(ગતાંકથી આગળ)

(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinuii mthrough Questions and Answers’ નો અનુવાદ અત્રે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.)

૧૩. તહેવારો શા માટે અને કેવી રીતે ઉજવવા જોઈએ?

બધા જ ધર્મોમાં પર્વ-સમયે તહેવારો ઉજવવાની પ્રથા છે. દર્શનશાસ્ત્ર વિશે થોડું ઘણું જાણનાર કે પુરાણોમાંથી થોડો ઘણો વિવેક પ્રાપ્ત કરનાર સાધારણ વ્યક્તિને પણ ધાર્મિક અનુષ્ઠાન વિના સંતોષ નહીં થાય. પર્વોના સમયે તેને આવી ઉજવણીની તક મળે છે. તહેવારોની ઉજવણી દ્વારા તેને શાંતિ અને સુખ મળે છે. સામાજિક સ્તરે એકતા અને સહકારની ભાવનાઓનો પણ બોધ મળે છે. ધર્મ અને સંસ્કૃતિના પ્રસારણમાં તહેવારોનાં સ્થાન મહત્ત્વપૂર્ણ છે.

અન્ય દિવસોની સરખામણીએ પર્વોને સમયે વ્યક્તિ પ્રાર્થના અને ધર્મ-સાધના માટે વધારે સમય મેળવી લે છે. આવા તહેવારોમાં ભાગ લેવાથી આધ્યાત્મિક તૃપ્તિનો અનુભવ થાય છે. મન પણ ખરેખર ઉલ્લસિત બને છે. તેની અસલી સંવેદનાને સમજ્યા વિના માત્ર ખાણી-પીણીથી જ તહેવારની ઉજવણી કરવી એ તો ખાલી આડંબર છે; અને તો પછી પવિત્ર દિવસ (Holy Day) મોજમજાનો દિવસ (Holiday) બની રહેશે.

તહેવાર આપણા ધાર્મિક કે આધ્યાત્મિક પુરુષોનો જન્મદિન હોઈ શકે છે, જેમકે રામનવમી. આપણા ધર્મ કે સંસ્કૃતિના ઈતિહાસની કોઈ અમર ક્ષણ પણ હોઈ શકે છે, જેમકે ગીતા જયંતી. પ્રકૃતિમાતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર પણ હોઈ શકે. દરેકના જીવનમાં જન્મદિનની ખુશી વ્યક્ત કરવા, તેની ઉજવણીનો સુખદ અવસર પણ હોય છે. આવા પ્રસંગે ઉપવાસ કરવો, સંયમ રાખવો. કુળદેવતાની પૂજા કરવી, મોટેરાંઓને પ્રણામ કરવાં, તેમના આશીર્વાદ મેળવવા ઈત્યાદિ અનીવાર્ય છે. સગાંસંબંધીઓ ને મિત્રોને અભિનંદન આપવાં, પ્રેમપૂર્વક ભેટ-સોગાદોનું આદાન પ્રદાન કરવું વગેરે પ્રથાઓ કે રિવાજોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ. સંસ્કારિતા કે સંયમશીલતાની ઉપેક્ષા ક્યારેય ન થવી જોઈએ.

ઉત્તર ભારતમાં દશેરા સમયે રામલીલા, દૂર્ગા પૂજા ઘણા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ગણેશચતુર્થી મોટું પર્વ છે. હોળી આખાયે દેશમાં ઉજવાય છે. હા, એટલું તો ખેદપૂર્વક કહેવું પડશે કે આ તહેવારોમાંથી ધાર્મિક અને આધ્યાત્મિક તત્ત્વ લુપ્ત થઈ ગયું છે. અશ્લીલ અને મનને આઘાત પહોંચાડે તેવાં કરતૂતો વધી રહ્યાં છે. સમાજે એવો કોઈ ઉપાય તુરત જ શોધવો જોઈએ, જેથી આવા અતિરેકો વધે નહીં; એને રોકી શકાય તો જ આપણા તહેવારોની ગરિમા પૂર્વવત્ જળવાઈ રહે.

૧૪. તીર્થયાત્રાની શી જરૂરત છે? તીર્થાટન માટે ઘડાયેલા નિયમોનું પાલન શું અનિવાર્ય છે?

