ભારતના પૂર્વાંચલનાં રાજ્યોને બાદ કરીએ તો ગુજરાત ભારતનાં નાનાં રાજ્યોમાંનું એક! બીજાં કેટલાંક રાજ્યોની તુલનાએ ગુજરાતની લોકસંખ્યા પણ ઓછી. કેન્દ્રના વહીવટમાં ગુજરાતનો ફાળો નગણ્ય અને તળ ગુજરાતમાં પણ વહીવટદારો – આઈ. એ. એસ. અને બીજા સનદી અધિકારીઓમાં બિનગુજરાતીઓની બહુમતી. આમ છતાં ગુજરાતના ઇતિહાસની આરસીમાં નજર કરીએ તો ગૌરવાન્વિત નરનારીઓની, સિદ્ધાંત ખાતર ફના થનાર જવાંમર્દોની, રૂઢિબદ્ધ ધર્મ સામે બંડ પોકારનાર ધર્મવીરો અને વીરાંગનાઓની, आत्मवत् सर्वभूतेषु- માં માનનાર સેવાવીરોની તસવીરો એક પછી એક ઊપસતી જોવા મળે છે.

વિશાળ સરોવર સમી એ આરસીમાંની તસવીરો દૂરદર્શનના પડદા પરની તસવીરોની માફક તરત જ વિલાઈ નથી જતી. સરોવરમાં ઊગેલાં કમળોની માફક એ ચિત્રો પથરાયેલાં રહે છે. કોઈક વાર કોલાજની માફક, ચિત્રો દોઢે દોઢે ગોઠવાય છે ને જાણે નવું પરિમાણ ઊભું કરે છે. આમ, ક્ષણે ક્ષણે, એની નવીનતા જોવા મળે છે.

આ ભૂમિકાનું એક આગવું લક્ષણ તે શુદ્ધ ભારતીય પરંપરાને અનુસરતું, અતિથિ સન્માનનું, શરણાગતને અભયદાનનું છે. કંસ અને કાળયવનના ત્રાસથી શૂર પ્રદેશ છોડી યાદવોને લઈ શ્રીકૃષ્ણ આ ભૂમિમાં આવ્યા હતા. તે આ ભૂમિના વાસી બની ગયા હતા. ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાંથી લોકો ભૂમિ માર્ગે આવતા એમ પશ્ચિમમાંથી સમુદ્ર માર્ગે પણ આવતા. સૌ આ ભૂમિમાં સમાઈ જતા. આપણી કેટલીક અટકો જુઓ: ઔદિચ્ય, ખાન, બલોચ, માળવી, બંગાળી, નાગોરી, પેશાવરિયા, સંધી, મુનશી, કોમોડોર, બ્રોકર, વગેરે; આ અને આવી અટકો લોકોનાં મૂળ કે ધંધો સૂચવે છે. ત્રાસ હેઠળ છેલ્લા સમૂહમાં થયેલા સ્થળાંતરનું ઉદાહરણ દેશમાં વિભાજન પછી ગુજરાતમાં આવી વસેલા સિંધુપુત્રોનું છે. એમની પૂર્વે એક હજાર વર્ષ પહેલાં આવેલા પારસીઓનું ગુજરાતમાં આગમન ગુજરાતના ઇતિહાસની એક ઉદાત્ત ઘટના છે. ભાષાએ, સ્ત્રીઓના પહેરવેશ અને થોડા રિવાજે ગુજરાતી બન્યા હોવા છતાં આજે બારસો વર્ષે પણ એમનાં ધર્મ-સંસ્કૃતિની જાળવણી એમણે અહીં સંપૂર્ણ નિર્ભયતાથી કરી છે. યુરોપ અને અમેરિકામાંના યહૂદીઓની માફક એ કોમ હડધૂત નથી થઈ. એ કોમની સંખ્યાના પ્રમાણમાં એ કોમનો ફાળો ભારતનાં તમામ ક્ષેત્રોમાં અગ્રગણ્ય રહેવા પામ્યો છે. તેની પાછળ એમને ગુજરાતમાં પ્રાપ્ત થયેલી શાન્તિ અને સ્થિરતા કારણભૂત ખરી જ.

ઇસ્લામના અનુયાયીઓએ દિલ્હી પર ચડાઈઓ કરી તે પહેલાંથી ગુજરાતનાં ચોર્યાસી બંદરોમાંથી કેટલાંકમાં આરબોની વસાહતો વસી ગઈ હતી. એમના ધર્મપાલન આડે કશો અંતરાય ન હતો.

અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સૂરતમાં સ્થાપી હતી. સૂરતમાં વલંદાઓ પણ વેપાર અર્થે વસતા હતા. એ કોઠીઓમાં વસતા અંગ્રેજોને કે વલંદાઓને ગુજરાતની પ્રજા તરફથી કોઈ જુલમનો સામનો કદી કરવો પડ્યો ન હતો.

ઇતિહાસની આ હકીકતો પરથી લાગે છે કે સહિષ્ણુતા ગુજરાતનું આગવું લક્ષણ છે. ગુજરાતમાંયે ધર્માંતરો થયાં છે, મંદિરો તૂટ્યાં છે, પરંતુ તેની પાછળનાં પરિબળો જુદાં હતાં. આક્રમણકારની ધર્માંધતા, એને દ્રવ્યલોભ, પ્રજાના અમુક વર્ગની ગરીબાઈ, જોરજુલમ, દુકાળ, કેટલીક માન્યતા અને ગેરસમજ, અસ્પૃશ્યતાનો અતિરેક વગેરેનો સમાવેશ એમાં થતો હતો.

:: 2 ::

ઇતિહાસની આરસીમાં દૃશ્ય બદલાય છે. લોથલ બંદરે લાંગરેલાં વહાણો આપણને દેખાય છે. કચ્છના કોટિયાની સાથે ફિનિશ્યનોનાં જહાજ ત્યાં ઊભાં છે ને માલની ચડ-ઊતર થાય છે. ભારતની પેદાશો ઈ. સ. પૂર્વે 2300માં મેસોપોટેમિયામાં જોવા મળે છે એ પહેલાંથી પણ વેપાર નહીં ચાલતો હોય તેમ કેમ કહી શકાય? જે પાણીનું રૂપ જોઈને ‘પૅરિપ્લસ’નો લેખક નાખુદો ડરતો હતો તે કચ્છના અખાતમાં માછલાંની માફક તરતા કોટિયાઓ એને આકર્ષે છે. ભૃગુકચ્છની આયાત નિકાસનું એ વિગતે વર્ણન કરે છે. ગુજરાતના ઘોઘાબંદરનો એક સપૂત લંકાની લાડી સાથે લગ્નગ્રંથિથી જોડાયાની કહેતી એમ જ નહીં જન્મી હોય. ઘોઘા અને બીજાં બંદરોએથી પોતાની નૌકામાં બેસી સાહસિકો યવદ્વીપ (જાવા) પહોંચે છે ને ‘પરિયાં પરિયાં ખાય’ તેટલી સમૃદ્ધિનો સ્વામી બને છે. બોરોબુદુરનાં વિખ્યાત ખંડેરોમાં જે વહાણની આકૃતિ છે તે આપણો કોટિયો છે.

પછી આરબોના બનેલાં, ચીનનાં ધાઉ, ફિરંગીઓનાં જહાજો ને અંગ્રેજોનાં ઇસ્ટ ઇંડિયા મેન આવે છે. ઇંગ્લેંન્ડના જહાજવાડામાં બંધાયેલું જહાજ એક ખેપે ખલાસ થાય છે ત્યારે ગુજરાતના જહાજવાડાઓમાં બંધાયેલાં જહાજો આઠદસ ખેપ તો હસતાં-હસતાં કરે છે. આગબોટો આવે છે તો ‘વીજળી’ સાથે હાજી કાસમનું નામ જોડાય છે. ભારતમાં પ્રથમ જહાજવાડો બાંધવાનું માન એક ગુજરાતી-વાલચંદ હીરાચંદને ફાળે જાય છે.

જંગબારના સુલતાનને મુશ્કેલીના સમયે કચ્છ-માંડવીનો એક વીર વેપારી મદદ કરે છે. પૂર્વ આફ્રિકામાં ઉદ્યોગો ઊભા કરવામાં અને અન્ય રીતે વિકાસમાં મદદ કરવામાં ગુજરાતી સાહસિકોનો મોટો ફાળો છે. ભારતના કોઈ પણ રાજ્ય કરતાં અનેક ગણો મોટો, 1600 કિ. મિ. લંબાઈનો, સાગરકાંઠો ધરાવતું ગુજરાત દરિયાવાટે સિંધ, આરબદેશો, આફ્રિકા, લંકા, બ્રહ્મદેશ, ચીન, જાપાન, યુરોપ, અમેરિકા અને ન્યુઝીલેન્ડ સુધી ફેલાયેલું છે. આ વસવાટ પાછળ જબ્બર સાહસિકતા છે, કળથી કામ લેવાની ઊંડી સૂઝ છે, પારકી જબાન શીખી લેવાની તત્પરતા છે, પારકાનો વિશ્વાસ મેળવવાની શક્તિ છે, પોતાની જાત પર મદાર છે ને ઉપરવાળા પર ભરોસો છે.

