(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.)

(ગતાંકથી આગળ)

૮. પથ્થર, માટી, ધાતુ ઈત્યાદિ વડે બનેલી પ્રતિમાઓની પૂજા એક નરી મૂર્ખાઈ નથી શું? એ અજ્ઞાન ને અંધશ્રધ્ધાનું પરિણામ નથી શું?

મૂર્તિપૂજાના મૂળમાં રહેલા મહાન અને ઉદાત્ત સિધ્ધાંતને જાણ્યા-સમજ્યા વગર આવી સાચી ખોટી ભ્રામક વાતો કરવામાં આવે છે. કોઈપણ હિન્દુ, મૂર્તિને માત્ર મૂર્તિ માનીને જ, તેની પૂજા કરતો હોતો નથી. એ જડ જરૂર છે, પરન્તુ તેના દ્વારા, તેના માધ્યમ વડે, સ-ચેતન ઈશ્વરી-સત્તાનો બોધ અવશ્ય થાય જ છે; જેવી રીતે કોઈ તસ્વીર જોતાં જ આપણને જીવતી-જાગતી, ચેતન વ્યક્તિનું સ્મરણ થાય છે. આવા પ્રકારની શંકાને પણ સાચી માની લઈએ, તો તો પછી શૂળીના ઉપાસક ખ્રિસ્તીઓ, ‘કાબા’ની પૂજા કરતા મુસલમાનો કે રાષ્ટ્રધ્વજને વંદન કરતા દેશભક્તોને પણ મૂર્તિપૂજક જ ગણવા જોઈએ.

અંધવિશ્વાસ અંગે તો જેટલું ઓછું કહીએ એટલું વધુ સારું, યુરોપનો ઈતિહાસ જાણનાર દરેક વ્યક્તિ એ જાણે જ છે કે યુરોપમાં અસહાય વૃદ્ધાને ‘ચુડેલ’ માનીને સળગાવી દેવામાં આવતી હતી. આજે પણ ૧૩ નો અંક, યુરોપમાં દુર્ભાગ્યના સંકેતરૂપ માનવામાં આવે છે. ભૂલથી કોઈ ઊંધું ખમીસ પહેરી લે તો, એવું મનાય છે કે તેનું કામ બગડશે. મુસલમાનો કાકીડાને મારવામાં બુરાઈ સમજે છે. હકીકતે તો પ્રત્યેક હિન્દુપ્રથાના ઊંડાણમાં જેને અંધશ્રધ્ધા ગણી ઠેકડી ઉડાડવામાં આવે છે તેમાં કોઈ ને કોઈ તાર્કિક, દાર્શનિક અથવા તો મનોવૈજ્ઞાનિક સત્ય રહેલું છે, જે અગોચર છે. માની લઈએ કે એ અંધવિશ્વાસ છે, તો પણ તેમાં કોઈનું અહિત રહેલું નથી. આધુનિક માનવાના વિજ્ઞાન અને પ્રયોગમાં પણ જે તેને સર્વશક્તિમાન માની લેવાની અતૂટ આસ્થા છે, તે પણ એક જાતની સૌથી મોટી અંધશ્રધ્ધા જ છે. તેમાં એ ભુલાઈ જવાય છે કે એ સિધ્ધાન્તો અને પ્રયોગો તદૃન નિષ્ફળ નીવડ્યા છે અને એના ઉપરની આ આસ્થાથી માનવને કોઈ શાંતિ તો મળી જ નથી.

૯. મંદિરોમાં, જ્યાં લાખો હિન્દુઓ પૂજા માટે જાય છે, એ પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા થતી આવી છે. તેનું ઔચિત્ય શું છે? અને મંદિરનું મહત્ત્વ શું છે?

ઈશ્વર છે. એ જ સૃષ્ટિનો કર્તા છે. એ નિયંતા પણ છે. એના અનુગ્રહથી જ આપણને સુખ-શાંતિ મળે છે. એનો અસંતોષ આપણને દુ:ખ કે વ્યથા પહોંચાડે છે. સમસ્ત સંસારના માનવીઓ, આવા વિશ્વાસથી જ, વધતે-ઓછે અંશે પ્રેરાયેલા છે.

આ રીતે ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરી લેવાય તો તેના મિલન માટે કે તેને પ્રસન્ન રાખવા માટેનું કોઈ સરળ સાધન હોય તો તે મંદિર છે. મંદિર, એ ભક્તિપૂર્વક, આપણા દ્વારા નિર્મિત, પ્રભુનો પવિત્ર આવાસ છે; જ્યાં આપણા મનોરથો પૂર્ણ કરવા માટે ઈશ્વરનું અવતરણ થયું છે. કોઈ રાજા પોતાના જ રાજ્યવિસ્તારમાં પોતાનો મુકામ કરે તેના જેવી આ બાબત છે.

