(ગતાંકથી આગળ)

રાસમિણને અપાર દુ:ખ થયું. એમ કહેવાય છે કે, ત્રણ દિવસ સુધી ખાધાપીધા વિના તે જમીન પર પડી રહ્યાં તે પછી તેમણે દિવંગત પતિ માટે શાસ્ત્રાજ્ઞા પ્રમાણેનાં બધાં વિધિ-વિધાન પૂરાં કર્યાં. તેમણે ચાંદીના સિક્કાથી પોતાની તુલા કરી અને તે સિક્કા (૬૦૧૭) બ્રાહ્મણોને દાનમાં વહેંચી આપ્યા. તેમણે ગરીબોને ભોજન અને જુદી જુદી બક્ષિસો આપી. વિધિને અંતે, જે સાધુએ પતિને રઘુનાથની મૂર્તિ આપી હતી તે આવ્યા. રાસમણિએ સાધુને કીમતી ભેટો આપવા માંડી. પણ માત્ર સ્મિત કરી તેમણે બે ચીજ માગી, પાણી માટે એક નાનો ઘડો અને એક ધાબળો. સાધુની નિ:સ્પૃહવૃત્તિ અને નિર્લોભીપણું જોઈ રાસમણિની આંખમાંથી આંસુ ખરી પડ્યાં. સાધુ રઘુનાથને અર્ધ્ય આપવા ઇચ્છતા હતા એટલે રાસમણિ તેમને પૂજાખંડ સુધી લઈ ગયાં. સાધુએ રાસમણિને આશીર્વાદ આપ્યા અને પછી તે ગયા. પાછળથી રઘુનાથની આ મૂર્તિ પૂજાખંડમાંથી ચોરાઈ ગઈ હતી..

હવે રાસમણિ પોતાના ત્રણ જમાઈઓની મદદથી આ વિશાળ જાગીરનો વહીવટ કરવા લાગ્યાં. પણ ઘણુંખરું તે સૌથી નાના જમાઈ મથુરનાથ વિશ્વાસ, જે બુદ્ધિમાન, કુનેહબાજ અને અંગ્રેજી સારું જાણતા હતા, તેમના પર વધુ આધાર રાખતાં હતાં. તેમની ત્રીજી પુત્રી કરુણાનાં મથુર સાથે લગ્ન થયાં હતાં. પણ તે ૧૮૩૩માં ગુજરી ગઈ. રાસમણિએ તેમને પોતાની ચોથી પુત્રી જગદંબા સાથે લગ્ન કરવા કહ્યું.

એક દિવસ કુમાર દ્વારકાનાથ ટાગોર રાસમિણ પાસે આવ્યા અને કહ્યું, “તમે તમારી વિશાળ જાગીર માટે કોઈ કુશળ મેનેજરની નિમણૂક કરશો તો વધુ ઠીક પડશે.”

પતિના મિત્ર સાથે સામે મોંએ વાત કરતાં રાસમણિ સંકોચાતાં હતાં એટલે પરદા પાછળ રહી મથુર દ્વારા તેમને જવાબ આપ્યો, “આપે કહ્યું તે સાચું છે પણ આવો વિશ્વાસુ માણસ મળવો મુશ્કેલ છે.”

‘જો તમારી ઇચ્છા હશે તો હું તમારો મેનેજર થઈશ.’

‘એ ઠીક પડશે; પણ અત્યારે મારી પાસે કેટલા રૂપિયા અને મિલકત છે તે હું જાણતી નથી. કેટલી રકમનું ધિરાણ છે તેનો પણ ખ્યાલ નથી. હું જાણું છું કે મારા પતિએ આપને બે લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. જો આ પૈસા અત્યારે મને પાછા મળે તો ઘણા ઉપયોગી થાય.’

‘હા, એ રકમ હું તરત ભરી આપીશ. આવતી કાલે એ અંગે હું તમને જણાવીશ.’