લોથલના નાના કોટિયાથી વાડીનાર, કંડલા, બેડીબંદર, પોરબંદર લંગરના લાખો ટનનાં તોતિંગ જહાજો સુધીની સફરનો ઇતિહાસ હજી લખાવો બાકી છે.

::3::

આખા ભારત પર આણ વર્તાવી હોય એવો રાજ્યકર્તા ગુજરાતમાં નથી થયો એ હકીકતનો સ્વીકાર કર્યા પછીયે, યવન અંગે જેનું વર્ણન કર્યું છે તે વલભીનું રાજ્ય વિશાળ અને સમૃદ્ધ હતું. સોલંકી વંશે ઉજ્જયિનીની અને બીજી કેટલીક સત્તાઓને ઝાંખી પાડી દીધી હતી. સુલતાનોના સમયમાં અંકાયેલી ગુજરાતની સરહદમાં આજે પણ બહુ ફરક પડ્યો નથી. ગુજરાતના છેલ્લા સુલતાનને જામનગરના જામસાહેબે આશ્રય આપી મોગલ સલ્તનત સામે બાથ ભીડી હતી અને મોગલોને મોટું સૈન્ય ગુજરાતમાં ઉતારવું પડ્યું હતું. એ વિશાળ અને પ્રતાપી સૈન્ય સામે ખૂબ પરાક્રમથી લડ્યા છતાં જામ સાહેબનું સૈન્ય પરાજય પામ્યું હતું, પણ સુલતાન મુઝફરશાહને મોગલ લશ્કર પકડી લઈ જઈ શક્યું ન હતું.

ચાંપા વાણિયા અને અણહિલની વ્યક્તિગત શૂરવીરતાથી માંડી, પોતાના હક્કને માટે રાજ સામે બહારવટું ખેડનાર અનેક વીરપુરષો આ ભૂમિમાં પાક્યા છે. અંગ્રેજો સામે ઓખામાં વાઘેરોનું બહારવટું સુપ્રસિદ્ધ છે. તો, રા’નાં દુષ્કૃત્યો સામે જંગે ચડી રા’ને ગાદી પરથી ઉઠાડી બારભાયાનો કારભાર કચ્છના ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ છે.

અંગ્રેજો સામે લડવાની શરૂઆત કરનાર દાદાભાઈ નવરોજી ગુજરાતના સપૂત હતા. ગાંધીજીનું પગલું એટલું વિરાટ હતું કે એમાં બધાનાં પગલાં આવી જાય. આમ છતાં, સ્વતંત્રતા પછી દેશી રજવાડાંને અંગ્રેજી હકૂમત હેઠળના ભારત સાથે એક કરવામાં સરદાર પટેલનો ફાળો અવિસ્મરણીય રહેશે.

ભારતીય સેનામાં બે સેનાપતિઓ ગુજરાતી હતા, રા. કુ. રાજેન્દ્રસિંહજી અને સેમ માણેકશા. ફિલ્ડ માર્શલનો ખિતાબ માત્ર માણેકશા એકને જ પ્રાપ્ત થયો છે.

::4::

વિવિધ કલાક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ વિશે ઠીકઠીક લખાયું છે. अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गुर्जरा:- એમ કહેનાર પાસે એ અપભ્રંશ ભાષામાં ગુર્જરોએ સર્જેલા સાહિત્યને સમજવાની શક્તિ ન હતી. સંસ્કૃત વિરુદ્ધ પ્રાકૃતની લડાઈમાં, પ્રાકૃત માટેના ગૌરવથી અખો કહે છે, “સંસ્કૃત બોલે તે શું થયું? પ્રાકૃતમાંથી નાસી છે ગયું?”

