મનોહર રત્નમાલા

શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ

(લે.પ્રા. જ્યોતિબહેન થાનકી, સંતદર્શન ગ્રંથમાળા-૬,

પ્રકા. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર (૧૯૯૧), મૂ. રૂા. ૨૫)

મકરાણના ખાણિયાને મન જે કેવળ પથ્થર છે એ ખાણનો માલિક જેનું મૂલ્ય રૂપિયાથી આંકે છે ને આરસની શિલામાંથી માઈકલ એન્જેલો જેવો શિલ્પી પોતાના હથોડાટાંકણા વડે અપ્રતિમ સુંદર શિલ્પનું નિર્માણ કરે છે. વિશ્વનાથ અને ભુવનેશ્વરીનો પુત્ર નરેન અજ્ઞેયવાદના, મૂર્તિપૂજાના વિરોધના, પાશ્ચાત્ય સાહિત્યફિલસૂફીએ પ્રેરેલા ભારતીય સંસ્કૃતિ વિરોધના ને એવા અનેક ખાડાટેકરાઓવાળી શિલા જેવો હતો. અંગ્રેજ કવિ વર્ડઝવર્થનું ચિંતનપ્રધાન કાવ્ય શિખવતાં પ્રિન્સિપલ હેયસ્ટીએ, એ કાવ્યમાં આવતા શબ્દ ‘ઍક્સ્ટર્સી’ (સમાધિ)નો અર્થ સમજાવતાં શ્રી રામકૃષ્ણનો ઉલ્લેખ વર્ગમાં કર્યો હતો પણ તે નરેન્દ્રના ચિત્તમાં કેટલો ઊંડો ઊતર્યો તે ખબર નથી. નરેન્દ્રના સિમુલિયા મહોલ્લાના પાડોશી સુરેન્દ્રનાથને ત્યાં કંઈ ઉત્સવ જેવું હતું ત્યાં કોઈ ગાનારની જરૂર ઊભી થતાં નરેન્દ્રને બોલાવતાં તે ત્યાં ગયો ત્યારે એને પ્રવેશ કરતો જોતાં જ શ્રી રામકૃષ્ણને અંતરમાં પ્રમાણ મળી ગયું: ‘બસ, આ એ જ છે.’

૧૮૮૧ના નવેમ્બરમાં થયેલી આ મુલાકાત વેળા, એનાં દૂરગામી વિશ્વહિતનાં પરિણામોનો નરેન્દ્રને ક્યાંથી ખ્યાલ આવે? એ તરવરિયો તોખાર વિરોધાભાસી ચિત્ર ઊભું કરતો એ નકકી. બાહ્ય ક્લેવર કસરતબાજનું, તોફાનીનું, અંતરમાં શાંતિની ખોજનો સળવળાટ; ભણતર અને પાશ્ચાત્ય ફિલસૂફોના વાચનથી નાસ્તિકતાની કોરે ઊભેલો અજ્ઞેયવાદી, પણ અંત:કરણમાં ઈશ્વરના દર્શનની તાલાવેલી; ઉછેરથી મૂર્તિપૂજાનો, ધર્મનો, શ્રદ્ધાનો વિરોધી, પરંતુ એના હૈયામાં ભક્તિનો ગોપિત ઝરો વહે; આવા એ યુવાને જગતના ઘોંઘાટથી દૂર ભાગી ગંગા પર નાવમાં નિવાસ કરી ધ્યાનમગ્ન રહેતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરની શાંતિમાં ભંગ પાડી તેમને ચમકાવી દે તેવો પ્રશ્ન કર્યો હતો: ‘મહાશય, આપે ભગવાનને જોયા છે?’ મહર્ષિ હા કહી શકે તેમ ન હતું ને ના કહેવાની હિંમત ન હતી. ‘તારી આંખો યોગીની આંખો જેવી દેખાય છે;’ એમ તેમણે ઉત્તર વાળ્યો જે, નરેન્દ્રને સંતોષી શક્યો ન હતો.

સુરેન્દ્રને ત્યાં નરેન્દ્રને પોતાની તાક્યું દૃષ્ટિથી શ્રીરામકૃષ્ણે તાગી લીધો હતો. વધારે ખાતરી સુરેન્દ્રને અને રામચંદ્ર દત્તને પૂછીને કરી લીધી હતી. ‘દક્ષિણેશ્વર આવજે’નું નોતરું ભાવપૂર્વક તેમણે આપ્યું.

આ પ્રસંગના આલેખનથી આરંભાતા આ પુસ્તકના ૩૯ પ્રકરણોમાં, પછીથી દરેક પ્રસંગે, અદૃશ્ય હથોડાટાંકણા વડે, વેરુળના કૈલાસના શિલ્પીની અદાથી શ્રીરામકૃષ્ણ પરમહંસને વરદ હસ્તે નરેન્દ્ર દત્તનું ઘડતર થઈ, વિશ્વાન્તરને વ્યાપતી વિવેકાનંદની મૂર્તિ કેવી રીતે ઘડાઈ તે જયોતિબહેનની જ્યોતિર્મયીલમે નિરૂપ્યું છે.

