને જોઉં છું. ફરક એટલો છે કે એને હું વિશેષ સ્પષ્ટતાથી જોઉં છું. જેવી રીતે તને જોઉં છું અને તારી સાથે વાતો કરું છું એ જ રીતે ઈશ્વરની સાથે પણ વાતો થઈ શકે. પરંતુ એવી દરકાર કોણ કરે છે? સ્ત્રી, પુત્ર, ધન અને સંપત્તિ માટે લોકો આંસુઓની નદીઓ વહાવે છે. પરંતુ ઈશ્વરને માટે એમ કોણ કરે છે? જો કોઈ મનુષ્ય ઈશ્વર ખાતર સાચા હૃદયથી આંસુ સારે તો એને જરૂર ઈશ્વરનાં દર્શન થાય.’ નરેન્દ્રનાથે આ પડકારનો સ્વીકાર કર્યો અને આધ્યાત્મિક સાધનામાં લાગી ગયા, અને તેના ફળસ્વરૂપ તેમણે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. આ છે ધર્મનું વિજ્ઞાન. કશુંક પ્રાપ્ત કરવા માટે તેનો અભ્યાસ કરવો પડે.

શ્રીરામકૃષ્ણને ગળાના કેન્સરનું નિદાન થયું હતું અને તેમની કાશીપુરમાં સારવાર ચાલી રહી હતી. નરેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદ) અને તેમના ગુરુભાઈઓ તેમની સેવા કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણે ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના દિવસે મહાસમાધિમાં પ્રયાણ કર્યું તેના બે દિવસ પહેલાં સ્વામીજીને શંકા જન્મી, ‘લોકો આમને અવતાર કહે છે. શું અવતાર આટલી પીડા ભોગવે? હું નથી માનતો. જો આ સ્થિતિમાં તેઓ કહે કે હું અવતાર છું, તો હું માનું.’ અને આશ્ચર્ય કે જેવો તેમના મનમાં આ વિચાર આવ્યો કે તરત જ શ્રીરામકૃષ્ણે તેમની સામે જોઈને કહ્યું, ‘નરેન! હજી તને શંકા છે! જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ અત્યારે આ શરીરમાં રામકૃષ્ણ છે, પરંતુ તારા વેદાંતની દૃષ્ટિએ નહીં.’ કારણ કે વેદાંત કહે છે કે દરેક બ્રહ્મ છે. ઈશ્વર ખરેખર ધર્મની રક્ષા કરવા અવતાર ધારણ કરે છે. આમ, શ્રીરામકૃષ્ણે સંશય-રાક્ષસનો વધ કર્યો અને એ પણ શસ્ત્ર વિના. તેમની પાસે એક શસ્ત્ર હતું, પ્રણામ-અસ્ત્ર—નમ્રતા.

આ કળિયુગનો બીજો રાક્ષસ છે— ઉપભોક્તાવાદ, ભૌતિકવાદ. આજના સમયમાં લોકોને કોઈ વસ્તુને વધુ ને વધુ મેળવવાની ઇચ્છા રહેતી હોય છે. લાલસા, તૃષ્ણા, લોભરૂપી રાક્ષસથી લોકો પીડાય છે. લોકોને કોઈ વાતે સંતોષ નથી. ધનનું મહત્ત્વ શૂન્ય છે એ દર્શાવતા બે પ્રસંગોનો અહીં ઉલ્લેખ કરવો ઘટે.

એક દિવસે શ્રીરામકૃષ્ણે પોતે જ કહેલું—

‘ઈશ્વરને મેળવીએ એટલે બધાયને મેળવીએ. રૂપિયા માટી, માટી જ રૂપિયા; સોનું માટી, માટી જ સોનું એમ કહીને મેં તેનો ત્યાગ કર્યો, ગંગાના પાણીમાં ફેંકી દીધાં.’

આજના કળિયુગનો ત્રીજો રાક્ષસ છે ધર્માંધતારૂપી રાક્ષસ.

શ્રીરામકૃષ્ણ પોતાના સાધના-જીવન દરમિયાન મા કાલીની સાધના કરીને તેમનાં દર્શન પામ્યા. પછી શ્રીકૃષ્ણ, શ્રીરામ, રાધાજી, હનુમાનજી વગેરેની સાધના કરી તેઓનાં પણ સાક્ષાત્ દર્શન કર્યાં. ત્યાર પછી ભૈરવી બ્રાહ્મણીના માર્ગદર્શન હેઠળ તાંત્રિક સાધના કરી, તોતાપુરીના માર્ગદશન હેઠળ અદ્વૈત વેદાંતની સાધના કરી અને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ ઇસ્લામની સાધના અને ખ્રિસ્તી ધર્મની સાધનાના અંતે તેમને અનુક્રમે મહંમદ પયગંબર અને ઈસુ ખ્રિસ્તનાં દર્શન પણ થયાં. દરેક સાધના પછી તેમણે અનુભવ્યું કે અંતિમ સત્ય એક જ છે. દરેક પંથ અને ધર્મની સાધના પછી તેમણે એક જ સત્ય હોવાની અનુભૂતિ સાથે ‘જતો મત તતો પથ—જેટલા મત તેટલા પથ’નો સંદેશ જગતને આપ્યો. તમે કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે પથને અનુસરો, પરંતુ એ તમામનું અંતિમ લક્ષ્ય તો એક જ છે. આમ, તેમણે ધર્મ ધર્મ વચ્ચેના કટ્ટરતારૂપી ત્રીજા રાક્ષસનો વધ કર્યો. તેઓએ કહ્યું છે, ‘એક જ તળાવના પાણીને વિવિધ ધર્મના લોકો જળ, પાણી, વોટર, એક્વા એમ અલગ અલગ નામ આપે છે, વસ્તુત: તો એ એક જ છે. એ જ પ્રમાણે અલ્લાહ, ગોડ, રામ, કૃષ્ણ એ બધાં એક જ ઈશ્વરનાં વિવિધ નામો છે.’

સેમ્યુઅલ પી. હન્ટિંગ્ટને એક સુંદર પુસ્તક લખ્યું છે, ‘The Clash of Civilization and Remaking of a World Order.’ તેમાં તેઓ આંકડાઓના ઉલ્લેખ સાથે લખે છે: ‘મોટાભાગના દેશોની લડાઈ બાહ્ય રીતે શરૂ થતી હોય છે, પણ એવું નથી. જો તમે એમાં ઊંડા ઊતરો તો માલૂમ પડશે કે એ યુદ્ધો દેશોની સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષને કારણે ઉદ્‌ભવતાં હોય છે. અને આ ધર્મો વચ્ચેનો સંઘર્ષ ત્યારે જ બંધ થશે જ્યારે ધર્માંધતા દૂર થશે.’

તે માટે સ્વામી વિવેકાનંદે ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ આપેલ આ સંદેશનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો,

“પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે; અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો, એ એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી હું આગ્રહપૂર્વક આશા રાખું છું.”

આમ, આજના સમયના, આજના યુગના ત્રણ મુખ્ય રાક્ષસો—સંશય-રાક્ષસ, ઉપભોક્તાવાદરૂપી રાક્ષસ અને ધર્માંધતારૂપી રાક્ષસોનો શ્રીરામકૃષ્ણે વધ કર્યો છે અને આધુનિક યુગના તમામ પ્રશ્નોને હલ કર્યા છે, તેથી તેઓ આ યુગના સૌથી આધુનિક અને વરિષ્ઠ અવતાર છે. તેમનો સંદેશ આજના યુગમાં અતિ મહત્ત્વનો છે.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.