ધર્મની આવશ્યકતા : સ્વામી વિવેકાનંદનાં ચાર વ્યાખ્યાનોનું સંકલન : દ્રિતીય સંસ્કરણ; જુલાઈ, ૧૯૮૯ : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય રૂ. ૬-૦૦

સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં વેદાંતનો શંખનાદ કરી પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસે જીવી બતાવેલા સર્વધર્મ સમભાવનો બોધ જગતને કર્યો તે ઘડીથી, જાણે કે, ધર્મ પ્રત્યેની જગતની દૃષ્ટિમાં નવું અંજન પુરાયું. સામ્યવાદી દેશોમાં તાજેતરમાં જોવા મળતી ધર્મજાગૃતિ જોઈ ‘ગોડ ઈઝ ડેડ’નો લેખક કબરમાં પણ બેઠો થઈ ગયો હશે!

સને ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો શહેરમાં પહોંચ્યા અને વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી તરત જ તેઓ પાછા ભારત આવ્યા ન હતા. ચારેક વર્ષ સ્વામીજી અમેરિકા અને યુરોપમાં ફર્યા હતા અને એ પરિવ્રાજકે વેદાંતધર્મનો પ્રચાર કર્યો હતો. ભારત પાછા આવ્યા પછી, સ્વામીજી ફરી ૧૮૯૯માં પશ્ચિમના દેશોના પ્રવાસે ગયા હતા.

આ પરદેશવાસ અને પ્રવાસ દરમિયાન સ્વામીજીએ ધર્મ વિશે આપેલાં ચાર અપ્રતીમ વ્યાખ્યાનો આ નાની પુસ્તિકા દ્વારા ગુજરાત સમક્ષ પ્રથમ ૧૯૮૩માં રજૂ થયાં હતાં. તેનું આ બીજું સંસ્કરણ છે.

ચારમાંથી બે વ્યાખ્યાનો, ‘ધર્મની આવશ્યક્તા’ અને ‘ધર્મની પધ્ધતિઓ અને હેતુ’ ઈંગ્લેન્ડમાં અપાયેલાં છે. ‘ધર્મ શું છે?’ અને ‘વિશ્વધર્મ સાધ્ય કરવાનો માર્ગ’ એ બે વ્યાખ્યાનો અમેરિકામાં જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થળે અપાયેલાં છે. કશી નોંધ વિના, ભિન્ન-ભિન્ન સમયે તે સ્થળે અપાયેલાં આ વ્યાખ્યાનોમાં વિચારણાની અદ્ભુત એકસૂત્રતા છે. ધર્મનું એમનું દર્શન વિશદ છે, ને એટલી જ વિશદ એમની રજૂઆત છે. ધર્મ વિશેની અહીં જોવા મળતી છણાવટ માર્મિક અને હૃદયંગમ છે. ગહનતમ વિષયને સરળ પણ અનુભવપૂત વાણીમાં સ્વામીજી સુંદર રીતે રજૂ કરે છે. એક મહાન જ્યોતિર્ધરનો પ્રકાશ એમના પદેપદને આલોકિત કરે છે.

આ ચારેય વ્યાખ્યાનોને સમયે સ્વામીજીનો શ્રોતાગણ પાશ્ચાત્યોનો હતો. પણ, એમાંના મોટા ભાગની વ્યક્તિ સાચી જિજ્ઞાસાથી સ્વામીજીના કથામૃતનું પાન કરવા આવી હતી. જ્ઞાનાંજન શલાકાથી સ્વામીજીએ પ્રત્યેક શ્રોતાગણના અજ્ઞાન-તિમિરનો નાશ ર્યો હશે એ પ્રતીતિ આ વ્યાખ્યાનોના પદેપદની જ્યોતથી થાય છે.

બુદ્ધિપ્રધાન પાશ્ચાત્ય સમાજ સમક્ષ એક સરસ દૃષ્ટાંત દરિયાઈ સર્પ વિશેનું આપી સ્વામીજી પૂછે છે : ‘બુદ્ધિ વિરુદ્ધનું કંઈ માનવું તે જ શું ઈશ્વરની નિંદા નથી?’ (પૃ.૪૧) આટલું કહ્યા પછી સ્વામીજી ભારપૂર્વક જણાવે છે કે, ‘અનુભૂતિ એ જ ધર્મનો સાચો માર્ગ છે.’ (પૃ.૪૨) જગતના બધા ધર્મગ્રંથો કેવળ નકશા છે. એ ગ્રંથો અને ગુઓ આપણને માર્ગ બતાવી શકે. એ માર્ગે જઈ ધર્માનુભવ તો જાતે જ લેવાનો છે.

