(ગતાંકથી આગળ)

સ્વામીજી તો સમજી ગયા હશે કે હવે હું સહજ અવસ્થામાં આવી ગયેલો. પછી તેમણે કહ્યું, “હં… તેં બરાબર કહ્યું. હું માયા સાથે જ રમી રહ્યો છું, જો તમને માયાની રમત ગમતી ન હોય તો હિમાલયની ઊંડી ગુફામાં જઈ શકો છો. ત્યાં તમે તમારી જાતને તપસ્યામાં રત રાખી શકો છો. (આધ્યાત્મિક સાધનામાં મગ્ન થઈ શકો છો.)”

જમવાનો સમય પસાર થઈ રહ્યો હતો અને બધા જ રાહ જોઈ રહ્યા હતા. સ્વામીજી ઊભા થયા અને મેં તેમના ચરણે પ્રણામ કર્યા. તેઓ સાક્ષાત્ શિવ હતા, મેં તેમનાં ચરણ સ્પર્શ કર્યા.

એ પછી મને તેમની પાસેથી પ્રસાદ ગ્રહણ કરવાની ઇચ્છા થઈ આવી પણ હું કંઈ બોલ્યો નહિ. કોઠારરૂમની સામેના ખુલ્લા વરંડામાં સ્વામીજી મોટાં ડગલાં ભરી આંટા મારી રહ્યા હતા. તેમણે ઓરડામાં જઈ સફરજન લાવી એક બ્રહ્મચારીને છરી લાવવા કહ્યું. ધીમેથી સફરજન છોલી તેની ચીર કરી, નજીક આવી મને તે ચીર આપી. હું કૃતકૃત્ય થયો. પછી એક કટકો તેમણે પોતે લીધો. પછી મને સ્વામીજી પાસેથી અન્ન-પ્રસાદ ગ્રહણ કરવાની ઇચ્છા થઈ. થોડીવાર બાદ જ્યારે બધા બપોરનું ભોજન લેવા બેઠા હતા ત્યારે સ્વામીજીએ એક બ્રહ્મચારીને પોતાની પાસે બોલાવી કહ્યું, “આ રાંધેલા ભાત મન્મથને આપ.” તે ઠાકુરને ભોગમાં ધરાવેલા ભાત હતા.

બપોરનું ભોજન સમાપ્ત થતાં બધા જ પોતપોતાના ઓરડામાં આરામ કરવા ગયા અને સ્વામીજી પણ પોતાના ઓરડામાં ગયા. પરંતુ એ વખતે પણ તેમણે થોડી જ વાર આરામ કર્યો. તેઓ મઠના નિયમો – કાયદા બનાવવામાં ખૂબ જ વ્યસ્ત હતા. ગમે તેમ પણ તેમને પોતાના મૃત્યુનો સમય નજીક ભાસી રહ્યો હતો અને તે પહેલાં તેઓ સંઘના સંન્યાસીઓ માટે ભવિષ્યના માર્ગદર્શકરૂપ સિદ્ધાંતો ઘડવા માગતા હતા.

