નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ માટેની શાંતિ નથી મળી શકતી. શુદ્ધ અને પવિત્ર અંતઃકરણમાં ચિરશાંતિનો પ્રાદુર્ભાવ થાય છે. સ્વાર્થ અને વાસનાઓથી રહિત થયા પછી જ અંતઃકરણ શુદ્ધ થાય છે, ત્યારે જ માનવી શુચિતામાં પ્રતિષ્ઠિત થઈ શકે છે.

આપણા જીવનમાં સ્વેચ્છાથી બોધેલો દરેક નિર્ણય તથા પોતાની ઇચ્છાથી કરેલું દરેક કાર્ય આપણી નૈતિકતાની કસોટી છે. આ પ્રકારનું દરેક કાર્ય અથવા વિચાર આપણને નૈતિક અથવા અનૈતિક બનાવે છે. આપણાં કર્મો પાછળ આપણો જે ઉદ્દેશ રહેલો છે એ જ આપણી નૈતિક્તાની ખરી ઓળખાણ છે. જો કર્મોની પાછળ આપણો ઉદ્દેશ શુભ હશે તો આપણું આચરણ પણ શુદ્ધ હશે અને જો કર્મોની પાછળ આપણો ઉદ્દેશ મલિન અને અશુભ હશે તો ઉપરથી શુદ્ધ દેખાતું આપણું આચરણ પણ ખરી રીતે અનૈતિક અને અશુભ હશે. તેથી કરીને કર્મોની પાછળ રહેલો આપણો ઉદ્દેશ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. આ ઉદ્દેશ આપણા ચરિત્રનિર્માણમાં મદદરૂપ થાય છે. ઘણી વાર સામાન્ય રીતે જોતાં બે માનવીનાં કર્મ એકસરખાં દેખાય છે. પણ એ લોકોનાં કર્મો પાછળ રહેલા ઉદ્દેશ્યોના કારણે એ માનવીઓ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત થઈ જાય છે.

દેવગુરુ બૃહસ્પતિનો તેજસ્વી પુત્ર કચ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યનો શિષ્ય બની ગયો. તે આશ્રમમાં રહીને જ ગુરુની સેવા તથા વિદ્યાનું અધ્યયન કરતો. કચ જેવા બુદ્ધિશાળી મહેનતુ અને ચરિત્રવાન શિષ્યને મેળવીને આચાર્ય ઘણા જ પ્રસન્ન હતા. તેઓ તેની પાછળ વિશેષ ધ્યાન આપતા. શુક્રાચાર્યની એક સુંદર સુશીલ કન્યા હતી. તેનું નામ હતું દેવયાની. આચાર્યનો તેમની પુત્રી પર પ્રગાઢ સ્નેહ હતો. ગુરુની વિશેષ સ્નેહપાત્ર હોવાને કારણે દેવયાની કચની પણ સ્નેહપાત્ર બની ગઈ. કચ ગુરુપુત્રીનું વિવિધ પ્રકારે મનોરંજન કરતો. જંગલમાંથી તેને માટે જાત જાતનાં ફળ-ફૂલ લઈ આવતો. તેની સાથે રમતો. દેવયાનીનાં સગવડતા અને સુખોનું વિશેષ ધ્યાન રાખતો. દેવયાની તેના વ્યવહારથી ઘણી જ પ્રસન્ન અને મુગ્ધ રહેતી. તે કચનાં કામોમાં બની શકે તેટલી મદદ કરતી.

કચનું શિક્ષણ સમાપ્ત થયું. તે દુર્લભ વિદ્યાનો નિષ્ણાત અધિકારી બની ગયો. ગુરુદેવે તેને પોતાને ઘેર જવાની રજા આપી દીધી. કચે આશ્રમના બધા જ સહપાઠીઓ તથા રહેવાસીઓને મળીને વિદાય લીધી. પણ તેણે દેવયાનીને ક્યાંય ન જોઈ. તેની વિદાય લેવા માટે તે એને શોધવા લાગ્યો. તેણે જોયું કે આશ્રમથી થોડે દૂર એક એકાંત કુંજમાં દેવયાની એકલી અટૂલી ઊભી છે. કચને ઘણું આશ્ચર્ય થયું. ત્યાં જઈને તેણે દેવયાનીને પૂછ્યું, “તું અહીંયાં એકલી કેમ ઊભી છે? હું તો તને આશ્રમમાં શોધી રહ્યો હતો. ગુરુદેવે કૃપા કરીને મને ઘેર જવાની રજા આપી દીધી છે. મારું શિક્ષણ પૂરું થઈ ગયું છે. હવે હું મારે ઘેર પાછો ફરી રહ્યો છું. મેં બધાં જ આશ્રમવાસીઓની વિદાય લઈ લીધી છે અને હવે તારી વિદાય લેવા આવ્યો છું. મને વિદાય આપ અને મારે લાયક કાંઈ હોય તો કહે.”

