શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પુસ્તકાલયના વધારાના મકાનનો શિલારોપણ

રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયના રૂ. ૩૦ લાખના ખર્ચે થનારા વિસ્તરણ, મકાનનો શિલારોપણવિધિ ૭મી ડિસેમ્બરે રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ સ્વામી શ્રીભૂતેશાનંદજીના હસ્તે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે સ્વામી શ્રીભૂતેશાનંદજીએ જણાવ્યું હતું કે, આપણું એ દુર્ભાગ્ય છે કે સ્વતંત્રતા પછી આપણી ઉન્નતિ સાચી દિશામાં થઈ નથી. ભૌતિક સંસ્કૃતિ તરફ આપણે ધસતા રહ્યા છીએ. પણ મને વિશ્વાસ છે કે, આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રભાવથી આપણને સાચી દિશા મળશે અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ આપણે આગળ ધપીશું.

તેઓએ ઉમેર્યુ હતું કે, લાઈબ્રેરીનું વિસ્તરણ સમાજને ઉપયોગી બની રહેશે. આશ્રમ દરેક ક્ષેત્રે પ્રગતિ કરતો રહે એવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી શ્રીજિતાત્માનંદજીએ પુસ્તકાલયના વિસ્તરણની વિગતો આપતાં જણાવ્યું હતું કે નવા મકાનમાં બે વિભાગો રહેશે. એકમાં ભારતીય સંસ્કૃતિ અંગેનાં દરેક પુસ્તકોનો સમાવેશ કરાશે, જેનો વિદ્યાર્થીઓથી માંડી સંશોધકો, અધ્યાપકો ઉપયોગ કરી શકશે. બીજા વિભાગમાં પાઠ્ય પુસ્તકો રખાશે. ધો. ૯થી માંડી કૉલેજ કક્ષા સુધીનાં પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓને મળી શકશે, જેથી તેઓને મોંઘાં પાઠ્ય પુસ્તકો ખરીદવાં ન પડે. ઉપરાંત એક પ્રદર્શન બનાવાશે. જેમાં ભારતીય સંસ્કૃતિ અને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ અંગેના ચિત્રો જાહેર જનતા માટે રાખવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટના મેયર શ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, વિચાર એ જીવનનું મહત્ત્વનું પાસું છે અને એ માટે વાચન જરૂરી છે. વિચારોના પ્રતિપાદન માટે મરી ફિટનાર વ્યક્તિઓની આજે અછત છે ત્યારે રામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયનું વિસ્તરણ એક દિશા આપશે એવી આશા રહે છે. એક રીતે કહીએ તો આજે આપણું જનજીવન સાચી દિશામાં ઉન્નત બને એનો અહીં પાયો નખાયો છે. શ્રી વાળાએ ઉક્ત યોજનામાં જરૂર પડ્યે સહાય આપવાની ખાતરી ઉચ્ચારી હતી.

આ પ્રસંગે શ્રી પુરુષોતમભાઈ ગાંધી, શહેરના અગ્રણીઓ અને સ્વામીગણ ઉપસ્થિત હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા – નવનિર્મિત – ‘સ્વામી વિવેકાનંદ વિદ્યાલય’ ભમરિયા – શ્રીરામકૃષ્ણનગરને અર્પણ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂપિયા સાડા ચાર લાખના ખર્ચે નવા બંધાયેલા ‘સ્વામી વિવેકાનંદ વિદ્યાલય’ અને બોરવૅલનું ઉદ્‌ઘાટન ગુજરાતના નાણાંમંત્રીશ્રી છબિલભાઈ મહેતાના વરદ્ હસ્તે ૧૩મી ડિસેમ્બરે થયું હતું.

પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજે કહ્યું હતું કે, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવાના આદર્શ પ્રમાણે અમે એક આ નાનું સેવાકાર્ય કર્યું છે. ગ્રામજનો એની એવી જાળવણી કરે કે અહીં વિચાર-ભાવ-ભક્તિનું અનેરું વાતાવરણ ઊભું થાય. આ ગામનો સાર્વત્રિક વિકાસ થાય, તેવી શુભેચ્છાઓ તેઓશ્રીએ વ્યક્ત કરી હતી.

નાણાંમંત્રીશ્રી છબિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ત્યાગ, સેવા, બલિદાન અને સ્વાર્પણની ભાવનાને વરેલા શ્રીરામકૃષ્ણ આશ્રમના આ સંન્યાસીઓએ અલ્પ સમયમાં આ મહાન કાર્ય કર્યું એ આપણા સૌ પરનું મોટું ૠણ છે. આ સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યો સૌ કોઈને માટે અનુકરણ કરવા જેવાં છે. આ સંસ્થાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ભૂકમ્પ કે વાવાઝોડા વખતે કોઈ પણ જાતના બંધન વિના નિર્વિજ્ય સેવા કરી છે. એમની આ સેવા ભાવના, આ ત્યાગ-સ્વાર્પણવાળી ધર્મભાવના આપણા સૌએ જીવનમાં જીવવા જેવી છે. એમણે પ્રાસાદોમાં-મહેલોમાં કે શાસ્ત્ર ચર્ચાના મહાલયોમાં પ્રભુ જોવાને બદલે ગરીબની ઉપેક્ષિતોની દુ:ખની ઝૂંપડીમાં નારાયણને જોયા છે અને એ નારાયણની સેવા કરવાનું એમણે હંમેશાં બીડું ઝડપી લીધું છે. એમણે આ પ્રસંગે આશ્રમના કોઈપણ સેવા કાર્ય માટે સરકારશ્રીના સાથસહકારની ખાતરી આપી હતી.

આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે દરિદ્ર, દુ:ખી અને ગરીબમાં બેઠેલા નારાયણની સેવા એ જ સાચી સેવા, એ જ સાચી પૂજા એવા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા જીવન સંદેશને આવાં કાર્યો દ્વારા અમે અનુસરીએ છીએ, એમાં અમે કોઈ ઉપકારની ભાવનાથી કામ કરતા નથી પણ સેવા ભાવનાથી કરીએ છીએ. આ ગામના લોકો શાળા-મંદિરના વાતાવરણનો સદુપયોગ કરીને અહીં ત્યાગ-સેવા-ભક્તિનું એક વાતાવરણ સર્જે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી નાનુભાઈ વાઘાણી તથા ભાવનગરના ડેપ્યુ. કલેક્ટરશ્રી શર્મા સાહેબે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. ગારિયાધાર તાલુકા પંચાયત દ્વારા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી જિતાત્માનંદજી મહારાજશ્રીને તાલુકા પંચાયત પ્રમુખશ્રીના વરદ્ હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી ગિરીશભાઈ મારુ, શ્રી અમુભાઈ આરદેશણા, તાલુકા પંચાયત અધિકારીશ્રી, ભમરિયાના આચાર્યશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી તેમ જ સરપંચશ્રીને સ્મૃતિચિહ્નો શ્રીરામકૃષ્ણ આશ્રમ તરફથી અર્પણ કરાયાં હતાં.

આભાર દર્શન આશ્રમના માનદ્ આર્કિટેક્ટ શ્રી ગિરીશભાઈ મારુએ કર્યું હતું.

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.