આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર મનનું કહેવું. આપણું મન સ્વતંત્રપણે જે કહે તે આપણો મત. પણ આપણા મનની સ્થિતિ ઈંગ્લેંડના રાજા જેવી હોય છે. ઈંગ્લેંડના રાજાને પોતાનું સ્વતંત્ર એવું કહેવાનું ક્યાં હોય છે? પાર્લમેન્ટ ઠરાવ કરે, ઔપચારિક મંજુરી માટે તે રાજાસાહેબ પાસે મોકલવામાં આવે, અને તેમણે તે ઉપર મત્તુ મારવું-એવી સ્થિતિ આપણા મનની છે. ઈંદ્રિયો ગમે તેવો ઠરાવ કરી નાખે છે અને મન તે ઉપર મત્તુ મારે છે. ફેર એટલો જ કે મનનો સ્વભાવ તર્કશીલ હોવાથી સહી કરતા પહેલાં એ ઠરાવનું સમર્થન કરી શકાય એવી કંઈક યુક્તિ તે તૈયાર કરી નાખે છે. તે વિના તેનું સમાધાન થતું નથી. પણ તેથી આગળ જઈને ઇંદ્રિયોના કહેવા વિરુદ્ધ તર્ક ચલાવવો એ જાણે કે તેના અધિકારમાં હોતું જ નથી. સાધકોને તર્ક કરવો પડે તો તેમણે હંમેશ વેદાનુકૂલ તર્ક જ કરવો, એવી મર્યાદા છે. તે જ પ્રમાણે ઇંદ્રિયોને અનુકૂળ તર્ક કરવાનું મનનું વ્રત હોય છે. આવી જાતના મત એ ખરું જોતાં મત જ ન કહેવાય. એ આત્મવંચના છે. મળસકે ઊઠવાનું ઇંદ્રિયોને આળસ રહ્યું, તેથી મનને પણ તેમ જ લાગે છે. તે યુક્તિપૂર્વક દલીલ કરવા માંડે છે, ‘મળસકે ઊઠવું સારું નથી. કારણ તેથી આખા દિવસ દરમ્યાન પૂરતી જાગૃતિ રહેતી નથી. બીજું એમ કે, મળસકે ઊઠવું ઈશ્વરી યોજનાની વિરુદ્ધ જ કહેવાય ને? માણસે મળસકે ઊઠવું ઈષ્ટ છે એમ જો ઈશ્વરને લાગત તો મળસકે તેણે અજવાળું ન આપ્યું હોત?’ એટલે થયું કે એ થયો આપણો નિશ્ચિત મત. હરકોઈને મનસ્વાતંત્ર્ય હોવું જોઈએ એમ આપણે કહીએ છીએ. પણ સ્વતંત્ર મતનો સાચો અર્થ આપણે જાણેલો હોતો નથી. ઇંદ્રિયોની શેહમાં ન તણાતાં સ્વતંત્ર વૃત્તિથી આપણું મન જે આપણને કહે તે આપણા સ્વતંત્ર મત. મનમાં જે કંઈ આવે તે મત ન કહેવાય, પણ મન પોતે લાવે તે મત કહેવાય. આ મુદ્દો ધ્યાનમાં રાખવામાં આવે તો ઘણાખરા મતભેદો ખરી જશે.