હું તે દિવસે તેમ જ રાતે પણ મઠમાં જ રોકાયો. બીજે દિવસે સવારે હું સ્વામીજીને પ્રણામ કરવા ગયો. તેઓ પોતાના ઓરડાના બારણા નજીક જ ઊભા હતા, મેં ત્યાં જ પ્રણામ કર્યા. તેમણે કહ્યું, “નદીએ જઈ ગંગામાં ડૂબકી મારી જલ્દીથી મારી પાસે આવ.” તેમનો માયાળુ ચહેરો આશીર્વાદના ભાવથી ચમકી રહ્યો હતો, અને હું તરત જ સમજી ગયો કે તેઓ ત્યારે કૃપાવર્ષણ કરવાના ભાવમાં હતા. મને મંત્રદીક્ષા આપવાની તેમની આ પરવાનગી હશે કે કેમ, તેવા વિચારમાત્રથી મારું હૃદય એકદમ જ ધડકવા માંડ્યું. હું અત્યંત ખુશ થયો અને જાણે કે હું એક કિશોરવયનો છોકરો હોઉં તેમ ગંગામાં ડૂબકી મારવા અધીરો થઈ લગભગ દોડવા જ માંડ્યો. લોકો જેને શ્રીરામકૃષ્ણનો જ ભાવ કહેતા, એવા ગુરુભાવમાં જો સ્વામીજી સ્થિત ન થાય તો તેઓ કોઈને પણ દીક્ષા આપતા નહિ. હું જયારે સ્નાન કરીને પાછો આવ્યો ત્યારે તેઓ સોફા ઉપર લાંબા થઈને પડ્યા હતા. તેમણે પોતાનો જમણો હાથ સહેજ ઢીલો કરી લંબાવતા કહ્યું, “મારો હાથ પકડ.” મેં જમીન પર બેસી કાંડાથી તેમનો હાથ પકડ્યો. એમનું શરીર હવે ક્ષીણ થયું હતું છતાં પણ કાંડુ પહોળું હતું અને મારી પકડ છતાં અર્ધી આંગળી જેટલી જગ્યા રહેતી હતી. આંખો બંધ કરી સ્વામીજી થોડીવાર તો પડ્યા જ રહ્યા. સમય પસાર થઈ રહ્યો હતો અને મેં નાના બાળકની જેમ સ્વામીજીને પકડી રાખેલા. મને એવું લાગતું હતું કે જાણે એમના વ્યક્તિત્વથી હું ઘેરાઈ ગયો છું. પરંતુ મેં મારી સભાનતા જાળવવા પ્રયત્ન કરેલો. ઘડીના એક ભાગમાં તો એ બધું જ સંપૂર્ણપણે અલોપ થઈ ગયું. પછી તેઓ બેઠા થયા.

સોફા ઉપરથી ઊઠી સ્વામીજી ઓરડામાં ઊભા રહ્યા. જાજમ બતાવી મને તેના પર બેસવા કહ્યું. થોડા અંતરે એક બીજી જાજમ ૫૨ તેઓ બેઠા. મારા બેઠા પછી તેમણે કહ્યું, “તેં સ્વપ્નમાં માને કુમારી રૂપે જોયાં છે. પરંતુ ત્યારપછી તારે શ્રીમાનાં ષોડષીરૂપ પર જ ધ્યાન ધરવું જોઈએ… આ રીતે… “જેવું તેમણે આ કહ્યું કે આબેહૂબ તે જ રૂપને જાણે કે હું જોઈ રહ્યો હતો અને એ ક્ષણે મને તે વિષે બિલકુલ આશ્ચર્ય જ ન થયું. મારાં દર્શન વિષે જો કે ક્યારેય કોઈને કહેલું નહિ તેમ છતાં સ્વામીજી તે જાણતા હતા અને તે માટે મને નવાઈ પણ ન લાગી. કેમ કે મેં તે સ્વીકારી જ લીધેલું કે તેઓ બધું જ જાણે છે. ઘણાં વર્ષો પહેલાં મને આવેલ એક સ્વપ્નમાં મેં સાત કુમારિકાઓ જોયેલી. તેમાંની સહુથી ઊંચી અગિયાર વર્ષની હતી અને સૌથી નાની અને નીચી ફક્ત પાંચ વર્ષની હતી. ઉંમર તેમજ ઊંચાઈનો તફાવત ક્રમબદ્ધ રીતે નીચે ઊતરતો જતો હતો અને બધાંનાં સુંદર દિવ્ય વ્યક્તિત્વ હતાં. દરેકે સુવર્ણનો તાજ પહેરેલો તેમ જ અત્યંત સુંદર વસ્ત્રો તેમ જ અલંકારોથી ભૂષિત હતી. પરંતુ તેમના ચહેરા પર ભલાઈનું તેજ દેદીપ્યમાન થતું હતું. તેઓ એકબાજુએથી કતારમાં આવી, આગળ વધી મારી સન્મુખ આવી થોડા અંતરે જઈ અદૃશ્ય થઈ ગયાં. આ દર્શન એટલું સુસ્પષ્ટ હતું કે આ પ્રતિમાઓ મારી યાદદાસ્તમાં કાયમી છાપ છોડી ગઈ.

