આસામ

રામકૃષ્ણ મઠ અને મિશનના કરીમગંજ કેન્દ્ર દ્વારા દક્ષિણ કરીમગંજની પાથેરકાંઠી માર્કેટના ૩૫ પરિવારોને અગ્નિ-રાહત મર્ય હેઠળ ૧૩૯ કિલો ચોખા, ૩૯ ધોતિયાં, ૩૬ સાડીઓ અને ૩૫ વાસણોના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અરુણાચલ પ્રદેશ

રામકૃષ્ણ મિશનના ઈટાનગર કેન્દ્રના નવનિર્મિત વિવેકનંદ હોલનું ઉદ્‌ઘાટન અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જેગોંગ અપાંગ દ્વારા ર૭મી એપ્રિલે થયું હતું. ૭મી એપ્રિલે આ કેન્દ્રની ઈસ્પિતાલની મુલાકાત ભારતના નાયબ વડાપ્રધાન શ્રી દેવીલાલે લીધી હતી.

બિહાર

રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા પછાત વર્ગના લોકો માટે ઈન્દિરા આવાસ યોજના હેઠળ નિર્મિત ૧૭ માનોનું અને સામુદાયિક ભવનનું ઉદ્દઘાટન ૧૧મી એપ્રિલે થયું હતું.

૫. બંગાળ

ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના રાહત કાર્ય હેઠળ એક શાળાનું નિર્માણકાર્ય આંશિકરૂપે પૂરું થયું છે. પં. બંગાળના નાણાંપ્રધાન ડૉ. અસીમ દાસગુપ્તાએ રરમી એપ્રિલે રિલિફ કેમ્પની મુલાકાત લીધી અને શિલાન્યાસ તક્‌તીનું અનાવરણ કર્યું હતું.

મધ્ય પ્રદેશ

બસ્તર જિલ્લાના નારાયણપુરમાં રામકૃષ્ણ મિશનનું સ્વતંત્ર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને તેનું નામ “રામકૃષ્ણ મિશન (અબુઝમાડ ટ્રાયબલ સર્વિસ) નારાયણપુર” રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી આ કેન્દ્ર રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્ર હેઠળ ચાલી રહ્યું હતું.

ગુજરાત

શ્રીરામકૃષ્ણવિવેકાનંદ કેન્દ્ર, ભાવનગર

શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર, ભાવનગરના ઉપક્રમે તા. ર૬, ૨૭ તથા ૨૮ એપ્રિલ દરમિયાન અનુક્રમે “શ્રીમદ્ ભગવદ્‌ગીતાનો આધુનિક યુગને માટે વિશિષ્ટ સંદેશ,” “આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશની ઉપયોગિતા” તેમ જ “દેશભક્ત સ્વામી વિવેકાનંદ” વિષયો પર દરરોજ સાંજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીનાં વ્યાખ્યાનો યોજાયાં હતાં. આ કાર્યક્રમ સાથે શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ અને વેદાંત સાહિત્યનું પ્રદર્શન અને વેચાણ પણ યોજાયેલ હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીમા શારદાદેવી, શ્રીરામકૃષ્ણદેવ તથા સ્વામી વિવેકાનંદ જયંતીના ઉપલક્ષમાં તા. ૩, ૪ તથા ૫ મે દરમિયાન દરરોજ સવારે ૮-૩૦ વાગ્યે અલાહાબાદ, શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજીએ ‘રામચરિતમાનસ’ના આધારે “શ્રી હનુમાનજીના પાવનકારી સંત-ચરિત્ર” વિશે પ્રવચનો કર્યાં.

આ ઉપરાંત આ ત્રણ દિવસો દરમિયાન દરરોજ સાંજે ૬-૪૫ વાગ્યે જાહેર સભામાં વિદ્વાન વક્તાઓનાં પ્રવચનો અને રાત્રે ૯-૩૦ વાગ્યે ભજનો આ આધ્યાત્મિક મહોત્સવનું વિશેષ આકર્ષણ બન્યાં હતાં.