ઇંદ્રિયનિગ્રહપૂર્વક આપણને જે નિશ્ચિતપણે સાચું લાગે છે તે આપણો મત; તેનો પ્રચાર કરવો એ વાજબી ગણાય. પણ આવી જાતનો પ્રચાર કરવાનું ખરું સાધન તો આચાર છે, ઉચ્ચાર નથી. ઉચ્ચાર દ્વારા મત પ્રચાર કરવાનો પ્રયત્ન એમાં કેવળ મોહ જ છે. આ મોહ આપણામાં ઘણો છે. આપણો મત જો સાચો હોય, તો આપણે તે મુજબ વર્તન કરીએ એટલે તેનો પ્રચાર આપોઆપ થવાનો છે. આપણો સત્ય ઉપર વિશ્વાસ હોવો જોઈએ. સત્યમાં પોતાનો પ્રચાર કરવાની સ્વયંભૂ શક્તિ રહેલી છે. સત્ય સૂર્યના જેવું સ્વપ્રકાશી છે. સૂર્ય જેમ ઢાંક્યો ઢંકાતો નથી, તેમ સત્ય પણ ઢાંક્યું ઢંકાતું નથી. આચરણ છોડીને બાહ્ય ઉપાયો દ્વારા પ્રચાર કરવાનો પ્રયત્ન વૃથા છે. તેનું કંઈ જ પરિણામ આવી શકતું નથી. તેથી હિંસા વધે છે અને અસત્યનો પ્રચાર થાય છે. પ્રચારને પણ મર્યાદા છે. સૂર્યની પ્રચારક શક્તિ કેટલી જબરદસ્ત છે! છતાં તે પણ મર્યાદા સાચવીને કામ કરે છે તેથી કરીને તે આખી દુનિયાનો ‘મિત્ર’ રહીને પ્રચાર કરી શકે છે. કોઈ માણસ બારણું વાસીને સૂતેલો હોય, તો સૂર્ય તેની સેવા કરવા માટે તેને બારણે જઈ ઊભો રહે છે પણ બારણાને ધક્કો મારી અંદર દાખલ થતો નથી. માત્ર બારણું જરાક ખૂલ્યું કે આખો ને આખો તે અંદર દાખલ થયો જ જાણવો. પ્રચારની આ મર્યાદા છે. આપણો મત સાચો હોય તોય તેનો પ્રચાર સ્વાભાવિકપણે જ થવો જોઈએ. મૂક આચરણ એટલે સ્વાભાવિક પ્રચાર. આચરણનું મૌન તૂટતાંની સાથે હિંસા દાખલ થઈ જાય છે અને હિંસા દાખલ થઈ કે સત્ય ઊડી જ ગયું જાણવું. પાણીથી જેમ અગ્નિ હોલવાય છે તેમ હિંસાથી સત્ય હોલવાય છે અને આચરણ છોડીને પ્રચાર કરવાનો પ્રયત્ન કરવામાં નરી હિંસા જ છે. પ્રચાર માટે કરેલી ઉતાવળ એ પણ હિંસા જ છે, અને વધારામાં અશ્રદ્ધા અને અજ્ઞાન પણ ખરાં જ. અથવા એને દંભ જ કેમ ન કહેવો? નાનાં બાળકો બીજ વાવે છે અને તેને જરા ફણગો ફૂટયો કે તે જલદી ઉપર આવે એટલા માટે તેને બહાર ખેંચી કાઢે છે!

મત એટલે ઈંદ્રિયનિગ્રહી મનનું કહેવું અને તેના પ્રચારનું સાધન કૃતિ. આ બે સિદ્ધાંત દૃઢ થયા કે આખું આકાશ નિરભ્ર થયું સમજવું. કૃતિની સાથે પ્રસંગવિશેષે અલ્પ ઉક્તિ આપણે કલ્પી શકીએ. પતિવ્રતા જેમ પોતાના પતિનું નામ બોલતી નથી, તેમ કર્મયોગ પોતાના મતનો ઉચ્ચાર કરવાનું બનતાં સુધી ટાળે છે. પણ બન્ને પક્ષે આપણે અપવાદ કલ્પી શકીએ. કો’ક પ્રસંગે આપણો મત રજૂ કરવામાં વાંધો નથી. માત્ર આપણો મત રજૂ કરવો; પારકાના મતનું ખંડન કરવાના મોહમાં પડવું નહીં. મતપ્રતિપાદનમાં, પોતાનો મત રજૂ કરવો તથા બીજાના મતનું ખંડન કરવું, એવા બે ભાગ કલ્પવામાં આવે છે. પણ એ વિભાગ કાલ્પનિક છે. વસ્તુત: સાચા નથી. દીવો કરવો અને અંધારું ઝાટકી નાખવું; જેવાં આ બે કામ તેવા જ આ બે વિભાગ. મૂળમાં બે