મંદિરનો મુખ્ય ભાગ એટલે તેનું ગર્ભગૃહ, જ્યાં પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોય છે. ‘શુકનાસિ’ અને ‘અંતરાલ’ તેમાંથી નીકળેલા માર્ગ છે. ‘નવરંગ’ અથવા ‘મંડપ’ એ મોટા ઓરડાઓ છે, જ્યાં ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકે. ધ્વજ-સ્તંભ પર પતાકા લહેરાવાય છે. ‘બલિપીઠ’ કે જેના પર બલિ માટેનું અન્ન રાખવામાં આવે છે. મોટાં મોટાં મંદિરમાં પ્રમુખ આરાધ્યદેવ સાથે અન્ય દેવોનાં નાનાં-નાનાં પૂજાગૃહો પણ સંકળાયેલાં હોય છે.

ઊંચી દીવાલો વડે મંદિર ઘેરાયેલું હોય છે. એ ઉપરાંત ‘યોગશાળા’, ‘પાઠશાળા’, ‘ઉત્સવ-મૂર્તિ માટેનું સ્થાન, રથ માટેની અલગ જગા, કુંડ, તીર્થ, ઉદ્યાન વગેરે પણ હોય છે.

મંદિરની રચના ઘણી પ્રતીકાત્મક હોય છે. એનાથી જાણી શકાય છે કે ઈશ્વર ‘વિશ્વાત્મા’ છે. ગર્ભગૃહ તેનું ‘મસ્તક’ છે. ‘મુખ્યદ્વાર’નું ‘ગોપુર’ તેના ‘પગ’ છે. ‘શુકનાસિ’ તેની ‘નાસિકા’ કે ‘નાક’ છે. ‘અંતરાલ’ તેનો ‘કંઠ’ અથવા ‘ગળું’ છે. ‘પરકોટા’ કે ‘પ્રાચીર’ તેના ‘હાથ’ વગેરે. વિકલ્પે તે માનવદેહનું જ્ઞાન કરાવે છે, જેના હૃદયમાં ઈશ્વરનો ‘આવાસ’ છે. મંદિર બ્રહ્માંડનું દ્યોતક પણ હોઈ શકે છે.

શાસ્ત્રગ્રંથોનાં વિધિ-વિધાનો અનુસાર બનાવાયેલાં મંદિરોમાં પ્રતિષ્ઠાપિત મૂર્તિઓ ‘સચેતન’ માનવામાં આવે છે. એટલા માટે જ તેનું નિયમિત પૂજન અનિવાર્ય છે. દિવસમાં પૂજા એકથી માંડી નવ વાર પણ થઈ શકે છે. આ બાબત મંદિરની આર્થિક સ્થિતિ પર આધારિત છે. વિશેષ તહેવારો પર પૂજન-અર્ચન વિશેષરૂપે થાય છે. વિશિષ્ટ ધામધૂમથી ઉજવાતા આવા પર્વને બ્રહ્મોત્સવ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ‘રથયાત્રા’ પણ નીકળે છે. ‘રથ’ એ ગતિશીલ મંદિરનું પ્રતીક છે.

મંદિરે જનારે દેહશુધ્ધિ બાદ શ્રદ્ધા-ભક્તિથી જવું જોઈએ. શાંતિથી ગર્ભગૃહ તરફ જવું, પૂજા કરવી અને બહાર નીકળી પરિક્રમા કરવી. ધ્વજ-સ્તંભથી આગળ નિર્દિષ્ટ સ્થાન પર જ દંડવત્ આદિ કરવાં. ત્યારબાદ અન્ય દેવમંદિરમાં જવું. મંદિરની ઉત્તર-પૂર્વી દિશામાં એકાંત સ્થાન પર બેસી ધ્યાનમાં થોડો સમય વિતાવવો. મંદિરની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાની જવાબદારી પ્રત્યેક દર્શનાર્થીની છે.

૧૦. ઉપાસના-પછી તે ઘરમાં કે મંદિરમાંનો અર્થ શો છે? તેના માટે કોઈ નિશ્ચિત નિયમ છે?

પૂજા કે ઉપાસના એટલે ઈશ્વરને પ્રેમપૂર્વક સ્વીકારવો. આપણે આપણા સાથીદારો અને સગાંસંબંધીઓને ચાહીએ છીએ. આ પણ એવો જ પ્રેમપૂર્વકનો વ્યવહાર છે. ટૂંકમાં તેના નિયમો હોય છે : આવાહન (મૂર્તિ અથવા ચિહ્નમાં ઈશ્વરને આમંત્રિત કરવો), આસન (તેને યોગ્ય સ્થાને વિરાજિત કરવો) પાદ્ય, અર્ધ્ય (હાથ-પગ ધોવા જલ આપવું), સ્નાન અથવા અભિષેક (શાસ્ત્રાનુસાર જળનું સિંચન), વસ્ત્ર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ નૈવેદ્ય (ભોગ) અને વિસર્જન.