જગતનાં તો શું, એક ઘરનાંયે, બધાં માનવીઓના દેહનું, મનનું કે ચિત્તનું બંધારણ એકસરખું હોતું નથી. ખોરાક-પોશાક પણ ભિન્ન હોય તો સ્વામીજી કહે છે કે, ‘પદ્ધતિઓ પણ અલગ-અલગ હોવી જોઈએ’ (પૃ.૪૫) વેદાંત એ સમજે છે તેથી, ‘એક જ સિદ્ધાંતનો ઉપદેશ આપવા છતાં વિવિધ પદ્ધતિઓ સ્વીકારે છે’ (પૃ.૪૬). આમ, ઈસ્લામ, ખ્રિસ્તી કે બૌદ્ધ ધર્મ કરતાં વેદાંતનું આ વલણ જુદું ને ઉદાર – ને તેથી કદાચ ચડિયાતું છે. ધર્મનો પાયો શો છે તે સમજાવતાં સ્વામીજી કહે છે કે, ‘ત્યાગના પાયા ઉપર જ નીતિધર્મ ઊભેલો છે’ (પૃ.૭). આ પાયેથી આગળ વધી ‘અહંનો સદા માટે નાશ’ કરવા (પૃ.૮) સુધી પહોંચવાનું છે. ભૌતિક વ્યક્તિત્વનો વિનાશ, તેનો વિસ્તાર નહીં, તેમ સ્વામીજી ભારપૂર્વક કહે છે (પૃ.૮). આમ કરવાનો હેતુ અનંતને પામવાનો છે. બાહ્ય પ્રકૃતિને નહીં પણ આંતર પ્રકૃતિને જીતવાથી જ આમ બની શકે (પૃ.૧૦). આવો પ્રયત્ન કરનાર લોકોની સંખ્યા જે પ્રજામાં વધારે હોય તે પ્રજા જ મહાન બની શકે.

શ્રીરામકૃષ્ણ પરમહંસને નિકટતાથી નિહાળનાર, એમના અંતેવાસી બની રહેવા માટે ઘરકુટુંબને તજનાર, એમને હાથે ઘડાવાનું સદ્ભાગ્ય પામનાર અને એમના પટશિષ્ય બનવાનું અનન્ય માન પ્રાપ્ત કરનાર સ્વામી વિવેકાનંદ જ કહી શકે છે. ધર્મની શક્તિ તો દુનિયામાં હજુ હમણાં જ પ્રગટ થવા લાગી છે (પૃ.૧૬). ને સ્વામી વિવેકાનંદની એ આર્ષવાણી સાચી પડતી આપણે જોઈએ છીએ. માર્ટિન લ્યુથર કિંગ ધર્મને માર્ગે ચાલનારા હતા. લેસ વાલેચા અહિંસાના અને સત્તાત્યાગના ઉપાસક છે. અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઠંડુ યુધ્ધ સમાપ્તિ તરફ જઈ રહ્યું છે તેની પ્રતીતિ થતી જોવા મળે છે. ‘વ્યક્તિની, સંપ્રદાયની કે રાષ્ટ્રની સંકુચિત દૃષ્ટિએ નહીં પણ વિશ્વવ્યાપી આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરવાની’ (પૃ.૧૫) સ્વામીજીની સલાહ, જાણે કે, આજે સો વર્ષે અમલમાં મુકાઈ રહી છે.

