તમે સૌ જાણતા હશો કે હિંદુસ્તાનના યુવકો સાથે મારો – લગભગ ખાનગી કહી શકાય એવો – સંબંધ છે. મારા જાહેર જીવની શરૂઆતથી હું એક વાત એ માનતો આવ્યો છું કે આપણા દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે, અને જે કોઈ જાહેર કાર્યકર્તા હિંદના યુવાનોની સેવા મેળવી શકશે તે જ દેશ માટે કાંઈ કરી શકશે. એટલે હું તો તમારી સાથે દિલ ખોલીને વાત કરવા માગું છું. મારે કોઈ ભાષણ આપવું નથી. વર્ષો થયાં મારા કમનસીબે મારે ભાષણો આપવાનું જ આવેલું છે પરંતુ એ મને જરાયે ગમતું નથી.

યુવાનોને અભ્યાસ કરવાનો મોકો મળે એ બહુ સારી વાત છે. દુનિયાભરના યુવાન, જેણે સેવા જ કરવી હોય તેણે જાહેરાતનો મોહ છોડવો જોઈએ. એનું પહેલું અને છેલ્લું ધ્યેય સેવા જ હોવી જોઈએ. હું તમને ખાતરી આપવા માગું છું કે નેક દિલથી કરેલી સાચી સેવામાં જેવો આનંદ આવે છે તેવો દુનિયાની બીજી કોઈ ચીજથી આવતો નથી. જ્યારે કોઈ માણસ સેવા કરવા માંડે છે – સેવા ખાતર જ નહિ પણ બીજા હેતુથી – ત્યારે એને કંટાળો આવે છે. અને એ થોડાક જ વખતમાં એનાથી થાકી જાય છે.

તો પછી સાચી સેવાનો બદલો શો? મેં હજારો યુવાનોને કેળવ્યા છે પણ સૌથી પહેલાં તો મેં મારી જાતને જ કેળવી છે. મેં મારી જાતને જ ઘડવા માંડી. એનું મુખ્ય અંગ અંતરની અને બહારની શુદ્ધિ છે. શુદ્ધિ એટલે શું એ તો તમે જાણતા જ હશો. એનો અર્થ જીવનની પવિત્રતા, હિંદુઓ એને બ્રહ્મ કહે છે. બ્રહ્મ એટલે જીવનની શરૂઆત. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પવિત્રતાનો આદેશ એકલા હિંદુધર્મે જ આપ્યો છે એમ નથી; પણ બધા જ ધર્મોના પાયામાં એ રહેલો છે. મુસલમાન ધર્મમાં પાકદામન શબ્દથી એનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ખ્રિસ્તી અને અને પારસીઓના ધર્મમાં પણ તમને એ જ માલૂમ પડશે. યહૂદીઓના ધર્મ વિશે, બીજા ધર્મો જેટલું હું જાણતો નથી છતાં એમાં પણ એ જ હશે એ વિશે શંકા નથી.

‘અત્યારે યુવાનોમાં આની જ ખાસ જરૂર છે. હું દેશના બધા ભાગોમાં ફર્યો છું, અને મને માલૂમ પડ્યું છે કે આપણા યુવાનનું ખાનગી ચારિત્ર્ય જોઈએ એટલું પવિત્ર નથી. આ વસ્તુ ચિંતા અને દુઃખ પેદા કરે છે. એમ કેમ બને છે એનાં કારણો તો અનેક આપી શકાય. પણ તમે પોતે પવિત્ર રહેવાનો પ્રયત્ન ન કરો તો તમારો વિનાશ જ છે. તમારામાંના ઘણા એમ કહેશે કે અંગત ચારિત્ર્યની પવિત્રતાને અને સેવાને કાંઈ લેવાદેવા નથી. પણ તમે જીવનમાં જેમ જેમ આગળ વધશો તેમ તેમ જોશો કે જેઓ પવિત્ર જીવન ગાળતા નથી તેમના માર્ગમાં અનેક વિઘ્નો ઊભાં થાય છે. મેં શરૂઆતમાં કહ્યું કે યુવાનો સાથે મારો તો ખાનગી સંબંધ છે. તમે એનો અર્થ સમજો. યુવાનોનું ખાનગી જીવન જેટલું હું જાણું છું તેટલું બહુ ઓછા જાણતા હશે. હું શું કહેવા માગું છું એ તમે સમજી શકશો. એક યુવાન, અંગ્રેજી, સંસ્કૃત, અને માતૃભાષામાં ભલે નિષ્ણાત હોય પણ જો એનું ખાનગી જીવન પવિત્ર નહિ હોય તો એનાં ગાત્રો ઢીલાં પડી જશે અને જીવનના ઝંઝાવાતનો સામનો કરવા એ અશક્ત બની જશે. આવા કેટલાકે મારી સામે લોહીનાં આંસુ વહાવ્યાં છે. આ કહેતી વખતે મારી નજર સમક્ષ જે ચિત્ર ખડું થાય છે તેનાથી હું ધ્રૂજું છું. હું એક કિસ્સો જાણું છું. એ એક બહુ જ આશાસ્પદ યુવાન હતો. એ એક સરસ કાર્યકર હતો અને સત્યને વરેલો હતો એ એક શિક્ષક હતો. આજે એ અદૃશ્ય થઈ ગયો છે. એ ક્યાં છે એની મને ખબર નથી. દેશે એને ગુમાવ્યો છે. આજે જ્યારે હું અહીં આવ્યો ત્યારે સમય થોડો છે છતાં તમારી સાથે આ મનોમનની વાત કહીને તમારો સમય લઉં છું.’

(મહાદેવભાઈની ડાયરી ભાગ – ૮માંથી સાભાર)

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.