વિશાખાપટ્ટનમમાં શ્રીરામકૃષ્ણદેવનું નવું મંદિર

વિશાખાપટ્ટનમના નવા બંધાયેલા શ્રીરામકૃષ્ણ મંદિરનો સમર્પણ સમારંભ, તા. ૨૯ થી ૩૧ મી જાન્યુઆરી ‘૯૧ સુધી ઉજવવામાં આવ્યો. ૩૦મી જાન્યુઆરીના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ દ્વારા વિશાળ સાધુસમાજ, લોકસમાજ અને મિત્રોની ઉપસ્થિતિમાં આ સમર્પણ વિધિ કરવામાં આવ્યો હતો. ૧૮૬ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓની પણ ઉપસ્થિતિ હતી. ૩૦મીની સાંજે યોજાયેલ જાહેરસભામાં રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ સ્વામી રંગનાથાનંદજી અધ્યક્ષસ્થાને હતા. શ્રીમત્ ભૂતેશાનંદજી મહારાજના પ્રવચન બાદ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી સ્વામી ગહનાનંદજી મહારાજે આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ સ્મરણિકાનું વિમોચન કર્યું હતું, તેમ જ સભાને સંબોધી હતી. તા. ૩૧મી જાન્યુઆરીના રોજ સંન્યાસીઓ અને ભક્તોની એક વિશાળ શોભાયાત્રા શહેરની માર્ગોમાંથી કાઢવામાં આવી હતી. શ્રી પી.વી. આર. કે પ્રસાદ, ચેરમેન વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને સાંજે એક ભક્ત સમ્મેલન પણ યોજાયું હતું. શ્રી કે.એસ.આર. મૂર્તિ, પ્રિન્સિપાલ સેક્રેટરી (રેવન્યુ), આન્ધ્ર સરકાર અતિથિવિશેષ પદે હતા. આ બધા દિવસો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવેલા હતા.

રામકૃષ્ણ મિશનને એવાર્ડ

રામકૃષ્ણ મિશનને તેની રાહત અને પુનર્વસવાટની સેવાઓ માટે ભારતીય રાષ્ટ્રીય સાયન્સ કોંગ્રેસ તેની ૭૮મી કોન્ફરન્સમાં (જે ઈન્દોરમાં ૩ થી ૮ જાન્યુઆરી સુધી યોજાઈ હતી) ‘રાજ કિસ્ટો દત્ત મેમોરિયલ એવોર્ડ ૧૯૯૧’ અર્પણ કર્યો છે.

કોયમ્બટુરની કૉલેજોનો હીરક જયંતી સમારોહ

રામકૃષ્ણ મિશનની કોયમ્બટુરની ‘કોલેજ ઓફ એડયુકેશન’ નો હીરક જયંતિ સમારોહ ૨૩મી ડિસેંબર ૧૯૯૦ના રોજ યોજાયો હતો. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે હીરક જયંતી ભવનનું ઉદ્‌ઘાટન કર્યું. મહારાષ્ટ્રના ગર્વનર શ્રી સી. સુબ્રમણ્યમે સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ કેન્દ્ર દ્વારા સંચાલિત પોલિટેકનીકની હીરક જયંતી ૨૯મી ડિસેંબર ૧૯૯૦ના રોજ ઉજવવામાં આવી હતી. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે પોલીટેકનીકના હીરક જયંતી ભવનનું ઉદ્‌ઘાટન કર્યુ હતું. શ્રી ટી.એસ. અવિનાશલિંગમે સમારંભની અધ્યક્ષતા કરી હતી.

વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ પરીક્ષાફળ.

માર્ચ ૧૯૯૦માં લેવાયેલ બી.એની પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની વિવેકાનંદ કોલેજ મદ્રાસના વિદ્યાર્થીઓએ નીચેના સ્થાનો મેળવ્યા છે : અંગ્રેજીમાં : ત્રીજું અને દર્શનશાસ્ત્રમાં ત્રીજું, ચોથું અને પાંચમું.

સમસ્ત દેશમાં રાષ્ટ્રીય યુવિદનની ઉજવણી.

૧૨મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિનને ભારત સરકારે રાષ્ટ્રીય યુવાદિન તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. આ વર્ષે સમસ્ત દેશમાં ઠેર-ઠેર આ ઉજવણી મોટા પાયા પર થઈ હતી.

રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુડ મઠમાં આ દિવસે શોભાયાત્રા, વક્તૃતાઓ, ભજન વગેરે કાર્યક્રમ યોજાયા હતા જેમાં લગભગ ૫,૦૦૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મઠના કાલાડી (કેરલ) કેન્દ્ર દ્વારા આ દિવસે રમતગમત સ્પર્ધા, અન્ય સ્પર્ધાઓ, શોભાયાત્રા, જાહેર સભા વગેરે કાર્યક્રમો યોજાયા હતા.

રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્ર દ્વારા આ દિવસે એક જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં લગભગ ૭૦૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. લોકસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી શિવરાજ પાટીલે આ સમારંભની અધ્યક્ષતા કરી હતી.

રામકૃષ્ણ મઠનાં ચેંગલપેટ્ટુ (તામિલનાડુ) કેન્દ્ર દ્વારા આ દિવસની ઉજવણીમાં લગભગ ૨,૫૦૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

આવી જ રીતે રામકૃષ્ણ મઠ અને મિશનના અન્ય કેન્દ્રો-અગરતલા, આંટપુર, બારાસત, બેલઘરિયા, કામારપુકુર, કાંચીપુરમ, પુરી (મિશન), પુરુલિયા, રાયપુર, રાંચી (મોરાબાદી), રાજકોટ, રામહરીપુર, સિકરાકુલીનગ્રામ અને ગદાધર આશ્રમ (કલકત્તા) દ્વારા આ નિમિત્તે આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા.

ઓરિસ્સામાં રાહત કાર્ય

ઓરિસ્સાના ગંજામ જિલ્લાના ધારાકોટે અને સોરડા પ્રખંડના ૧૫ ગ્રામોના પૂરગ્રસ્ત ૧૬૪૦ પરિવારોમાં રાહત પહોંચાડવા માટે રામકૃષ્ણ મઠના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૪૫૦૦ નંગ          ધોતિયાં

૪૫૦૦ નંગ          સાડીઓ

૪૪૯૪ સેટ          બાળકોના વસ્ત્રો

૧૪૦૭ સેટ          એલ્યુમિનમ વાસણો (૭ વાસણો પ્રતિ સેટ)

શારદા વિદ્યાલય, મદ્રાસનો સ્વર્ણ જયંતી મહોત્સવ

રામકૃષ્ણ મિશન શારદા વિદ્યાલય, મદ્રાસનો સ્વર્ણ જયંતી ઉત્સવ ૨૮ ડિસેંબર ૧૯૯૦ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્મારિકાનું વિમોચન પણ થયું હતું. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ અને રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી સ્વામી ગહનાનંદજી મહારાજે પ્રવચનો આપ્યા હતા. સભાની અધ્યક્ષતા તામિલનાડુના શિક્ષણમંત્રી ડૉ. કે અન્બઝને કરી હતી.

મદ્રાસમાં પુસ્તક મેળો

૩૧મી ઓગસ્ટથી ૯મી સપ્ટેમ્બર ‘૯૦ સુધી રામકૃષ્ણ મઠ મદ્રાસે તેનામ્પેટ ખાતે એક પુસ્તક મેળો યોજ્યો હતો. આખા તામીલનાડુ રાજ્યમાંથી સો કરતાં વધારે પ્રકાશકોએ એમાં ભાગ લીધો હતો. મેળા દરમિયાન શાળાનાં છાત્રોની વિવિધ પ્રતિયોગિતાઓ પણ યોજવામાં આવી હતી.

ઓરિસ્સામાં રાષ્ટ્રીય ભાવાત્મક એકતા શિબિર

ઘેનકાનલ (ઓરિસ્સા)માં રામકૃષ્ણ મઠના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા ૨૫ થી ૨૯ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય ભાવાત્મક એકતા શિબિરનું આયોજન કર્યું હતું. દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા ૨૦૦ યુવાનોએ એમાં ભાગ લીધો હતો.

