(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.)

પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા શી છે? હિન્દુસમાજના બધા લોકો માટે ઉપયોગી એવા કેટલા સંસ્કારો કહ્યા છે?

ઉ. જીવનની સરખામણી યજ્ઞ સાથે કરવામાં આવે છે. યજ્ઞનાં ઉપકરણોને જે રીતે સ્વચ્છ અને પવિત્ર બનાવવામાં આવે છે, એ જ રીતે પ્રત્યેક હિન્દુ પોતાના શરીર-મનને વિશિષ્ટ ધાર્મિક વિધિ-વિધાનોની સહાય વડે શુદ્ધ અને પવિત્ર બનાવે એને માટે શરૂ થયેલાં અનુષ્ઠાન જ ‘સંસ્કારો’ કહેવાયા. આ ધાર્મિક અનુષ્ઠાનોનું સામાજિક મહત્ત્વ પણ છે.

સંસ્કાર ૧૬ છે. એમાં જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ઉપનયન, વિવાહ અને અંત્યેષ્ટિ આદિ ઉલ્લેખનીય છે.

જાતકર્મ નવા જન્મેલા બાળકને માટે થતા સંસ્કાર છે. મેઘજનન, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના એનાં લક્ષણ છે. બાળકની બુદ્ધિ અને સ્મૃતિને જાગૃત કરવા, પિતા તેના કાનમાં જે મંત્ર ફૂંકે છે, તે ‘મેઘજનન’ છે, હાલમાં તેનો રિવાજ નથી.

દશમા કે બારમા દિવસે નામકરણ સંસ્કાર થાય છે. દેવ, દેવી કે સંત એમાંથી કોઈનું નામ રાખવું એ નામકરણ છે.

કુળદેવતાને ધરેલા ભોગનો પ્રસાદ બાળકને ખવરાવવામાં આવે તે અન્ન-પ્રાશન છે.

ઉપનયન પછી વેદોનું અધ્યયન, આધ્યાત્મિક અનુશાસનની શરૂઆત થાય છે. વાસ્તવમાં આ સંસ્કારનું – સૌ કરતાં વધારે મહત્ત્વ છે, ‘ઉપ’નો અર્થ સમીપ કે નજીક અને ‘નયન’નો અર્થ લઈ જવું – અધ્યયનના હેતુથી ગુરુની નજીક-પાસે લઈ જવાનું એનું પ્રયોજન છે. જન્મવું એ પ્રથમ જન્મ છે. ઉપનયન, બીજો જન્મ છે. શિખા બાંધવી, કૌપીન ધારણ કરવું, જનોઈ, ગાયત્રી(સાવિત્રી) મંત્રનો ઉપદેશ, ભિક્ષા ઈત્યાદિ તેનાં મુખ્ય અંગો છે.

‘કૌપીન’ જીવનમાં ‘ઈંદ્રિયનિગ્રહ’ની શરૂઆતનો સંકેત છે. જનોઈ ધારણ કર્યા બાદ લોકકલ્યાણ માટે વિતાવવામાં આવતું જીવન ‘યશ’ છે. વિવેક અને સ્મરણશક્તિમાં વધારો કરવા માટે ગાયત્રીમંત્રનો જપ છે. એથી આધ્યાત્મિક સાધનામાં મદદ મળે છે. ભિક્ષા સમાજના ૠણનો ખ્યાલ આપે છે. સમાજના ઋણમાંથી મુક્ત થવા માટે તેને આજીવન સમાજની સેવા કરવાની રહે છે.

વિવાહ સૌ કરતાં શ્રેષ્ઠ સંસ્કાર છે. અન્ય આશ્રમોનો સહારો ગૃહસ્થ છે. તેથી હિન્દુધર્મગ્રંથોમાં તેનું ઘણું માન છે. વિવાહ કામની તૃપ્તિ માટેનું સાધન નથી. સંયમ વડે, પત્ની, અને પરિવારનાં અન્ય સભ્યોની સાથે સાધકના જેવું જીવન એટલે જ લગ્નજીવન. તેનાથી સમાજની નિ:સ્વાર્થ સેવા અને ઈશ્વર-સાક્ષાત્કાર સુલભ બને છે ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ માટે પતિ-પત્નીનું જીવન સહકાર-યુક્ત યોજના છે. ધર્મે બંનેને જોડ્યા છે. તેથી હિન્દુઓમાં પતિ-પત્નીનો સંબંધ પવિત્ર છે, જેનો વિચ્છેદ સરળ નથી.

