જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઈંદ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણનો પહેલો પાઠ છે. એ ક૨વાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ. આંખ આખા શરીરનો દીવો છે અને શરીરનો તેમ જ આત્માનો દીવો છે, એમ કહીએ તો ચાલે; કારણ જ્યાં સુધી આત્મા શરીરમાં વસે છે, ત્યાં સુધી તેની પરીક્ષા આંખથી થઈ શકે છે. માણસ પોતાની વાચાથી કદાચ આડંબર કરીને પોતાને છુપાવી શકે, પણ તેની આંખ તેને ઉઘાડો પાડશે. તેની આંખ સીધી, નિશ્ચલ ન હોય તો તેનું અંતર પરખાઈ જશે. જેમ શરીરના રોગ જીભની પરીક્ષા કરીને પારખી શકીએ છીએ, તેમ આધ્યાત્મિક રોગો આંખની પરીક્ષા કરીને પારખી શકાય. એટલે બાળકોને બાળપણથી જ નિશ્ચલ આંખ રાખવાની ટેવ પાડવી જોઈએ.

હનુમાનની આંખ નિશ્ચલ હતી. અને તે સદા બતાવતી હતી કે રામનું નામ જેમ તેમની જીભ ઉ૫૨ નિરંતર હતું તેમ તેમના હૃદયમાં ભરેલું હતું અને તેમને રોમે રોમે વ્યાપેલું હતું.

આપણે અખાડાઓમાં હનુમાનની સ્થાપના કરીએ છીએ એ મને ગમે છે, પણ તેનો અર્થ એ નથી કે આપણે કેવળ શરીરે બળવાન થવા ઈચ્છીએ છીએ અથવા હનુમાનના શરીરબળની જ આરાધના કરીએ છીએ. શરીરે બળવાન જરૂ૨ થઈએ, પણ એ પણ જાણી લઈએ કે હનુમાનનું શરી૨ રાક્ષસી નહોતું; તે તો વાયુપુત્ર હતા, એટલે તેમનું શરીર હલકું ફૂલ જેવું હતું, અને છતાં કસાયેલું હતું. પણ હનુમાનની વિશેષતા તેમના શરીરબળમાં નહોતી, તેમની ભક્તિમાં હતી. તે રામના અનન્ય ભક્ત હતા, તેમના ગુલામ હતા. રામના દાસત્વમાં જ તેમણે સર્વસ્વ માન્યું અને તેમને જે સેવાનું કામ સોંપવામાં આવ્યું તે તેમણે વાયુને વેગે કર્યું. તેથી હનુમાનની આરાધના કરીએ છીએ. અને વ્યાયામ શાળામાં હનુમાનની સ્થાપના કરીએ છીએ. એ અર્થે કે, વ્યાયામ કરીને પણ આપણે દાસ બનવાના છીએ – ભારતના દાસ, જગતના દાસ અને તેમ કરીને ઈશ્વરના દાસ બનવાના છીએ. એ દાસત્વમાંથી આપણે ઈશ્વરની ઝાંખી કરીશું.

એટલે હનુમાનની આરાધના કેવળ એમના બ્રહ્મચર્ય માટે જ કરીએ છીએ એમ પણ ન કહો. સેવક માત્ર બ્રહ્મચર્યનું પાલન ક૨નારો તો હોય જ. જેણે સેવાનું વ્રત લીધું છે તે ઈંદ્રિયવિષયનું સેવન કેમ કરી શકે? અરે પિતા-માતાની સેવા માટે પુત્રે સંયમી બનવાની આવશ્યકતા છે. જેમ હું વિષયી બન્યો હતો તેમ વિષયી બનીને તે સેવા ન થઈ શકે; તેમ જ જેને આશ્રમની સેવા કરવી છે, સ્ત્રી-પુરુષો, બાળક-બાળાઓની સેવા કરવી છે, તેને પણ વિષયનું સેવન કરવું કેમ પોસાય? અને આશ્રમની સેવા એ તો જરાક જેટલી વસ્તુ છે, સમુદ્રમાં બિન્દુ માત્ર છે. એટલે જેને જગતની સેવા ક૨વી છે, તે તો વિષયથી ભાગતો જ ફરે.

