અમે પીધો રે સહજનો પ્યાલો
છૂટી માળા ને છૂટ્યું મંદિર,
છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ.
ઉરમંજિરે ગાયો છે અનહદ
જગથી થ્યાં રે ઉદાસ.
જીવ વદ્યો કે “ધ્યાનમાં મ્હાલો”
અમે..

જોયું તે દર્શન, ખાધું તે પ્રસાદ,
પૂજી પોતાને જ્યાં આપ્તકામ.
ઘટના અરીસે ઝૂકીને ઝાંક્યું તો
મીઠેરું મલકતો રામ!
મને સંબોધી બોલ્યો, “તું વ્હાલો”
અમે..

શ્વાસદોરે એની મરજી પ્રોઈ,
ભૂસ્યું નિજનું કઠેકાણું,
એકની માયા કૈં એવી રુચિ કે
ખુશીથી ખોયા નવ્વાણું!
હરિ આંગળી ઝાલી, કહે : “ચાલો”
અમે..

– હરેશ ‘તથાગત’

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.