દેવયાનીએ કહ્યું, “બ્રાહ્મણકુમાર! આ એકાંતમાં હું તમારી જ વાટ જોઈ રહી હતી. હું પહેલાંથી જ જાણતી હતી કે પિતાશ્રીએ તમને ઘેર જવાની પરવાનગી આપી દીધી છે. પણ હું તમને એક નિવેદન કરવા માગું છું એટલે જ હું એકાંતમાં તમારી વાટ જોઈ રહી હતી. હું જાણતી હતી કે તમે મને મળ્યા વગર નહીં જાઓ.”

કચે કહ્યું, “દેવયાની, તું મારી ગુરુપુત્રી છે. તારી વિદાય લીધા વગર ભલા હું કેવી રીતે ઘેર જઈ શકત. તારી પ્રસન્નતામાં ગુરુદેવની પણ પ્રસન્નતા છે. કહે શું કહેવા માગે છે?”

દેવયાનીએ કહ્યું, “કચ, તમારી સેવા અને સદ્‌વ્યવહારથી હું મુગ્ધ થઈ છું. હું પણ હવે આજીવન તમારી સેવા કરવા માગું છું. તમે મને તમારી અર્ધાંગિનીના રૂપમાં સ્વીકારી લો.”

દેવયાનીનો પ્રસ્તાવ સાંભળીને કચ એકદમ અવાક્ થઈ ગયો. તેણે સ્વપ્નમાં દેવયાની પાસે આવા વર્તાવની આશા નહોતી કરી. તે તો એની ગુરુપુત્રી હતી અને ગુરુપુત્રી તો નાની બહેન જેવી હોય. કચે સદાય તેને તેવી જ દૃષ્ટિથી જોયેલી હતી. પોતાની નાની બહેન સમજીને જ તેણે દેવયાનીની સેવા કરેલી. તેને લાડ કરેલાં, તેનું મનોરંજન કરેલું અને તેના પ્રત્યે મધુર સ્નેહપૂર્ણ વર્તાવ રાખેલો. કચનું મન નિર્મળ અને પવિત્ર હતું. દેવયાનીને બહેન સિવાય બીજી કોઈ પણ દૃષ્ટિથી જોવી, એ તેના માટે અશક્ય હતું. તેણે કહ્યું, “દેવયાની, આ તું શું કહી રહી છે? તું તો મારી ગુરુપુત્રી છે. ગુરુપુત્રી તો પૂજ્ય હોય. ધર્મ પ્રમાણે તું મારી બહેન છો. તારા મુખથી આવો અયોગ્ય પ્રસ્તાવ શોભા નથી દેતો. તારે મને ભાઈની દૃષ્ટિથી જ જોવો જોઈએ.”

દેવયાનીએ રોષમાં કહ્યું, “કચ, મને તમારો ઉપદેશ કે આદર્શો નથી જોઈતા. હું તમને પ્રેમ કરું છું. બોલો, તમે મારો સ્વીકાર કરો છો કે નહીં? જો નહીં, તો હું તમને શ્રાપ આપીશ કે, પિતાજીએ આપેલી સંજીવની વિદ્યાનો તમે પ્રયોગ કરશો, તો તે નિષ્ફળ થઈ જશે.”

કચે શાંત ચિત્તે કહ્યું, “દેવયાની, મેં હૃદયથી તને બહેન માની છે. મારી વિદ્યાનો નિષ્ફળ થવાનો શાપ તો શું, પણ તું જો મારું શિરચ્છેદન પણ કરાવી દે, તો પણ હું તને કોઈ અન્ય દૃષ્ટિથી નહીં જોઈ શકું. મારા હૃદયની પવિત્રતા જ મારું સાચું શિક્ષણ છે. મારી એ વિદ્યા અભ્યાસની ઉપલબ્ધિ છે. તેને મારાથી કોઈ નહીં છીનવી શકે!”

કચે ઘોર પરિશ્રમ કરીને મેળવેલી પોતાના જીવન સાધનાની ઉપલબ્ધિરૂપ સંજીવની વિદ્યાનો પણ પોતાના આદર્શ અને હૃદયની પવિત્રતા માટે ત્યાગ કર્યો.