ભાગ જ ખોટા. તેમાંય વળી આપણો ઘણોખરો ઝોક પારકાના મતનું ખંડન કરવા ઉપર જ હોય છે. બીજાના મતનું ખંડન કરવા માત્રથી આપણો મત સિદ્ધ થયો જ એમ બનતું નથી; અને આપણો મત વ્યવસ્થિતપણે સીધો રજૂ કરવામાં આવે તો બીજાના મતનું ખંડન કરવાની જરૂર જ રહેતી નથી. ભૂમિતિમાં યુક્લિડે ક્યાંય પરમતખંડનમાં પડ્યા વિના ટૂંકાણમાં પોતાના સિદ્ધાંત સરળતાથી સીધા રજૂ કર્યા છે. એ સિદ્ધાન્તોની આજે દુનિયા ઉપર સત્તા ચાલે છે. બીજાના મતનું ખંડન કરવામાં તે મત વિષે સૂક્ષ્મ પ્રેમ જ રહેલો હોય છે. ભક્તિમાર્ગમાં જેવી રીતે પ્રેમથી તેવી રીતે દ્વેષથી પરમેશ્વર પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. વિભીષણ પ્રેમથી તર્યો તો રાવણ દ્વેષથી તર્યો, એમ જે સંતો કહ્યા કરે છે તેમાં આ જ અર્થ રહેલો છે. મિલ્ટને ‘પેરેડાઈસ લૉસ્ટ’માં સેતાનમાં સાત્ત્વિકતાનો તાત્ત્વિક દ્વેષ બતાવીને તેને વિષે વાંચકોના મનમાં સહાનુભૂતિ જ ઉત્પન્ન કરેલી છે. સાત્ત્વિકતાનો જેને અંતરના ઊંડાણથી આટલો બધો દ્વેષ છે તેના મનમાં સૂક્ષ્મપણે સાત્ત્વિકતા વસે છે; તેવી જ રીતે તામસપણાનો જોરથી નિષેધ કરનારા માણસના મનમાં અંદરખાનેથી તામસપણું ચોટેલું જ છે એમાં શંકા નથી.

પ્રચારનું ખરું સાધન તો કૃતિ જ છે. તો પણ જેમ પ્રસંગવિશેષે મતપ્રતિપાદનની આવશ્યક્તા આપણે કલ્પી હતી તેમ મતપ્રતિપાદનમાંથી પણ ક્વચિત્ બીજાના મતમાં રહેલી ભૂલ બતાવવાનો પ્રસંગ પણ કલ્પી શકાય. પણ બીજાના મતનું ખંડન કરવું એ જુદું અને બીજાનું ખંડન કરવું એ જુદું. કોઈ મતની અસારતા બતાવતી વખતે તે ધરાવનાર માણસને વચ્ચે જ ભેળવી દઈને ટીકા કરવી ગેરવાજબી છે. નાળિયેરની કાચલી ફોડીને તેની અંદરથી જેમ કોપરું લઈએ છીએ તેમ માણસનો મત (ભૂલભરેલો લાગે તો) ફોડીને અંદરનો માણસ ગ્રહણ કરતાં આવડવું જોઈએ. કિનારો વાંકો હોવાથી નદીનો વળાંક વાંકો હોય તો પણ જેમ પાણી વાંકું હોતું નથી, અથવા રોટલો ગોળ હોય તો પણ તેનો સ્વાદ જેમ ગોળ હોતો નથી, તે જ પ્રમાણે માણસનો મત ભલે કદાચ દૂષિત હોય તો પણ એ મત ધરાવનાર માણસ દૂષિત હોતો નથી. નદીનો વળાંક અથવા રોટલાનો આકાર જેમ બાહ્ય પરિસ્થિતિથી બનેલા હોય છે તેમ જ માણસના મતનું છે. તેથી જ મતનો વિચાર કરતી વેળાએ માણસને બાજુએ જ રાખવો જોઈએ. ઘણી વખતે આપણે એમ પણ જોઈએ છીએ કે, જે મત આપણે એક કાળે સાચો માનતા હતા તે જ હવે આપણને ખોટા લાગે છે. મનમાં વિચાર આવતાંની સાથે જ તે લખી નાખવાની જેમને ટેવ છે એવા લેખકોના લખાણમાં તેમના મનનાં વલણો કેવાં કેવાં બદલાતાં ગયાં તે આપણે જોઈ શકીએ છીએ. તેથી ડાહ્યા લોકો પોતાના વિચારો કૃતિમાં ઊતરીને, લોહીમાં પચીને અને હૃદયમાં વ્યાપીને આપોઆપ બહાર પડ્યા સિવાય બીજી કોઈ પણ રીતે તેમને પ્રગટ કરતા નથી.