સ્વામીજીએ કહેવાનું ચાલુ રાખ્યું, “થોડા સમય બાદ તમે શિવને (મહાદેવને) સ્વપ્નમાં જોયેલા. તેમના હાથમાં ત્રિશૂળ હતું અને તેમણે તમને આ મંત્ર આપેલો જેનો જપ કરવાનું તમે શરુ કરેલું. પ્રથમ સ્વપ્ન બાદ ઘણાં વર્ષો પછી મેં આ સ્વપ્ન જોયેલું. સ્વામીજી બોલ્યા, “પરંતુ હવેથી તારો મંત્ર આ…રહેશે” તેમણે માનો બીજમંત્ર ત્રણવાર મોટેથી બોલી બતાવ્યો અને મેં મારી સન્મુખ માની બહાર ઝીભ કાઢેલી વરાભય મૂર્તિ જોઈ. મેં સ્વામીજીને પૂછ્યું, “શું મારે માના આ સ્વરૂપ પર ધ્યાન કરવાનું?” તેમણે જવાબ આપ્યો, “જો તારી ઇચ્છા હોય તો તું અંદર જીભ રાખેલાં માની મૂર્તિનું ધ્યાન ધરજે.” આમ કહી તેઓ હસ્યા.

ત્યારબાદ તેમણે મને મંત્રદીક્ષા વિષે તેમ જ મારે કરવાની સાધના વિષે કેટલીક સમજણ આપી. તેમણે મને ગુરુપૂજાનો મંત્ર આપી ન્યાસનાં કેન્દ્ર બતાવ્યાં. પછી કહ્યું, “સૌ પ્રથમ માનસિક પ્રણામ કરી જેટલું બની શકે તેટલું તારા ગુરુનું સ્પષ્ટ ચિત્ર ઉપસાવવું. આ માટે સહસ્રાર (મગજનું સહસ્રદલ પદ્મ) સૌથી ઉત્તમ સ્થાન છે. આ પછી ઈષ્ટદેવના મંત્રના જપ અને હૃદયમાં તેમની મૂર્તિનું ધ્યાન કરવું જોઈએ. માનસપૂજા અર્પણ કરતી વખતે સૌ પ્રથમ ઈષ્ટદેવનાં ચરણકમળ પર ધ્યાન કરતાં-કરતાં ધીમેધીમે ઉપર આવી મુખારવિંદ સુધી પહોંચી અને પછી તેના પર જ ધ્યાન સ્થિર કરવું. જ્યારે ધ્યાન ગાઢ બનશે ત્યારે હાથ કે પગ કંઈ જ નહિ રહે. જ્યાં સુધી રૂપને જોઈ શકો ત્યાં સુધી નિર્વિકલ્પ ભૂમિકાએ પહોંચી શકાય નહિ. પરંતુ ઉતાવળ કરવાની નહિ. ધીરેધીરે દરેક ભૂમિકા પસાર કરવી જોઈએ. નહિતર કદાચ એનાથી પણ વધુ લાંબો સમય થાય.”

આમ મારી મંત્રદીક્ષા પૂરી થયા પછી સ્વામીજી બોલ્યા, “અહીં મારી પાસે બેસી ધ્યાન કર. દરરોજ અચૂક ધ્યાન કર, ગમે તેટલા કામમાં કેમ ન હો! પરંતુ થોડો સમય, થોડી મિનિટો માટે પણ ધ્યાન તો કરવું જ જોઈએ. જો ક્યારેય પણ સમય ન મળે તો છેવટે બાથરૂમમાં પણ કરી શકો. એટલાની પણ અસર થાય – કંઈ જ નકામું જતું નથી.”

