રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર

ગુજરાત દુષ્કાળ રાહતકાર્ય

રામકૃષ્ણ મઠના રાજકોટ કેન્દ્ર દ્વારા કચ્છ અને પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત પશુઓમાં ૭૧,૬૦૮ કી. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ અગ્નિરાહત કાર્ય

વિશાખાપટ્ટનમની પાસેના ગામ યારદામાં ૩ ફેબ્રુઆરીએ આગ લાગી હતી, એના અનુસંધાનમાં રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા ૨૦૦ લોકોમાં ૧૦૦ ધોતિયાં અને ૧૦૦ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

ઉત્તરપ્રદેશ માધમેળા રાહતકાર્ય

રામકૃષ્ણ મઠના અલ્હાબાદ કેન્દ્ર દ્વારા ત્રિવેણીસંગમ પાસે મેડિકલ રાહત કાર્ય ૧૪મી જાન્યુઆરીથી ૧૮મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું હતું. ૨૦,૩૫૦ દરદીઓને સારવાર આપવામાં આવી હતી.

આંધ્રપ્રદેશ વાવાઝોડા પુનર્વસવાટ રાહતકાર્ય

ગુંટુર જિલ્લાના રેપાલ્લે મંડળના ચંદ્રમૌલિપુરમ્ અને લક્ષ્મીપુરમ્માં બે સામુદાયિક ભવનોનું ઉદ્ઘાટન ભારત સરકારના કાયદા, ન્યાય અને કંપની ખાતાના પ્રધાન શ્રી કે. વિજય ભાસ્કર રેડ્ડીના હસ્તે ૩ ફેબ્રુઆરીએ થયું હતું.

તેમની સાથે આંધ્રપ્રદેશના પણ કેટલાક મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી, અદાવીપાલેમ ગ્રામમાં રામાયલમ મંદિરનો સમર્પણ વિધિ તેમના વરદ્હસ્તે ૫મી ફેબ્રુઆરીએ થયો હતો.

કોટ્ટાપાલેમ અને મુક્તેશ્વરપુરમના બે સામુદાયિક ભવનોનું ઉદ્ઘાટન ૨૭મી ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી શ્રી એન. જનાર્દન રેડ્ડી દ્વારા થયું હતું. આંધ્રપ્રદેશના અનેક ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગૃહનાનંદજી મહારાજે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

કરીમગંજ (આસામ)માં શ્રીરામકૃષ્ણદેવનું નૂતન મંદિર

કરીમગંજ (આસામ) કેન્દ્ર દ્વારા નૂતન બંધાયેલ શ્રીરામકૃષ્ણદેવના મંદિરનો સમર્પણવિધિ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્હસ્તે ૫મી ફેબ્રુઆરીએ ૧૩૨ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ અને અનેક ભક્તોની ઉપસ્થિતિમાં થયો હતો. ૫મી ફેબ્રુઆરીની સાંજની જાહેરસભામાં પરમાધ્યક્ષ મહારાજે પ્રાસંગિક પ્રવચન કર્યું અને સ્મરણિકાનું વિમોચન કર્યું.

નટ્ટરમપલ્લી (તામિલનાડુ) દ્વારા રાષ્ટ્રીય યુવદિનની ઉજવણી

રાષ્ટ્રીય યુવદિનની ઉજવણીના ભાગરૂપે નટ્ટરમપલ્લી કેન્દ્ર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન થયું હતું જેમાં ૨૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો – આ પ્રસંગે નિબંધ પ્રતિયોગિતા, વક્તૃત્ત્વ સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા વગેરે યોજાયા હતા.

