[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે ભાવિકજનો સાથે 10મી ડિસેમ્બર 1988ના જે વાર્તાલાપ થયો હતો તેનો સારસંક્ષેપ અહીં રજૂ કરીએ છીએ.]

પ્રશ્ન: ખાસ કરીને પશ્ચિમના દેશોમાંનાં આપણાં ઘણાં કેન્દ્રોને ‘વેદાન્તકેન્દ્ર’ તરીકે શા માટે ઓળખવામાં આવે છે?

ઉત્તર: હા, એનું સાચું નામ તો છે ‘વેદાન્ત સોસાયટી.’ પશ્ચિમમાં લગભગ દરેક ઠેકાણે એને એવું નામ આપવામાં આવ્યું છે. અને જાપાનને પણ જો પશ્ચિમના દેશોમાં ગણી લઈએ, તો ત્યાં પણ આ ‘વેદાન્ત સોસાયટી’ એવું નામ આપવામાં આવ્યું છે અને એ જ રીતે સિંગાપુર, મોરેશ્યસ અને ફિજીમાં પણ આ “વેદાન્ત” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એમ શા માટે કરવામાં આવ્યું છે, એનો ઉત્તર હવે આપું છું.

અહીં ભારતમાં આપણે આપણાં કેન્દ્રોને ‘રામકૃષ્ણ આશ્રમ’ કે એવા કોઈ નામે ઓળખીએ છીએ, તેવી રીતે જ જો બહાર પણ ઓળખાવીએ, તો એ લોકોને એવું લાગવા સંભવ છે કે શ્રીરામકૃષ્ણે સ્થાપેલો આ એક નવો ધર્મ-સંપ્રદાય છે. આમ એ લોકો એને રામકૃષ્ણ પ્રતિષ્ઠાપિત એક ધર્મ-સંપ્રદાય તરીકે ઓળખશે, અને આ ધર્મ એક ‘સંપ્રદાય’ જ બની જશે, અને આધુનિક જનસમાજની રુચિ અને એનું વલણ આવી સાંપ્રદાયિકતા તરફ ઝાઝો રસ દાખવી શકે નહિ અને કદાચ દાખવે તો પણ આપણને એ ઇષ્ટ નથી, એ આપણું ધ્યેય જ નથી. આપણું ધ્યેય તો ‘માનવધર્મ’ છે. સૌને માટે ઉપયોગી એવો ધર્મ. આવા ધર્મને કોઈ ‘સંપ્રદાય’ના સીમિત નામથી ઓળખવામાં આવે, તો એનો વ્યાપ ઘટી જાય એટલા માટે આપણે એને ‘વેદાન્ત’ એવું નામ આપ્યું છે. ‘વેદાન્ત’નો અર્થ આપણે સમજીએ છીએ એ પ્રમાણે વેદમાં જે તત્ત્વની સમજૂતી આપી છે, એ તત્ત્વો જ ‘વેદાન્ત’માં છે. વેદના સિદ્ધાંતો જ વેદાન્ત છે. વેદોનો અંત-વેદોનું સારતત્ત્વ – વેદનું રહસ્ય – છે, તે જ વેદાન્ત કહેવાય છે. એટલે ‘વેદાન્ત સોસાયટી’નો અર્થ એ થાય છે કે એ સંસ્થા વેદાન્ત વિષયને જ કેન્દ્રમાં-મધ્યમાં રાખે છે, અને એનો જ પ્રચાર કરે છે. એ સિવાયનું બીજું કોઈ પણ નામ એ સોસાયટીને આપીએ તો એ સંકુચિત બની જશે. સ્વામી વિવેકાનંદે પણ એ જ નામ પાડ્યું હતું અને અમે પણ એથી એ જ શબ્દ ચાલુ રાખ્યો છે.

પ્રશ્ન: એ ‘વેદાન્ત’ એટલે શું?