સ્વામીજીની મહાસમાધિના થોડા મહિનાઓ પહેલાં મેં તેમને છેલ્લીવાર જોયેલા. મારી મંત્રદીક્ષા અને ૧૯૦૨ની સાલના જાન્યુઆરી મહિનાની વચ્ચે ઘણા બધા પ્રસંગે હું બેલુર ગયેલો. એ સમયે કોઈ છાપ પડેલી ન હોવાથી અત્યારે ચોક્કસ તારીખો આપવી શક્ય નથી. તેમ છતાં તે સમય દરમિયાન તેમની પાસેથી સાંભળેલી કેટલીક વાતો અહીં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીશ.

એક વખત એમણે કહેલું, “આ શરીર હવે ફરીથી ક્યારેય સારું થશે નહિ. કાર્ય પરિપૂર્ણ કરવા માટે આ શરીર છોડી બીજો દેહ ધારણ કરવો પડશે. કેટલાંય કામો અધૂરાં પડ્યાં છે.”

પહેલાં એક પ્રસંગે દિવ્યભાવમાં એમણે કહેલું, “હું મુક્તિની ઇચ્છા રાખતો નથી. જ્યાં સુધી કોઈ એક પણ આત્મા બાકી રહેલો હશે, ત્યાં સુધી મારે ફરી ફરીને આવવું પડશે.”

રાજકીય રીતે ચીનની આંતરિક પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી. યુરોપયીન સત્તા પોતાની વચ્ચે ચીનના ભાગ પાડી લેવા ઇચ્છતી હતી. જાપાને પણ આ રીતના શોષણમાં સામેલ થઈ ચીન પર હુમલો કરેલો. એક દિવસ મેં સ્વામીજીને પૂછ્યું, “ચીન તો ઘણો પ્રાચીન દેશ છે. તમને લાગે છે કે આ પ્રાચીન દેશ તેની સંસ્કૃતિ સાથે મરી પરવારશે?” થોડીવાર શાંત રહી સ્વામીજીએ કહ્યું, “હું મારી સામે હાથીનું શરીર જોઉં છું, જેની અંદર ગર્ભ રહેલો છે, પરંતુ તેમાંથી સિંહનું બચ્ચું બહાર આવે છે જે ભવિષ્યમાં વિકાસ પામશે અને ચીન મહાન અને શક્તિશાળી બનશે.”

ભારતની સ્વતંત્રતા વિશે એમણે કહેલું, “આપણો દેશ આઝાદ બનશે. પરંતુ લોહી રેડીને નહિ. ભારતની સ્વતંત્રતા પછી દેશનું ભવિષ્ય ઊજળું છે.” એ વખતે તેમણે આઝાદીનો ચોક્કસ સમય નહિ બતાવેલો. પરંતુ પછીથી તેમના જ એક ગુરુભાઈ પાસેથી જાણેલું કે સ્વામીજીએ કહેલું કે ભારત પચાસ વર્ષની અંદર મુક્ત થઈ જશે.

એક વખત મેં પૂછ્યું, “જો તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી મારું પતન થાય તો શું થશે? તેમણે કહ્યું, “પાતાળમાં ઊંડે જઈને પડીશ તો પણ તારી ચોટલી પકડીને હું તને ઊભો કરીશ. તને પતિત રાખે તેવી કોઈ સત્તા આ પૃથ્વી પર નથી.”

એક વખત સહજતાથી નોંધ કરતાં તેમણે કહેલું “ભવિષ્યમાં અહીં ઘણા બધા લોકો આવશે. એ લોકો જન્મથી જ મુક્ત હશે અને કેટલાક શ્રીરામકૃષ્ણનું નામ સાંભળતાં જ મુક્ત થઈ જશે.”

તેમણે એમ પણ કહેલું, “મારા કાર્ય માટે મારે સંન્યાસીના એક જૂથની જરૂર છે. પરંતુ તે માટે કેટલાંક સારાં મા-બાપે આવા છોકરાઓ સર્વોચ્ચ કલ્યાણ માટે અર્પણ કરવા જહેમત ઉઠાવવી પડશે. એમાંથી પછી ભવિષ્યની પેઢી તૈયાર થશે જે ભારતની ભૂતકાળની અસ્મિતાને વધુ ઝળહળતી બનાવશે.”

