સુધારકોને હું સ્પષ્ટ કહીં દઉં છું કે તેમનામાં કોઈ પણ કરતાં હું વધુ મોટો સુધારક છું. તેઓ માત્ર સુધારાનાં થીગડાં મારવા માગે છે, હું જડમૂળથી સુધારો કરવા માગું છું. અમે જુદા પડીએ છીએ કાર્ય-પદ્ધતિમાં. તેમની પદ્ધતિ છે વિનાશક, મારી છે વિધાયક. હું સુધારામાં માનતો નથી; હું વિકાસમાં માનું છું. ઈશ્વરને સ્થાને બેસીને આપણા સમાજને આદેશ આપવાની હું હિંમત કરતો નથી કે, “એય સમાજ! તારે આમ જ કરવાનું છે અને તેમ નહિ.”હું તો રામના સેતુબંધના વખતની પેલી ખિસકોલી જેવો થવા માગું છું કે જેણે પુલ બાંધવામાં પોતાના હિસ્સાની કાંકરી મૂકીને સંતોષ માન્યો હતો…રાષ્ટ્રનું આ અદ્ભુત ચક્ર યુગોથી ચાલતું આવ્યું છે; રાષ્ટ્રીય જીવનની આ અદ્ભુત સરિતા આપણી સામે વહી રહી છે. કોણ જાણે છે અને કોની કહેવાની તાકાત છે કે એ સારું છે કે કેમ, અગર એ કેવી રીતે ચાલશે? રાષ્ટ્રીયજીવનને જોઈએ તે ઈંધણ ભલે પૂરું પાડો, પરંતુ વિકાસ તો તે પોતાની મેળે જ સાધશે. કોઈ તેને આત્મવિકાસ અંગે હુકમ ન કરી શકે. આપણા ભારતીય સમાજમાં અસંખ્ય અનિષ્ટો છે, અને તે પ્રમાણે બીજા દરેક દેશના સમાજમાં અનિષ્ટો છે જ. તેમનો દોષ શું કાઢવો? એકે એક વ્યક્તિ અનિષ્ટો બતાવી શકે. પણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢે તે જ માનવજાતનો સાચો મિત્ર. ભારતને સુધારકોની શું કદીએ ખોટ પડી છે? તમે ભારતનો ઇતિહાસ વાંચો છો? રામાનુજ કોણ હતા? શંકર કોણ હતા? નાનક કોણ હતા? ચૈતન્ય કોણ હતા? કબીર કોણ હતા? દાદુ કોણ હતા? પ્રથમ કક્ષાના આ મહાન તારકમંડળ જેવા, એક પછી એક થઈ ગયેલા આ મહાન ઉપદેશકો કોણ હતા? એ બધાએ પ્રયત્નો કર્યા અને એમનું કાર્ય હજી પણ ચાલુ છે. તફાવત આ છે કે… આજના સુધારકોની જેમ તેમના મુખમાંથી શાપ નીકળતા ન હતાઃતેમના મુખમાંથી વરસતા હતા માત્ર આશીર્વાદ! આ છે એમાં રહેલો જમીન-આસમાનનો ફેર. આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે વિકાસ સાધવો જોઈએ. પરદેશી સંસ્થાઓએ આપણા મનમાં આરોપેલી હોય તેવી કાર્ય-પ્રણાલીઓ પ્રમાણે પ્રયાસ કરવો વ્યર્થ છે; તે અશક્ય છે. હું બીજી પ્રજાની સંસ્થાઓને વખોડતો નથી, તેમને માટે તે સારી છે, આપણા માટે નહિ. એમને માટે જે અન્ન હોય, તે આપણા માટે વિષ હોઈ શકે. શીખવાનો પહેલો પાઠ આ છે. તેમની વર્તમાન પદ્ધતિ, અન્ય વિજ્ઞાનશાસ્ત્રો, અન્ય સંસ્થાઓ અને અન્ય પરંપરાઓ પર રચાયેલી છે. જયારે આપણી પરંપરાઓ, હજારો વર્ષના આપણાં કર્મ અનુસાર, આપણા પોતાના જ ઢાંચામાં ઢળેલી આપણી જ પ્રકૃતિને સહજ રીતે અનુસરી શકે, અને એ પ્રમાણે જ આપણે કરવું પડશે.

–     સ્વામી વિવેકાનંદ

(“કરીએ પુનર્નિર્માણ ભારતનું” શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (દ્વિતીય સંસ્કરણ) પૃ. ૧૯-૨૦)

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.