માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે પૂરી યોગ્યતા હજુ પ્રાપ્ત કરી ન હોય તેમ છતાં આપણે સંસાર (કામિની, કાંચન)નો ત્યાગ કરીએ તો આપણા ભાવિમાં મોટું મીંડું લખાયેલું છે. શુષ્કતા અને હતાશા આપણી ઉપર ફરી વળશે અને મન આડે માર્ગે ચાલ્યું જશે. જો આપણે યોગ્ય બન્યા હોઈએ અને તેમ છતાં સંસાર-ત્યાગ ન કરીએ તો આ માટે અતિ કિંમતી ગુણસંપત્તિને વેડફી નાખીશું અને આપણે તે આધ્યાત્મિક મહિમાથી વંચિત રહીશું, કે જે અન્યથા આપણે ધરાવતા હોત.

તેમ છતાં ઉપરોક્ત પ્રશ્નનો સાચો જવાબ આપવાનું અત્યંત મુશ્કેલ છે તે ખરું. જુદાજુદા માણસોએ તેના જુદાજુદા જવાબો આપ્યા છે. સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા કે ‘ભિખારીને ત્યાગ કરવાનું હોતું નથી’. કેવળ જેમની પાસે રાજસત્તા અને સાંસારિક સમૃદ્ધિ હોય તેઓ જ ત્યાગ કરી શકે છે. જેની પાસે કંઈ નથી તે કહે કે ‘મેં ત્યાગ કર્યો છે’ તો તેનો કોઈ અર્થ નથી. તો શું એમ સમજવું કે મનુષ્ય ભૌતિક રીતે સમૃદ્ધ ન હોય તો તે ત્યાગ કરી શકે નહીં? ના, સ્વામીજીના કહેવાનો મર્મ એ છે કે સાંસારિક સમૃદ્ધિ કે મહિમાની પ્રાપ્તિ માટે પોતાનામાં આવશ્યક શક્તિ અને આવડત હોવાં જોઈએ. તે શક્તિનું તેમને ભાન હોવું જોઈએ. વિજયની લાગણી હોવી જોઈએ, નહિ કે ભય, પરાજય અને હતાશાની. આ કાયરતા છે અને કાયરો ત્યાગી જીવન માટે અયોગ્ય છે. સ્વામી વિવેકાનંદ આંતરિક ચેતનાનો આવો અર્થ કરતા હતા અને જ્યારે તે લાગણી, તે ભાવ, તે ચેતના આપણા અંતરમાં હોય ત્યારે આપણે આધ્યાત્મિક સાધનાને માટે તેને જોતરવાનું પસંદ કરીએ, સંસાર-ત્યાગ કરીએ, અને તે પછી જ તે ત્યાગ છે. સાંસારિક લોકોને એવો ખ્યાલ હોય છે કે કહેવાતા સંસારના વ્યવહારો સંન્યાસીઓ કરતાં તેઓ વધુ દક્ષતાથી ચલાવતા હોય છે. તે એક ભ્રમણા છે. ત્યાગીઓ- સંન્યાસીઓ એવી શક્તિ ધરાવે છે કે જો કહેવાતા સાંસારિક વ્યવહારો અને કર્તવ્ય માટે તેઓ તેને જોતરે તો સંસારના ડાહ્યામાં ડાહ્યા અને વધુમાં વધુ તીક્ષ્ણ બુદ્ધિના પુરુષો કરતાં તેઓ સરખામણીમાં વધુ ચઢિયાતા હોય. શા માટે? કારણ કે તેઓ પાછલે બારણેથી સંસારમાંથી ભાગી છૂટ્યા નથી. પરંતુ સંસારમાં ઊંચામાં ઊંચાં શિખરો તેમણે સર કર્યાં હોય છે. અને સુવર્ણમય સ્વર્ગના સામ્રાજ્યમાં તેઓ વિહર્યા હોય છે. અને જે મનુષ્ય સહૃદયતાપૂર્વક પોતાના મનને જોયા કરે છે તે સહેલાઈથી પારખી શકે કે તેની પાસે આંતરિક શક્તિ છે અને તેણે વિજયની લાગણી પ્રાપ્ત કરી છે કે કેમ? જો તેને તેનો અનુભવ થયો હોય તો તે પછી તે વિતરાગનું લક્ષણ છે. તે નવા જીવનમાં રિદ્ધિ-સિદ્ધિ સંપન્ન બનશે.