ઉત્તર: વેદાન્તનું સારતત્ત્વ સમજાવતો એક સંસ્કૃત શ્લોક છે:

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः ।

ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ।।

‘જે વાત કરોડો ગ્રંથોમાં કહેવાઈ છે, તેને હું અડધા શ્લોકમાં કહી દઈશ કે બ્રહ્મ સત્ય છે; જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મસ્વરૂપ જ છે, એ કોઈ અન્ય-જુદો નથી.’

‘जीवो ब्रह्मैव नापरः’ જીવ બ્રહ્મ જ છે, બ્રહ્મથી જુદો નથી – આ વેદાન્તનું સારતત્ત્વ છે. એટલે આવા આ તત્ત્વનો પ્રચાર જે સંસ્થા કરે, એને ‘વેદાન્ત સોસાયટી’ કહી શકાય.

પ્રશ્ન: પરંતુ સાધારણ માણસો માટે એનો ઉપયોગ શો છે? સામાન્ય માણસો તો જગતને બ્રહ્મથી ભિન્ન જ જુએ છે. આપણે સૌ જોઈએ છીએ કે જગત તો જડ છે. એ કંઈ ચેતન બ્રહ્મ હોઈ શકે નહિ. હા, જીવ ચેતન છે ખરો, પણ એય તે બ્રહ્મ તો ન હોઈ શકે. કારણ કે બ્રહ્મ તો સર્વવ્યાપી છે, નિર્ગુણ છે, નિષ્કામ છે, પરમેશ્વર છે. જીવમાં તો એવું કશું જણાતું નથી. આ જગત તો જડ વસ્તુ છે અને બ્રહ્મ તો ચેતન છે. એટલે એ બંનેમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે. એટલે આવું જગત કેવી રીતે બ્રહ્મ થઈ શકે? બ્રહ્મ પણ કેવી રીતે જગત હોઈ શકે? અલ્પજ્ઞ, સીમિત અને અલ્પશક્તિમાન જીવ પણ કેવી રીતે બ્રહ્મ હોઈ શકે?

ઉત્તર: સામાન્ય જનના મનમાં આવા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે અને એટલે જ તો:‘ग्रन्थकोटिभिः’ શાસ્ત્રોનાં હજારો પાનાં ભરીને એમાં એનું વિસ્તારથી ચિંતનમનન કરવામાં આવ્યું છે. આપણને અહીં એટલા બધા ઊંડાણમાં જવાની જરૂર નથી. કારણ કે બધાને એ ગમે કે પચે એવી વાત નથી. એટલે સામાન્ય માણસથી પણ સમજી શકાય એવી દૃષ્ટિથી આ સરળ વિચાર અહીં મૂકું છું: પહેલાં તો ‘બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે.’– એ વાત આપણે લઈએ. અહીં ‘સત્યનો અર્થ નિત્ય, સદા વિદ્યમાન, જેનો કદિ નાશ થતો નથી, જે સદાસર્વદા હસ્તી ધરાવે છે – રહે છે, જે અપરિણામી છે, નિત્ય છે, અવિનાશી છે, એવો થાય છે અને એ પ્રમાણે બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવે છે. ‘બ્રહ્મ’ શબ્દનો યૌગિક અર્થ-વ્યુત્પત્તિમૂલક અર્થ – સર્વવ્યાપી એવો થાય છે. એ શબ્દ ‘બૃહત્’ શબ્દમાંથી નીકળ્યો છે, એનો અર્થ ‘વ્યાપક’, ‘સર્વવ્યાપી’– એવો થાય છે. જે વસ્તુ સીમિત નથી, દેશથી સીમિત નથી, કાળદ્વારા સીમિત નથી અને નિમિત્ત દ્વારા પણ સીમિત નથી. અર્થાત્ બ્રહ્મ સ્વયંભૂ છે. બ્રહ્મની ઉત્પત્તિ માટે કશું કારણ નથી. બ્રહ્મ સ્વયંસિદ્ધ છે. જેવી રીતે અંધારામાં રહેલી વસ્તુઓને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે, તેવી રીતે બ્રહ્મને જોવા કે દર્શાવવા માટે એનાથી અન્ય કોઈ વસ્તુની જરૂર પડતી નથી. આપણી ઇન્દ્રિયો દ્વારા એ બ્રહ્મને ઓળખી કે જાણી શકાય તેમ નથી. કારણ કે આપણી પાંચેય ઇન્દ્રિયોના વિષયો – શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ – એ પાંચેય વસ્તુઓથી બ્રહ્મ ભિન્ન છે. આ પાંચેય વસ્તુઓ બ્રહ્મમાં નથી. એનો સ્પર્શ ન થઈ શકે; શબ્દથી એને બોલાવી શકાય નહિ; એનો નિર્દેશ થઈ શકે નહિ; આંખથી એને જોઈ શકાય એમ નથી; રસનેન્દ્રિય દ્વારા એનો આસ્વાદ પણ થઈ શકે નહિ; ઘ્રાણેન્દ્રિય દ્વારા પણ એને સમજી શકાય નહિ. કારણ કે એમાં ગંધ નથી.