રાયપુર (મધ્યપ્રદેશ) દ્વારા યુવસંમેલન આયોજિત

રામકૃષ્ણમિશનના રાયપુર કેન્દ્ર દ્વારા ૮મી ફેબ્રુઆરીએ એક યુવસંમેલનનું આયોજન થયું હતું જેમાં ૨૫૦ યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ નિમિત્તે વિભિન્ન શાળા-કૉલેજોમાં કાર્યક્રમો

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ નિમિત્તે વિભિન્ન શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વામી વિવેકાનંદ અને યુવાવર્ગની સમસ્યાઓ વિષે સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો, પ્રશ્નોત્તરી વગેરેના કાર્યક્રમો નીચે પ્રમાણે યોજાયાં:

૧. જસાણી કૉલેજ, રાજકોટ. તા. ૧૦-૧૦-૯૧

૨. શ્રી કડવીભાઈ વીરાણી કન્યા વિદ્યાલય, રાજકોટ. તા. ૨૯-૧૧-૯૧

૩. મીના બહેન કુંડલિયા કૉલેજ,

(રતનપરમાં એન.એસ.એસ. શિબિરમાં) તા. 23-12-91

૪. શ્રી બી.બી. કોઠારી હાઈસ્કૂલ, વડાલ, જૂનાગઢ. તા. 18-1-92

૫. લોકભારતી, સણોસરા. તા. 23-1-92

૬. દક્ષિણામૂર્તિ સ્કૂલ, આંબલા. તા. 25-1-92

૭. એસ.એન. કણસાગરા સ્કૂલ, રાજકોટ. તા. 27-1-92

૮. માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદર. તા. 30-1-92

૯. ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ. તા. 4-2-92

૧૦. લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ, માણાવદર. તા. 6-2-92

૧૧. શ્રી એમ.કે. અમીન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પાદરા, વડોદરા. તા. 10-2-92

૧૨. જશવંતસિંહજી હાઈસ્કૂલ, લીંબડી. તા. 12-2-92

૧૩. કોટક કન્યા વિદ્યાલય રાજકોટ. તા. 24-2-92

રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ૯મી ફેબ્રુઆરીએ સવારે ૯થી બપોરના ૧ સુધી એક યુવ-શિબિરનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૧૫૦ યુવક-યુવતિઓએ ભાગ લીધો હતો. ડૉ. જયદેવ જાની, શ્રી સંજીવ શાહ અને સ્વામી નિખિલેશ્વરાનંદનાં પ્રવચનો બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો.

૯મીએ સાંજે ૬-૪૫ વાગે સ્વામી નિખિલેશ્વરાનંદજીનું વેદાંત અને દૈનિક જીવન એ વિષે પ્રવચન યોજાયું હતું.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ભાવનગર

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ નિમિત્તે જાન્યુઆરીએ સાંજે સિસ્ટર નિવેદિતા સ્કૂલ, ભાવનગરમાં આધુનિક ભારત વિષે સ્વામી વિવેકાનંદની વિચારધારા વિષય પર સ્વામી જિતાત્માનંદ તેમ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો યોજાયી હતો. કાર્યક્રમની અપક્ષના એકસેલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કાન્તિભાઈ શ્રોફે કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નર શ્રી અજિત મગોદિયા મુખ્ય અતિથિ તરીકે હતા.

૨૩મી જાન્યુઆરીએ સાંજે ૩-૩૦ વાગે શ્રી કે. જે. મહેતા ટી. બી. હૉસ્પીટલ, અમરગઢમાં, તેમ જ ૨૪મીએ સાંજે ૫-૩૦ વાગે જશોનાથ મંદિરમાં સ્વામી નિખિલેશ્વરાનંદનાં પ્રવચનો યોજાયાં હતા.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટર, અમદાવાદ