બીજે દિવસે કુમાર દ્વારકાનાથે કહ્યું, “મારી પાસે અત્યારે તો કાંઈ રોકડ નથી પણ બદલામાં મારી એક જાગીર હું આપને તબદીલ કરી આપીશ.”

‘એ મિલકતની વાર્ષિક આવક શી છે?’ રાસમણિએ પૂછ્યું.

‘છત્રીસ હજાર રૂપિયા, પણ તેની કિંમત બે લાખ ઉપર છે.’

રાસમણિએ મિલકત સ્વીકારી લીધી અને તબદીલી પૂરી થઈ કે તેમણે કુમારને કહ્યું, “હું વિધવા છું અને મારી મિલકત કાંઈ એવી મોટી નથી. આપના જેવા આદરણીય મહાનુભાવોને મારા મેનેજર થવાનું કહેવું તે અવિવેક કહેવાય. મારા જમાઈઓ આ મિલકતના વારસદાર છે અને તેઓ બધું સંભાળશે.” કુમાર દ્વારકાનાથ પછી સમજ્યા કે રાસમણિ કુનેહબાજ, મહાન બુદ્ધિશાળી અને દીર્ઘદ્રષ્ટા સ્ત્રી હતાં.

આવી અમાપ સંપત્તિનાં માલિક અને સંરક્ષક (કસ્ટોડિયન) તરીકેની જવાબદારી છતાં રાસમિણ હંમેશાં નિ:સ્પૃહ રહ્યાં. હિંદુ રિવાજ પ્રમાણે વિધવા પુનર્લગ્ન કરતી નથી. તે પવિત્ર અને સાધ્વી જેવું નિ:સ્પૃહી જીવન જીવે છે. રાસમણિ પણ આ પ્રાચીન રિવાજને અનુસરતાં. વહેલી સવારે તે ઊઠી જતાં અને પૂજાખંડમાં બેસી મંત્રો ભણતાં. પછી સવારે કચેરીમાં બેસી, દસ્તાવેજપત્રો પર સહી કરતાં, અધિકારીની નિમણૂક કરતાં, હિસાબકિતાબ જોતાં અને મથુર સાથે વિવિધ પ્રશ્નો અને યોજનાની ચર્ચા કરતાં. મધ્યાહ્ને ભગવાનને ધરાવેલ ભોગ લેતાં અને પછી આરામ કરતાં દિવસના પાછલા ભાગમાં કચેરી-કાર્ય જોયા પછી સાંજની સેવામાં આરતીમાં હાજર રહેતાં. વિદ્વાન બ્રાહ્મણોને નોતરી શાસ્ત્ર-ચર્ચા અને પ્રવચનો સાંભળવાનાં તે શોખીન હતાં.

૧૮૩૮માં ભગવાનનો રથોત્સવ ઊજવવાની રાસમણિની ઈચ્છા થઈ અને એ માટે એમણે ચાંદીનો રથ બનાવવાની મથુરને આજ્ઞા કરી. આ ઉત્સવમાં ભગવાનની મૂર્તિ રથમાં સ્થાપવામાં આવે છે અને રથ ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે. મથુરે રથ બનાવવા માટે ઝવેરાતની એક વિખ્યાત અંગ્રેજ પેઢી હેમિલ્ટન કંપનીનું નામ સૂચવ્યું. પણ રાસમણિએ તે નામંજૂર કર્યું. તેમણે ચાંદીકામ કરનાર સ્થાનિક કારીગરો દ્વારા એ કામ કરાવવાની સલાહ આપી કે જેથી તેમની કળાને પ્રસિદ્ધિ મળે અને શક્તિને સૌ જાણી શકે. ઉત્સવ શરૂ થયો ત્યારે હજારો માનવીઓ આ સરઘસમાં જોડાયાં અને કલકત્તાની શેરીઓમાં રથ ખેંચ્યો. રાસમણિના જમાઈઓ ઉઘાડા પગે આ સરઘસમાં જોડાયા. આ વખતે કલકત્તામાં રહેતા વિદેશી મહાનુભાવો માટે રાસમણિએ ભોજન-સમારંભ યોજ્યો. એમણે સૌએ પાછળથી કબૂલ કર્યું કે, “આ ઉત્સવ જેવી ભવ્ય, અસાધારણ ઉજવણી અમારી નજરે આ પહેલાં જોઈ નથી.”