સ્ત્રી- સ્વાતંત્ર્ય વિષેના પ્રશ્નના જવાબમાં તેમણે કહેલું, “સ્ત્રીઓના ઉદ્ધાર માટે કોઈ કાર્યક્મ ઘડવાની જરૂરત નથી. એમને શિક્ષણ આપો અને મુક્ત રીતે રહેવા દો. પોતાના પ્રશ્નોનું નિરાકરણ તેઓ તેમની જાતે જ કરશે.”

હવે થોડા એવા પ્રસંગો વર્ણવું જે મેં સ્વામીજી પાસેથી બીજા લોકોના સંદર્ભમાં સાંભળેલા, પરંતુ મેં જ સાંભળ્યું હોય એ રીતે વિગતો આપું છું.

સ્વામીજીએ કહેલું, “એ વખતે હું હિમાલયમાં રહેતો અને બારણે બારણે ફરીને ભિક્ષા માગતો. મોટા ભાગનો સમય હું કઠોરતમ આધ્યાત્મિક સાધનામાં જ વિતાવતો. મને જે ખાવા મળતું તે પણ ખૂબ જ નીચલી કોટિનું અને એટલું ઓછા પ્રમાણમાં મળતું કે મારું પેટ તો ભરાતું જ નહિ. એક દિવસ મને થયું કે મારું જીવન તો વ્યર્થ છે. આ પહાડી લોકો પોતે જ ખૂબ ગરીબ છે, જેઓ પોતાનાં બાળકો તેમ જ કુટુંબનું ભરણપોષણ પણ બરાબર નથી કરી શકતા છતાં મારા માટે થોડું પણ બચાવવા પ્રયત્ન કરે છે. તો પછી આવા જીવનનું પ્રયોજન શું? મેં ખોરાક માટે બહાર જવાનું બંધ કર્યું. બે દિવસ તો આમ જ ખોરાક વિના પસાર થઈ ગયા. જ્યારે પણ મને તરસ લાગે ત્યારે ખોબો ભરીને પાણી પી લેતો. પછી હું ગાઢ જંગલમાં પ્રવેશ્યો. ત્યાં એક પથ્થર પર બેસી હું ધ્યાન કરવા લાગ્યો. મારી આંખો ખુલ્લી જ હતી, ત્યાં એકાએક જ મારી સામે એક મોટા કદનો ચટ્ટાપટ્ટાવાળો વાઘ દેખાયો અને તે મારી સામે પોતાની ચમકતી આંખો ફેરવવા લાગ્યો. મને થયું: “અંતે મને શાંતિ મળશે અને આ પ્રાણીને તેનો ખોરાક મળશે. આ શરીરથી એક પ્રાણીની સેવા કર્યાનો સંતોષ તો મળશે. મેં મારી આંખો બંધ કરી, તે મને ખાઈ જાય તેની રાહ જોવા લાગ્યો, પણ થોડી ક્ષણ પસાર થવા છતાં પણ મારા ઉપર હુમલો થયો નહિ. તેથી મેં આંખો ખોલીને જોયું તો તે જંગલ ભણી જઈ રહ્યો હતો. મને તે માટે દુ:ખ થયું અને પછી હસ્યો. કેમકે મને થયું કે શ્રીઠાકુરે જ મને તેમનું કાર્ય પૂર્ણ કરવા બચાવ્યો છે.”

હવે હું સ્વામીજીએ અમેરિકા અને ભારતની રાષ્ટ્રીય લાક્ષણિકતા વિષે લીધેલી નોંધ ઉપર થોડું કહીશ. આ બધાં તેમનાં ભાષણો અને વ્યાખ્યાનો દરમિયાન વાતચીતને મિષે પોતે કરેલાં નિરીક્ષણો છે.