ઈસ્લામની આક્રમકતા અને અસહિષ્ણુતા વિશે સ્પષ્ટ નિર્દેશ કર્યા પછી ઈસ્લામની સમાનતાની ભાવનાનો પુરસ્કાર કરવાનું સ્વામીજી ચૂકતા નથી (પૃ.૬૨). પોતાના ગુરુના પ્રખ્યાત શબ્દો, ‘જેટલા મત તેટલા પથ’ ઉપર જાણે ભાષ્ય રચતા હોય તેમ, વિવિધ ધાર્મિક મતની જરૂરિયાત પર સ્વામીજી ખૂબ ભાર મૂકે છે. (પૃ.૬૫). સ્વામીજી માત્ર પરમત સહિષ્ણુતામાં નહીં પરંતુ પરમત-સ્વીકારમાં માને છે. કારણ કે કહેવાની સહિષ્ણુતા તો ઘણી વાર નિંદા જેવી હોય છે (પૃ.૬૫). શ્રીરામકૃષ્ણે બધા ધર્મોનો સ્વીકાર આચરણમાં મૂકી બતાવ્યો હતો તે સ્વામીજીએ પ્રત્યક્ષ જોયું હતું. આર્ષદ્રષ્ટા સ્વામીજી ભવિષ્યમાં જે બધા આવશે તેમને માટે પણ પોતાનું હૃદય ખુલ્લું રાખવાનું કહે છે. કારણ, શું ઈશ્વરનો ગ્રંથ પૂરો થયો છે? (પૃ.૬૫) આ ચાર લેખોમાં સ્વામીજી ધર્મ વિશેની પાયાની વાતો ચર્ચે છે અને ધર્મ શું છે?’થી માંડી વિશ્વ ધર્મની આવશ્યકતા સુધીની વ્યાપક ભૂમિકાએ લઈ જાય છે. સાંપ્રદાયિકતાના કવચને સ્વામીજી વેદાંતના ત્રિશૂલથી વીંધી નાખે છે. પૂર્વના કે પશ્ચિમના કોઈ પણ વાચકને માટે આ સંકલન અત્યંત ઉપકારક છે. ધર્મ વિશેની ગેરસમજના જાળામાં આપણે ગૂંચવાઈ ગયા હોઈએ અને એમાંથી મુક્ત હોય તેવી વિરલ વ્યક્તિઓ બહુ જ થોડી હોવાની-તો તેમાંથી આ વ્યાખ્યાનો આપણને મુક્તિના વિશુદ્ધ વાતાવરણમાં મૂકે છે.

સ્વામીજી વેદાંતનો જ ઉદ્ઘોષ કરે છે. વેદાંત કહે છે કે, ‘ધર્મ અહીં અને અત્યારે જ છે’ (પૃ.૪૨) અને ધર્માચરણ એટલે આત્માનું સંગીત સાંભળવું તે (પૃ.૧૮). આત્માનું આ સંગીત એટલે સ્વતંત્રતા, મુક્તિ. વાત ધર્મની હોય, આચરણની હોય કે ઈશ્વરના સ્વરૂપની હોય, સ્વામીજી દરેક વાતને સાંપ્રદાયિક માન્યતાઓ જેને આંબી ન શકે તે વેદાંતની સર્વોચ્ચ ભૂમિકાએ લઈ જાય છે, એથી જ તો, સ્વામીજીનાં આ ચારેય વ્યાખ્યાનોના સહૃદયી શ્રોતાગણો આ વ્યાખ્યાનોને સદ્ભાવથી ઝીલી શક્યા હતા, દેશ-વિદેશના અસંખ્ય વાચકોને એ શબ્દો સ્પર્શ્યા છે ને આજે નવ દાયકાની વિદાય પછી પણ એ શબ્દો એટલા જ ચેતનવંતા, કુંતલ ઘોડા જેવા લાગે છે.

સ્વામીજીની એ ગંભીર વાણીમાં ઉપનિષદો પડઘાય છે. બાઈબલ જેવા ઈતર ધર્મગ્રંથોના ઊંડા વાચનથી એ પરિપુષ્ટ થયેલી છે અને એમના ગુરુની અનુભવવાણીથી એ સમૃદ્ધ થયેલી છે. સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે તેમ, સ્વામીજીનું પદ સંપૂર્ણ પદ છે. જ્ઞાનેશ્વરે કહ્યું છે કે, ‘સંપૂર્ણ પદ તૈયાર થાય ત્યાં તેને ભેટવા માટે અંત:કરણ બહાર દોડી આવશે અને શબ્દને આલિંગન દેવાને હાથ સામે લંબાવશે’ (જ્ઞાનેશ્વરી; ૬-૧૮). સ્વામીજીનાં પદો એટલાં સંપૂર્ણ છે કે, આજે સો વર્ષે પણ અનેક અંત:કરણ એમને ભેટવા માટે બહાર દોડી આવે છે ને એમના શબ્દોને ભાવથી આલિંગે છે.

આ ચાર વ્યાખ્યાનોનું સંકલન કરી તેનું પ્રકાશન સૌ જિજ્ઞાસુને સુલભ કરી આપી શ્રીરામકૃષ્ણ આશ્રમે ઉત્તમ સેવાકાર્ય કર્યું છે. એને આવકારતાં આનંદ થાય છે.

દુષ્યંત પંડ્યા, જામનગર

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.