પ્રશ્ન: તો જે વસ્તુ આ પાંચેય ઇન્દ્રિયોથી પર છે, એટલે જે વસ્તુ ઇન્દ્રિયાતીત છે એને આપણે ઇન્દ્રિયો દ્વારા તો જાણી શકીએ એમ નથી. તો ઇન્દ્રિયો દ્વારા અગમ્ય એવી વસ્તુને સમજવી કેવી રીતે?

ઉત્તર: ઠીક છે, સામાન્ય રીતે તો આપણે દરેક વસ્તુનો અનુભવ આપણી ઇન્દ્રિયો દ્વારા જ કરતા હોઈએ છીએ. આ દરેક ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુ સીમિત હોય છે. અને એ નિઃસીમ બ્રહ્મથી ભિન્ન હોય છે. પણ એ વસ્તુઓમાં રહેલા ‘પ્રકાશ’નો ક્ષય થતો હોતો નથી. ધારો કે આપણી આંખ કામ ન કરે તો જોઈ ન શકાય; કાન કામ ન કરે તો સાંભળી ન શકાય વગેરે પણ જો મન કામ ન કરે તો તો આપણે એ કોઈ વસ્તુને સમજી જ શકીએ નહિ અને એમ થતાં તો પેલી બધી જ ઇન્દ્રિયો નકામી જ બની જાય. એટલે એ બધી ઇન્દ્રિયો (અને વિષયોને) મનના પ્રકાશનો આધાર છે.

પ્રશ્ન: તો સર્વ ઇન્દ્રિયોના પ્રકાશક મનને કેવી રીતે જાણી શકાય?

ઉત્તર: મનને જાણવા માટે અન્ય કોઈ અલગ સાધન હોય એમ દેખાતું નથી. પણ જરા ધ્યાનપૂર્વક વિચાર કરીએ તો જણાય છે કે મન પરિણામ પામે છે, બદલાયા કરે છે. જરા ઊંડો વિચાર કરીએ કે ‘આ મન બદલાય છે’ એ જાણનાર કોણ છે? આપણા મનમાં જે પરિવર્તન થાય છે તેને મન પોતે તો સમજી શકે તેમ નથી એટલે એ મનથી પણ પર કોઈક વસ્તુ અવશ્ય હોવી જોઈએ કે જેના દ્વારા આપણે મનને ઓળખી શકીએ. જેના દ્વારા મનમાં થતાં પરિવર્તનોને આપણે જાણી શકીએ, તે વસ્તુ મનથી પર છે. એટલે આપણે જો મનથી પર રહેલી એ વસ્તુને ન સમજીએ, તો મનમાં થતાં રહેતાં પરિવર્તનો અને પરિણામોને આપણે સમજી શકીશું નહિ. એટલે મનથી પર રહેલ એ જ એકમાત્ર વસ્તુ છે.

પ્રશ્ન: પણ મનથીય પર રહેલ એ વસ્તુને આપણે કેવી રીતે જાણી શકીએ?