એક બીજું લક્ષણ છે જે ઘણું ચોક્કસ અને સર્વગ્રાહી છે. સામાન્ય માનવી સાંસારિક ઇચ્છાઓથી છલોછલ ભરેલો, ખાસ કરીને જાતીય આનંદ અને સાંસારિક ઐશ્વર્ય ભોગવવાની ઇચ્છાથી છલોછલ ભરેલો છે. તે તેને માટે હંમેશાં તરસ્યો રહે છે. તે વિષયાનંદના પદાર્થો કે વ્યક્તિઓની માલિકી આતુરતાપૂર્વક ઝંખતો હોય છે. તેનું સમગ્ર જીવન અને શક્તિ તેની શોધમાં રોકાયેલ હોય છે. જો તેમને ભોગવવા કે તેમને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાંથી તેને રોકવામાં આવે તો તે બેચેન બની જશે, કદાચ ગાંડો થઈ જશે અને અંતે મરણને શરણ થશે. પરંતુ બધા લોકોનો આવો એક સમાન સ્વભાવ હોતો નથી. કેટલાક લોકો એવા હોય છે, જેઓ ઉચ્ચત્તર સ્થિતિએ પહોંચ્યા હોય છે. તેઓ વિષયાનંદની પાછળ લાગેલા હોતા નથી. સામાન્ય રીતે તેમનું મન અંતરમુખ હોય છે. પરંતુ તેઓ તેમ છતાં અનિષ્ટ સંસ્કારોમાંથી મુક્ત થયા હોતા નથી. તેમના મનમાં વિષયાનંદની ઇચ્છા પડી હોય છે. એટલે જ્યારે તેમના સંપર્કમાં આનંદનો વિષય આવે છે ત્યારે તેમનું મન ચલિત થઈ જાય છે. અને તેને ભોગવવા તે આગળ ધપે છે.

આમ છતાં, જો તેઓ તેનાથી અલગ રહે છે તો તેમનું મન શાંત થઈ જાય છે અને ફરીવાર અંતરમુખ બને છે. આવા માણસો ઉપભોગના બાહ્ય વિષયો સાથે સંપર્કમાં ન આવે તો અમુક સમય પછી તેઓ પોતાના અનિષ્ટ સંસ્કારોમાંથી પોતાની જાતને મુક્ત કરી શકે છે અને આખરે બધા રાગ – બધી ઇચ્છાઓને પાર કરી જાય છે. તે ઉચ્ચ મનોદશામાં જો ઈંદ્રિયોના આનંદો તેમની ઉપર લાદવામાં આવે તો પણ તેઓ લેપાતા નથી કે પ્રભાવિત થતા નથી. તેમનું મન કદી તેની શાંતિ અને સમતુલા ખોઈ બેસશે નહિ અને હંમેશાં આત્મામાં રત રહેશે.

અલબત્ત, જે લોકો આ અંતિમ અવસ્થામાં આરૂઢ થયા હોય તેઓ સંસાર-ત્યાગ કરવા માટે સર્વથા યોગ્ય છે. હકીકતમાં, તેઓએ ક્યારનોય સંસાર-ત્યાગ કર્યો હોય છે. તેઓ ક્યારનાય મુક્ત બન્યા હોય છે. તેમને માટે સંન્યાસ એ કેવળ ઔપચારિક પરિવર્તન છે. આમ છતાં, તેમની સંખ્યા અત્યંત અલ્પ છે અને વર્તમાન પ્રસંગે આપણે તેમના વિષે વિચારણા કરવી જરૂરી નથી. વચલો વર્ગ, જે વિષયોપભોગના બાહ્ય પદાર્થોથી જયારે દૂર હોય ત્યારે તેમની ઇચ્છા કર્યા વિના જીવન વ્યવહારો કરે છે, તે વ્યક્તિઓ વિષે આપણે સૌથી વધુ વિચાર કરવાનો છે. આવી વ્યક્તિઓ ખરેખર ત્યાગ કરવા માટે પાત્ર હોય છે. આપણે આપણી જાતનું નિરીક્ષણ કરી જોઈએ કે આપણે જ્યારે બાહ્ય વિષય પદાર્થોના સંગમાં હોતા નથી ત્યારે તેમને માટે આપણને કોઈ ઇચ્છા થતી નથી. તો આપણે ચોક્કસ ત્યાગ કરવાની સ્થિતિમાં છીએ તેમાં શંકા નથી. તે પછી આવો ત્યાગ આપણને અતિશય મદદરૂપ બનશે. આ તેનું લક્ષણ છે. જયારે ઈંદ્રિયોના વિષયો આપણી દૃષ્ટિમાં કે સમીપ હોતા નથી ત્યારે પણ જો આપણું મન તેનો ઉપભોગ કરવા ઝંખતું હોય તો આપણે ત્યાગ કરવા માટે માનસિક કે શારીરિક રીતે તૈયાર નથી એ નિ:શંક છે. જયાં સુધી આપણું મન પૂરતું પવિત્ર, નિર્મળ, શુદ્ધ ન બને ત્યાં સુધી આ સંસારમાં આપણે ભ્રમણ કર્યા કરવું પડશે અને તેના સમ અને વિષમ અનુભવોને, સુખ-દુ:ખને માથે ચઢાવવાં પડશે.

