આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય

આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી કૃષ્ણકાંતે ૧૬મી જુલાઈએ વિશાખાપટ્ટનમ જિલ્લાના યેલ્લામાનચીલી મંડળના કોઠાપાલેમ ગામના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નિર્મિત થનારા પાકાં મકાનોના બાંધકામનો શિલાન્યાસ કર્યો હતો. પહેલા તબક્કે આ ગામમાં ૮૫ મકાનોનું બાંધકામ થશે.

ગુંટુર જિલ્લાના રેપાલ્લેના આદિવિપાલેમ ગામમાં એક સામુદાયિક ભવનના બાંધકામ માટે અને આર્થિક વિકાસના પ્રકલ્પો માટે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા પગલાં લેવાઈ રહ્યાં છે.

રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વિશાખાપટ્ટનમ જિલ્લાના યેલ્લામાનચીલી અને રામબિલ્લી મંડળોનાં ૧૪ ગામોના ૨૪૩૧ પરિવારોમાં ૫૧૧૮ કિ. ચોખા, ૨૫૬૫ સાડીઓ, ૨૪૩૭ ધોતિયાં, ૩૦૦ ખેસ, પ૦૨ ચાદર, ૮૨૬૫ વસ્ત્રો અને ૧૦૦૨ સેટ વાસણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મઠ અને મિશનના રાજમંદ્રી કેન્દ્ર દ્વારા ગુંટુર જિલ્લાના રેપાલ્લે મંડળનાં ૭ ગામોના વાવાઝોડાગ્રસ્ત ૩૦૩૪ પરિવારોમાં ૭૫૦ કિ. બટેટા, ૫૦૦ કિં. ડુંગળી, ૫૫૦ સેટ વાસણો, ૨૮૪૪ ધોતિયાં, ૨૯૭૧ સાડીઓ અને ૩૬૩ર વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળ વાવાઝોડા-રાહતકાર્ય

૨૪ પરગણા જિલ્લાના હિંગલગંજ બ્લૉકના માલેકનગુમટી ગામમાં શરણાર્થી શાળાભવનના પ્રથમ માળનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

બાંગલાદેશ વંટોળ-રાહતકાર્ય

રામકૃષ્ણ મઠ અને મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા માણિકગંજ અને ઢાકા જિલ્લાના સાતુડિયા અને ધામરાઈ મંડળનાં ૨૪ ગામોના ૪૨૪ પરિવારોને ૪ર૪ નવાં મકાનો, ચૂલાઓ અને વાસણો સહિત સોંપી દેવામાં આવ્યા હતા.

ચીની ભાષામાં સ્વામી વિવેકાનંદના પુસ્તકનું વિમોચન

રામકૃષ્ણ મિશનના સિંગાપુર કેન્દ્રના વાર્ષિકોત્સવ દરમિયાન ૨૪મી જૂને સિંગાપુરના સંસદ સદસ્ય શ્રી પેહ. ચીન. હુવાના વરદ્ હસ્તે સ્વામી વિવેકાનંદજીના શિકાગો વ્યાખ્યાનોના ચીની ભાષાના પુસ્તકનું વિમોચન થયું હતું.

મધ્યપ્રદેશમાં આદિવાસીઓ માટે વિડિયો રથ

રામકૃષ્ણ મિશનના નારાયણપુર (મધ્યપ્રદેશ) કેન્દ્રમાં ૧૧મી જુલાઈએ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી કુંવર મોહમ્મદ અલીના વરદ્હસ્તે આદિવાસી ગામોની સેવા માટેના વિડિયો રથનું ઉદ્‌ઘાટન થયું હતું અને પ્રસ્તાવિત મ્યુઝિયમ ભવનનો શિલાન્યાસ થયો હતો. તેમની સાથે મધ્યપ્રદેશના આદિવાસી કલ્યાણ મંત્રી શ્રી બાલીરામ કશ્યપ પણ ઉપસ્થિત હતી.

આલોંગનો વિદ્યાર્થી પ્રથમ સ્થાન મેળવે છે.

રામકૃષ્ણ મિશનના આલોંગ (અરુણાચલ પ્રદેશ) કેન્દ્ર દ્વારા સંચાલિત શાળાના એક વિદ્યાર્થીએ અખિલ ભારત સામાન્ય જ્ઞાન (જૂનિયર) પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

રામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા.

આ કેન્દ્ર દ્વારા ૭મી જુલાઈએ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી. ૧૩મીએ ‘સ્વામી વિવેકાનંદનો કર્મયોગ’ વિષય પર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું. ૨૦ મીએ શ્રીરામકૃષ્ણના અંતરંગ પાર્ષદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ ઉજવવામાં આવી હતી. ૨૨મી જુલાઈએ કેન્દ્ર તરફથી બીજી તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૮૦ હરિફોએ ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર (કચ્છ)

આ કેન્દ્રના પ્રથમ સ્થાપનાદિન નિમિત્તે અને તોલાણી વિદ્યા સંસ્થાઓના સ્થાપક અને જાણીતા દાનવીર સ્વર્ગસ્થ કાકા પ્રભુદાસ તોલાણીની બીજી પુણ્યતિથિ નિમિત્તે આ કેન્દ્ર દ્વારા ૧૦મી જુલાઈએ એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા સિંધી કવિ પ્રો. હરિદરિયાણી ‘દિલગીરે’ આ પ્રસંગે રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ પર વ્યાખ્યાન આપ્યું હતું અને સ્વર્ગસ્થ કાકા તોલાણીની સેવાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના અધ્યાપકો, વિદ્યાર્થી ભાઈ-બહેનો અને નાગરિકોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૭મી જુલાઈએ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, ભજન. હવન વગેરેથી ઉજવવામાં આવ્યો હતો. સાંજે ‘ગુરુ અને આધ્યાત્મિક સાધના’ પર આશ્રમના સ્વામીજીઓનાં પ્રવચન થયાં હતાં. તા. ૧૩મી ઑગસ્ટે આશ્રમમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે શ્રીકૃષ્ણની વિશેષ પૂજા, શ્યામનામ સંકીર્તન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. ૧૨, ૧૩ અને ૧૪મી ઑગસ્ટે ‘શ્રીમદ્ ભાગવત’ પર સ્વામી મુમુક્ષાનંદજીનાં પ્રવચનો થયાં હતાં.

***

આંધ્રપ્રદેશ રાજ્યમાં કુદરતી આફતનો ભોગ બનેલા દેશબાંધવોની મદદે આવવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની અપીલના જવાબમાં પેટલાદ તાલુકાની બી.બી. પટેલ હાઈસ્કૂલ, ડભોઊના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ રૂા. ૫૦૧/- નો ફાળો આશ્રમને મોકલી આપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડીને રાષ્ટ્ર ફરજ બજાવી છે. દાતાઓને અભિનંદન.

પાલીતાણામાં રાહત કાર્ય

પાલીતાણા તાલુકામાં (જિ. ભાવનગર)ના મોખડકા, રંડોળા, સગાપરા અને જાળિયા ગ્રામ વિસ્તાર અને પાલીતાણા શહેરમાં અતિવૃષ્ટિના કારણે અસર પામેલા લોકોને તુરતની સહાય આપવા માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ૧૭મી ઑગષ્ટે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું. ૪૦૬ કુટુંબોને ૬,૭૦૦ કિ. ગ્રા. ઘઉં, ૧૬૦ સેટ વાસણ, ૧૬૦ સાડીઓ, ૪૦૨ ચાદરો અને ૮૧૦ મીટર કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.