નરેન્દ્ર મૂર્તિપૂજામાં નથી માનતો? કંઈ વાંધો નહીં. પરિસ્થિતિવશ થઈ ઠાકુરના કહેવાથી એ કાલિમંદિરમાં જાય છે, કંઈક માગવાને. મૂર્તિમાં એને ચૈતન્યનો આવિષ્કાર દેખાય છે અને પ્રેયને બદલે શ્રેય માગી પાછો આવે છે. ઠાકુર ફરી મોકલે છે, ફરી એમ જ બને છે. ત્રીજી વાર જતાં એને પોતાના ધ્યેયની ખાતરી થાય છે અને એ મૂર્તિ કેવળ પથ્થરની મૂર્તિ નથી પણ શ્રદ્ધાની છે એમ વિશ્વાસ બેસે છે.

‘સર્વ ખલુ ઈદં બ્રહ્મ’ – આ બધું જ બ્રહ્મ છે – એમ નરેન્દ્ર નથી સ્વીકારતો? તો ‘અષ્ટાવક્ર ગીતા’ વાંચી સંભળાવ. અને એને બધું જ બ્રહ્મમય દેખાવા લાગે છે.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદને શિવસ્વરૂપે ઓળખાવેલા અને પોતાને શક્તિસ્વરૂપે. બંને, મહાકવિ કાલિદાસે કહ્યા પ્રમાણે, વાણી અને અર્થની જેમ સંયુક્ત, જોડાયેલા; બંને એકમેકના પૂરક. એટલે જ તો રોમાં રોલાંએ બંનેનું જીવનચરિત્ર સાથે લખ્યું છે. આ નાના પણ ચકચક્તિ પહલુઓવાળા પુસ્તકમાં વિવેકાનંદના ઘડતરની સાથે એ બંનેની પૂરક્તા જોવા મળે છે.

સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં થયેલું શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદનું પ્રથમ મિલન મંદિરના શિખરના ટોચ તરફ જતા પહેલા પગથિયાં જેવું છે. નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર આવ્યા, એમણે ઘણું બધું જોયું અને અંતે એ જિતાઈ ગયા. પોતાનું ભણતર ત્યજી દીધું. કુટુંબ ત્યજી દીધું. ગુરુના ઠપકાથી ચિરસમાધિસ્થ રહેવાની ઈચ્છા છેાડી દીધી, નહીં કરું કહેવા છતાં બધા સાથીઓનું નેતૃત્વ કરવાની જવાબદારી ઉપાડી લીધી, ધૂણી ધખાવી તેમાં તૃષ્ણા જ હોમી દીધી, કોઈ નબળાઈને વશ ન થયા ને ગુરુની કસોટીએ પાર ઊતર્યા, જરાક શક્તિ આવી તે વાપરવા બદલ ગુરુનો ઠપકો સાંભળ્યો, ગુરુની કૃપાથી જે અનુભૂતિ ઝંખતા હતા તે મળી પણ તરતજ તેની ચાવી ગુરુએ પોતાની પાસે લઈ લીધી અને નિર્વાણની પૂર્વસંધ્યાએ ગુરુએ પોતાની શક્તિનો પ્રપાત તેમનામાં કર્યો – શક્તિ શિવમાં મળી ગઈ, દ્વૈતનું અદ્વૈત થઈ ગયું.

શ્રી જયોતિબહેનની આ કથા એ દ્વૈતાદ્વૈતની-દ્વૈતમાંથી જન્મતા અદ્વૈતની-કથા છે. નરેન્દ્રમાંથી વિવેકાનંદમાં થતા પરિવર્તનની કથા છે. ધ્યેયની શોધમાં ભટકતા નફિકરા કૉલેજિયનમાંથી ભારતીય સંસ્કૃતિના પરમોદ્ધારક બનનારની કથા છે. પુષ્પોને ગૂંથતું સૂત્ર અદૃશ્ય રહી પુષ્પોને સંયુક્ત કરે છે ને એમને નવો ઘાટ આપે છે તેમ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રપુષ્પનું અંતર, એને વ્યથા ન થાય તેમ વીંધી વિવેકાનંદના નવા ઘાટમાં ઢાળે છે. અતિ અલ્પશિક્ષિત, કેવળ પ્રાચીન પરંપરા અનુસાર ઉછરેલો ને જીવતો બંગાળના ગામડાનો બ્રાહ્મણ ક્યાં, ને અંગ્રેજી ભાષાસાહિત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રબળ આઘાત હેઠળ ઉછરેલો, પૂરેપુરો પુરવાસી, રૂઢિગત પ્રત્યેક માન્યતાને પડકારનારો અદૈવ તેજસ્વી કાયસ્થ યુવાન ક્યાં? બંને વચ્ચે વિરોધોનો પાર નથી. પરંતુ, એ વિરોધની પાર રહેલા સામ્યને શોધી એક સિક્કાની બે બાજુ જેવા લાગતા એ બંનેની કથાનું રસમય નિરૂપણ શ્રી જયોતિબહેને સફળતાપૂર્વક કરાવ્યું છે છે તે બદલ તેમને ધન્યવાદ.

બનારસ યુનિવર્સિટીમાં ડૉ. રાધાકૃષ્ણનના સમર્થ પુરોગામી આનંદશંકર ધ્રુવ સર્વધર્મસમન્વયના પુરસ્કર્તા હતા. આનંદશંકર સ્મારક ટ્રસ્ટ તરફથી સર્વધર્મ સંવાદના આ બે મહાન પયગંબરોની કથા પ્રકાશિત થાય એ સર્વથા સમુચિત છે.

– દુષ્યંત પંડ્યા

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.