“અમેરિકામાં મેં લોકોને રજોગુણથી ભરપૂર જોયા. હવે તે લોકો સત્ત્વગુણ તરફ પ્રયાણ કરશે. યુરોપ આખું ભૌતિક સફળતા મેળવવા પ્રવૃત્ત થયેલ છે પરંતુ અમેરિકા આ દિશામાં (યુરોપિયન) લોકો કરતાં અગ્રેસર છે.”

“ઋષિઓના સમયમાં ભારત સત્ત્વ-પ્રધાન દેશ હતો. હજુ પણ અંદરખાનેથી ભારત સત્ત્વગુણી જ છે. વિશ્વનાં તમામ રાષ્ટ્રોમાં ભારત હજુ સાત્ત્વિક જ છે – બીજા કોઈ પણ કરતાં – પરંતુ બાહ્ય સ્તરે દેશ તમસથી ભરપૂર જણાય છે. ઘણા લાંબા કાળથી ભારતીય પ્રજા મોટા ઝંઝાવાતમાંથી પસાર થઈ રહી છે; અને હજુ પણ ખરાબ દિવસો પૂરા થયા નથી. રાષ્ટ્રને મૃતપ્રાય કરનાર તત્ત્વ છે ક્ષુધા – અને સમગ્ર જાતિ ધીમેધીમે નાશ પામી રહી છે. તેમને ખોરાક (અનાજ) અને શિક્ષણ આપવું એ આપણી ફરજ બની રહી છે.”

એક વખત સ્વામીજીએ કહેલું, “અમેરિકામાં પથારી ખૂબજ મુલાયમ અને હુંફાળી હોય છે, કે જે તમે અહીં જોઈ પણ ન શકો. પરંતુ મારા માટે તો એવી કેટલીય રાતો પસાર થઈ છે કે જ્યારે આવી મુલાયમ પથારી ઉપર હું મારા દેશના લોકોની અતિશય દરિદ્રતાના વિચારથી સૂઈ પણ નથી શક્યો. તે વખતે હું બિલકુલ આરામ કે ઊંઘ વિના જમીન પર આળોટતો અને રાતો પસાર કરતો.”

“ભારતની પરિસ્થિતિ બદલવા માટે તેને (ભારતના લોકોને) ખોરાક અને સારી રીતે કપડાં આપવાં જોઈએ. લોકોએ શિક્ષણ લેવું જ જોઈએ. દરિદ્રલોકો નારાયણ જ છે. તે લોકોની અનાજ અને શિક્ષણથી સેવા કરવી જ જોઈએ.”

ભારતીય લોકો અંતરથી ધાર્મિક છે. ખોરાક અને કપડાંની જરૂરિયાતમાં આધ્યાત્મિક અગ્નિ ઝાંખો પડી ગયો છે. જ્યારે આ જરૂરિયાતો સમાપ્ત થઈ જશે અને થોડું શિક્ષણ પણ પ્રાપ્ત થઈ જશે ત્યારે આ આધ્યાત્મિક અગ્નિ ફરીથી પ્રજ્વલિત થઈ જશે.”

“બાળ-વિવાહ, વિધવા-વિવાહ વગેરે વિષે વધુ વિચારો અને વાતો ન કરો. જ્યારે સ્ત્રીઓ પોતે જ યોગ્ય શિક્ષણ મેળવી પ્રબુદ્ધ થશે ત્યારે પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાની જાતે જ આણશે.”

‘બ્રહ્મચર્ય’ અને ‘મેધા’ વિષે સ્વામીજીના વિચારો રૂઢિચુસ્ત લાગતા હતા. પોતાની તીવ્ર યાદદાસ્ત વિષે મેં તેમને આ રીતે કહેતા સાંભળ્યા છે: “જો માણસ એકધારું બારવર્ષ સુધી બ્રહ્મચર્ય પાળે તો તેની યાદદાસ્ત (તીક્ષ્ણ) અસામાન્ય થઈ જાય. દરેકે બ્રહ્મચારી થવું જોઈએ અને પોતાનું બ્રહ્મચર્ય સ્વપ્નમાં પણ અક્ષુણ રાખવું જોઈએ.”