અપભ્રંશ કવિઓથી આરંભાયેલું ગુજરાતનું સાહિત્ય સર્જન ઉત્તરોત્તર ફાલતું ગયું છે. પદ્મનાભ, ભાલણ, નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, દયારામ, દલપત, નર્મદ, નાનાલાલ, ઠાકોર, કાન્ત, ઉમાશંકર, સુન્દરમ્, નિરંજન, રાજેન્દ્ર, હરીન્દ્ર, મકરંદ, રમેશ પારેખ… સાહિત્યનું આ વિશ્વ નાનું નથી. એ વિશ્વમાં ગોવર્ધનરામ, મુનશી, રમણલાલ, રામનારાયણ, કિશોરલાલ, કાલેલકર, ધૂમકેતુ, મડિયા, ભગવતીકુમાર વગેરે અસંખ્ય તારકોએ પોતાની જ્યોત રેલાવી દીધી છે. ગાંધીજીનું પ્રદાન વળી સવિશેષ છે. એમની ‘આત્મકથા’એ ગુજરાતીને જગતસાહિત્યમાં સ્થાન અપાવ્યું છે. ગુજરાત બહાર કલકત્તા, કરાચી, આફ્રિકા, ઇંગ્લેંન્ડ અને અમેરિકામાંથી પણ ગુજરાતી સામયિકો અને પત્રો પ્રગટ થાય છે. ગુજરાતનું લોકસાહિત્ય પણ ખૂબ સમૃદ્ધ છે.

કલા અને કસબને ક્ષેત્રે ગુજરાતનું પ્રદાન ગૌરવપદ છે. ઉત્તરે અરવલ્લીથી સહ્યાદ્રિની ગિરિમાળા સુધી વસતા ગિરિજનોના લોકસંગીતથી આરંભાઈ લખપત, દમણ સુધીના દરિયાકાંઠા સુધીના પ્રદેશોના લોકસંગીતના પ્રકારો, ઢાળ, શૈલી, વિષયો વગેરે સૌની વિવિધતા આશ્ચર્યજનક છે. શાસ્ત્રીય સંગીતને ક્ષેત્રે તાનારીરીની કથા જાણીતી છે. હવેલીઓએ આજ સુધી ધ્રુપદધમારની ગાયકીને જાળવી રાખી છે. આદિત્યરાયે, ઓમકારનાથે અને અનેક નામ-અનામી સંગીતકારોએ શાસ્ત્રીય સંગીતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. બિલાવલ, સોરઠ અને દેશ રાગોનું જન્મસ્થાન ગુજરાત છે. રાસ અને ગરબીનું સંગીત ગુજરાતના સમૂહસંગીતનો વિલક્ષણ પ્રકાર છે. નાટકોના કવિઓએ, અવિનાશ વ્યાસે, નિનુ મજમુદારે, અજિત શેઠે અને બીજાઓએ લોકભોગ્ય સંગીતમાં પોતાનું પ્રદાન કર્યું છે.

પાટણનાં પટોળાં, જામનગર-કચ્છની બાંધણીઓ, કચ્છી ભરત, સોરઠના ચાકળા-ચંદરવા, સંખેડાનું લાકડાનું કામ, ખંભાતનું અકીકકામ, શિહોરનું ઢાળાનાં વાસણનું કામ, કચ્છનાં સૂડી ચપ્પુઓ વગેરે પ્રસિદ્ધ છે. ‘વસંત વિલાસ’માં ચિત્રોથી પિરાજી સાગરા સુધીના કલાકારોએ પોતાનો ફાળો આપ્યો છે. મોઢેરાનું સૂર્યમંદિર, ઉનાથી દ્વારકાના તટે પથરાયેલાં અનેક નાનાંમોટા દેવાલયો, દરબારગઢો ને હવેલીઓ અને અમદાવાદની મસ્જિદોનાં સ્થાપત્યે જગતભરના કલાચાહકોને આકર્ષ્યાં છે. અને વાવ તો ગુજરાતની વિશિષ્ટ કલાસમૃદ્ધિ છે.

::5::