બાહ્ય ત્યાગ જરૂરી અને શ્રેયસ્કર છે. કેટલાક એવી દલીલ કરે છે કે કેવળ માનસિક ત્યાગ જ જરૂરી છે. તેઓ આત્મવંચના કરે છે. જો આપણે આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો આપણે રાગ-વાસનાનાં સ્પંદનોમાંથી મનને મુક્ત રાખવું જોઈએ. મોટાભાગના આધ્યાત્મિક જિજ્ઞાસુઓ વચલા વર્ગના હોય છે. તેઓ જયારે વિષમ પદાર્થો સાથે સંસર્ગમાં હોતા નથી ત્યારે, અને જ્યારે તેઓ તેમનાથી દૂર રહેતા હોય ત્યારે તેઓ સ્વસ્થ રહે છે. આવી સાનુકૂળ પરિસ્થિતિ બાહ્ય ત્યાગ સિવાય સર્જી શકાય નહીં.

ત્યાગમાં સૌથી મોટો અંતરાય રાગ છે, કામ છે. આને કારણે લોકો સાર્થીઓ શોધે છે. અને તેને પરિણામે તેઓ અસંખ્ય કર્તવ્યો, બંધનો અને દુ:ખોથી સભર એવો વિશાળ ગૃહસંસાર ઊભો કરી દે છે. એટલા માટે કામ-વાસના વિષેની મનોવૃત્તિ બહુ જ સંભાળપૂર્વક તપાસવી જોઈએ. મન તેમાંથી મુક્ત છે? અથવા કામ વાસના કેટલી પ્રબળ છે? ઉપર નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ત્યાગની પૂર્વશરત અનિવાર્યપણે કામ-વાસનામાંથી સંપૂર્ણ મુક્તિની છે. આવી સંપૂર્ણ મુક્તિ, શ્રીરામ કૃષ્ણ વારંવાર કહેતા તેમ ઈશ્વર સાક્ષાત્કાર સિવાય આવી શકે નહીં. ઈશ્વરનો સાક્ષાત્કાર ન કર્યો હોય ત્યાં સુધી કામ વાસના થોડી કે વધારે અંશે રહે છે. પરંતુ આપણે નિરીક્ષણ કરવું જોઈએ કે મન કામ-વાસના સંતોષવા પાછળ ભટક્યા કરે છે કે કેમ? અથવા જ્યારે વાસના સંતુષ્ટ કરે તેવા પદાર્થો કે વ્યક્તિઓ નજીકમાં હોય ત્યારે જ મન ચંચળ બને છે? બીજા કિસ્સામાં ત્યાગ કરવામાં સલામતી છે. પહેલા કિસ્સામાં નહિ. જો સાધક વિષયોપભોગના પદાર્થો કે વ્યક્તિઓથી દૂર રહે અને પવિત્ર વાતાવરણમાં રહે તો સુષુપ્ત વાસનાના સંસ્કારો સહેલાઈથી નિયંત્રિત કરી શકાય છે અને ક્રમશ: તેમને નિર્મૂળ કરી શકાય છે.