એમણે એક વખત મને કહેલું, “તમારે એટલું તો જાણવું જ જોઈએ કે સંન્યાસી ગૃહસ્થોના ગુરુ તમે ગેરુઆ કપડાને ફક્ત જુઓ તો પણ માનથી પ્રણામ કરો. તમારા પોતાના ગુરુ વિષે વિચારો અને વ્યક્તિ યોગ્ય હોય કે અયોગ્ય પણ તેમને માન આપો. ત્યાગનો આદર્શ તમારી સામે રાખો અને ભગવાં કપડાંથી ઉત્તમ ત્યાગ અને જ્ઞાનનો ભાવ યાદ આવવો જોઈએ.”

એમણે મને સલાહ આપેલી, “એક રસ્તો પસંદ કરી લો. બે નાવમાં તમારા પગ રાખો નહિ.” સંન્યાસી બનું અથવા ગૃહસ્થ બનું એવું તેઓ ઇચ્છતા હતા. એ વખતે હું અપરિણિત હતો. પછીથી મેં ગૃહસ્થ બનવાનું પસંદ કર્યું.

એક દિવસ અમે ગંગાની સામે આવેલા મઠના જમણી બાજુના ઓરડામાં બેઠા હતા. એને અમે સામાન્ય રીતે સંગીતનો ઓરડો કહેતા. સાધુ નાગ મહાશય ઓરડામાં પ્રવેશ્યા. એમણે ધોતિયું અને ખમીસ પહેરેલાં. એમનાં કપડાં એકદમ જ અસ્વચ્છ હતાં, વાળ ઓળેલા ન હતા. આંખો જાણે કે નશામાં હોય તેવી થોડી લાલ હતી અને દૃષ્ટિ એકદમ શૂન્ય જણાતી હતી. તેઓ ઓરડાની અંદરના દરવાજે આવી ઊભા રહીને હાથ જોડીને બોલ્યા, “તમે નારાયણ છો – નરદેહમાં રહેલા નારાયણ… ઠાકુરે જ આમ કહેલું. તમને મારા પ્રણામ.” થોડીવાર તેઓ પૂતળાની જેમ ત્યાં સ્થિર જ ઊભા રહ્યા.

સ્વામીજી અમારી તરફ જોતા બોલ્યા, “જુઓ, આ દૃશ્યને તમારી યાદદાસ્તમાં કોતરી રાખજો. આવું ફરીથી ક્યારેય જોશો નહિ.” હવે મને લાગે છે કે તે સમાધિની અવસ્થા જ હોવી જોઈએ. જ્યારે નાગ મહાશયે પોતાની આંખો ખોલી ત્યારે સ્વામીજીએ તેમને કહ્યું, “મહેરબાની કરીને આ લોકોને ઠાકુર વિષે કંઈક કહો.” સ્વામીજી પોતે ન તો ઊભા થયા કે ન તો તેમને બેસવાનું કહ્યું. આવા પ્રયત્નથી તેમની ભાવઅવસ્થામાં (કે જેમાં એ વખતે તેઓ હતા) ખલેલ પહોંચી હોત અને નાગ મહાશયને પોતાને પણ કંઈક અજુગતું લાગ્યું હોત.

જેમને શિવના જગતનું દર્શન થયું છે તેવા દેવો જેવા સ્વર્ગીય હાસ્યની લહેરી નાગમહાશયના મુખ પર એકદમ જ પ્રસરી રહી. એમણે પોતાનો જમણો હાથ અર્ધો ઊંચો કરતાં કહ્યું, “તેઓ આ છે, આ છે.” ત્યાં હાજર રહેલા દરેકને આધ્યાત્મિક પ્રવાહની અનુભૂતિ થઈ અને ઓરડાનું વાતાવરણ આદરયુક્ત ભય અને માનની લાગણીથી છવાઈ ગયું. પછી તેઓ જેવા ઝડપથી પ્રવેશેલા તે જ રીતે બહાર જતા રહ્યા.

ભાષાંતરકાર: કુ. સીમા કે, માંડવિયા

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.