સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ “ટૉલરેશન”નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે ‘સર્વધર્મ આદર’ શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં એની ઊણપ માની લેવામાં આવે છે. આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસાદૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જાય છે અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે છે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોય તો પછી સત્યનો આગ્રહ શો!

તો તો આપણે પરમેશ્વર જ થયા. કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી ભાવના છે. આપણે પૂર્ણ સત્યને ઓળખતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ. તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સંપૂર્ણ ધર્મ આપણે જોયો નથી, જેમ ઈશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અપૂર્ણ છે, ને તેમાં નિત્ય ફેરફાર થયા કરે છે, થયા કરવાનો. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ ને સત્ય પ્રતિ -ઈશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જઈએ અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મો અપૂર્ણ માનીએ તો પછી કોઈને ઊંચનીચ માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે. તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઈ શકતા હોઈએ. પોતાનામાં પણ દોષ જોઈએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ, સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કાંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય. એટલું જ નહીં પરંતુ, એમ કરવાનો ધર્મ પણ પ્રાપ્ત થાય. ત્યારે પ્રશ્ન એ થાય કે ઘણા ધર્મો શાને સારુ જોઈએ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક છે પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી ટળે નહીં છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક છે. જેમ વૃક્ષનું. પણ તેને પાતરાં અસંખ્ય છે. બધા ધર્મો ઈશ્વરદત્ત છે. પણ મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્યે તેનો પ્રચાર કરેલો હોવાથી તે અપૂર્ણ છે. ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે. તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો? સહુ પોતપોતાની દૃષ્ટિએ જ્યાં લગી એ દૃષ્ટિ વર્તે ત્યાં લગી સાચા. પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી. આમાં પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે; તેથી વધારે સાત્ત્વિક-નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો આપણાં દિવ્ય ચક્ષુ ખૂલે. ધર્માંધતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં એ અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતા આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના. અહીં ધર્મ અધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રી-પુરુષો થઈ ગયાં છે ને આજે પણ મોજૂદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવમાં ને ધર્મીઓ-મનુષ્યો પ્રત્યેના સમભાવમાં કંઈક ભેદ છે. મનુષ્યમાત્ર દુષ્ટને શ્રેષ્ઠ પ્રત્યે, ધર્મી ને અધર્મી પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહીં.

આપણે બધા કદી એકસરખી રીતે વિચાર કરવાના નથી અને જુદી જુદી બાજુએથી સત્યના કેવળ અંશોને જવા પામીશું તેથી આચારનો સોનેરી નિયમ એવો હોય કે આપણે પરસ્પર સહિષ્ણુ થઈએ. દરેકને માટે અંત:કરણ એક જ વસ્તુ નથી. એટલે અંત:કરણનો અવાજ વ્યક્તિગત આચારને માટે સારો માર્ગદર્શક હોય પણ સૌ કોઈને માથે તેવો આચાર ફરજિયાત લાદવાથી બાકી હરેકની પોતાના અંત:કરણના અવાજને અનુસરવાની સ્વતંત્રતામાં અસહ્ય જુલમી દખલ થયા વગર રહેતી નથી.

(નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત ‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી સાભાર)

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.