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી ઉજવણી નિમિત્તે ૨૮ અને ૨૯ ફેબ્રુઆરીએ અટીરા ઑડિટોરિયમ, અમદાવાદમાં જાહેર સભાઓનું આયોજન થયું હતું. ૨૮મીએ આ ઉજવણીનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી સરૂપસિંહ દ્વારા થયું હતું. તેમના પ્રવચન ઉપરાંત સ્વામી જિતાત્માનંદજીનું પ્રવચન પણ થયું હતું. જાણીતા સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સભામાં ઉપસ્થિત રહ્યા પણ શારીરિક અસ્વસ્થતાને કારણે બોલી ન શક્યા, જો કે તેમનું સંક્ષિપ્ત વક્તવ્ય વાંચી સંભળાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સંન્યાસીઓ દ્વારા વૈદિક પાઠ પછી સ્વામી વિવેકાનંદ ગુજરાત શતાબ્દી ઉજવણી સમિતિના સેક્રેટરી શ્રી ઓ. પી. એન. કલ્લાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમના અંતે આ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુધાબહેન દેસાઈએ આભાર દર્શન કર્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ નાટક ‘જનગણના ફિરસ્તા સ્વામી વિવેકાનંદ’ સૌનું આકર્ષણ બની ગયું હતું. ૨૯મીએ સાંજે સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને એચ. કે. આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ચીનુભાઈ નાયકનાં મનનીય પ્રવચનો થયાં હતાં. મ્યુનિસિપલ કમીશ્નર શ્રી પી. બસુ વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં શ્રી કે. બંદ્યોપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું અને અને શ્રી આર. ડી. તડવીએ આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતે શ્રીમતી હર્ષિદાબહેન રાવલ અને શ્રી જનાર્દન રાવલનાં ભજનોએ શ્રોતાઓને ભાવિવભોર બનાવી દીધા હતા.

શ્રીરામકૃષ્ણદેવની ૧૫૭મી પાવનકારી જન્મતિથિ પ્રસંગે અનોખી શોભાયાત્રા

૬, માર્ચ શુક્રવારે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ભવ્ય શોભાયાત્રા યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત, ફૂલછાબ ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ થઈને આશ્રમ સુધી નીકળી હતી.

શોભાયાત્રામાં રાજકોટ શહેરની ૨૦ શાળાના ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, તેમજ પ૦૦ જેટલા ભક્તજનો જોડાયા હતા. શોભાયાત્રાને રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી પી.કે. તનેજા સાહેબે સવારના બરોબર ૮ વાગ્યે રામકૃષ્ણ આશ્રમના મુખ્ય દરવાજેથી ઝંડી બનાવી રવાના કરી હતી.

આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન ઈશુખ્રિસ્ત, મધરમેરી, બુધ્ધ, મહાવીર, શંકરાચાર્ય, ઈસ્લામ, શીખ, રામ, કૃષ્ણ, અર્જુન, ચૈતન્ય મહાપ્રભુ, વિવેકાનંદ, ભગિની નિવેદિતા, શ્રીરામકૃષ્ણદેવ અને સર્વધર્મ સાધના તેમજ સંતો અને ભક્તોના ફ્લોટ બની ગયા હતા. આ ફ્લોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિર, કણસાગરા સ્કૂલ, ધુલેશિયા સ્કૂલ, આઈ.પી.મિશન સ્કૂલ, સિસ્ટર નિવેદિતા સ્કૂલ, લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયે તૈયાર કર્યા હતા.

શોભાયાત્રા પાછી ફર્યા પછી શ્રીરામકૃષ્ણ આશ્રમના પવિત્ર વાતાવરણમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી મા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના જયજયકારઘોષ ગાજ્યો હતો. સ્વામી જિતાત્માનંદજી મહારાજ અને સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના જીવન અને સંદેશનું મહત્વ સમજાવ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને હાર્દિક ધન્યવાદ પાઠવ્યા હતા. બધા ભક્તજનો અને બાળકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. તેમ જ ‘શક્તિદાયી વિચાર’ પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી.

આ દિવસે સવારે ૫ થી ૧૧-૩૦ વચ્ચે મંદિરમાં મંગલ આરતી, વેદપાઠ, ભજન, વિશેષપૂજા, ગીતા, બાઈબલ, કુરાનમાંથી વાચન, શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી વાચન વગેરેનો કાર્યક્રમ રહ્યો હતો. સાંજના ૫-૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશ વિશે જાહેર સભાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આઈ. પી. સી. એલ. (IPCL)ના ડાયરેક્ટર શ્રી એસ. કે. મુખર્જી, સ્વામી જિતાત્માનંદજી તથા સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો થયાં હતાં. કાર્યક્રમના પ્રારંભમાં સ્વામી જ્ઞાનેશ્વરાનંદજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. સ્વામી ગૌરીકાન્તાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ ઉપદેશ’માંથી વાચન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં શ્રી ઉમાકાંતભાઈ પંડિતે આભાર દર્શન કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યુવશિબિર

‘શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના સ્વપ્નનું આધ્યાત્મિક ભારત જ સાચું ભારત છે.’