આ આંતરિક મનોદશા ઉપરાંત બાહ્ય પરિસ્થિતિ સુધ્ધાં વિચારવી જોઈએ. સ્વામી વિવેકાનંદે અમેરિકામાં એક પ્રવચન દરમ્યાન સંન્યાસ વિષે સમજણ આપતાં કહ્યું હતું કે, પોતે જે સંયોગો અને સ્થિતિમાં જન્મ્યો હોય તેનાં કર્તવ્યો અને ઋણાનુબંધો માણસે અદા કર્યાં હોય તેમજ જયારે તેની મહેચ્છાઓ ને જિજ્ઞાસા તેને આધ્યાત્મિક જીવન ગ્રહણ કરવાની દિશામાં દોરી જતી હોય અને ધન-વૈભવ, કીર્તિ, રાજસત્તાની સાંસારિક જંજાળોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાની દિશામાં લઈ જતી હોય; જ્યારે તે સંસારનાં રંગ-રૂપ અને ભભકાના વિષયમાં આંતરદૃષ્ટિના વિકાસથી તેની ક્ષણભંગુરતા, તેના નિરર્થક સંઘર્ષો, તેની આપત્તિઓ અને દુ:ખો અને તેમના દ્વારા પ્રાપ્ત થતા પુરસ્કારોના ક્ષુલ્લક સ્વભાવ જુએ છે અને તેમનાથી તે પાછો વળી જાય છે ત્યારે તે સત્ય, શાશ્વતપ્રેમ અને ઈશ્વરનો આશ્રય ઝંખે છે.

“તે સર્વાંગી સાંસારિક વૈભવ, પદ, મિલ્કત અને નામ સુધ્ધાંનો સંપૂર્ણ ત્યાગ કરે છે, સંન્યાસ ધારણ કરે છે અને આત્મભોગ અને આત્મસમર્પણનું જીવન જીવવા તથા કરુણા અને શાશ્વત આંતરદૃષ્ટિ પ્રામ કરવા તે સંસારમાં પરિભ્રમણ કરે છે. ધ્યાન, યમ-નિયમ અને મનનનાં અનેક વર્ષો પછી પ્રજ્ઞા પ્રાપ્ત કરીને તે પરિપક્વ બનતાં આચાર્ય બને છે. ઉપદેશક બને છે, અને તે પ્રજ્ઞાનો ભંડાર શોધતા તેમની પાસે આવેલા સામાન્ય કે દીક્ષિત શિષ્યોને તેઓ લઈ શકે તેટલું તે પ્રશાના ભંડારમાંથી આપે છે.”