ઉત્તર: મનથી પર રહેલી વસ્તુને મન દ્વારા તો જાણી શકાય તેમ નથી. એટલે એ વસ્તુને ‘સ્વયંપ્રકાશ’ કહેવામાં આવે છે. સ્વયંપ્રકાશ – સ્વતઃપ્રકાશ એટલે એ વસ્તુને પ્રકાશિત કરવા માટે કોઈ બીજી વસ્તુની – બીજી સાધનની જરૂર પડતી નથી. મેં જેમ અગાઉ કહ્યું હતું કે અંધારમાં ન દેખી શકાતી વસ્તુને પ્રકાશિત કરવા માટે પ્રકાશની, અન્ય વસ્તુની જરૂર પડે છે, પણ ખુદ પ્રકાશને પ્રકાશિત કરવા – જાણવા માટે વધુ – બીજું શું જોઈએ ભલા? બસ એ પ્રકાશ જ પૂરતો છે. બીજી કશી જરૂર નથી. પ્રકાશ એટલે સ્વપ્રકાશ. પ્રકાશનેય પ્રકાશિત કરવા માટે આપણે જો અન્ય વસ્તુ, અન્ય પ્રકાશની કલ્પના કરીએ તો તો પછી ક્યાંય આરો-ઓવારો ન આવે અને અનવસ્થાદોષ આવી પડે! એટલે કે એ અન્ય પ્રકાશને પ્રકાશિત કરનાર વળી ત્રીજો પ્રકાશ, વળી ચોથો પ્રકાશ! એટલે એ પ્રકાશ એક જ વસ્તુ છે:‘સ્વપ્રકાશ!’ એમ જ માનવું જોઈએ.

આ બધી વાતોનું તાત્પર્ય તમે સમજી શક્યા હશો કે નહિ, તે હું જાણી શકતો નથી, પરંતુ હું સાદી-સીધી ભાષમાં કહું તો એ પ્રકાશ પોતે જ પોતાને પ્રકાશિત કરે છે, એને પ્રકાશિત કરવા માટે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. અંધારામાં રહેલી વસ્તુને પ્રકાશિત કરવા માટે એનાથી અન્ય આલોક-પ્રકાશની જરૂર પડે પણ સ્વયં પ્રકાશને જ પ્રકાશિત કરવા માટે એનાથી અન્ય અલગ પ્રકાશની કેવી રીતે જરૂર હોઈ શકે? હા, મનને પ્રકાશિત કરવા માટે એનાથી અલગ એવા પ્રકાશની જરૂર છે એટલે કે એ પ્રકાશના વિષય તરીકે મન હોવું જરૂરી છે. જો મન ન હોય તો એ આલોક પોતા સિવાય અન્ય કોને કેવી રીતે પ્રકાશિત કરે? મન ન હોય તો આલોક પ્રકાશ કરી શકે નહિ. એ પ્રમાણે દરેક વસ્તુ જાણવા માટે આપણે મન ઉપર આધાર રાખવો પડે છે. પણ એ મનને જાણવા માટે બીજી કઈ વસ્તુની જરૂર છે, એ પ્રશ્નના ઉત્તરમાં એટલે જ આપણે આ કહીએ છીએ કે, એક એવા પ્રકાશની જરૂર છે કે જે સ્વતઃપ્રકાશિત હોય અને જેને પ્રકાશિત કરવા માટે બીજી કશી જ વસ્તુની જરૂર ન હોય એવા પ્રકાશને સંસ્કૃતમાં આપણે ‘સ્વપ્રકાશ’ કહીએ છીએ. અને એ ‘સ્વપ્રકાશ તત્ત્વ’ જ બ્રહ્મ છે. એ બ્રહ્મ સ્વપ્રકાશ હોવાને કારણે જ દરેક વસ્તુને પ્રકાશિત કરે છે. ‘तस्य भासा सर्वमिदं विभाति’– ‘એના જ પ્રકાશથી આ સર્વ જગત પ્રકાશિત થાય છે.’ એટલે આખુંય જગત એ સ્વપ્રકાશ બ્રહ્મ પર આધારિત છે. એટલે જગતની બધી જ વસ્તુઓ નાશ પામે તોપણ એ પ્રકાશ નાશ પામતો નથી. કારણ કે એ કોઈ પણ વસ્તુ પર આધાર રાખતો નથી. એ તો ‘સ્વપ્રકાશ’ છે. એટલે બીજી બધી વસ્તુઓનો પ્રકાશ એ સ્વપ્રકાશ પર આધારિત છે, પણ એ પોતે કોઈ પણ વસ્તુ ઉપર આધારિત નથી. એટલે જ બ્રહ્મ ‘સ્વપ્રકાશ’ છે એવું આપણે બુદ્ધિથી વિચાર કરતાં માનવું જ રહ્યું! કારણ કે જો એ ન હોત તો આપણને જગતની કોઈ જ વસ્તુનું ભાન ન થાત. એટલે એ સ્વપ્રકાશ જગદાધાર બ્રહ્મ જ સર્વનો આધાર છે. અને આખા જગતનો નાશ થઈ જાય તોપણ એનો નાશ થતો નથી. કારણ કે એને પ્રકાશિત કરવા માટે જગતની કશી જરૂર નથી – એ તો સ્વપ્રકાશ છે અને એનો નાશ કરનાર કોઈ વસ્તુ છે જ નહિ. અને સ્વપ્રકાશ વસ્તુ પણ જો કોઈક દિવસે નાશ પામતી હોય તો ‘એ નાશ પામે છે’ એવું જાણનાર કોણ છે? આમ સ્વયંસિદ્ધ Self-evident, કોઈ પણ અન્ય વસ્તુ પર આધાર ન રાખતા આ બ્રહ્મનો નાશ કદી પણ સંભવી શકે નહિ એ વેદાન્તનું સારતત્ત્વ છે.