શ્રીમા શારદા દિન તા. ૩-૫-૯૦ : “શ્રીમા શારદાદેવીનું જીવન અને તેમનો વૈશ્વિક સંદેશ” વિષય પર પોરબંદરના આર્ય ગુરુકુળ કન્યા વિદ્યાલયનાં પ્રાધ્યાપિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, “શ્રી શ્રીમાના ભવ્ય પાવનકારી જીવનમાં દિવ્ય, પ્રેમમય, કરૂણામયી વાત્સલ્ય વરસાવતાં જગજ્જનનીના અલૌકિક ચરિત્રનાં દર્શન થાય છે.” સભાના પ્રમુખપદેથી સંબોધનમાં સ્વામી નિખિલાત્માનંદજીએ શ્રીમાના સુંદર જીવનપ્રસંગોનું વર્ણન કરતાં કહ્યું કે, “આદર્શ કન્યા, આદર્શ પત્ની, આદર્શ સંન્યાસિની તથા આદર્શ ગુરુ વગેરે કેટકેટલાં રૂપે વિશ્વજનની પ્રગટ થયાં અને આધુનિક જગત માટે અદ્ભુત પ્રેરક સંદેશ આપી ગયાં છે.”

શુક્રવાર, તા. ૪-૫-૯૦ શ્રી સ્વામી વિવેકાનંદ દિન નિમિત્તે “સ્વામી વિવેકાનંદ: વર્તમાન ભારત તથા વિશ્વને તેમનો સંદેશ” વિષય પર સ્વામી નિખિલાત્માનંદજીના પ્રમુખપદે યોજાયેલ સભામાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. સુરેશ દલાલે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું કે, “સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા ઉચ્ચ આદર્શો અને એમનું મહાન જીવન આધુનિક ભારતને, સમગ્ર વિશ્વને ઉન્નતિના માર્ગે વણથંભી આગેકૂચ કરવા માટે પથપ્રદર્શક છે. “આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, “મહાન ગુરુના આ મહાન શિષ્યને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનવા માટે આ મહાત્માને અનેક શારીરિક અને માનસિક યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હતું.”

સ્વામી નિખિલેશ્વરાનંદે જુદાં જુદાં ઉદાહરણો આપીને આજની વિકટ પરિસ્થિતિમાં મૂલ્યોના દુષ્કાળનું શબ્દચિત્ર રજૂ કરતાં કહ્યું કે, “મનુષ્યમાં રહેલા પ્રભુની સેવાનો એ સ્વામી વિવેકાનંદનો પ્રેરક સંદેશ આખાએ વિશ્વ માટે, માનવજાત માટે પ્રકાશ આપે છે.”

સ્વામી નિખિલાત્માનંદજીએ પ્રમુખસ્થાનેથી વક્તવ્યમાં કહ્યું કે, “સત્યશોધક નરેન્દ્રનાથે સર્વોચ્ચ સત્યોનું દર્શન કર્યું. પૂર્વ તથા પશ્ચિમ, વિજ્ઞાન અને ધર્મ, વ્યવહાર અને અધ્યાત્મ, વેદાંત અને વ્યાવહારિક જીવન વગેરે વચ્ચે વિવેકાનંદ સેતુરૂપ બની રહ્યા.”

શનિવાર, તા ૫-૫-૯૦, શ્રીરામકૃષ્ણદેવ જયંતી નિમિત્તે “શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને વર્તમાન સમાજને તેમનો સંદેશ” વિશે સ્વામી નિખિલાત્માનંદજીના પ્રમુખપદે યોજાયેલ જાહેર સભામાં ડૉ. સુરેશ દલાલે મનનીય વક્તવ્યમાં શ્રી પરમહંસદેવના દિવ્ય જીવનની સંક્ષિપ્ત આલોચના કરતાં જણાવ્યું કે, “દેશકાળ તથા મનબુદ્ધિની પેલી પારના અલૌકિક પ્રદેશમાંથી શ્રીરામકૃષ્ણદેવ પૃથ્વી પર અવતરણ કરે છે અને વિવેકાનંદે તેમની જ્ઞાનગંગાનાં શાંતિ-વારિનું આખાયે વિશ્વમાં સિંચન ક્યું રામકૃષ્ણદેવનો કેવો અનન્ય માનવપ્રેમ! મરણાસન્ન હતા ત્યારે પણ અધ્યાત્મના પિપાસુઓને ઉપદેશ આપ્યો.” ડૉ. દલાલે ભાવપ્રેરક પ્રવચનમાં આજના મનુષ્યને શ્રીરામકૃષ્ણના જીવન કથનમાંથી મૂલ્યવાન પ્રેરણા આપતાં સુંદર દૃષ્ટાંતો કાવ્યાત્મક ભાષામાં પ્રસ્તુત કર્યાં હતા.