સ્વામીજી કહે છે કે, “આપણે ત્યાગ કરી શકીએ તે પહેલાં આ જન્મના આપણાં કર્તવ્યો અને ઋણાનુબંધો પૂરું કરવાં જોઈએ.” આ વિધાનના બે દૃષ્ટિકોણ છે. બાહ્ય એટલે કે કૌટુંબિક અને સામાજિક કર્તવ્યોને લાગે વળગે છે ત્યાં સુધી કોઈપણ મનુષ્ય તેમને સંપૂર્ણપણે કદાચ પૂરાં કરી શકે નહીં. દક્ષિણ ભારતમાં અત્યંત પ્રચલિત ખ્યાલ છે તે મુજબ જયાં સુધી મનુષ્યે લગ્ન ન કર્યાં હોય અને એક પુત્રની પ્રાપ્તિ ન કરી હોય ત્યાં સુધી ત્યાગ કરવો જોઈએ નહીં. નિ:સંશય આની પાછળનો આશય કુટુંબ અને કુળની સંસ્કાર-૫રંપરા સામાજિક કલ્યાણના એક અંગ તરીકે જીવંત રાખવાનો છે. પરંતુ આ શરતનું પાલન કરવું હંમેશાં ખતરનાક છે. એકવાર જેણે જાતીય આનંદ માણ્યો હોય, ત્યાર પછી તેનો ત્યાગ કરવાનું તેને માટે અત્યંત મુશ્કેલ છે તેમ તે અનુભવશે. તે પહેલાં જે થોડો ઘણો વૈરાગ્ય તેનામાં હોય તે જાતીય સુખનો ઉપભોગ કરે તેની સાથે અદૃશ્ય થઈ જશે. વળી, બધાં કર્તવ્યોનો અંત ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. કર્તવ્યો એક અખંડ સાંકળ છે જેનો કદી અંત નથી. સાંકળની એક કડી બીજી કડીને નિપજાવે છે. આ સાંકળ તોડવી જોઈએ. સામાન્ય રીતે આમાંથી સ્વયં મુક્તિ નથી. એટલા માટે સ્વામીજીના વિધાનને તેના માંર્થ અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વધુ જોવો જોઈએ. જ્યાં સુધી આપણને એમ લાગે કે આપણે આપણાં સગાં સંબંધીઓ પ્રત્યેનું આપણું કર્તવ્ય પૂરું કર્યું નથી અને જ્યાં સુધી આપણા અત:કરણને આ ક્ષતિનું ભાન ખેંચે છે ત્યાં સુધી ત્યાગ ન કરવો તે વધુ સારું છે. કેમકે જો આપણે એવી મનોદશામાં ત્યાગ કરી બેસીએ તો આપણું મન હંમેશાં પાછું વળીને આપણે જે સગાં વહાલાંને પાછળ છોડી દીધાં છે તેમનાં દુ:ખો વિષે ગુપ્ત રીતે વિચાર કર્યા કરશે અને નવા જીવનના આપણાં મંગળાચરણને કલંકિત કરશે. એટલા માટે સૌ પ્રથમ અને સૌથી પહેલાં આપણે આપણા પોતાના મન વિષે ચોકસાઈ કરવી જોઈએ. સંસારનો ત્યાગ નહીં કરીએ તો આપણે મરી જઈશું એટલી હદે ઈશ્વર સાક્ષાત્કાર માટે આપણને આકુળતા વ્યાકુળતા ન હોય ત્યાં સુધી આપણાં સગાંવહાલાઓનાં દુ:ખનો વિચાર આપણા આધ્યાત્મિક વિકાસમાં હંમેશાં એક અંતરાય સિદ્ધ થશે. આપણે ખાતરી કરી લેવી જોઈએ કે આપણી ઉપર જેમનો આધાર છે તેઓ જીવનની પ્રાથમિક જરૂરિયાતોના અભાવે, આપણે ત્યાગ કરીશું ત્યારે, દુ:ખી થાય નહિ. ચોક્કસ, તેમને માનસિક દુ:ખ થશે, પરંતુ તે માટે કોઈ જોગવાઈ કરવાનું અશક્ય છે.

ત્યાગની સામે કેટલીક રૂઢિગત દલીલો છે, જેની આપણે અહીં ટૂંકમાં વિચારણા કરીશું. એક દલીલ એ છે કે સિવાય કે લોકો લગ્ન કરે, ઈશ્વરની સૃષ્ટિ ચાલી શકે નહીં. આનાં કરતાં વધુ અક્કલ વિનાની દલીલ હોઈ શકે નહીં. સૌપ્રથમ તો બહુ ઓછા ત્યાગ કરે છે. મુઠ્ઠીભર માણસો બ્રહ્મચર્ય પાળે તેથી ઈશ્વરની સૃષ્ટિને કંઈ અસર થતી નથી. બીજું, ઈશ્વરની સૃષ્ટિને ચાલુ રાખવાની આપણી ફરજ છે તે આપણે કેવી રીતે જાણીએ ? ઈશ્વરે કદી તે વિષે આપણને કહ્યું? જો ઈશ્વર સૃષ્ટિ સર્જે છે તો તે તેનો વિનાશ પણ કરે છે. બન્ને ઈશ્વરને મન એક સરખા મહત્વના છે. ત્રીજું, માણસનું સર્વોપરી કર્તવ્ય ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનું અને ઈશ્વરને ચાહવાનું છે. જે મનુષ્ય સંસારમાં આસક્ત હોય તે કદી ઈશ્વરને જાણી શકે નહીં અને પ્રેમ કરી શકે નહીં. માણસનું સમગ્ર લક્ષ્ય પ્રત્યેક વસ્તુમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનું છે. જે ઈશ્વર-સાક્ષાત્કાર માટે ઝંખે છે તે કેવી રીતે પોતાની જાતને કામ-કાંચનનો દાસ બનાવી શકે?