પ્રશ્ન: શ્લોકમાં બતાવેલ ‘બ્રહ્મ સત્યં’ વિષેના આપના તર્કોથી એનો થોડો ખ્યાલ તો આવી શક્યો, પણ એનું બીજું સૂત્ર ‘जगन्मिथ्या’- ‘જગત મિથ્યા છે’ એ કેવી રીતે સમજાય?

ઉત્તર: જે વસ્તુ દેખાય છે તો ખરી, છતાં પણ એ નિત્ય હોતી નથી, ત્યારે એ ‘મિથ્યા’ કહેવાય છે. ‘મિથ્યા’ શબ્દનો એવો અર્થ છે. એવી મિથ્યા વસ્તુ પ્રકાશિત થાય છે – દેખાય છે, ત્યારે પણ એવી જ, ‘મિથ્યા’ જ હોય છે. કારણ કે ત્યારે પણ એની કોઈ ખરી સત્તા-હસ્તી-હોતી નથી. એટલે જ એને ‘મિથ્યા’ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખરેખર જે એક દોરડું-રજ્જુ જ હોય છે, તેમાં સાપ સાચો ન હોવા છતાં પણ સાપ જેવું દેખાય છે. ખરી રીતે તો દોરડું એ દોરડું જ છે, એમાં દેખાતો હોય તોપણ સાપ તો એ નથી જ, સાપ તો એક ભ્રમ છે. એ સાપને મિથ્યા કહેવામાં આવે છે. જે વસ્તુ નથી, જેની કશી સત્તા નથી અને છતાંય જે દેખાય છે, એને મિથ્યા કહે છે. જગત એવી જ એક વસ્તુ છે. કારણ કે જગત દેખાય છે તો ખરું જ. એનો કોઈ અસ્વીકાર કરી શકે નહિ. છતાં પણ જો દેખાતું આ જગત સત્ય હોય તો એનો કોઈ દિવસ નાશ ન થવો જોઈએ. ‘नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।’– જે વસ્તુ અસત્ હોય, તે ક્યારેય વિદ્યમાન હોઈ શકે નહિ, અને કોઈ દિવસ પ્રકાશિત થઈ શકે નહિ. અને જે વસ્તુ સત્ હોય છે તેનો કોઈ દિવસ અભાવ થઈ શકે નહિ, એ હંમેશાં વર્તમાન જ હોય છે. એનો નાશ માનીએ તો મેં આગળ કહ્યા પ્રમાણે એ નાશને જાણનાર કોઈ મળે નહિ! એટલે બ્રહ્મ નિત્ય અને સદા પ્રકાશમાન છે અને જગત નિત્ય ન હોવા છતાં, એને પોતાનો પ્રકાશ ન હોવા છતાંય બ્રહ્મની સત્તા અને બ્રહ્મના પ્રકાશને લીધે પ્રકાશિત થાય છે, દેખાય છે. જગત બ્રહ્મ ઉપર આધારિત છે. એટલા માટે જગતને અનિત્ય કહે છે એટલે દેખાય છે છતાં એને મિથ્યા કહે છે, ब्रह्म सत्यं जगन्मिथ्या.