સ્વામી નિખિલેશ્વરાનંદે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, “નિર્ભયતા, માનવપ્રેમ, જનજાગરણ, નારી સન્માનની ભાવન, સત્યનિષ્ઠા, સ્વાર્થત્યાગ, સર્વધર્મસમન્વય, વગેરે ઉદાત્ત મૂલ્યોની આજના યુગમાં પુન: પ્રતિષ્ઠા કરનાર શ્રીરામકૃષ્ણદેવ નવયુગના જ્યોતિર્ધર હતા.”

કાર્યક્રમના પ્રમુખપદેથી સ્વામી નિખિલાત્માનંદજીએ કહ્યું : “સમાજની મૂંઝવતી સમસ્યાઓનું વૈજ્ઞાનિક અને બુદ્ધિયુક્ત નિરાકરણ શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી અને અમૃતમય અલૌકિક જીવનમાંથી મળે છે. એમનું ‘બહુજનહિતાય બહુજન સુખાય’ અધ્યાત્મનિષ્ઠ દિવ્ય ચરિત્ર તથા વ્યક્તિત્વની અસંખ્ય બાજુએથી નિહાળીએ, તો મધુરતાનું આસ્વાદન કરીને ધન્યતાનો અનુભવ થાય છે.”

ત્રણેય દિવસના કાર્યક્રમનો મંગલ પ્રારંભ ભજનસંગીતથી થયો હતો. આશ્રમના અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદે સ્વાગત કરતાં પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં.

આ ઉપરાંત ત્રણેય દિવસ દરમિયાન દરરોજ રાત્રે ૯-૩૦ વાગ્યે સુપ્રસિદ્ધ ભજનિકો દ્વારા ભજન સંગીતની રસલ્હાણ પીરસવામાં આવી હતી.

૩-૫-૯૦ના રોજ શ્રી વિનોદ પટેલ, ૪-૫-૯૦ શ્રી રમણભાઈ પટેલ અને ૫-૫-૯૦ના શ્રી હેમંત ચૌહાણનાં ભજનો સાંભળી શ્રોતાઓ ભાવવિભોર થયા હતા.

શ્રીરામકૃષ્ણ મિશન વિદ્યાપીઠના આદિવાસી વિદ્યાર્થીઓનુંવીરેશ્વર વિવેકાનંદનાટ્ પ્રદર્શન

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની પાવનકારી જયંતીના ઉપલક્ષ્યમાં તા. ૨-૫-૯૦ ના રોજ આશ્રમના પટાંગણમાં શ્રીરામકૃષ્ણ મિશન વિદ્યામંદિર, નારાયણપુર (બસ્તર, મધ્ય પ્રદેશ)ના ધો. ૬, ૭, ૮ના આદિવાસી વિદ્યાર્થીઓએ ‘વીરેશ્વર વિવેકાનંદ’ એ નામનું હિન્દી નાટક રજૂ કરી પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.

શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકનંદ આશ્રમ, રાયપુરના નિરીક્ષણ તળે બસ્તર જિલ્લાના જંગલમાં વસતા આદિવાસીઓના ઉત્કર્ષ માટે આ પ્રોજેક્ટ ૧૯૮૫થી હાથ ધરવામાં આવેલ છે. નારાયણપુરની આ શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસ ક્ષેત્રમાં પણ ઝળકતી સિદ્ધિઓ મેળવેલ છે, પોતાનાં નામ રોશન કર્યાં છે.

‘વીરેશ્વર વિવેકાનંદ’ નાટકનાં ભાવવાહી ગીતોએ ભાવિકોનાં મન હરી લીધાં હતાં. સ્વામી વિવેકાનંદના પાત્રમાં ધો.૬ના વિદ્યાર્થી મહેન્દ્રે સૌનાં હૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. શ્રીરામકૃષ્ણદેવના પાત્રમાં ધો.૭ના વિદ્યાર્થી હીરમલ અને સૂત્રધારના પાત્રમાં ધો.૭ના વિદ્યાર્થી મોહન પણ પ્રેક્ષકોનું આકર્ષણ બની ગયા હતા.

આ નાટકનું લેખન – નિદર્શન શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, અલાહાબાદના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી નિખિલાત્માનંદજીએ કર્યું હતું.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.