પ્રશ્ન: ૧૭. માનવના સ્વરૂપ અને જીવનના લક્ષ્ય સંબંધી હિન્દુધર્મના શા વિચારો છે?

ઉ: જો કે આ પ્રશ્ન ટૂંકો કે સરળ દેખાય છે, છતાં પણ તે ગહન છે; જેનો આપણાં શાસ્ત્રોમાં ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે, ખાસ કરીને દર્શનના ગ્રંથોમાં. હિન્દુઓ માટે ઉપનિષદ એક આદરપાત્ર ગ્રંથ છે. આત્મા અવ્યક્ત અને સનાતન છે. તે સૃષ્ટિ, સ્થિતિ અને લય ત્રણેથી પર છે. સૃષ્ટિ- સ્થિતિ- લય એ દેહમાત્રનું લક્ષણ આત્મા ચિત્ અને આનંદ સ્વરૂપ છે.

પ્રશ્ન:૧૮. જો એવું જ છે તો પછી આપણે શા માટે દુ:ખો ભોગવીએ છીએ? તેનો કોઈ અંત છે કે નહીં?

ઉ: હકીકતે આ જ માયા, અજ્ઞાન અને અવિદ્યા છે. એનાથી પ્રભાવિત એવા આપણે સહજરૂપ આત્માને ભૂલી જઈએ છીએ. આપણે દેહ, ઈન્દ્રિયો, મન ઈત્યાદિથી આપણી જાતને અભિન્ન માનીને દુ:ખો ભોગવીએ છીએ. ક્યારે અને કઈ રીતે આપણે માયામાં ફસાઈએ, તે નિશ્ચિત નથી. મન અથવા બુદ્ધિ જે માયાની જ ઊપજ છે, તે આનો ભેદ પામી શકતી નથી. હા, ધર્મગ્રંથોમાંથી આપણને આશ્વાસન મળે છે કે સમર્થ ગુરુના માર્ગદર્શન નીચે, આપણે સંયમ સાધી લઈએ તો માયાથી છૂટકારો મળે છે અને આપણે આત્મજ્ઞાન કે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ.

પ્રશ્ન:૧૯. શું મોક્ષ જ જીવનનો પરમ પુરુષાર્થ છે? હિન્દુધર્મમાં, લોકજીવન સાથે સંબંધ રાખનાર પુરુષાર્થોની ઉપેક્ષા થઈ છે?

ઉ: કદાપિ નહીં. હિન્દુ-ધર્મજીવનનાં મૂલ્યોને સમજવામાં આ સૌથી મોટી ભૂલ છે. હિન્દુધર્મગ્રંથોમાં માનવ માત્ર માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચાર પુરુર્ષાથોને સ્વીકારવાનો આદેશ છે. બાલ્યાવસ્થા તેમજ કિશોરાવસ્થામાં ધર્મ સાથે લૌકિક જ્ઞાન-વિજ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે. શિક્ષણ અને શિસ્ત વડે સમર્થ ગુરુજનો પાસે ધર્મગ્રંથોનું અધ્યયન પણ જરૂરી છે, એમ કહેવામાં આવ્યું છે. ધર્મનો પાયો પાકો બની જતાં, યૌવનમાં ગૃહસ્થાશ્રમ અપનાવવાનું કહેવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, ધર્મની મર્યાદામાં રહીને અર્થ અને કામના ઉપભોગની વ્યવસ્થા છે. જીવનના ભોગ ક્ષણિક હોવાને લીધે મનમાં વૈરાગ્ય જાગે છે. છેવટે મોક્ષ-પ્રાપ્તિનું વિધાન છે. હિન્દુ જીવન-મૂલ્યોના વિશ્લેષણથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ ધર્મમાં, જીવનની ઉપેક્ષા ક્યારેય થઈ નથી. ‘આજ અને હમણાં’ના જીવનનો નિષેધ નથી. એથી આગળ ચાલીને આયુર્વેદને પણ હાથવગો બનાવે છે, એનાથી દીર્ઘ આયુષ્ય અને સ્વાસ્થ્યના વિજ્ઞાનનું જ્ઞાન મળે છે. શરીર જ ધર્મની સાધનાનું સાધન છે અને એથી તેનું મહત્ત્વ સ્પષ્ટ છે.

પ્રશ્ન:૨૦. મોક્ષ શું છે? એ અનુભવ કેવો છે? કોઈ એ કઈ રીતે પ્રાપ્ત કરી શકે?

ઉ: આપણે પ્રત્યક્ષ રીતે અનુભવીએ છીએ કે જે પોશાક આપણે પહેર્યો છે, તેનાથી આપણે જુદા છીએ ; જે રહેઠાણમાં રહીએ છીએ, તેનાથી પણ અલગ છીએ. એવી જ રીતે શરીર, ઈદ્રિયો, બુદ્ધિ અને અહંકાર વગેરેથી આપણે અલગ છીએ. આ વાતની સહજ અનુભૂતિ એટલે જ આનંદાનુભૂતિ છે, એ જ મોક્ષ છે. આ મોક્ષની સ્થિતિમાં કોઈ દુ:ખ નથી, કોઈ યંત્રણા નથી. આ દેહ છોડી દીધા પછી પુનર્જન્મ પણ નથી.

