સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે અને માનવજીવન સદાય ચાલતું રહેનારું એક યુદ્ધ. સત્ અને અસત્, ન્યાય અને અન્યાય, ભલાઈ અને બુરાઈ વચ્ચે યુદ્ધ અનાદિકાળથી ચાલતું આવ્યું છે. આ એક એવું યુદ્ધ છે કે, જેમાં મનુષ્યે મનેકમને પણ ભાગ લેવો જ પડે છે. તેની સામે ઝૂઝવું જ પડે છે. પણ આ યુદ્ધમાં તેને એક સ્વતંત્રતા છે અને તે છે પક્ષ પસંદગીની. તે ઇચ્છે તો ન્યાય અને ભલાઈનો પક્ષ લે અને તે માટે યુદ્ધ કરે. પક્ષ પસંદગીનો નિર્ણય પૂર્ણ રીતે માનવને આધીન છે. સંસારનાં બધાં જ યુદ્ધોનાં પરિણામ તે સાબિત કરે છે કે, વિજય સદાય સત્યનો જ થાય છે. પણ આ વિજય માટે સત્યનો પક્ષ લેવાવાળાઓમાં અથાક પરિશ્રમ તથા અસીમ ધૈર્યની જરૂર હોય છે. સત્યનો પક્ષ લેવાવાળા સંખ્યાની દૃષ્ટિમાં હંમેશાં ઓછા જ હોય છે. પણ ભગવાન સદાય સત્યનો પક્ષ લેવાવાળા તરફ હોય છે. તેથી અંતિમ વિજય તેઓનો જ થાય છે. બીજી તરફ અસત્ય, અન્યાય, વગેરેનો પક્ષ લઈને યુદ્ધ કરવાવાળા સંસારમાં શિક્તશાળી, યશસ્વી અને વિજયી ભાસે છે. એમના જીવનમાં તાત્કાલિક સફળતા પણ દેખાય છે. તેમના અનુયાયીઓની સંખ્યા પણ બીજા પક્ષવાળાઓ કરતાં વધારે હોય છે. પણ અંતિમ વિજય તેઓનો ક્યારેય થતો નથી. તેથી વિપરીત, તેઓનો સદાય વિનાશ જ થાય છે. હિરણ્યકશિપુ તથા રાવણથી લઈને હિટલર તથા મુસોલિની સુધી બધા આ વાતનાં જ પ્રમાણ છે. સત્યનો પથ પ્રારંભમાં ખૂબ દુ:ખપૂર્ણ અને કઠિન જણાય છે પણ પરિણામમાં તે સુખ દેવાવાળો હોય છે. અસત્યનો પથ પ્રારંભમાં સરળ અને સુખકર જણાય છે પણ તેનું પરિણામ વિનાશકારી હોય છે.

જુગારની શરત પ્રમાણે ધર્મનિષ્ઠ પાંડવોએ બાર વર્ષ વનમાં વિતાવ્યાં તથા એક વર્ષ અજ્ઞાતવાસમાં રહીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. તે પછી તેઓએ દુર્યોધન પાસે પોતાનું રાજ્ય પાછું માગ્યું. પહેલાં તો તેણે એ આરોપ લગાવ્યો કે, પાંડવો સમયથી પહેલાં જ ઓળખાઈ ગયા હતા. પણ જ્યારે તે તેમાં સફળ ન થયો ત્યારે તેણે છેલ્લે નિર્લજ્જતાપૂર્વક કહી દીધું કે, હું સોયની અણી જેટલી પણ ભૂમિ પાંડવોને નહીં આપું.