ઘાણીના બળદ જેવું જીવન કંટાળો ઉપજાવે તે તદ્દન સ્વાભાવિક છે. ‘ચાર્જ કરેલી બેટરી’ નો પ્રકાશ જેમ વધારે તેજસ્વી બને, તે રીતે તીર્થયાત્રાએ જવાથી, આપણું મન પણ તાજગીપૂર્ણ બની જાય. ઈશ્વર સર્વત્ર છે, એ ઠીક છે. પરન્તુ તીર્થસ્થાનોમાં તેનું તેજ સવિશેષ છે. ગાયના શરીરમાં તેના આંચળોનું સ્થાન સીમિત હોવા છતાં, દૂધ તો તેના આંચળોમાંથી જ મળે છે.

આ દેશમાં સેંકડો તીર્થસ્થાનો છે. એ કાં તો સાગરકિનારે, નદીકિનારે, પર્વતનાં શિખરો કે વનરાજિથી ઘેરાયેલી ઘાટીમાં આવેલાં છે. સાધુસંતો, ઋષિમુનિઓ અથવા કોઈ આધ્યાત્મિક કે ધાર્મિક બનાવો સાથે એનો સંબંધ હોય છે. સદીઓથી લાખોની સંખ્યામાં ભક્તો ત્યાં જતા હોય છે. તેથી ત્યાં તેમને આધ્યાત્મિક ચેતનાની લાગણી થાય છે. શ્રદ્ધાપૂર્વક, ઉત્સાહથી જનાર તેનાથી પ્રભાવિત થાય છે. એવું મનાય છે કે તેના પ્રભાવથી પાપોનો નાશ ભલે ન થાય પણ તેની માત્રા તો અવશ્ય ઓછી થાય છે. તેથી જ સંસારના સર્વધર્મોમાં તીર્થયાત્રાનું નિર્માણ થયું છે.

તીર્થયાત્રાએ નીકળતાં પહેલાં આ નિયમોનું પાલન જરૂરી ગણાવાયેલું છે: તીર્થ-યાત્રાએ જવાનું મુહૂર્ત નિશ્ચિત કરવું, એની પહેલાંના એક દિવસ નિરાહાર રહેવું, સંયમ રાખવો, મુંડન, સ્નાન, ગણેશપૂજન, નવ ગ્રહોની પૂજા-અર્ચના, કુળદેવતાની માનતા માનવી, ધાર્મિક સંકલ્પ કરવો, ધાર્મિક સ્થળે થતી પ્રચલિત પૂજા-અર્ચના, દાન-દક્ષિણા ઈત્યાદિ સ્થાનિક પ્રથાનુસાર કરવા અને દેવોનું પુન: પૂજન-અર્ચન કરવું વગેરે.

ત્યાંની ગંદકી અથવા ભ્રષ્ટતા પર ધ્યાન દેવા કરતાં, યાત્રીઓએ તીર્થોમાં ઈશ્વર-ચિંતન કરવું જરૂરી છે. સંબંધિત અધિકારીઓનું ધ્યાન, આવી ખામીઓ પ્રતિ દોરવું એમાં દોષ નથી. તીર્થયાત્રાના મુખ્ય ઉદ્દેશ્યની હાનિ ન થાય તે રીતે, આ કાર્ય થાય તો સારું.

હિન્દુધર્મગ્રંથોમાં એવી વ્યવસ્થા પણ છે કે જો કોઈ તીર્થયાત્રાએ ન જઈ શકે તેમ હોય તો તે પોતાના પ્રતિનિધિ દ્વારા પુણ્ય પ્રાપ્ત કરી શકે. આવા પ્રતિનિધિએ દર્ભની પ્રતિમાનો વિધિપૂર્વક અભિષેક કરવો પડે અને તેને જ તીર્થયાત્રી ગણવો પડે.

૧૫. તીર્થયાત્રીઓનો એ કડવો અનુભવ છે કે તીર્થસ્થાનોમાં પંડાઓ અને પુરોહિતો, તેમને લૂંટે છે, સતાવે છે. આ પ્રકારની પરેશાનીથી બચવાનો ઉપાય શું હોઈ શકે?

આ એક મોટો મૂળભૂત પ્રશ્ન છે, અથવા તો પાયાની એક સમસ્યા છે. તેનો ઉપાય શોધવા માટે ઊંડાણપૂર્વક વિચાર કરવો જરૂરી છે.