પ્રશ્ન: શ્લોકનું ત્રીજું સૂત્ર, ‘जीवो ब्रह्मैव नापरः’– ‘જીવો, મનુષ્યો, પ્રાણીઓ બધાં બ્રહ્મ સિવાય બીજું કશું નથી’ એ કેવી રીતે સમજી શકાય?

ઉત્તર: એ બધા જીવોની સત્તા પણ કોના ઉપર આધારિત છે, એ બાબતનો વિચાર કરતાં જણાશે કે એ પણ સ્વયં બ્રહ્મ સિવાય બીજું કશું નથી. કારણ કે એ જો બીજું કંઈ હોય તો એની એ પૃથક્ સત્તા કોના ઉપર આધાર રાખે છે? એટલે જેમ જગતની સત્તા બ્રહ્મ ઉપર આધારિત છે, તેવી જ રીતે જીવોની સત્તા પણ બ્રહ્મ ઉપર જ આધારિત છે. બ્રહ્મથી એ પૃથક્ નથી. એ ખરેખર બ્રહ્મ જ છે, એટલું કહેવું જ પૂરતું થશે. આ વાત ‘બ્રહ્મ સત્યમ્’ એટલામાં સમાઈ જતી હોવા છતાં અહીં ત્રીજા સૂત્રમાં એને બેવડાવી છે. એ બેવડાવવાનું કારણ એ છે કે આપણને વારંવાર જે ‘અમે જુદા છીએ’ એવું ભાન થયા કરે છે, એવો અનુભવ થયા કરે છે, તે કેવળ ભ્રમ છે, એવું આ સૂત્ર ઠસાવવા માગે છે. એટલા માટે ‘जीवो ब्रह्मैव नापरः’ – ‘બ્રહ્મથી ભિન્ન કશું નથી’ એ વેદાન્તનો સિદ્ધાન્ત છે. આપણી પાસે વધુ સમય નથી, અને વેદાન્ત સમજવામાં તો વધુ સમય લાગે; એટલે ટૂંકમાં કહ્યું છે.

પ્રશ્ન: આ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ શો છે? એ ક્યાં થઈ શકે?

ઉત્તર: જગત જો અનિત્ય જ હોય તો જગત માટે, જગતના પદાર્થો માટેનું આપણા મનમાં જે આકર્ષણ હોય, જે લાલચ હોય એ પણ તદ્દન મિથ્યા જ છે. જે વસ્તુ છે જ નહિ, એ માટે આપણું આકર્ષણ કેવી રીતે સાચું હોઈ શકે? એટલે જે આકર્ષણ આપણને લાગે છે, એનું કારણ ભ્રાન્તિ છે. એને માયા-અવિદ્યા કહેવામાં આવે છે. આ જગત માયિક છે. અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે, અને આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો એ અજ્ઞાન નાશ પામે છે. જેવી રીતે પ્રકાશ આવતાં અંધકાર દૂર થઈ જાય છે, તેવી રીતે બ્રહ્મજ્ઞાન થાય તો જગત મિથ્યા થઈ જાય, એ નાશ પામી જાય. અંધારું હોય તો દોરડામાં સાપ દેખાય છે પણ જો ત્યાં બત્તી લાવવામાં આવે તો સર્પ ક્યાં છે? સર્પ તો ક્યાંય નથી, એ તો રજ્જુ-દોરડું જ છે ને? એ પ્રમાણે જ્ઞાનથી જોઈએ તો જગત ક્યાં છે? એ તો કેવળ બ્રહ્મ જ છે! જગત બ્રહ્મરૂપ જ છે. પણ એ અસલ બ્રહ્મરૂપે દેખાતું નથી, જુદા રૂપમાં જણાય છે, એટલે એ મિથ્યા છે.