પિતાએ કરેલા કન્યાદાનથી તેની શરૂઆત થાય છે. શાસ્ત્રોક્ત મંત્રોના પાઠ સાથે હવન શરૂ થાય છે. પાણિગ્રહણ એટલે પતિ-પત્નીનો હસ્તમેળાપ એમ દર્શાવે છે કે પિતાએ કન્યાના રક્ષણાર્થે તેનો ભાર જમાઈને સોંપી દીધો છે. વર-વધૂ સાથે-સાથે સાત ફેરા ફરે તે સપ્તપદી છે. આથી વિવાહ-વિધિ પર મહોર લાગી જાય છે. પિયરઘરથી છૂટી પડીને કન્યા, વરકુળની બની જાય છે. ‘સૂર્યાલોક’ એ સૂર્યદર્શન છે, એટલે સૂર્યને સાક્ષી ગણવામાં આવે છે. ‘અશ્મરોહણ’ શિલા પર પગ રાખવો, ‘અરુંધતીદર્શન’ અરુંધત નક્ષત્ર જોવું એ બંને લગ્નસંબંધને અતૂટ બનાવી દે છે.

મૃત્યુ પછીની ક્લિાઓ એ ‘અંત્યેષ્ટિ સંસ્કાર’ છે. જીવનકાળ દરમિયાન કરવામાં આવેલા સંસ્કારો વડે પવિત્ર વ્યક્તિનું ભાવિ બનાવવા, તેનાં સગાં-સંબંધીઓ આ ક્રિયાઓ પૂરી કરે છે. તેનું મહત્ત્વ કાંઈ ઓછું નથી. પ્રત્યેક હિન્દુ આ જન્મ કરતાં આગલા જન્મને વિશેષ મહત્ત્વ આપે છે. મૃત્યુ પામેલાંના મુખમાં ગંગાજળ, તુલસીપત્ર મૂકવાનો રિવાજ છે. મૃતદેહને સ્મશાનમાં લાવવામાં આવે છે. સૌ પોતાની પ્રથા મુજબ કાં તો તેનો અગ્નિદાહ કરે અથવા દાટે છે. દાટયા પછી સ્મારક બનાવે છે. અગ્નિદાહ પછી અસ્થિનું નદી અથવા સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. શ્રાદ્ધ આ અંત્યેષ્ટિ ક્લિાનું મહત્ત્વનું અંગ છે.

નામકરણ, વિવાહ, અંત્યેષ્ટિ – પ્રત્યેક હિન્દુ માટે · અનિવાર્ય સંસ્કાર છે. તેના વિધિઓમાં થોડો ઘણો તફાવત હોય છે.

પ્રશ્ન: ૩૨ જો એ સ્વીકારીએ કે સંસ્કારોથી વ્યક્તિ પવિત્ર બને છે તો પછી તેને અપવિત્ર બનાવે તેવાં તત્ત્વો ક્યાં છે?

ઉ. શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે માતાની કૂખમાં રહેવાના સમયે વ્યક્તિ (બાળક) ગંદી રહેતી હોય છે અને જન્મ બાદ અજ્ઞાત રીતે અપવિત્ર બની જાય છે. જાતકર્મબાદ તેનું અપવિત્રપણ દૂર થાય છે. ઉપનયન-સંસ્કારથી અજ્ઞાનજન્ય અપવિત્રતા દૂર થાય છે.

પ્રશ્ન: ૩૩ સારાં-નરસાં કાર્યો – પાપ-પુણ્ય સંબંધી ધારણાઓ બધા ધર્મોમાં છે. પરોપકાર જ પુણ્ય, પરપીડન પાપ છે. આ બાબતને સ્પષ્ટ કરશો? શું હિન્દુ સમાજના બધા વર્ગોને સમાન રીતે લાગુ પાડી શકાય એવા આચરવા યોગ્ય નૈતિક સિદ્ધાંતો છે ખરા?