હવે આપણો પોતાનો જ જૂનો મત હોય, પણ આજે જો તે આપણને પસંદ ન હોય તો તેને આપણે છોડી દઈશું, પ્રસંગવશાત્ તેનું ખંડન પણ કરીશું. પણ કેવી રીતે? અને કેવી ભાવનાથી? બીજાના મતનું ખંડન કરવાનો પ્રસંગ આવે તો તે જાણે પોતાનો જ જૂનો મત છે એમ સમજીને તેનું ખંડન કરવાનું ઘટે. આથી પણ વધારે સારો નિયમ આમ કરી શકાય : આપણા જૂના મત તરફ આપણે કઠોરતાથી જોતા નથી, પણ તેમ જોવું અને બીજાના મત તરફ કઠોરતાથી જોઈએ છીએ, પણ તેમ ન જોવું. માણસનો સાચો મત શો છે એની તેને પોતાને પણ ખબર નથી હોતી. કેળની છાલની જેમ માણસના મત ઉપર એકની ઉપર બીજું એમ અનેક મતોનાં પડ બાઝેલાં હોય છે. આ બધાં પડ છોલી જોઈએ તો તેનું અંદરનું મન તદ્દન ચોખ્ખું અને સરળ છે એમ જણાશે. બીજું, ગઈ કાલનો મારો મત આજે જેમ બદલાઈ ગયો છે, તેમ આજનો મત પણ, આજે ગમે તેટલો પાકો કે દૃઢ જણાતો હોય તો પણ, આવતી કાલે બદલાવાનો સંભવ છે, આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આનો અર્થ એવો નથી કે માણસે હંમેશ સંશયગ્રસ્ત સ્થિતિમાં રહેવું. સંશયમાં જરાય રહેવું નહીં. આજે મને જેમ લાગતું હોય તેમ જરૂર વર્તવું. પણ પારકાના મતનું ખંડન કરતી વખતે પોતાના અનુભવથી સિદ્ધ થયેલી મતોની ક્ષણભંગુરતા ભૂલી ન જવી. સંપૂર્ણ ઈશ્વર કોઈ પણ વ્યક્ત સ્વરૂપમાં સમાવિષ્ટ થઈ શકતો નથી. તેનો એક નાનકડો અંશ જ વ્યક્ત થાય છે. તે જ પ્રમાણે, સંપૂર્ણ સત્ય મારા મનમાં હોવું શક્ય નથી. તેમ જ ઈશ્વરનો અંશ પણ જેમ અમુક એક વસ્તુમાં રહે છે એવું નથી પણ તે બધી જ વસ્તુઓમાં ઓછાવત્તા પ્રમાણમાં રહે છે, તે પ્રમાણે સત્યનો અંશ મારા જ મતમાં છે એમ નથી પણ બીજાના મનમાંય થોડો પણ છે જ- એ શ્રદ્ધા જ સત્યાગ્રહનો આધાર છે. કોઈ પણ માણસ, સમાજ અથવા તો સંસ્થા સર્વથા સત્યવિહોણાં કે ઈશ્વરવિહોણાં નથી. તેથી જ આપણી દૃષ્ટિએ અસત્યવશ થયેલા માણસનો, સમાજનો કે સંસ્થાનો પ્રતિકાર કરતી વખતે આપણે અહિંસામય સાધન જ વાપરવું જોઈએ. આ છે સત્યાગ્રહની મર્યાદા. સારાંશમાં, માણસના મતનો વિચાર કરતી વખતે, યા તો તેના કૃત્યનો પ્રતિકાર કરતી વખતે પણ, તે માણસને તેના મતથી અથવા કૃત્યથી જુદો કૃત્યથી જુદો પાડવો એ સત્યાગ્રહની પહેલી શરત છે.

(નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત ‘મધુકર’ પુસ્તકમાંથી સાભાર)

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.