આત્માશાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. વેદાંતનું કહેવું છે કે મોક્ષાર્થીએ વિવેક, વૈરાગ્ય, સંયમ, તિતિક્ષા, સહિષ્ણુતા વગેરે સદ્ગુણો વિકસાવવા જોઈએ અને તે પણ નિયમપૂર્વક. ત્યારબાદ એણે સમર્થ ગુરુના શરણે જવું જોઈએ. ધર્મગ્રંથોનાં સૂત્રોની વ્યાખ્યા તેમના સ્વમુખેથી સાંભળવી જોઈએ. તેના પર મનન-ચિંતન કરવું જોઈએ; ત્યારે જ તે આત્માનુભૂતિના અધિકારી બની શકે છે.

પ્રશ્ન:૨૧. વેદાંત કોને કહે છે? તેની શાખા કેટલી? તેની પ્રત્યેક શાખા મુખ્યત્વે શાનું પ્રતિપાદન કરે છે?

ઉ: ‘અન્ત’ શબ્દનો અર્થ ‘સમાપ્તિ’ કે ‘સાર’ છે. ઉપનિષદ વેદોના ‘ઈતિ’ અંત પર પ્રકાશ પાડે છે. તેમાં વેદોનો સાર પણ છે. તેથી ઉપનિષદોને વેદાંત કહે છે. વેદાંતમાં બાદરાયણનાં બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતા આવે છે. બ્રહ્મસૂત્રોમાં ઉપનિષદોના કથનનું વ્યવસ્થિત નિરૂપણ છે. ગીતા ઉપનિષદરૂપી ગાયનું દૂધ છે. આ સમસ્ત કૃતિઓમાં સામાન્ય રીતે બ્રહ્મ (ઈશ્વર,પરબ્રહ્મ) જીવાત્મા, સૃષ્ટિ-ક્રમ, મોક્ષ (જીવનનું સર્વોચ્ચ સાધ્ય) વગેરે આ ચાર વિષયોનું વિવેચન છે.

વેદાન્તના મુખ્ય ગ્રંથોની અલગ-અલગ વ્યાખ્યાઓને આધારે ત્રણ મુખ્ય શાખાઓ કે સંપ્રદાયો શરૂ થયા છે, જેવા કે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત. શંકર, રામાનુજ, મધ્વ – આ ત્રણે આચાર્યોએ ક્રમશ: આ ત્રણે સંપ્રદાયો ફેલાવ્યા છે.

અદ્વૈત સંપ્રદાયમાં, બ્રહ્મ જ સત્ય છે. ‘ऐकमेवाद्वितीयम्’ છે. સૃષ્ટિનો ઉદ્ગમ તેનાથી થયો છે. સૃષ્ટિ તેમાં જ સ્થિત છે; અને આખરે તેમાં જ લીન થાય છે. આ રીતે જગત બ્રહ્મનો મિથ્યા આભાસ છે. હકીકતે તો તે બ્રહ્મ જ છે. દોરડીમાં સાપનો ભ્રમ ભલે હોય, યથાર્થમાં તો તે દોરડી જ છે. જીવાત્મા બ્રહ્મ જ છે. બંનેમાં અજ્ઞાન અથવા માયાજન્ય અંતર અને અલગપણું છે. આત્મા એ જીવનું અભિન્ન અંગ છે, અર્થાત્ બ્રહ્મ છે. આત્માનુભૂતિ જ મોક્ષ છે.

વિશિષ્ટાદ્વૈત અનુસાર જીવ અનંત છે. એકબીજાથી અલગ છતાં એકબીજામાં એકરૂપ થયેલા છે. બ્રહ્મનું બીજું નામ ઈશ્વર છે. જગત જડ પ્રકૃતિનું વિશિષ્ટ રૂપ છે, જે બ્રહ્મથી અને જીવથી ભિન્ન છે. હા, જીવ અને પ્રકૃતિ, બ્રહ્મ કે ઈશ્વરમાં જ, તેના અંશરૂપે છે અને તેના પૂરા નિયંત્રણમાં છે. પરંતુ બ્રહ્મ, આ બંનેથી પર છે. ઈશ્વર, જીવ, પ્રકૃતિ આ ત્રણેને વિશિષ્ટાદ્વૈત સત્ય માને છે. ઈશ્વરમાં ભક્તિ એ જ મુક્તિનું સાધન છે. મુક્તિ, તેની કૃપા અને અનુગ્રહ પર આધારિત છે. દ્વૈત મત, વિશિષ્ટાદ્વૈતને મળતો આવે છે. પરન્તુ અંતરના દૂરપણાને તે વધારે છે. દ્વૈત મતાનુસાર જીવ-જીવમાં અંતર છે. જગતના પ્રત્યેક પદાર્થોમાં ભેદ છે.

ભાષાંતર: શ્રી સી.એ. દવે

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.