હિંદુઓમાં એક કહેવત છે, “વરસના મહિના બાર અને ઉત્સવ તેર.” ઉત્સવ વિના જીવન નીરસ છે. રાસમણિ પ્રભુમય જીવન જીવતાં અને તેમને ત્યાં સતત ધાર્મિક ઉત્સવનું દૃશ્ય નજરે પડતું. રાસમણિ દુર્ગાપૂજા (શક્તિપૂજા)નો ઉત્સવ દર વર્ષે કરતાં અને તેમાં ૫૦ થી ૬૦ હજાર રૂપિયા ખર્ચતાં. આ વખતે ગરીબોને ભોજન અને ભેટો આપતાં. ઈશ્વર ભક્તિ અને ગરીબો પરનો પ્રેમ એમનામાં સાથેસાથે જ વિકસ્યાં. બીજા ઉત્સવો, જેવા કે જન્માષ્ટમી (કૃષ્ણ જયંતી), લક્ષ્મીપૂજા, જગદ્ધાત્રીપૂજા, કાર્તિકપૂજા, સરસ્વતીપૂજા, બસંતીપૂજા, દોલયાત્રા એવું એક પછી એક ચાલ્યા જ કરતું. આ બધા પ્રસંગોએ ગરીબોને ભોજન અને વસ્ત્રો અપાતાં, બ્રાહ્મણોને દક્ષિણા અપાતી, ધાર્મિક પરંપરા નિભાવી રાખવા સંગીત અને વાદ્યકારોને પુરસ્કાર અપાતા અને તેમને બિરદાવાતા. વિશેષમાં, વજન ઊચકનાર (વેઈટ લિફ્ટર) અને મલ્લોને પોતાની કળા બતાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા અને વિજેતાઓને રાસમિણ તરફથી કીમતી ઈનામો અપાતાં.

રાસમણિની હિંમત અને જાહેર જુસ્સા માટે લોકોમાં ઘણું માન હતું. એક વાર દુર્ગાપૂજાના આગલે દિવસે શુક્લ-બ્રાહ્મણો કેટલાક મંત્રવિધિ કરવા વાદ્યો સાથે સરઘસરૂપે ગંગા પર ગયા. એ વહેલી સવાર હતી અને વાજિંત્રોથી કોઈ એક અંગ્રેજની ઊંઘમાં ખલેલ થઈ. તેણે વગાડનારાઓને બંધ કરવા હુકમ કર્યો પણ કોઈએ એના પર ધ્યાન આપ્યું નહિ. પેલાએ પોલીસમાં ફરિયાદ કરી અને સત્વર પગલાં ભરવાની માગણી કરી. રાસમણિએ બીજે દિવસે વધુ સાજિંદાઓને રોક્યા અને વાંધાની પરવા કર્યા સિવાય વધુ ઉત્સાહથી મંત્રવિધિ કરવામાં આવ્યો. પરિણામે રાસમણિની વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો. જેમાં તે હારી ગયાં અને તેમને પચાસ રૂપિયા દંડ કરવામાં આવ્યો. રાસમણિએ દંડ તો ભરી દીધો પણ સરકારે ધાર્મિક વિધિમાં દખલ કરી હતી તેથી તે ભભૂકી ઊઠ્યાં અને એ જ વખતે બાબુ રોડના બંને છેડે – જાન બજારથી બાબુ રોડ સુધી-આડચો ઊભી કરી દીધી. એટલે કોઈ વાહન ત્યાંથી પસાર થઈ શકે નહિ. જ્યારે સરકારે વાંધો લીધો ત્યારે રાસમણિએ જવાબ આપ્યો, “રસ્તો મારો છે, વળતર લીધા સિવાય હું કોઈને ત્યાંથી પસાર થવા દઈશ નહિ.” રાસમણિના પડકાર સામે સરકાર કાંઈ કરી શકે તેમ નહોતી. કારણ કે બાબુ રોડનાં કાયદેસર માલિક તે હતાં, આખા શહેરમાં તરત આ સમાચાર ફેલાઈ ગયા. અને આ બહાદુર સન્નારી માટે લોકોએ એક શ્લોક રચ્યો :