હવે એવા જ્ઞાનના ઉપયોગ વિશે વાત કરીએ: જગત જો મિથ્યા વસ્તુ હોય તો મનનું આકર્ષણ એ તરફ ન હોવું જોઈએ. અને જો હોય તો એ આપણી ભ્રાન્તિને લીધે જ હોય છે. રસ્તા ઉપર કોઈક ચમકતો પદાર્થ જોઈને આપણને લાગે છે કે એ રૂપું– silver છે, પણ નજીક જઈને બરાબર રીતે જોઈએ તો ખબર પડે કે અરે, એ તો છીપલું –shell છે! એનો ચમકાર અને એનું ઊજળાપણું જોઈને એમ લાગે છે કે એ રૂપું હોય એમ દેખાય છે. પણ સાચું જ્ઞાન થવાથી એ ભ્રાન્તિ મટી જાય છે. પછી એને લેવા કોઈ આગળ આવે નહિ. એ રીતે જગત તરફનું આપણું આકર્ષણ, જગતના સાચા સ્વરૂપનું જ્ઞાન થતાં આપોઆપ નીકળી જાય છે. એ બ્રહ્મજ્ઞાનનો ફાયદો અને ઉપયોગ છે.

પ્રશ્ન: પરંતુ આપણા જગતના વ્યવહારમાં એ જ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે?

ઉત્તર: જગતના વ્યવહારમાં એ જ્ઞાનનો ઉપયોગ આપણે એવી રીતે કરી શકીએ કે આ જગત આપણે માટે કોઈ કામ્ય વસ્તુ નથી, એને માટે આપણા મનમાં લાલચ ન હોવી જોઈએ અને જે જીવો દેખાય છે, તે બધા બ્રહ્મ જ છે. જીવ-જીવમાં ભેદ કરવાનો કશો અર્થ નથી. કેવળ એક-અદ્વિતીયના જ આપણે ભેદ પાડીએ છીએ! ‘હું એક, ફલાણી વ્યક્તિ મારી’ એમ હુંપણું અને મારાપણું – અહંમમતા જેની દૂર થઈ જાય ત્યારે સંસારમાં એવા મનુષ્યનો જીવનવ્યવહાર બદલાઈ જાય છે. એને પછી કોઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ રહેતું નથી; એને કોઈ વસ્તુ પ્રત્યે ભેદભાવ રહેતો નથી. જે હું છું તે જ બીજાઓ છે, તત્ત્વ એક જ છે. આપણે આ રીતે જો વિચાર કરીએ તો કોઈ તરફ આપણે ભેદભાવ, આપણાં ઇર્ષ્યા-દ્વેષ વગેરે કશું હોઈ ન શકે. બધાય મારું જ સ્વરૂપ છે. આખુંય જગત જો મારું સ્વરૂપ હોય તો પછી કોઈ સાથે આપણે લડવું જોઈએ ખરું? શું કોઈનું અકલ્યાણ કરવું જોઈએ ખરું? બીજાનું અકલ્યાણ એ મારું જ અકલ્યાણ છે, એમ સમજાય તો જગત તરફની આખી દૃષ્ટિ જ બદલાઈ જાય છે. આમ, વેદાન્તનો વ્યાવહારિક જીવનમાં પણ ખૂબ મોટો ઉપયોગ છે. આ બધી વાતો આપણે જલદી અને સહેલાઈથી સમજી શકીએ તેમ નથી, કારણ કે મનમાં મૂળ ઘાલીને દૃઢ રીતે જામેલા જૂના સંસ્કારો આપણને જુદી રીતે ચલાવી રહ્યા હોય છે. એ સંસ્કારોને મૂળ સહિત ઉખેડી નાખવા માટે પણ આ ઉપર બતાવેલા વેદાન્તજ્ઞાનને વાગોળ્યા કરવાની જરૂર છે. આવા વેદાન્તજ્ઞાનને Practical Vedanta – વ્યાવહારિક વેદાન્ત કહેવામાં આવે છે.

