પ્રશ્ન: ‘વેદ’માં સર્વે જીવનપ્રવૃત્તિઓ છે. શ્રીબાઈબલ, શ્રીકુરાન વગેરે પણ ઈશ્વર તરફ નિર્દેશ કરે છે. તો શું તે વેદવાણી ન ગણી શકાય?

ઉત્તર: ‘વેદ’ શબ્દની બે રીતે વ્યાખ્યા થઈ શકે. સ્વામીજી કહે છે કે ‘વેદ’ એટલે જ્ઞાન. સંસ્કૃતના ‘વિદ્’ (જાણવું) ધાતુ ઉપરથી એ શબ્દ નિષ્પન્ન થયો છે. આ જ્ઞાન એવું છે કે જે ‘નિત્ય’ છે. આ ‘નિત્ય જ્ઞાન’ એટલે ‘વેદ’. આથી ‘વેદ’ને ‘નિત્ય’ ગણવામાં આવ્યા છે. આમ, સ્વામીજીની દૃષ્ટિએ આવું ‘નિત્ય જ્ઞાન’ ગમે ત્યા હોય તો પણ તેને ‘વેદ’ ગણી શકાય. નિત્ય, સનાતન જ્ઞાનરાશિ એટલે જ ‘વેદ’ એમ સ્વામીજી માને છે. આ વેદના-સનાતન જ્ઞાનના – કોઈ લેખક નથી, કોઈ રચયિતા નથી. ભલે એમાં ઋષિઓનાં નામ આવે, પણ એ ઋષિઓ વેદના લેખકો છે, એવો તો ક્યાંયે ઉલ્લેખ નથી. એવા ઋષિઓનાં નામો તો ખાલી શબ્દો જ છે; કોઈ વિષયચર્ચા શરૂ કરવા માટે એ ઋષિનામનો કેવળ ઉલ્લેખ જ કર્યો છે. અને એવું જ છે એટલા માટે તો ‘વેદ’ નિત્ય કહેવાય છે. આમ, સ્વામીજીની દૃષ્ટિએ ‘જ્ઞાન માત્ર’ એટલે જ ‘વેદ’ છે.

પરંતુ પ્રાચીન રૂઢિચુસ્તો ‘વેદ’ શબ્દની એક બીજી વ્યાખ્યા કરે છે. તેઓ કહે છે કે, ‘વેદ’ એટલે સંસ્કૃતભાષામાં લખાયેલ ગ્રંથવિશેષ. સંસ્કૃતભાષામાં લખાયેલ ગ્રંથવિશેષની ‘શબ્દરાશિ’ને તેઓ ‘વેદ’ કહે છે અને એવો આગ્રહ રાખે છે કે એના શબ્દોમાં જરાતરા પણ ફેરફાર થાય તો એ ‘વેદ’ ન કહેવાય. વેદમાં ‘પ્ર તે બ્રવીમિ’ (હું તમને કહું છું) એમ લખ્યું હોય અને એને બદલે જો કોઈ ‘તે પ્રબ્રવીમિ’ કહી દે તો એ ‘વેદ’ ન ગણાય. કારણ કે એના શબ્દોમાં ફેરફાર થયો છે. આ ‘વેદ’ની જૂનીપુરાણી વ્યાખ્યા છે. પણ આપણને એ કાંઈ બહુ રસપ્રદ લાગતી નથી. કારણ કે ‘શબ્દ નિત્ય છે’ – એ વાત પણ જૂનીપુરાણી જ છે અને આવા ‘શબ્દરાશિ’ને જ વેદ ગણી લેવો એ યોગ્ય લાગતું નથી. એટલે બૌદ્ધિક દૃષ્ટિએ સ્વામીજીએ કરેલી ‘વેદ’ની પહેલી વ્યાખ્યા ઠીક લાગે છે. ‘શબ્દરાશિ’ નહિ, પણ ‘જ્ઞાનરાશિ’ એટલે જ ‘વેદ’.