ઉત્તરા સાથે અભિમન્યુનાં લગ્ન થયાં ત્યારે વિવાહમાં યાદવકુળમાં સર્વશ્રેષ્ઠ શ્રીકૃષ્ણ, શ્રીબલરામજી, વગેરે મહાપુરુષો પાંડવો તરફથી તથા ઘણા વીર તથા પરાક્રમી રાજા-મહારાજાઓ મહારાજા વિરાટનું આમંત્રણ સ્વીકારીને તેમની રાજધાનીમાં પધાર્યા હતા. ઘણા જ આનંદપૂર્વક તથા ઉત્સાહથી વિવાહનું કામ પૂર્ણ થયું. આ વિવાહ સંબંધથી બધા જ પ્રસન્ન હતા. ફક્ત દુર્યોધન જ ઇર્ષ્યાની આગમાં બળતો હતો.

વિવાહને બીજે દિવસે વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીબલરામજી તથા બીજા મહારાજાઓ વિરાટની સભામાં એકઠા થયા. ઉપસ્થિત રાજાઓની ઇચ્છા જાણીને તથા પ્રસંગ પારખીને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, “શૂરવીર મહારાજાઓ! આપ સર્વે પાંડવોથી પરિચિત છો. મહારાજ યુધિષ્ઠિરનું ચરિત્ર સૂર્યની જેમ પ્રકાશમાન છે. આપ સર્વ જાણો છે કે સત્યની રક્ષા માટે તેમણે કેટલાં દુ:ખો વેઠ્યાં છે તથા કેટલો ત્યાગ કર્યો છે! બીજી બાજુ, દુર્યોધનનાં આચરણથી પણ તમે અજાણ નથી. તેણે અન્યાય અને અધર્મથી પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લીધું તથા કપટથી એમને મારી નાખવાની કોશિશ કરતો રહ્યો છે. અને હવે ન્યાય તથા ધર્મ અનુસાર તે તેઓનું રાજ્ય પાછું આપવા તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં આપણું એ કર્તવ્ય છે કે, આપણે ન્યાય તથા ધર્મની રક્ષા માટે પાંડવોની મદદ કરીએ તથા એવી વ્યવસ્થા કરીએ, જેથી બન્ને પક્ષોનું કલ્યાણ થાય. ન્યાય તથા ધર્મની રક્ષા માટે જો યુદ્ધ પણ કરવું પડે તો પાંડવો તેના માટે પણ તૈયાર છે. આપ તેઓને નિર્બળ ન સમજશો. પણ યુદ્ધનો નિર્ણય જાહેર કરતાં પહેલાં દુર્યોધન પાસે સુલેહનો પ્રસ્તાવ લઈને ફરી વાર કોઈને મોકલવામાં આવે.’

ત્યાં હાજર રહેલા બધા રાજાઓએ શ્રીકૃષ્ણની વાતનું સમર્થન કર્યું તે પછી વિરાટ રાજાના વૃદ્ધ પુરોહિતને સુલેહના દૂત બનાવીને દુર્યોધન પાસે મોકલવામાં આવ્યા. તે સાથે પાંડવોએ બીજા રાજાઓની પાસે પણ દૂત મોકલીને ન્યાય તથા ધર્મના પક્ષમાં તેમને મદદ કરવાની પ્રાર્થના કરી.

પેલી બાજુએ દુર્યોધનના ગુપ્તચરોએ પાંડવોની ગતિવિધિના સમાચાર પોતાના સ્વામીને આપ્યા. તેણે તુરત જ પોતાના દૂતોને યુદ્ધનું નિમંત્રણ લઈને અનેક રાજાઓ પાસે મોકલ્યા.

મહાભારતના સમયમાં એવી પ્રથા હતી કે જો કોઈ રાજાને કોઈ બીજા રાજા યુદ્ધમાં તેની મદદ કરવાની પ્રાર્થના કરે તો તે એ પ્રાર્થનાનો સ્વીકાર કરી લેતા. પછી ભલે તે એ રાજાના પક્ષનો સમર્થક હોય કે ન હોય! જો કોઈ રાજાને એકથી વધારે રાજાનું યુદ્ધનું નિમંત્રણ મળતું તો તે પહેલાં આવેલા નિમંત્રણનો જ સ્વીકાર કરી લેતો.