રાંચીમાં યુવ-સંમેલન

રાંચી (મોરાબાદી) આશ્રમે બે દિવસનું યુવ-સંમેલન, ૨૯ અને ૩૦મી ડિસેમ્બરના રોજ યોજ્યું હતું. એમાં ૪૧૨ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

કાલાડીમાં યુવ-સંમેલન

રામકૃષ્ણ મઠના કાલાડી આશ્રમે તા. ૨૯ થી ૩૧મી ડિસેમ્બર સુધી એક યુવ-સંમેલન યોજ્યું હતું. સ્વામી રંગનાથાનંદજી એમા અતિથિવિશેષપદે રહ્યા હતા. શ્રી કે. એમ. મેથ્યુ, મુખ્ય સંપાદક, ‘મલયમનોરમા’એ સંમેલનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ૧૬૨ પ્રતિનિધિઓ, નિરિક્ષકો અને મહેમાનોએ એમાં હાજરી આપી હતી.

કાર્યક્રમમાં પ્રાર્થના, ધાન, પ્રશ્નોત્તરી, યોગાસન પ્રદર્શન અને રાષ્ટ્રીય એકતા પરની ફિલ્મનો સમાવેશ થતો હતો.

અરુણાચલમાં વિજ્ઞાન પ્રદર્શન

અરુણાચલ રાજ્યનું રાજ્ય કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન, રામકૃષ્ણ મિશનના નરોત્તમનગર કેન્દ્ર ખાતે જાન્યુઆરી મહીનાની ૨૨મી અને ૨૩મી તારીખના રોજ યોજાયું હતું. રાજ્યના આરોગ્યમંત્રી અને કુટુંબકલ્યાણ મંત્રી લોવઆંગ અતિથિવિશેષ પદે હતા.

અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી ત્રિયોગ અપાંગ અને તેમના પ્રધાનમંડળના સાથીઓ શ્રી શોમશુમ નેગ્મુ, શ્રી વાંગ્ફા લોવાંગ અને શ્રી ટી. એલ રાજકુમાર સમાપન સમારંભમાં ઉપસ્થિત હતા. મુખ્ય મંત્રીશ્રીએ પારિતોષિકનું વિતરણ કર્યું હતું.

રામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર વડોદરા દ્વારા ઔષધાલયનો પ્રારંભ

રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર વડોદરા દ્વારા સવાદ કૉલોની વડોદરામાં ગરીબો માટે રોગીનારાયણ આરોગ્ય સેવાનો પ્રારંભ થયો છે. તેનું ઉદ્‌ઘાટન ૧૮મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યે સ્વામી નિખિલેશ્વરાનંદના હસ્તે થયું હતું.

રાજકોટમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા

૧૨મી જાન્યુઆરી ૧૯૯૧ના રોજ સ્વામી વિવેકાનંદના ૧૨૯મા જન્મદિને રાજકોટના શૈક્ષણિક ઝોન સમા કાલાવડ રોડ ઉપરના નિર્મલા રોડ ચોકમાં, રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલી સ્વામી વિવેકાનંદની ૭ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ઓરિસ્સાના રાજ્યપાલ શ્રી યજ્ઞદત્ત શર્માને હસ્તે થયું હતું. અતિથિવિશેષપદે સ્વામી મુમુક્ષાનંદજી હતા અને અધ્યક્ષપદે શહેરી વિકાસ ખાતાના માજી મંત્રી શ્રી વજુભાઈ વાળા હતા.

ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે ગુજરાતમાં ઠેરઠેર કાર્યક્રમો યોજાયા હતા.

૩ જાન્યુઆરીના રોજ શેઠ ડી.વી. હાઈસ્કૂલ, અંજાર (કચ્છ)માં અને ૪ જાન્યુઆરીના રોજ પી.ટી.સી. કૉલેજ, ભુજમાં સ્વામી મુમુક્ષાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદનાં પ્રવચનો યોજાયાં હતાં.

૪ જાન્યુઆરીના રોજ શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભુજ દ્વારા સવારના ૮-૩૦ થી બપોરના ૧૨-૩૦ સુધી યુવ-સંમેલનનું આયોજન થયું હતું. જેમાં લગભગ ૨૦૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. સ્વામી મુમુક્ષાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો, યુવા ભાઈ-બહેનોના વક્તવ્યો, પ્રશ્નોત્તરી, વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી એ.બી. પટેલ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ હતા.