હવે જો આ રીતે જોઈએ તો આ ‘જ્ઞાનરાશિ’ કુરાનમાં પણ હોય અને બીજામાં પણ હોય. પણ આપણે જોવાનું એ છે કે કુરાનની ‘ઉત્પત્તિ’ થઈ છે કે કેમ? ઉત્તર મળે છે કે કુરાનની ‘ઉત્પત્તિ’ થઈ છે. કારણ કે મહમદને કુરાન ‘ગ્રંથ’ મળ્યો હતો. આવી આ ‘ગ્રંથ’ની ઉત્પત્તિની આ વાત આપણને સમજાતી નથી. એની ઉત્પત્તિનું બ્યાન પણ કોઈ ઠેકાણે નથી. શું ઈષ્ટદેવે લખીને આ ગ્રંથ મહમદને આપ્યો છે? જો એમ માનીએ તો વળી પ્રશ્નો થાય કે ઈશ્વર લખે ખરા? લખે તો કઈ રીતે લખે? ક્યા હાથથી લખે? કેવી રીતે લખે? કઈ ભાષામાં લખે? કેવા અક્ષરે લખે? આ પ્રશ્નોના કોઈ ઉત્તર એમાંથી મળતા નથી. અને જો કુરાન ‘નિત્ય’ છે, એમ કહો તો મહમદ પહેલાં કુરાન ક્યાં હતું? આ દૃષ્ટિએ કુરાન ગ્રંથ ‘નિત્ય’ છે એમ કહી શકાય નહિ. પણ હા, એમાં જે ‘જ્ઞાન’ દર્શાવાયું છે, તે નિત્ય હોઈ શકે ખરું. વેદમાં પણ જે ‘જ્ઞાનરાશિ’ છે તે જ ‘નિત્ય’ છે.

આમ તો વેદોમાં બીજુંયે ઘણું ઘણું છે. કેવી રીતે યજ્ઞો કરવા, કેવા કેવા ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે કેવા કેવા અલૌકિક ઉપાયો યોજવા, વગેરે બધું પણ એમાં છે. એમાં ‘જ્ઞાનરાશિ’ની સાથોસાથ ઉપાખ્યાનો પણ અપાયેલાં છે પણ આ બધું જ કોઈ ‘નિત્ય’ છે એમ માની શકાય નહિ. એ બધાંને ફક્ત ઉદાહરણ તરીકે, દૃષ્ટાંત તરીકે, કથા તરીકે જ જો ગણીએ તો જ એનો અર્થ સમજી શકાય; અને એ અર્થ સમજીએ તો જ વેદ ‘નિત્ય’ છે, એમ માની શકાય.

દરેકને પોતાની આગવી વિશેષતા છે એટલે કુરાનને ‘વેદ’ ન ગણી શકાય. કુરાન એ ‘કુરાન’ છે, વેદ એ ‘વેદ’ છે અને બાઈબલ એ ‘બાઈબલ’ છે.

બાઈબલ તો ઈશુના સમયનું છે. પ્રાચીનકાળમાં બાઈબલ કોણે લખ્યું? એમાં લખ્યું છે કે, “God Created the world in seven days” – ‘સાત દિવસમાં ઈશ્વરે સૃષ્ટિ રચી.’ છ દિવસ પછી એ થાકી ગયા અને પછી એક દિવસનો તેમણે આરામ લીધેલો. આ બધી પણ જૂનીપુરાણી વાતો છે, એમ કહી શકાય. બચ્ચાંઓને સમજાવવાની વાતો! બુદ્ધિજીવી માણસોને એ કંઈ ગળે ઊતરે નહિ. જો કે એમાં સ્વાભાવિક જ્ઞાનની વાતો પણ ઘણી બધી ભરી પડી છે એ બધી વાતો ઉપર વિશ્વાસ કરવો જોઈએ અને એ વાતોને અક્ષરશઃ માનવી પણ જોઈએ. છતાં આધુનિક વિજ્ઞાનની વિરોધી વાતો આજકાલ કોઈ માની શકે નહિ. હવે તો ખ્રિસ્તીઓ પણ એવી વાતો માનતા નથી. એટલે બાઈબલોમાં લખેલું બધું જ અક્ષરેઅક્ષર માની જ લેવું, એવું કંઈ હવે લાગતું નથી. પરંતુ હા, એમાં જે ‘નિત્યજ્ઞાન’ના અંશો છે, તે અવશ્ય ઉપાદેય છે. કુરાનમાં પણ, જે ભાવ માનવ માટે સર્વદા કલ્યાણકારી છે, તેનો સ્વીકાર કરવો જોઈએ. બાઈબલમાં પણ એમ જ અને વેદોમાં પણ એમ જ કરવું રહ્યું! જુઓ ને, વેદના યજ્ઞયાગ હવે કોણ કરે છે? અત્યારે એ કરી પણ કેમ શકાય? અત્યારે તો એ અસંભવ જ છે. એટલે જે સમયમાં જે ઉપયોગી હોય, તે જ સ્વીકારવું જોઈએ. એટલે આનાથી હવે ‘નિત્યજ્ઞાનરાશિ’નો અર્થ સ્પષ્ટ થશે. ‘નિત્યજ્ઞાનરાશિ’નો અર્થ એવો નથી જ કે, એમાં દર્શાવેલી બધી જ વસ્તુઓ ‘નિત્ય’ અને મંગલકારી છે.