બીજી દલીલ એ છે કે માણસે પોતાના માતા-પિતાને પ્રસન્ન કરવા અને તેમની સેવા કરવા માટે પુત્રવધૂ ઘરમાં લાવવા પરણવું જોઈએ. માતા-પિતાને સદા માટે સંતુષ્ટ કરી શકાય નહીં. કોઈપણ વ્યક્તિ તેમને સંતુષ્ટ કરવા માટે બંધાયેલી નથી. સેવા જ કરવાની હોય તો, પુત્ર પોતે જ તેઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમની સેવા જરૂર કરી શકે. માતાપિતા હંમેશને માટે જીવતાં નથી, કોઈક દિવસ તેઓ જરૂર અવસાન પામશે. તે પછી તેનાં સંતાન સંપૂર્ણપણે મુક્ત બનશે. આમ વાલીઓની સેવા કરવા ખાતર લગ્ન કરવાનું જરૂરી નથી.

ત્રીજી દલીલ વધુ વાસ્તવિક છે. તે એ કે મનમાં જાતીય વિષયોપભોગની ઇચ્છા હોય ત્યાં સુધી લગ્ન કરવાં તે ઉત્તમ છે. અમે આ પહેલાં કહ્યું છે કે જો આ વૃત્તિ અત્યંત પ્રબળ હોય તો આ ઇચ્છનીય છે. જો તે નરમ હોય તો પછી તેણે ઉતાવળમાં આવી જઈને પોતાના ગળાની આસપાસ લગ્નનો ફાંસલો મૂકવાની જરૂર નથી. જાતીય વાસનાઓનું મનન હોય ત્યાં તે વૃત્તિથી મુક્ત થવાતું નથી. લગ્ન દ્વારા આ વૃત્તિઓ બાહ્ય રીતે સંતોષાય છે અને તેને શાંતિ થાય છે. પરંતુ આપણે ઈચ્છીએ છીએ તેમ તેમની ઉપરનો વિજ્ય પ્રાપ્ત થતો નથી.

પ્રશ્ન અવારનવાર પૂછવામાં આવે છે: ‘શું હું ત્યાગ કરું?’ હા, ત્યાગ એ સૌથી વધુ કુદરતી માર્ગ છે. આપણે એકલા જન્મીએ છીએ, એકલા મરીએ છીએ. આપણે પણ એકલા રહેવું જોઈએ. તે કુદરતી સ્થિતિ છે. લગ્ન કરવાં અને સંતાનો ઉત્પન્ન કરવાં તે ખરેખર અસ્વાભાવિક છે. એટલે કે આપણા સ્વભાવથી વિરુદ્ધ છે. પરંતુ ત્યાગ કરવા માટે મનુષ્યની પાત્રતા હોવી જોઈએ. અમે આ પાત્રતાનો નિર્ણય કરવાનાં સાધનોનો નિર્દેશ કર્યો છે.

આપણે આપણાં મનને ચકાસીએ અને જોઈએ કે તેને શું જોઈએ છે અને તે કેવી રીતે વર્તન કરે છે. સિવાય કે તેની પાસે ઈચ્છિત ભોગ પદાર્થો હોય અને તેનો ઉપભોગ ઇચ્છતું ન હોય તો આપણે સહેલાઈથી અને સલામત રીતે ખુશીથી ત્યાગ કરીએ. પરંતુ આપણે બાહ્ય પરિસ્થિતિઓ સુધ્ધાં વિચારીએ – જો આપણી વૈરાગ અત્યંત પ્રબળ હોય તો આપણા ત્યાગને લઈને કોઈને પણ તેમની જિંદગીની પ્રાથમિક જરૂરિયાતોના અભાવથી સહન કરવું ન પડે તે જોઈએ.

આપણે એ પણ જોઈએ કે આપણાં કર્તવ્ય પ્રતિ બેદરકાર રહેવાનો દોષ છે એવું આપણને લાગે છે? આપણે આ મુદ્દાઓ પણ સંભાળપૂર્વક વિચારવા જોઈએ. નહીંતર, મન નિર્બળ બની જશે અને નવા જીવનની આપણી સાધના પંગુ અને મન વિનાની બની જશે.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ યુ. મહેતા

(‘Spiritual Practice’માંથી સાભાર)

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.