હિંદુ મનીષીઓની એ વિશેષતા રહી છે કે તેઓએ માનવજીવનને ફક્ત ભૌતિક દૃષ્ટિથી જ નથી જોયું. પણ એના માનસિક તથા આધ્યાત્મિક પક્ષ પર પણ વિચાર કર્યો અને તેના પર શોધ કરી. તથા જીવનના વાસ્તવિક સત્ય સ્વરૂપને મેળવ્યું. આ ઉપલબ્ધિના આધાર પર જીવનને પૂર્ણતા આપનારી જીવન યોજનાની રચના કરી. શરીર પછીની આપણી મુખ્ય સમસ્યા છે – ‘મન’. મનના સમુચિત પ્રશિક્ષણ અને શોધન દ્વારા જ જીવનમાં પૂર્ણતા મેળવી શકાય છે. આના પ્રશિક્ષણમાં યૌન-વૃત્તિ એક જટિલ કોયડો છે. આ કોયડાનું નિરાકરણ કરી લેવાથી જીવનસંગ્રામમાં અડધી સફળતા મળી જાય છે. યૌન વૃત્તિનો એકાએક વિનાશ કે દમન ન થઈ શકે પણ ઉદાત્તીકરણ દ્વારા એનું શોધન કરીને મનને યથાસમય નિર્મળ બનાવી શકાય છે.

યૌન વૃત્તિના ઉદાત્તીકરણ અને શોધન માટે પરસ્પર વિપરીત લિંગનો વ્યક્તિ માટે પ્રતિ-શ્રદ્ધા અને પૂજ્ય ભાવના અથવા પવિત્ર અને વિશુદ્ધ પ્રેમની ભાવના ઘણી જ મદદરૂપ પૂરવાર થાય છે. આ માટે આપણે આપણાં મન સમ્મુખ વ્યક્તિની શ્રદ્ધાપૂર્ણ, પૂજ્ય બુદ્ધિયુક્ત અથવા પવિત્ર વિશુદ્ધ પ્રેમની છબી રાખવી જોઈએ અને આ માનસિક ચિત્ર અથવા છબી પ્રમાણે એ વ્યક્તિ પ્રત્યે આપણા બાહ્ય વ્યવહારોનું નિયંત્રણ, સંયોજન તથા પરિમાર્જન કરવું પડે છે. તેથી કરીને તે વ્યક્તિના પ્રત્યે આપણી ભાવના તથા આપણો દૃષ્ટિકોણ જ મુખ્ય છે. બાહ્ય વ્યવહાર બીજા સ્થાન પર આવે છે. કચના મનમાં દેવયાનીના પ્રત્યે મૈત્રી (સહોદરી)નો શુદ્ધ ભાવ હતો. તે ગુરુપુત્રી હોવાને કારણે તેના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ પણ હતી. આ જ કારણ છે કે, દેવયાનીના પરિચયમાં આવીને એક તરફ કચનું ચિત્ત શુદ્ધ થયું તેનું હૃદય પવિત્ર થયું, ત્યાં બીજી તરફ ભાવના શુદ્ધ ન હોવાને કારણે તથા દૃષ્ટિમાં તફાવત હોવાને કારણે દેવયાનીના મનમાં તે જ વ્યવહારનું વિરુદ્ધાર્થી પરિણામ આવ્યું અને તે વાસનાજનિત પ્રેમ તરફ પ્રેરાઈને આદર્શચ્યુત થઈ ગઈ.

તેથી ચરિત્રગઠનના માર્ગ પર ચાલવાવાળા દરેક માનવીનું એ કર્તવ્ય છે કે તે કોઈ પણ સમયે તથા કોઈ જગ્યાએ તેનો સંબંધ કોઈ માનવી સાથે થાય તો તુરત જ તેણે પોતાની ભાવનાઓ તરફ નજર નાખીને આત્મપરીક્ષણ કરી લેવું જોઈએ અને તે પ્રમાણે પોતાની ભાવનાઓનું પરિમાર્જન કરીને દૃષ્ટિકોણને સદાય પવિત્ર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સાધના સાધકને આદર્શ તરફ એકધારા આગળ વધારતી રહે છે.

  ભાષાંતરકાર: શ્રીમતી ઉષાબહેન ગોરસિયા

Total Views: 610

One Comment

  1. Kamlesh Nakrani September 17, 2023 at 12:58 pm - Reply

    ✅✅🕉👌

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.