જ્યારે રાણીના અશ્વો અને ગાડી
રસ્તા પર દોડે છે ત્યારે,
કોઈ નહિ, કંપની સરકાર સુદ્ધાં, પણ એનો
રસ્તો રોકવાનું સાહસ કરી શકતી નથી.

છેવટે, બ્રિટિશ સરકારે તેમનો દંડ પરત કર્યો અને આમલોકો માટે રસ્તો ખુલ્લો કરવાની અંત:કરણથી વિનંતી કરી ત્યારે રાસમણિએ આ આડચો દૂર કરાવી.

રાણી રાસમણિ દરિદ્રી અને દીનદુખીયાંને મદદ કરવા હંમેશાં તૈયાર રહેતાં. ગંગામાં માછલીઓ પકડી સાધારણ આજિવિકા રળી ખાતા માછીમારો પર એક વાર સરકારે એક કર નાખ્યો. માછીમારોએ ઘણી વિખ્યાત વ્યક્તિઓ પાસે ધા નાખી પણ કોઈએ તેમની ભેર કરી નહિ. છેવટે, તેઓ રાણી રાસમણિ પાસે ગયા અને કશુંક કરી છૂટવાનું તેમણે વચન આપ્યું. રાસમણિએ સરકારને દસ હજાર રૂપિયા ચૂકવી ધુસુરીથી મોટીઆબર્ઝ સુધી ગંગામાં માછીમારી કરવાનો પટો લીધો. તે પછી તેમણે માછીમારોને ગંગાના તેટલા વિસ્તારને એકથી બીજા કિનારા સુધી વાંસના થાંભલા નાખી સાંકળથી આડચો ઊભી કરી વાળી લઈ અને કોઈ વેરો આપ્યા સિવાય ત્યાંથી માછલીઓ પકડવાનું કહ્યું. એના પરિણામે જળવહેવાર બંધ થઈ ગયો અને ધંધાદારી બોટો બંદર સુધી પહોંચી શકી નહિ. આથી પેલી આડચો દૂર કરવાનો હુકમ અને આમ કરવાની કારણદર્શક નોટિશ સરકારે આપ્યાં. રાસમણિએ જવાબ આપ્યો કે, “મોટી આગબોટોથી બીને, ડરની મારી માછલીઓ આમતેમ ભાગતી તેથી ઈંડાં મૂકવાનું તેમને માટે મુશ્કેલ થઈ પડ્યું આ કારણથી ગરીબ માછીમારો ઝાઝી માછલીઓ પકડી શકતા નથી. તેમને માટે તો આવકનું એક સાધન છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે, “માછીમારોને બચાવવા સરકારને તેમણે ઘણા પૈસા આપ્યા હતા એથી પોતાની હદમાં આડચો બાંધવાનો તેમને કાયદેસર હક છે.” છેવટે, ભાડાપટ્ટાની રકમ પાછી આપી અને માછીમારો પરથી વેરો રદ કરી બ્રિટીશ સરકારે રાસમણિ સાથે કેસ પતાવ્યો.

(ક્રમશ:)

(‘પ્રબુદ્ધ ભારત’માંથી સાભાર)

ભાષાંતરકાર : શ્રી જે. સી. દવે

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.