ગુજરાતીઓનો જીવનવ્યવહાર એવો છે કે એમને પરધર્મીઓના અને પરદેશીઓના સંપર્કમાં આવવું જ પડે. ગિરનારની તળેટીએ આવેલા અશોકના શિલાલેખમાં જે સૂબાનો ઉલ્લેખ છે તેના નામ (કેરશાસ્પ) પરથી તે પારસી હોવાનો પૂરો સંભવ છે. પ્રાગૈતિહાસિક યુગથી જે પ્રજા દરિયાખેડુ હોય ને પરદેશો સાથે વેપાર કરતી હોય તે વિદેશીઓ કે વિધર્મીઓ પ્રત્યે સહિષ્ણુતા દાખવે તેમાં નવાઈ નથી. એટલે તો પારસીઓ ગુજરાતીમાં આવી ભારતીય બની જઈ શક્યા. ઇસ્લામનો ધર્માંધતાનો જુવાળ ચડ્યો કે તરત જ અમદાવાદની મસ્જિદના સ્થાપત્યના સમન્વયમાં તે પરિણમ્યો. શાહજહાંને આ સ્થાપત્યે પ્રેરણા આપી હતી. ફિરંગીઓ વિધર્મી હતા માટે નહીં, પણ તેમનો ડોળો ગુજરાતની ધરતી પર હતો માટે ગુજરાતના સુલતાનો તેમની સામે જંગે ચડ્યા હતા. અંગ્રેજોને સૂરતમાં ગુજરાતીઓ તરફથી કશી મુસીબત નડી ન હતી.

એટલે તો અહીં સોમનાથ ને દ્વારકાધીશ, રણછોડરાય, બહુચરા, અંબા ને કાળી, શેત્રુંજા-શંખેશ્વરમાં જૈન તીર્થંકરોનાં દેવાલયો, કચ્છમાં કોટેશ્વર, નર્મદાતટે લકુલીશ, ગિરનારની ટુકે ગોરખનાથ ને તળેટીએ દાતારના જમિયલશા પીર, સંજાણ ને ઉદવાડાની અગિયારીઓ, મસ્જિદો ને ગિરિજાઘરો, વૈષ્ણવોની હવેલીઓ ને સ્વામીનારાયણ મંદિરો બધાં સાથે શાંતિથી વસી શક્યાં છે. ઢાંકની અને જૂનાગઢના ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ ભૂતકાળમાં બૌદ્ધો પણ અહીં વસી ગયા હતા તેની સાક્ષી પૂરે છે. ઉત્તર ભારતમાંથી ગુજરાતમાં આવી સ્વામી સહજાનંદે એક પ્રકારની ધાર્મિક ક્રાંતિ કરી હતી, તો ગુજરાતમાંથી ઉત્તરમાં જઈ સ્વામી દયાનંદે હતપ્રભ બની ગયેલા હિંદુ ધર્મમાં શક્તિનો સંચાર કર્યો હતો. જાતે જૈન હોવા છતાં, શ્રીમદ્ રાજચંદ્રે સંપ્રદાયની સંકુચિતતાના વાડા ભેદ્યા હતા. નરસિંહ જેવા સંતોએ અને અનેક જતિસતીઓએ ધર્મને પોથીના પિંજરામાંથી બહાર કાઢી બાહ્યાડંબરનાં બંધનો તોડી પ્રત્યક્ષ સરળ સદાચારણથી ધર્મનો મર્મ સમજાવ્યો હતો.

સને 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં મળેલા વિશ્વધર્મ સંમેલનમાં સ્વામી વિવેકાનંદે ભારતનો વિજયડંકો વગાડ્યો અને દિગ્વિજય કર્યો તેની પહેલાંનું લગભગ આખું વર્ષ સ્વામીજી ગુજરાતમાં વિવિધ સ્થળોએ રહ્યા હતા, એ વાત અત્યંત મહત્ત્વની છતાં ઓછી જાણીતી છે. પરંતુ એથીયે ઓછી જાણીતી તો એ વાત છે કે સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ પણ લગભગ એ જ અરસામાં ગુજરાતમાં એક વરસ કરતાંય વધારે સમય રહી ગયા હતા. સેવાધર્મની પ્રેરણા જામનગરના પ્રખ્યાત વૈદ્યરત્ન શ્રી ઝંડુભટ્ટજી પાસેથી તેમને મળી હતી, તે હકીકત તેમણે પોતાનાં સંસ્મરણોમાં નોંધી છે. એમ કહી શકાય કે આ સેવાધર્મ રામકૃષ્ણ મિશનનો પાયો છે. સ્વામી બ્રહ્માનંદ, સ્વામી સુબોધાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ વગેરે સ્વામી વિવેકાનંદના બીજા પ્રસિદ્ધ ગુરુભાઈઓ પણ આ પ્રદેશની યાત્રાએ આવી ગયા છે ને તે સૌ વધતો ઓછો સમય અહીં રહી ગયા છે.