યાદવકુળ-પતિ ભગવાન શ્રીકૃષ્ણ પાસે દસ કરોડ યાદવોની વિશાળ ચતુરંગિણી સેના હતી. દુર્યોધનને આ વાતની સારી રીતે જાણ હતી. તેના મનમાં શંકા હતી કે, યાદવસેના પાંડવો તરફથી લડશે. પણ તે એવું નહોતો ઇચ્છતો, તેની ઇચ્છા હતી કે, યાદવસેના પોતાના તરફથી પાંડવોના વિરુદ્ધમાં યુદ્ધ કરે. આવું વિચારીને તે પોતે જ તુરત દ્વારિકા તરફ રવાના થયો, જેથી તે પાંડવોની પહેલાં જ શ્રીકૃષ્ણ પાસે પહોંચી જાય તથા તેઓ પાસે તેમની વિશાળ સેના માગી લે.

અર્જુન ભગવાન શ્રીકૃષ્ણના સેવક તથા મિત્ર હતા. તેથી તેઓ પણ ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં હાજર થવા દ્વારિકા જવા નીકળ્યા, પણ ભગવાન પાસે તેમની વિશાળ સેના માગવા નહિ, પરંતુ તેમનું માર્ગદર્શન મેળવવા તથા તેમનાં ચરણોમાં આશ્રય ગ્રહણ કરવા માટે.

વૈભવશાળી દ્વારિકાનગરીમાં અર્જુન તથા દુર્યોધન એકસાથે જ પહોંચ્યા. જ્યારે બંને વીર ભગવાન શ્રીકૃષ્ણના મહેલમાં પહોંચ્યા ત્યારે ભગવાન શયન કરી રહ્યા હતા. બન્ને શયનકક્ષ તરફ ગયા. દુર્યોધને પહેલાં શયનકક્ષમાં પ્રવેશ કર્યો. તેણે જોયું કે, શ્રીકૃષ્ણ નિદ્રાધીન છે. એમના માથા તરફ પલંગની બાજુમાં એક સુંદર સિંહાસન રાખેલું હતું. તે સિંહાસન પર બેસી ગયો. એની પાછળ અર્જુને પણ શયનકક્ષમાં પ્રવેશ કર્યો અને એમનાં ચરણો તરફ ઊભો રહીને તેમના ઊઠવાની વાટ જોવા લાગ્યો.

થોડી વારમાં ભગવાનની ઊંઘ ઊડી. આંખ ઊઘડતાં જ એમની દૃષ્ટિ પ્રણામ કરી રહેલા અર્જુન તરફ પડી. તેમણે જિજ્ઞાસાપૂર્વક અર્જુનને તેના દ્વારિકા આવવાનું કારણ પૂછ્યું. અર્જુન કંઈ જવાબ દે તે પહેલાં જ દુર્યોધને તેમને પ્રણામ કર્યાં અને કહ્યું. ‘ભગવાન, જ્યારે અમે બંને આવ્યા ત્યારે આપ ઊંઘી રહ્યા હતા, પણ શયનકક્ષમાં મેં પહેલાં પ્રવેશ કર્યો છે તેથી પહેલાં આપ મારી પ્રાર્થના સાંભળો તથા તેનો સ્વીકાર કરો.’

અર્જુન કંઈ કહ્યા વગર જ શાંત ઊભો રહ્યો. શ્રીકૃષ્ણે દુર્યોધનને કહ્યું, ‘કુરુરાજ! એ સાચું છે કે તમે અર્જુન કરતાં પહેલાં શયનકક્ષમાં પ્રવેશ કર્યો, પણ ઊંઘ ઊડતાં જ મારી દૃષ્ટિ અર્જુન પર પહેલાં પડી છે. તેથી હું તમારા બંનેની વાત સાંભળીશ તથા બંનેની ઇચ્છા પૂર્ણ કરવાની કોશિશ કરીશ. કહો, તમારી શી ઇચ્છા છે?’