૧૬મી જાન્યુઆરીએ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા “સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક વેદાંત” વિષય પર અને ૧૯મી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટર, અમદાવાદ દ્વારા સ્વામી વિવેકાનંદનો કર્મયોગ’ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદનાં પ્રવચનો યોજાયાં હતાં.

૧૭મી જાન્યુઆરીએ સવારે ૯ થી સાંજે ૫ સુધી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા, ઇન્સ્ટિટયૂટ ઑફ યુથ એફેર્સ એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટ તેમજ નેશનલ સર્વિસ સ્કીમ મ.સ. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક યુવ-સંમેલન યોજાયું હતું. જેમાં લગભગ ૨૫૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. સંમેલનનું ઉદ્‌ઘાટન મ.સ. યુનિવર્સિટીના માન્યવર કુલપતિ શ્રીમતી (ડૉ.) મૃણાલિની પવાર દ્વારા થયું હતું. અતિથિવિશેષપદેથી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવક-યુવતીઓને સંબોધ્યાં હતાં અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. પ્રા. ડૉ. ઇન્દિરાબહેન પટેલ, પ્રા. ડૉ. ભાસ્કરભાઈ જી. દેસાઈ, આચાર્ય ડૉ. વિષ્ણુપ્રસાદજી, પ્રા. ડૉ. ગીતાબહેન બાજપેયી અને પ્રા. ડૉ. જયદેવ જાનીએ પણ વિભિન્ન વિષયો પર પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં.

૧૯મી જાન્યુઆરીએ ડભોઉમાં, ખેડા જિલ્લાના ધોરણ ૮ થી ૧૨નાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેનો વિષય હતો – ‘સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ.’ સ્વામી નિખિલેશ્વરાનંદના હસ્તે પુરસ્કાર વિતરણ થયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાષ્ટ્રીય યુવદિનની ઉજવણી

૧૨મી જાન્યુઆરીએ, રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાના અધ્યક્ષસ્થાને અને ગુજરાત યુનિવર્સિટીના પ્રો. ડૉ કુમારપાળ દેસાઈના અતિથિવિશેષપદે એક યુવ-સંમેલન યોજાયું હતું.

કાર્યક્રમની શરૂઆત આશ્રમના વિદ્યાર્થીઓની પ્રાર્થનાથી થયેલ. સ્વાગત પ્રવચન સંસ્થાના અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજીએ કર્યું હતું. સંમેલનનું દીપ પ્રગટાવી ઉદ્‌ઘાટન શ્રી સિતાંશુ મહેતાએ કરેલ.

સ્વામી જિતાત્માનંદજીએ પ્રાસંગિક પ્રવચન કરેલ કાર્યક્રમના અતિથિવિશેષ ડૉ. કુમારપાળ દેસાઈએ યુવાનોને આત્મશ્રદ્ધાના અર્થમાં યુવાન બનવાની હિમાયત કરતાં સ્વામી વિવેકાનંદના વિચારો આત્મસાત કરવા આહ્‌વાન કર્યું હતું.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ચારિત્ર્યવાન વ્યક્તિના નિર્માણ દ્વારા જ સાચા રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે એમ જણાવી સ્વામી વિવેકાનંદજીના સંદેશના પાંચ આયામો આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન, આત્મ નિર્ભરતા, આત્મસંયમ તથા આત્મબલિદાનને કેળવવા યુવાનોને અનુરોધ કરેલ.

અધ્યક્ષીય વક્તવ્યમાં શ્રી સિતાંશુ મહેતાએ યુવાનોને આગ્રહો છોડીને અનુકંપા જાગૃત કરવા હિમાયત કરી હતી.

આ પ્રસંગે શ્રી ઉમાકાંતભાઈ પંડિત પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનના બીજા સત્રમાં યુવા પ્રતિનિધિઓએ પોતાનાં મૌલિક મંતવ્યો રજૂ કરેલ. ત્યારબાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો. યુવાનોના વિવિધ પ્રશ્નોના ઉત્તરો શ્રીકુમારપાળ દેસાઈ, સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વાનંદજીએ આપેલ. આ યુવ-સંમેલનમાં ૫૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.

સંમેલનનું સમાપન અને વિશેષ પ્રતિભાવ તથા આભારવિધિ યુવા પ્રતિનિધિ પ્રો. મનોજ જોશીએ કર્યું હતું. સંમેલનનું સંચાલન શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.