મંદિરોમાં મૂર્તિ અથવા પ્રતિમાનો અભિષેક, વસ્ત્રપરિધાન, અલંકાર ઈત્યાદિ ધામધૂમથી થાય છે.

શ્રદ્ધા-ભક્તિથી કરવામાં આવેલી ઉપાસનાથી મન શાંતિ અને સંતોષ અનુભવે છે.

અહીં આગળ એક બાબતનું ધ્યાન ખેંચવાનું જરૂરી છે કે ‘આગમો અનુસાર વિધિવત્ પ્રતિષ્ઠા કરવામાં આવેલી મૂર્તિ કે ચિહ્નમાં રહીને ઈશ્વર પૂજા-અર્ચન ગ્રહણ કરે છે.

૧૧. પૂજા-ઉપાસનાને માટે સંસ્કૃતને બદલે જનભાષાને શા માટે ઉપયોગમાં ન લેવી? એનાથી આપણને શાસ્ત્રો, યોગ્ય રીતે સમજવામાં સરળતા રહે કે નહીં?

પૂજા, હવન તથા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પવિત્ર અને ઉદાર માનવામાં આવે છે. આપણી ધાર્મિક પરંપરાઓના પુરસ્કર્તા ૠષિઓએ આ અનુષ્ઠાનો વ્યવસ્થિત કરી, પ્રત્યેને માટે મંત્રો અને તંત્રો સ્થાયી કર્યાં છે. જે ભાષામાં તે પ્રાપ્ય હોય તેને આપણે અનુસરવું ઉચિત છે. એનાથી ગંભીર અને પવિત્ર વાતાવરણ સર્જાય છે. મંત્રોનું પણ વિજ્ઞાન છે. જુદાં જુદાં અનુષ્ઠાન માટે નિર્મિત મંત્રોનો પણ પોતાનો મહિમા હોય છે. એ મંત્રોના સ-સ્વર પાઠ, શ્રોતાઓના મનમાં મંગલકારી પ્રભાવ જાગ્રત કરે છે. તેથી જનભાષામાં તેનો અનુવાદ અથવા વ્યાખ્યા અનુકથન માત્ર બની રહેશે.

હા, જનભાષામાં પ્રથમ, અનુષ્ઠાનનું વર્ણન અને મંત્રનો અર્થ આપી દેવામાં આવે અને ત્યારબાદ, પારંપારિક પધ્ધતિથી અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવે તો શ્રધ્ધાળુઓને માટે વિશેષ અર્થપૂર્ણ બની રહેશે.

એ યાદ રાખવું જરૂરી છે કે અન્ય ધર્મોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કે પૂજાપાઠ સંબંધી ધર્મગ્રંથો મૂળભાષામાં જ હોય છે.

૧૨. હિન્દુ મંદિરોમાં શું અન્ય ધર્મી જઈ શકશે?

આજકાલ તો હિન્દુ મંદિરોમાં અહિન્દુઓ પણ જવા લાગ્યા છે. કેટલાંક મંદિરોમાં તો અમુક સીમિત ભાગ સુધી જ પ્રવેશવાની સગવડ છે. પ્રવેશનિષેધ પણ સકારણ છે, તેમ માનવું જોઈએ. જેવા શ્રધ્ધા અને ભક્તિ-યુક્તભાવથી આપણે આપણાં મંદિરોમાં જઈએ છીએ, એવા જ પૂજ્યભાવથી અહિન્દુ હિન્દુ મંદિરોમાં જાય અને એને પવિત્ર સમજે તો તેમના પ્રવેશ માટે કોઈ નિષેધ નહીં કરે. શ્રધ્યાહીન બની, કુતૂહલ કે મનોરંજન માટે કે તેના દોષ બતાવવા માટે જ જો તે જવા માગે તો, તેમનું, મંદિરમાં જવાથી કોઈ હિત નહીં થાય. પરન્તુ એવા લોકોના મંદિરમાં પ્રવેશવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી જરૂર દુભાશે. સૌથી મોટી જરૂરિયાત તો એ છે કે આપણે ભેદભાવ વગર સમસ્ત હિન્દુઓને મંદિરોમાં પ્રવેશવા દઈએ અને સુંદર રીતે તેમના પ્રવેશ માટેની વ્યવસ્થા કરીએ. અન્યધર્મીઓની ચર્ચા ત્યાર પછી જ થઈ શકે. હાલમાં તે અંગે કોઈ સમસ્યા નથી.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.