દુર્યોધને કહ્યું, ‘ભગવાન, પાંડવો સાથે અમારું યુદ્ધ નક્કી જ છે. માટે તમે યુદ્ધમાં અમને સાથ આપો.’

શ્રીકૃષ્ણે દુર્યોધન તથા અર્જુનને સંબોધીને કહ્યું, ‘મારી પાસે દસ કરોડ યાદવોની સુશિક્ષિત તથા બળવાન સેના છે. એક તરફ તો એ સેના રહેશે અને બીજી તરફ હું એકલો રહીશ. પણ, હું યુદ્ધ પણ નહીં કરું અને કોઈ શસ્ત્ર પણ હાથમાં નહીં ઉઠાવું. તમારે બેમાંથી કોઈ એકની પસંદગી કરવી રહી. કાં તો મને અથવા મારી સેનાને. જે પક્ષ તરફ હું રહીશ ત્યાં મારી સેના નહીં રહે અને યાદવસેના રહેશે એ તરફ હું નહીં રહું.’

આટલું કહીને ભગવાને દુર્યોધનને ફરીથી કહ્યું, ‘ગાંધારીનંદન! એ સત્ય છે કે, તમે મારી પાસે પહેલાં આવ્યા પણ મેં અર્જુનને જ પહેલાં જોયેલ છે તથા તે ઉંમરમાં પણ તમારા કરતાં નાનો છે. તેથી પહેલો અધિકાર તેનો જ છે. તેને જે ઇચ્છા હોય તે માગી લે. મને અથવા મારી ચતુરંગણી સેનાને.’

ભગવાનનો નિર્ણય સાંભળતાં જ દુર્યોધનના મનમાં ભય, શંકા, ઈર્ષ્યા તથા દ્વેષનું તોફાન ઊમટી પડ્યું. તેને લાગ્યું કે, શ્રીકૃષ્ણ પાંડવો સાથે પક્ષપાત કરી રહ્યા છે, તથા તેની સાથે છળ કરી રહ્યા છે. તે વિચારવા લાગ્યો, અર્જુન નક્કી યાદવોની વિશાળ સેના માગી લેશે. પછી હું હથિયાર વિહોણા શ્રીકૃષ્ણને લઈને શું કરીશ? દુર્યોધન વ્યાકુળતાથી વાટ જોવા લાગ્યો કે અર્જુન શું માગે છે?

શ્રીકૃષ્ણે અર્જુન તરફ જોયું. અર્જુને તેમનાં ચરણોમાં પ્રણામ કર્યાં અને કહ્યું, ‘ભગવાન, મને આપનો આશ્રય જોઈએ છે. યાદવસેનાની મને જરૂર નથી.’

ભગવાને અર્જુનને સ્નેહપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું, ‘તથાસ્તુ!’

દુર્યોધનના માથા પરથી જાણે ઘણો મોટો બોજ ઊતરી ગયો. તેણે નિરાંતનો શ્વાસ લીધો. શ્રીકૃષ્ણે યાદવસેના દુર્યોધનને સોંપી દીધી. તે અર્જુનની મૂર્ખતા ઉપર મનમાં ને મનમાં હસવા લાગ્યો અને હસ્તિનાપુર તરફ ચાલી નીકળ્યો. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સાથે ભળી ગયા. અર્જુનની ઇચ્છા પૂર્ણ થઈ. તેણે પોતાના જીવનરથના સંચાલનનો ભાર જ ભગવાનને સોંપી દીધો. ભગવાન જેના રથના સારથિ હોય તે રથ કુમાર્ગ પર કેમ જઈ શકે? તે રથ તો પોતાના લક્ષ્ય પર પહોંચીને રથ પર બેસવાવાળાને સફળ અને યશસ્વી જ બનાવે. અંતમાં વિજય પાંડવોનો જ થયો.

ભાષાંતરકાર : શ્રીમતી ઉષાબહેન ગોરસિયા

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.