ઉ. પાપ-પુણ્ય સંબંધી ધારણાઓ પ્રત્યેક ધર્મમાં છે. ‘પરોપકાર એ જ પુણ્ય અને પરપીડન એ જ પાપ’ જેવી ઉક્તિ સુપરિચિત છે અને સર્વસ્વીકૃત છે. નિષેધ કરવામાં આવ્યો હોય તેવું આચરણ કરવાથી અને કર્તવ્યકર્મ ન કરવાથી પાપ થાય છે. તેનાથી વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે, રુંધાય છે. સમાજને પણ નુકસાન થાય છે. ‘સત્ય બોલો, જૂઠું કદાપિ ન બોલો’ એમ કહેવાય છે. સાચું ન બોલવાથી કે જૂઠું બોલવાથી વ્યક્તિ અને સમાજ બંનેનું અહિત થાય છે એ જ પાપ છે.

શાસ્ત્રસંમત આચરણ કરતાં રહેવાથી પુણ્ય મળે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં આચાર-સંહિતા અથવા નૈતિક-પ્રતિબંધો એવા છે જે સમાજની દરેક વ્યક્તિને સરખી જ રીતે લાગુ પડે છે. ‘સામાન્ય ધર્મ’ની અંદર અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), દયા, ઈંદ્રિય નિગ્રહ, શાંતિ, દાન, તિતિક્ષા (સહિષ્ણુતા), પવિત્રતા, તપ, ઈશ્વરમાં ભક્તિ ઈત્યાદિ ગણાય છે. વ્યક્તિ પોતાના જીવનમાં આ સદ્-વૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક વધારો કરતી રહે, તો નક્કી સમાજજીવનનું સ્તર ઊંચું બને અને શાંતિ-સુખ સ્થપાય.

પ્રશ્ન: ૩૪ હિન્દુ સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું છે? પુરુષ સમોવડીનો દરજજો તેને મળ્યો છે? તેને મળેલી સ્વતંત્રતા કેટલી છે?

ઉ. હિન્દુધર્મે બે દૃષ્ટિકોણથી નારીનાં સ્થાન-માન અંગે વિચાર કર્યો છે. બદ્ધ આત્મા હોવાથી પુરુષની જેમ, સ્ત્રીના જીવનનું ધ્યેય પણ મોક્ષ જ છે. તેથી નિર્મળ મન, સંયમ, પ્રભુ-ભક્તિ, વ્રત-પાલન જેવા નૈતિક નિયમો તેને પણ લાગુ પડે છે. એ અર્થમાં સ્ત્રી, પુરુષના જેટલી જ સ્વતંત્ર છે.

પણ એ વાત તરફેય દુર્લક્ષ સેવવામાં આવ્યું નથી કે સ્ત્રીની માનસિક રચના પુરુષ કરતાં કાંઈક જુદી છે. તેથી તેનું કોઈક વિશેષ કર્તવ્ય અને જવાબદારી ગણવામાં આવ્યાં છે. કુટુમ્બનો વ્યવહાર અને ઘરની વ્યવસ્થામાં તેને પૂરો અધિકાર મળ્યો છે. ‘ગૃહિણી ગૃહમુચ્યતે’ અથવા ‘ગૃહિણી વગરનું ઘર સૂનું’ જેવા કથનો તેનો પુરાવો છે. હિંદુ સ્ત્રી સામે આદર્શ ગૃહિણીનું ચિત્ર એટલે જીવનસંગિની, મિત્ર અને માતા ત્રણેય છે.

વૈદિક યુગમાં તથા રામાયણ-મહાભારતના કાળમાં પણ સ્ત્રીઓ, પુરુષો જેટલી જ સ્વતંત્ર હતી. ધાર્મિક અને આધ્યાત્મિક સાધનામાં તેને સમાન તકો પ્રાપ્ત થતી. તેમનો પણ ઉપનયન-સંસ્કાર થતો. તે વેદપાઠ પણ કરી શકતી. વિધર્મીઓનાં સતત આક્રમણોને લીધે સમાજ પર જયારથી દબાણ આવ્યું, ત્યારથી તેની સ્વતંત્રતા સીમિત થઈ ગઈ. અહીં સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓને પોતાનું હિત સાધવાની તકો બહુ મોડી મળી છે. હા, એટલું યાદ રાખવું જરૂરી છે કે સ્ત્રી-પુરુષ પ્રતિસ્પર્ધી તરીકે નહીં, પણ એક બીજાનાં પૂરક બનીને જ સુખી રહી શકે છે.

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી સી. એ. દવે

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.