પહેલું પગથિયું આ છે: આપણને શું જોઈએ છે? આપણે આપણી જાતને રોજ પૂછવું જોઈએ:“મારે ઈશ્વર જોઈએ છે?” વિશ્વભરના સર્વ ગ્રંથોનો તમે અભ્યાસ કરો, “પરંતુ આ ઈશ્વર-પ્રેમ કોઈ વાણી-વિલાસ દ્વારા નથી મળતો. નથી મળતો તે ઉચ્ચ બુદ્ધિશક્તિ દ્વારા કે વિવિધ વિજ્ઞાનશાસ્ત્રોના અભ્યાસ દ્વારા.” જેને ઈશ્વરને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી હશે, તેને જ પ્રેમની પ્રાપ્તિ થશે, સ્વયં ઈશ્વર તેને આવી મળશે. બિંબ-પ્રતિબિંબના ભાવની પેઠે પ્રેમ પારસ્પરિક વસ્તુ છે. મારો તમે તિરસ્કાર કરતા હો અને જો હું તમને ચાહવા ઇચ્છું તો તમે મને દૂર જ રાખવાના. પરંતુ જો હું તેમાં મંડ્યો જ રહું તો એક માસમાં કે છેવટે એક વર્ષમાં તમે મને જરૂર ચાહતા થવાના. માનસશાસ્ત્રની એ જાણીતી હકીકત છે. જેમ એક સ્નેહાળ પત્ની પોતાના મૃત પતિનું ચિંતન કરે છે, તેમ જ આપણે પણ ઈશ્વરનું તેવા જ પ્રેમથી ચિંતન કરવું જોઈએ અને ત્યારે જ આપણને ઈશ્વર પ્રાપ્ત થશે. અનેક પુસ્તકો કે વિવિધ વિજ્ઞાનો આપણને કાંઈ પણ શીખવી શકશે નહીં. પુસ્તકો વાંચવાથી આપણે પોપટ થઈ જઈએ, પણ જ્ઞાની બની જવાતું નથી. પણ જો પ્રેમનો એક પાઠ મનુષ્ય શીખે તો તે ખરેખર જ્ઞાની થઈ જાય. તેથી પ્રથમ આપણામાં ઈશ્વર માટેની તાલાવેલી લાગવી જોઈએ.

આપણે દરરોજ આપણી જાતને પૂછીએ: મારે ઈશ્વર જોઈએ છે? જ્યારે-જ્યારે આપણે ધર્મની વાત કરીએ, અને ખાસ કરીને ઉચ્ચ સ્થાને બેસીને બીજાને ઉપદેશ આપવા લાગીએ, ત્યારે-ત્યારે આપણે આપણી જાતને આ જ પ્રશ્ન પૂછવો જોઈએ. ઘણી વખત મને એમ લાગે છે કે મારે ઈશ્વરની જરૂર નથી; તેથી વધારે તો મારે રોટલાનો ખપ છે. જો મને રોટલાનો ટુકડો ન મળે તો હું પાગલ બની જાઉં, ઘણી સ્ત્રીઓને હીરાની પિન ન મળે તો તે પાગલ બની જાય, પરંતુ ઈશ્વર માટે તેવી ઝંખના તેમને નથી હોતી; આ વિશ્વમાં ઈશ્વર એકમાત્ર સત્ય છે તેનો તેમને ખ્યાલ નથી. કહેવત છે કે મારવો તો મીર અને લૂંટવો તો ભંડાર. જો લૂંટવો જ હોય તો રાજાનો ભંડાર લૂંટવો, ભિખારીઓને લૂંટવામાં કે કીડીઓને મારવામાં શી મજા? જો પ્રેમ જ કરવો હોય તો ઈશ્વર સાથે પ્રેમ કરો; આ દુન્યવી ચીજોની પરવા શી રાખવી? આ દુનિયા તદ્દન મિથ્યા છે; દુનિયાના સઘળા મહાન ઉપદેશકોએ આ સાર કાઢ્યો છે. ઈશ્વર સિવાય તેમાંથી ઊગરવાનો કોઈ બીજો માર્ગ નથી; તે જ આપણા જીવનનું ધ્યેય છે. જગતને જીવનનું ધ્યેય માનવાના સઘળા વિચારો હાનિકારક છે. આ દુનિયા અને શરીરની અલબત્ત કિંમત છે, પણ તે ગૌણ છે. તેની કિંમત માત્ર ધ્યેય પ્રાપ્ત કરવાના સાધન તરીકેની છે; ખુદ દુનિયા પોતે જ સાધ્ય ન બની જવી જોઈએ. કમનસીબે, ઘણી વાર આપણે સંસારને જ સાધ્ય અને ઈશ્વરને સાધન માની બેસીએ છીએ. આપણે લોકોને દેવળમાં જતા જોઈએ છીએ. ત્યાં જઈ તેઓ માગે છે કે “ભગવાન! મને પૈસા આપો, મને સુખ આપો. હે ભગવાન! મારા દર્દને મટાડી દો.” તેમને સુંદર તંદુરસ્ત શરીર જોઈએ છે; તેમણે સાંભળ્યું છે કે તેમના માટે બીજું કોઈ તે કામ કરશે. તેથી ઈશ્વર પાસે જઈને તેઓ આવી પ્રાર્થના કરે છે. ધર્મ વિશે આવા ખ્યાલો રાખવા કરતાં નાસ્તિક થવું વધારે સારું છે. મેં તમને કહ્યું છે તેમ, ભક્તિ સર્વોચ્ચ આદર્શ છે. લાખો વર્ષને અંતે આપણે તે ધ્યેયે પહોંચી શકીશું કે કેમ તે હું જાણતો નથી; પણ તેને આપણું સર્વોચ્ચ ધ્યેય બનાવવું જોઈએ અને આપણી સઘળી વૃત્તિઓને એ ધ્યેય તરફ દોરવી જોઈએ. આપણે ધ્યેય સુધી ન પહોંચી શકીએ તો પણ આપણે જરૂર તેની નજીક તો જઈ જ શકીશું. ઈશ્વરને પહોંચવા માટે આપણે આ દુનિયામાં અને ઇન્દ્રિયો દ્વારા ધીરેધીરે કામ લેવું જોઈએ.

(સ્વામી વિવેકાનંદ કૃત ‘પ્રેમયોગ’માંથી)

Total Views: 449

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.