આ ‘નિત્યજ્ઞાનરાશિ’ને ‘બાઈબલની વાણી’, ‘વેદની વાણી’ કે ‘કુરાનની વાણી’ એવાં નામ આપવાં યોગ્ય નથી. કારણ કે એમાં જે એક સનાતન, શાશ્વત તત્ત્વ છે, જેને તમે માનો છો, તે તો એક જ છે. પછી તમે ભલે એને ‘વેદ’ કહો, ‘કુરાન’ કહો કે બીજું કંઈ કહો, એમાં તો કશો જ ફેર પડતો નથી. ભલેને ‘વેદ’, ‘કુરાન’ અને ‘બાઈબલ’ જેવાં અલગ-અલગ નામો હોય, ભલેને એમાં કેટલાંક આગવાં તત્ત્વોની વાત અલગ-અલગ રીતે કરી હોય, ઘણી અસમાનતાઓ નજરે પડતી હોય, પણ આનો અર્થ એમ નથી થતો કે ‘વેદ’ ‘કુરાન’ થઈ જશે અથવા ‘કુરાન’ ‘વેદ’ બની જશે. બધાંની આગવી વિશિષ્ટતા કાયમ રાખીને જ એ બધાંમાં જે કંઈ સત્ય છે, જે કાંઈ મંગલકારી છે એને જ અપનાવવું જોઈએ, એમાં કશો વાંધો નથી.

પ્રશ્ન: ‘જે રામ, જે કૃષ્ણ, તે જ હવે શ્રીરામકૃષ્ણ’ – એ વેદાંતદૃષ્ટિએ નથી તો વેદાંતદૃષ્ટિ શું છે?

ઉત્તર: વેદાંતની દૃષ્ટિએ એક બ્રહ્મ જ છે અને એ જ સર્વે જીવરૂપોમાં ભાસે છે. આપણે પોતાને બીજાથી અલગ-અલગ ગણીએ છીએ; પણ ખરી રીતે તો કેવળ એક બ્રહ્મ જ દરેક વસ્તુમાં પ્રકાશિત થઈ રહ્યું છે. આથી આપણે બધા જ ‘બ્રહ્મ’ છીએ. આ દૃષ્ટિએ રામ પણ બ્રહ્મ છે અને કૃષ્ણ પણ બ્રહ્મ જ છે, શ્રીરામકૃષ્ણ પણ બ્રહ્મ છે અને યદુ, મધુ વગેરે બધા પણ બ્રહ્મ જ છે. આ વેદાંતની દૃષ્ટિ છે. અને ‘જે રામ અને જે કૃષ્ણ’ – એમ ભેદ પાડીને કહીએ તો એ વેદાંતની દૃષ્ટિ નથી. આ એક બીજી જ દૃષ્ટિ છે, વ્યક્તિરૂપની દૃષ્ટિ છે. જે ‘રામ વ્યક્તિ’ છે અથવા જે ‘કૃષ્ણ વ્યક્તિ’ છે, તે વ્યક્તિ બીજો કોઈ મનુષ્ય હોઈ શકે નહિ. એટલે એ બંને વચ્ચે ફરક છે. પણ આ ‘રામવ્યક્તિ’ અને ‘કૃષ્ણવ્યક્તિ’માં જે તત્ત્વ છે, તે એક જ છે, કારણ કે રામ અને કૃષ્ણ અવતારપુરુષો હતા. એવા અવતારપુરુષો સિવાયના બીજા માનવોને ‘અવતારી’ ગણી શકાય નહિ. કારણ કે અવતારપુરુષોના પ્રકાશમાં અને અન્ય માનવોના પ્રકાશમાં ઘણો તફાવત છે. એ બંને પ્રકારનો પ્રકાશ જુદોજુદો છે.

સામાન્ય માણસમાં ઈશ્વરનો પ્રકાશ હોતો નથી. અવતારપુરુષમાં ઈશ્વરનો પ્રકાશ હોય છે. ભાગવતમાં ભગવાનના અસંખ્ય અવતારો બતાવ્યા છે:

“અવતારા હ્યસંખ્યેયાઃ – ભગવાનના અવતારો અસંખ્ય છે, એની ગણતરી થઈ શકે તેમ નથી.” સૃષ્ટિ જેમ અનંતકાળ ચાલ્યા જ કરે છે, તેવી જ રીતે ભગવાનનો આવિર્ભાવ પણ અનંતવાર થયા જ કરે છે. એ રીતે અવતારો અગણિત છે અને એ દરેક અવતારમાં ઈશ્વરનો વિશેષ પ્રકાશ હોય છે. એટલે જ તો તે ‘અવતાર’ કહેવાય છે. સામાન્ય માણસમાં એવો પ્રકાશ હોતો નથી એટલે તે અવતાર કહેવાતો નથી. શ્રીરામકૃષ્ણ વગેરે અવતારો જે કોટિના છે, તે કોટિના કંઈ સાધારણ માણસો તો ન જ હોયને? વેદાંતની દૃષ્ટિમાં આ ‘કોટિ’નો વિચાર કરવામાં આવતો નથી. વેદાન્તની દૃષ્ટિમાં ‘તત્ત્વ’નો વિચાર છે. તત્ત્વની દૃષ્ટિએ દરેક માણસ બ્રહ્મ છે. પરંતુ અવતારપુરુષ અને સામાન્ય માણસ વચ્ચે તો ઘણો તફાવત માલૂમ પડે છે, એ તફાવત પ્રકાશનો છે. એ દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ વગેરે અવતારકોટિના – અવતાર – હોય છે, જ્યારે સાધારણ માનવો જીવકોટિના હોય છે; એમનામાં અવતારપુરુષોમાં હોય છે, તેવો પ્રકાશ હોતો નથી. આ તફાવત પ્રકાશની દૃષ્ટિએ છે. વેદાંતની દૃષ્ટિ પ્રકાશની ‘ઈયત્તા’ તરફ નથી, તત્ત્વ તરફ જ એ દૃષ્ટિ છે.

પ્રશ્ન: આપણે જ્યારે ભગવાનનું નામ લઈએ, ત્યારે સાથોસાથ એ નામજપની ગણતરી કરતા જવું કે પછી ગણતરી કર્યા વગર કેવળ નામજપ જ કરતાં રહેવું? ગણતરી કરતા જઈએ તો મનનો અમુક ભાગ ગણતરીમાં જ ન રોકાઈ જાય?

ઉત્તર: હા, ગણતરીની ખાસ કોઈ જરૂર છે, એમ તો ન કહી શકાય. પણ જે વખતે મન હજુ પૂરું એકાગ્ર ન થયું હોય એવી પ્રારંભિક અવસ્થામાં જો ગણતરી કરતાં-કરતાં જપ કરો તો ભગવાનથી બીજે ઠેકાણે ભટકવા ઇચ્છતા મનને ભગવાનમાં બાંધી-પકડી રાખી શકો ખરા. મન બીજે ભટકવા જાય તો ગણતરીમાં ભૂલ થઈ જાય એટલે ગણતરી મનના એક અંકુશનું કામ કરી શકે. એનાથી તરત ખબર પડી જાય કે આપણે જપ બરાબર કરીએ છીએ કે નહિ? એટલે શરૂઆતમાં ગણતરી કરવી જરૂરી છે. પણ મન એકાગ્ર થઈ ગયા પછી કશી ગણતરીની કોઈ જરૂર નથી. ગણતરીની જરૂર તો ફક્ત પ્રારંભિક અવસ્થામાં જ છે.

પ્રશ્ન: મન બહુ ચંચળ છે. જ્યારે આપણે જપ કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ, ત્યારે મન બીજીબાજુ ચાલ્યું જાય છે એનું શું કરવું?

ઉત્તર: પ્રયત્નો કરો, અભ્યાસ કરો. ગીતાજીમાં અર્જુન પણ ભગવાનને આવું પૂછે છે કે મન બહુ ચંચળ છે. જેમ પવનને બાંધી શકાય નહિ, તેમ મનને પણ બાંધી શકાય નહિ. ભગવાને એના ઉત્તરમાં કહ્યું છે કે, ખરેખર એમ જ છે. આ ચંચળ મનને કાબૂમાં રાખવાના બે ઉપાય છે: એક અભ્યાસ અને બીજો વૈરાગ્ય. અભ્યાસ એટલે વારંવારનો પ્રયત્ન – ઉદ્યોગ. એનાથી મન ધીમેધીમે શાંત થઈ જશે. બીજો ઉપાય વૈરાગ્ય – ઇન્દ્રિયવિષયો તરફ તૃષ્ણાનો અભાવ. આ વિષયતૃષ્ણા જ મનને ચંચળ કરી મૂકે છે. એટલે વિષયતૃષ્ણાના ત્યાગનો પ્રયત્ન કરવો. આ બે ઉપાયો ભગવાને બતાવ્યા છે. આનાથી વધુ સરળ અન્ય કોઈ રસ્તો હોત તો ભગવાન અર્જુન જેવા ભક્તને તે અવશ્ય બતાવત જ. પરંતુ અન્ય કોઈ ઉપાય છે જ નહિ.

(ક્રમશઃ)

Total Views: 463

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.