આ શબ્દો સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી દિલાવરસિંહ જાડેજાએ ૮મી માર્ચના રોજ રામકૃષ્ણ આશ્રમમાં યોજાયેલી યુવ-શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે ઉચ્ચાર્યા હતા. તેમણે પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું; શક્તિ, ઉત્સાહ, ધગશ, તમન્ના, જીર્ણ અને સુદ્રને હરાવનારો, નિત્ય વિકાસશીલ અને નિરંતર પ્રગતિશીલ યુવાન જ સાચો યુવાન છે. યુવાનને યુવાની આપે છે કાર્યશક્તિ, નહિ કે તેમની ઉંમર. બીજમાંથી વૃક્ષ બનવા સુધીની વિકાસ પ્રક્રિયાની જેમ જ વ્યક્તિમાંથી વિભુ બનવાની પ્રક્રિયા એટલે યુવાની. જ્યાં નિરંતર પ્રગતિશીલતા છે તે યુવાન. બધાં કાર્યોને પરિપૂર્ણતાની કક્ષાએ લઈ જનારો યુવાન છે. એ યુવાન મધ ચૂસતી મધમાખી જેવો સ્થિર-ધીર અને શાંત-પ્રશાંત છે. એ વીરતા અને ધૈર્યનો ઉપાસક છે. વીરતા આ યુવાનને જીવનરક્ષક અને જીવન-દાતા બનાવે છે. એની યુવાની હણનારી કે મારકણી ન બને. શ્રીરામકૃષ્ણ વિવેકાનંદે કહ્યા પ્રમાણે આપણે આપણા દેશના અને આધ્યાત્મિક વારસાને જાણીએ અને જાળવીએ એ આજના યુવાનો માટે સૌથી અગત્યનું કામ છે. ભારતના અસલી રૂપને ઓળખવાનું આવું આધ્યાત્મિક વાતાવરણ રાજકોટવાસીઓને મળ્યું એ તેઓનું અહોભાગ્ય છે.

સ્વામી જિતાત્માનંદજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સાચો આનંદ અને જીવનમાં જરૂરી આત્મશ્રદ્ધા ભગવદ્મય વાતાવરણમાં ભીતરથી જાગી ઉઠે છે. સૌ પ્રથમ પ્રભુને શોધો અને બાકીનું એને મેળે થઈ જશે. આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકે કબુલ્યું છે કે વિજ્ઞાનની મહાન શોધો પવિત્ર મનના ધ્યાન-મનનથી થઈ છે.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ચારિત્ર્ય નિર્માણની અને ચારિત્ર્ય ઘડતર માટે આત્મવિશ્વાસ, મનની એકાગ્રતા, ત્યાગ અને સેવાની આવશ્યક્તાની વાત કરી હતી. કાર્યક્રમના બીજા સત્રની શરૂઆતમાં રામકૃષ્ણ આશ્રમ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ભજવેલા નાટક “જનગણના ફિરસ્તા-સ્વામી વિવેકાનંદ” ના અભિનયે યુવાનોને રસતરબોળ કરી દીધા હતા.

કાર્યક્રમનો પ્રારંભ ગીતા અને વેદના મંત્રોચ્ચારથી થયો હતો અને “ચિદાનંદરૂપઃ શિવોડહં”ના ભાવભર્યા ગાનથી વાતાવરણ જાણે કે આધ્યાત્મિક જગતની યાત્રા કરતાં હોઈએ એવું બની ગયું હતું. યુવાનોને મુંઝવતા વિવિધ પ્રશ્નોના ઉત્તર રસપ્રદ અને રોચક શૈલીમાં શ્રી દિલાવરસીંહ જાડેજા, સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યા હતા.

આ યુવ-શિબિરમાં રાજકોટ જીલ્લાના કલેક્ટર શ્રી પ્રેમકુમાર તનેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ મહેતાએ કર્યું હતું. મે-૧૯૯૨, તા. ૮ અને ૯ ના રોજ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજીની નિશ્રામાં એક યુવ-શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Total Views: 233

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.