પંડાઓ અને પુરોહિતો તીર્થયાત્રીઓનું શોષણ કરે કે પરેશાન કરે, તેના મૂળમાં પૈસા છે. ગરીબી તેનું મૂળ કારણ છે. શિક્ષણનો અભાવ અને સંસ્કૃતિના અભાવે, આ બાબત વધારે વિકૃત બની છે. પરિણામે, સમાજમાં એક સમયે તેમનો જે આદર થતો, ગૌરવ થતું, તે આજે નથી. માત્ર વંશપરંપરાગત ધંધો હોવાના કારણે, યોગ્ય શિક્ષણ વગર જ, તેઓ આ ધંધો ચલાવી રહ્યા છે. આ પણ આવી દુર્દશાનું એક કારણ છે. આ વિષયના વિશેષજ્ઞોની એક સમિતિએ આ વિશેની તપાસ કરી, તેના નિરાકરણનો ઉપાય બતાવવો જોઈએ. બે-ચાર ઉકેલ નીચે મુજબ હોઈ શકે.

૧. આ વ્યવસાયને વંશપરંપરાગત રહેવા ન દેવો જોઈએ.

૨. જે કોઈ એમાં રુચિ લે તેને ઓછામાં ઓછું બાર વર્ષનું શિક્ષણ મળવું જોઈએ. આ સમય દરમિયાન તાલીમાર્થીની નિ:શુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવી જોઈએ. શિષ્યવૃત્તિઓ આપી શકાય તો ઉત્તમ.

૩. તાલીમના અંતે લેવામાં આવતી પરીક્ષામાં જે તાલીમાર્થી સફળતા મેળવે, તેને પંડા-પુરોહિત તરીકે નિયુક્ત કરવા જોઈએ. તેમનું વેતન પણ આકર્ષક હોવું જોઈએ.

૪. તેમણે પોતાના નિયત સમય દરમિયાન જ કામ પર જવું જોઈએ.

૫. મંદિરો અને તીર્થસ્થાનોની વ્યવસ્થામાં પણ તેમનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ.

૬. સમાજમાં તેમનાં સન્માન અને આદર થવાં જોઈએ.

૧૬. નારાયણ, નરરૂપધારી હોય છે? એ કઈ રીતે સંભવી શકે? શું આવા અવતારોની પોતાની પણ મર્યાદાઓ હોય છે? 

આવા વિષયો અંગે આપણા માટે શાસ્ત્ર અથવા ધર્મગ્રંથ જ પ્રમાણ છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે “ધર્મની ગ્લાનિ થતાં અને અધર્મના ઉત્થાન સમયે હું અવતાર ધારણ કરીશ. દુષ્ટોને દંડ દેવા અને સજ્જનોની રક્ષા માટે હું આધ્યાત્મિક સંતુલન રાખવા જન્મ ગ્રહણ કરીશ.” અવતાર સંબંધી આ આપણું મોટું પ્રમાણ છે.

ઈશ્વર અવ્યક્ત છે. મન ને વાણીનો પણ ત્યાં પ્રવેશ નથી, એટલે ઈશ્વર તેનાથી પર છે. પરન્તુ તે નર-રૂપ ધારણ કરી શકે છે. એ બાબતમાં નારાયણ અને આપણામાં એટલો ભેદ છે. આપણે આપણા ભૂતકાળનાં કર્મોથી બંધાયેલા છીએ; તેથી તેની માયાને વશ થઈને જન્મ લઈએ છીએ. તે તો સ્વેછાએ, જ્યારે ઇચ્છે ત્યારે, માયાને પોતાના વશમાં રાખે છે ને જન્મધારણ કરે છે. બન્ને (માનવ-ઈશ્વર) વચ્ચેનું અંતર એટલું જ છે, જેટલું પોલિસથી ઘેરાયેલા ચોર અને અંગરક્ષકોથી ઘેરાયેલા રાષ્ટ્રપતિ વચ્ચે હોય છે.

કોઈપણ જગ્યાએ અને સમયે અવતારોની સંભાવના છે. હા, ધર્મ-ગ્લાનિ થાય અને અધર્મ વધે, તે એની એક માત્ર શરત છે. તેથી અવતારની અભિવ્યક્તિને સમય કે સ્થાનની કોઈ સીમા કે બંધન નથી.

(ક્રમશ:)

ભાષાંતરકાર: શ્રી સી.એ. દવે

Total Views: 289

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.