ધાર્મિક પૂર્વગ્રહો અને ધર્મ-ધર્મ વચ્ચેનાં વેરઝેર કાળમુખા દાનવની પેઠે આખી દુનિયાને ઘેરી વળ્યા છે અને ધર્મને નામે આજે યુદ્ધો, સંઘર્ષો, ત્રાસવાદ અને માનવજીવનનો આડેધડ વિનાશ થઈ રહ્યો છે. મધ્યયુગમાં ધર્મની જે પરિસ્થિતિ હતી, એના કરતાં આજની પરિસ્થિતિ જરાય સારી ગણી શકાય તેવી નથી. ઊલટું આણવિક શસ્ત્રાસ્ત્રોના ઉપયોગથી પરિસ્થિતિ વધારે વિનાશકારક બની ગઈ છે.

વિજ્ઞાન, યંત્રવિદ્યા, કૉમ્પ્યુટર ક્રાન્તિ, ગમે તે ભૂખંડની યાત્રાની સરળતા, ઉપગ્રહ દ્વારા ખંડેખંડના સમાચારો જલ્દી મળી જવાની સુવિધા- આટલો બધો વિકાસ થવા છતાં આજે પણ લોકો એવા ને એવા ઝનૂની કેમ રહ્યાં હશે?

આનો જવાબ આ છે : આ બધું જ વૈજ્ઞાનિક શિક્ષણ કેવળ એકાંગી શિક્ષણ છે. માનવનું મસ્તિષ્ક એના બે અર્ધાંગો દ્વારા બે પ્રકારની સંવેદનાઓને અને લાગણીઓને ઝીલે છે. ડાબું અર્ધાંગ ‘યાન’ એવા જીવનને અપેક્ષે છે કે તેમાં ગણતરી, કારણો, તર્કો, હરિફાઈઓ, સંઘર્ષો, વગેરે હોય અને જમણું અર્ધાંગ ‘યીન’ અંત:પ્રેરણા, સહકાર, પ્રેમ, અને ચેતનાની ઉચ્ચ કળાઓનો વિકાસ કરવા માટે છે.

આજનું શિક્ષણ લગભગ તદ્દન આ ‘યાન’ના શિક્ષણની જ આસપાસ, એને જ કેન્દ્રમાં રાખીને આપવામાં આવે છે અને પેલા ‘યીન’ની સાવ અવગણના જ કરે છે. ‘યીન’ને એણે જાણે કે જીવનમાંથી જાકારો જ આપી દીધો છે અને તેને પરિણામે મસ્તિષ્કની શક્તિ ત્રાસવાદ, પોતાનું પ્રભુત્વ જમાવવાની ઇચ્છા, પૂર્વગ્રહો અને અન્યના અભિપ્રાય તરફની તીવ્ર અસહિષ્ણુતા- અન્યના ધાર્મિક, રાજકીય કે સામાજિક અભિગમો તરફ જબરી ઘૃણા- વગેરે તરફ ઢળી ગઈ છે.

માનવજાતિના સમગ્ર ઈતિહાસમાં શ્રીરામકૃષ્ણ એવા પ્રથમ પરમપુરુષ છે કે જેમણે હિન્દુ, ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મના માર્ગોની પરંપરા પ્રમાણે પોતાના જીવનમાં પ્રયોગો કર્યા અને તેમની સારભૂત અનુભૂતિ આ હતી કે બધા જ ધર્મો એક જ ઈશ્વર તરફ લઈ જાય છે. એટલા માટે ધાર્મિક ઝઘડાઓની કશી જરૂર નથી. આજે તાતી જરૂર તો એ છે કે આપણામાં પારસ્પરિક સ્વીકૃતિ અને એકબીજાનું સન્માન કરવાની વૃત્તિ જન્મે.

શ્રીરામકૃષ્ણ કહેતા : “બધા શિયાળો એક જ જાતનો અવાજ કરે છે.” એનો અર્થ એ કે બધા જ સંતો એક જ સત્ય ઉચ્ચારે છે. જેઓ ધર્મનો પોતાના રાજકીય હેતુ માટે દુરુપયોગ કરે છે અને પોતાના વ્યક્તિગત લાભ કે સ્થાનને ચીટકી રહેવા માગે છે, એવા લોકો તો એ સંતોના ખાટસવાદિયા અનુયાયીઓ છે; તેઓ ખોટા અને દુષ્ટ છે.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો આ વિશેષાંક વિવિધ ધર્મસંપ્રદાયોએ મેળવેલી સિદ્ધિઓ અને ખરા અર્થમાં ઈશ્વરને શોધતા સાધકો માટે આ સિદ્ધિઓની શાશ્વતતાને ઉપસાવવાનો પ્રયત્ન કરે છે, જે સમજ્યા પછી આસીસીના સંત ફ્રાન્સિસ કોઈ સૂફી રહસ્યવાદીને કે પછી ગુરુ નાનક, કોઈ તુલસીદાસ કે શ્રીરામકૃષ્ણદેવને પ્રેમ અને પૂરા સન્માન સહિત ભેટવામાં જરૂર પરમ આનંદ અનુભવશે. જો આપણે ધાર્મિક સંવાદિતા લાવી સર્વધર્મોના સહઅસ્તિત્વની કામના કરતા હોઈએ, તો આપણે શ્રીરામકૃષ્ણનો માર્ગ અપનાવવો જ પડશે. નોબેલ પારિતોષિક વિજેતા પ્રખ્યાત ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટૉયન્બીએ શ્રીરામકૃષ્ણદેવના જીવનચરિત્રની પ્રસ્તાવનામાં લખ્યા પ્રમાણે આ ‘ભારતીય માર્ગ’ છે, અને શ્રીરામકૃષ્ણદેવે કરેલ દરેક ધર્મની અભૂતપૂર્વ ઐતિહાસિક સાધના વડે આ ‘ભારતીય માર્ગ’ મૂર્તિમંત થાય છે. ટૉયન્બીના મત મુજબ, અણુશસ્ત્રોથી એકબીજાને રહેંસી નાખવા તત્પર ઊભેલા જગત માટે આ ‘ભારતીય માર્ગ’ જ એકમાત્ર માર્ગ છે જે જગતને વિનાશ તરફ ધકેલાતું રોકી શકે છે.

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.