ભારતના આ મહાન ત્યાગી અને સેવાધર્મને વરેલા વીરસપૂતોને પ્રેરણા પાઈને માનવસેવા, સેવાધર્મ, સમન્વ અને ઉચ્ચ આધ્યાત્મિકતાને માર્ગે વાળનાર હતા એમના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ. ગુર્જરી નવજાગરણના આપણા કવિ વીર નર્મદના તેઓ સમકાલીન હતા. નર્મદે અંગ્રેજી કેળવણી લીધી હતી. ત્યારે શ્રીરામકૃષ્ણ લગભગ નિરક્ષર હતા. પરંતુ એમણે આત્મખોજ આદરી અને આધ્યાત્મનાં ગહન શિખરો એક પછી એક સર કર્યાં. પશ્ચિમના સાંસ્કૃતિક આક્રમણ સામે ગૌરવભેર ઊભા રહી તેમણે તે સંસ્કૃતિની ખરાબ અસર અને તેના આંધળા અનુકરણથી દેશને બચાવવાનો સન્માર્ગ ચીંધ્યો હતો. શ્રીરામકૃષ્ણે હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયોની પદ્ધતિઓ દ્વારા સાધના કરી હતી. એટલું જ નહીં પણ, ઇસ્લામ, ખ્રિસ્તી વગેરે ઈતર ધર્મોની સાધના-પદ્ધતિ દ્વારા પણ તેમણે સાધના કરી હતી. આ બધી આધ્યાત્મિક અનુભૂતિઓને અંતે એમને સત્ય લાધ્યું હતું કે ‘જેટલા મત તેટલા પથ’, પણ એ બધા પંથોની નદીઓ એક જ સાગરમાં મળે છે. શંકર, રામ, ગૉડ, અલ્લા ગમે તે કહો, તેનો અર્થ એક જ છે. અને બીજી અગત્યની વાત તેમણે કરી હતી‘જીવ સેવા તે શિવસેવા’ની. ઠાકુરના આ દિવ્ય સંદેશનો શંખધ્વનિ જગતના ચોકમાં સ્વામી વિવેકાનંદે કર્યો હતો. એનો અમૂલ્ય લાભ ગુજરાતનેય સાંપડ્યો. સ્વામી વિવેકાનંદજીના નિર્દેશાનુસાર નિર્મિત બેલુડ મઠના મંદિરમાં પ્રત્યેક ધર્મ અને સંસ્કૃતિનો સુંદર, કલાત્મક અને સૂચક વિનિયોગ કરવામાં આવ્યો છે. અને આ મંદિરની પ્રતિકૃતિરૂપ રાજકોટનું શ્રીરામકૃષ્ણ મંદિર પણ બધા ધર્મોના સમન્વયની ધજા લહેરાવતું, ધર્મના કે નાતજાતના ભેદભાવ વિના પીડિતોની વહારે દોડી જઈ ન્યોછાવર થવા પ્રેરતું, યુવાનોને પ્રેરણાનાં પીયૂષ પાતું, જ્ઞાનની સ્થિર દ્યુતિથી પ્રકાશતું, વિશુદ્ધ ભક્તિના રંગથી રંગાયેલું, રાંતપ્ત ચિત્તોને શાતા અર્પતું, ગુજરાતની ગૌરવભરી સેવાવૃત્તિ અને ધર્મવૃત્તિની ગાથાના પ્રતીક સમું, સાંપ્રદાયિકતાના ભેદની ભીંતોને ભેદતું, ઊંચનીચ, સવર્ણઅવર્ણ, હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન સર્વોધર્મોના અનુયાયીઓનું સપ્રેમ સ્વાગત કરતું ઊભું છે, અને ‘उतिष्ठित जाग्रत प्राप्य वरान्निबोधत’ ઉપનિષદ મંત્રનાં સ્વામીજીનાં પ્રેરક ઉચ્ચારણોનો ઘોષ સૌને સંભળાવી રહ્યું છે.

અતિવૃષ્ટિ હો કે અનાવૃષ્ટિ, કે ધરતીકંપ જેવી કુદરતી સર્જી આફત હો, ત્યાં નાતભાત કે ધર્મના ભેદભાવ વિના પીડિતોની સેવામાં આ મંદિરની મૂર્તિના પ્રેર્યા, શ્રીરામકૃષ્ણ પરમહંસના કુલજનો તરત જ દોડી જાય છે. કુદરતની અણધારી આપત્તિઓથી ઘેરાયેલાં અસંખ્ય જનોનાં હૃદયમાં આ રાજકોટના મંદિરની મૂર્તિ આ શિવભાવે જીવ સેવાને કારણે ચિર આસનસ્થ થઈ જાય છે.

Total Views: 457

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.