પણ વિષયની અંદરથી મન ઉઠાવી લેવું હોય તો તે કેવળ ઉપવાસથી કે તપશ્ચર્યાથી ન થાય, પણ તે હનુમાનના જેવી ભક્તિથી થાય, એટલે બ્રહ્મચર્ય અને બીજી વસ્તુની કૂંચી એકનિષ્ઠ ભક્તિમાં છે. આપણે દરરોજ સાયંકાળે બોલીએ છીએ:

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ।
રસવર્જં રસોઽપ્યસ્ય ૫રં દૃષ્ટ્વા નિવર્તતે।।

નિરાહારીઓની ઈંદ્રિયો ભલે શાંત થાય, પણ વિષયો માટેનો રસ શાંત નથી થતો. ઈંદ્રિયો શિથિલ થાય છે ત્યારે ઘણે ભાગે મન વધારે ચંચળ બને છે, મન વિષયો તરફ વધારે ધાય છે. એ રસ પણ રામજીનાં દર્શનથી શાંત થાય છે. આ હનુમાનનો કોલ છે અથવા હનુમાનના જીવનમાંથી પદાર્થપાઠ શીખવાનો છે.

અગાઉ મેં કદી ન વાપરેલું એવું વિશેષણ મેં બ્રહ્મચર્યને વિષે કાલે વાપર્યું છે તે એ કે મેં હનુમાનના બ્રહ્મચર્યને સાત્ત્વિક બ્રહ્મચર્ય કહ્યું; અને તેમ કરતાં બ્રહ્મચર્યની સ્તુતિ કરતાં સાત્ત્વિક, રાજસી અને તામસી એવા બ્રહ્મચર્યના ત્રણ ભેદો દેખાયા. હનુમાનનું સાત્ત્વિક બ્રહ્મચર્ય હતું. જ્યારે મેઘનાદનું બ્રહ્મચર્ય રાક્ષસી હતું. રાક્ષસી બ્રહ્મચર્ય પાળનારમાં ક્રોધ હોય, અભિમાન હોય; સાત્ત્વિકમાં સમર્પણ હોય. બંને શરીરબળમાં એકબીજાથી ગાંજ્યા જાય એમ નહોતા, પણ હનુમાન મેઘનાદને હરાવી શક્યા, કારણ મેઘનાદ અભિમાની હતો, જ્યારે હનુમાન ભક્તિભીના હતા, તેથી તેમનું બળ વિશેષ હતું.

એટલે આંખ સાવ ચોખ્ખી રાખવી, હાથપગ ચોખ્ખા રાખવા, જીભ ચોખ્ખી રાખવી અને તેમ કરીને હનુમાનનું કાંઈક અનુક૨ણ ક૨વાને શક્તિમાન થવું. બ્રહ્મચર્યનું પાલન કરીને શરીરને સુદૃઢ જરૂ૨ ક૨વું છે, પણ તે એટલા માટે કે આપણે શરીર વાટે પણ રામની ભક્તિ કરવી છે, અને રામભક્ત બનીને જગતના સેવક બનવું છે.

બાહ્ય સાચવવાથી અંતર આપોઆપ સચવાઈ જ જશે એમ નથી પણ બાહ્ય સાચવતા જઈશું અને તે કેવળ બાહ્યાડંબર નહિ હોય તો કોઈ કાળે મન પણ સ્થિર થઈ રહેશે, અને તો જ કો’ક દિવસ હનુમાનની હરીફાઈ પણ કરી શકીશું.

(‘ગાંધીવાણી’માંથી સાભાર)

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.