પ્રશ્ન: તો પછી જીવનમાં ભક્તિનું કશું મહત્ત્વ ખરું કે નહિ?

ઉત્તર: હા, જે મનુષ્યો વેદાન્તજ્ઞાનનો વિચાર કર્યા વગર પણ અન્ય માર્ગે-ભક્તિમાર્ગે ચાલે છે, ભગવાનનું અનુસરણ કરે છે, ભગવાન ઉપર ભક્તિભાવ અને પ્રેમ રાખે છે, ભગવત્પરાયણ જીવન વિતાવવા માટે પ્રયાસ કરે છે, એ લોકોને પણ જ્ઞાનમાર્ગે ચાલતા મનુષ્યના જેટલો જ ફાયદો થાય છે. આ ભક્તિમાર્ગે મળેલા લોકોના મનમાં ધીરેધીરે એમ વસી જાય છે કે એકમાત્ર ઈશ્વર સિવાય બીજું કશું નથી. મારી અંદર પણ ઈશ્વર છે અને બહાર પણ એ જ ઈશ્વર છે. એ એક જ તત્ત્વ પર બધું આધારિત છે. એ રીતે કોઈ ભક્તિભાવથી ઈશ્વરમય બની જાય કે કોઈ વેદાન્તવિચારથી એવો થાય પણ ફળ તો એક જ ને? સર્વત્ર પ્રભુદર્શન પ્રાપ્ત થતાં એ મનુષ્યનાં બંધન, એની સંકીર્ણતા, એના મનની અનેકવિધ ચિંતાઓ અને એનું દુઃખ ભોગવવાપણું – એ બધું જ મટી જાય છે. આ ભક્તિનું ફળ છે. વેદાન્ત ‘બ્રહ્મસત્ય’નો વિચાર કરે છે અને ભક્ત ‘ઈશ્વર સત્ય’નો વિચાર કરે છે. ભગવાન જ સત્ય છે અને બીજું બધું છે એની લીલા! આ રીતે બધા માર્ગોનો ઉદ્દેશ્ય એક જ છે.

આ સર્વજનોને ઉપયોગી વેદાન્તને વ્યવહારમાં મૂકવા માટે આપણાં વેદાન્તકેન્દ્રો પ્રયાસ કરે છે. ઓછા સમયમાં આ વિશે વધુ કહી શકાય તેમ નથી. પણ ટૂંકમાં આપણે વિચારમાર્ગે કે પછી ભક્તિભાવમાર્ગે – ગમે તે માર્ગે જઈએ પણ ઉદ્દેશ્ય તો એક જ છે: આપણામાં બેઠેલા અહંભાવને-હુંપણાંને કાઢી નાખવાનો. શ્રીરામકૃષ્ણ કહે છે: ‘જો ‘અહં’ સાવ જાય જ નહિ તો એનું ‘દાસ-અહં’, ‘ભક્તિ-અહં’ એ રીતે ચિંતન કરો.’ આમ કરવાથી પણ એ જ ફાયદો થશે કે છેવટે એ ‘હુંપણું’ જ નીકળી જશે અને એની જગ્યાએ ‘તું’ ઈશ્વર પરમાત્મા-બ્રહ્મ જ રહેશે. એટલું જ.

Total Views: 469

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.