શિક્ષણ અને ગૃહસંસારમાં એકરાગ હોવો જોઈએ એ વાત સ્વયંસિદ્ધ છે. આજે એ એકતા જોવામાં આવતી નથી. રાષ્ટ્રીય શિક્ષણમાં એ વાત ધ્યાનમાં રાખવી જ પડશે.

શિક્ષણ પ્રજાના મોટા ભાગની જરૂતિયાતો પૂરી પાડનારું હોવું જોઈએ. એ વસ્તુ વિચારીએ. પ્રજાનો મોટો ભાગ એટલે ખેડૂતવર્ગ. તેની નીચે જ બીજા લોકોનો વર્ગ આવે છે. જો આપણા છોકરાઓને શરૂઆતથી જ ખેતીનું અને વણાટનું જ્ઞાન હોત, જો તેઓને આ બંને વર્ગની જરૂરિયાતો સમજાતી હોત, જો તે વર્ગોને પોતાના ધંધાનું શાસ્ત્રીય જ્ઞાન મળ્યું હોત, તો આજ ખેડૂત જાહોજલાલી ભોગવતો હોત. આપણાં ઢોર દુર્બળ અને વાંઝિયા જેવાં ન દેખાત. આપણા ખેડૂતો ગરીબીને લીધે કરજના બોજા તળે દટાઈ ગયા ન હોત. આપણા લોક લગભગ નામશેષ થઈ ગયા ન હોત. આપણી ઉપજ કાચા માલ તરીકે જ પરદેશ જઈ, ત્યાંના કારીગરો દ્વારા તૈયાર થઈ, ફરીથી આપણા દેશમાં આવી, આપણને નામોશી લગાડત નહીં. અને આપણે દર વર્ષે ઈંગ્લેંડને સુતરાઉ કાપડના બદલામાં ૮૫ કરોડ રૂપિયા આપતા ન હોત. શિક્ષણે આપણને શેઠ બનાવવાને બદલે ગુલામ બનાવ્યા છે.

નીચેના પ્રાથમિક ધોરણોના શિક્ષકો અવશ્યમેવ ચારિત્ર્યવાન હોવા જોઈએ. અંગ્રેજીમાં કહેવત છે કે, ‘બાળક એ મનુષ્યનો પિતા છે.’ તે જ પ્રમાણે આપણામાં પણ કહેવત છે કે, ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી.’ કોમળ બાલ્યકાળમાં જો આપણે આપણાં છોકરાંને ગમે તે શિક્ષકના હાથ નીચે મૂકીએ અને તેઓ શક્તિશાળી નીવડે એવી આશા રાખીએ, તો તે કૌવચનાં બી વાવી મોગરાનાં ફૂલની આશા રાખવા જેવું છે. નાનાં છોકરાંઓને માટે ઉત્તમોત્તમ શિક્ષકો રોકવામાં આપણે પૈસા તરફ સહેજ પણ દૃષ્ટિ કરવી ન જોઈએ. આપણા પૂર્વજોના કાળમાં આપણને ઋષિમુનિઓ દ્વારા શિક્ષણ મળતું હતું.

શિક્ષણ મફત હોવું જોઈએ. વિદ્યાદાનનો પૈસાની સાથે સંબંધ ન હોવો જોઈએ. સૂર્ય જે પ્રમાણે સૌને માટે સરખો પ્રકાશે છે, વરસાદ જે પ્રમાણે સૌને માટે વરસે છે. તે જ પ્રમાણે વિદ્યાવૃષ્ટિ બધાંને માટે સરખી જ થવી જોઈએ.

છેલ્લે આપણે, શિક્ષણવ્યવસ્થા પર પ્રજાનો અંકુશ હોવો જોઈએ. એ વાત પર આવ્યા. આ અંકુશમાં જ પ્રજાનું શિક્ષણ રહેલું છે. એ અંકુશ હાથમાં હશે તો જ લોકો પોતાનાં બાળકોનાં શિક્ષણ વિષે આસ્થાવાન બનશે, તે વિષે જવાબદાર થશે. અને જ્યારે શિક્ષણને એવું સ્થાન મળશે ત્યારે સ્વરાજ માગતાવેંત મળશે.

આવું શિક્ષણ શરૂ કરવું એ આપણું કર્તવ્ય છે. આવા પ્રકારના શિક્ષણની સરકાર પાસે માગણી કરવાનો આપણને હક છે. પણ આપણે પોતે તે શરૂ કરીએ તો જ આપણે સરકાર પાસે માગણી કરી શકીશું. પણ રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ કઈ વાતો કરવી જોઈએ તે આ લેખનો વિષય નથી. પહેલાં ઉપરના વિચારોનો લોકો દ્વારા સ્વીકાર થવા દો.

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.