સફળતાનું રહસ્ય

સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ છે. એ વિરોધાભાસ હોય એવું દેખાય છે. શું આપણે નથી જાણતા કે જે માણસ જિંદગીમાં નિઃસ્વાર્થીં હોય છે તે જ છેતરાય છે, તે જ દુઃખી થાય છે? ઉપલક દૃષ્ટિએ તો એમ જ લાગે છે. ‘જુઓ ને, ઈશુ ખ્રિસ્ત નિઃસ્વાર્થ હતા અને છતાં તેમને ક્રોસ (વધસ્તંભ) પર ચડાવી દીધા!’ એ ખરું. પણ આપણે એ પણ જાણીએ છીએ કે તે નિઃસ્વાર્થતા જ એક મહાન વિજયનું કારણ બની અને તેનાથી જ કરોડો જિંદગીઓ ઉપર સાચી સફળતારૂપી આશીર્વાદનો કળશ ચડ્યો.

કોઈ પણ વસ્તુ માગો નહીં. બદલામાં કશાની આશા રાખો નહીં. તમારે જે આપવાનું છે તે તમે આપો, તે તમારી પાસે પાછું તો આવશે પણ અત્યારે તમે તેના વિશે વિચાર ન કરો. તે હજારગણું થઈને તમારી પાસે પાછું આવશે, પરંતુ તમારું ધ્યાન તેના ઉપર લાગેલું હોવું ન જોઈએ. છતાંય, આપવાની શક્તિ કેળવો; બસ આપો અને ત્યાં જ એની સમાપ્તિ ગણો. આટલું બરાબર શીખી લ્યો કે જીવન આપી દેવા માટે જ છે, પ્રકૃતિ જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે, માટે સ્વેચ્છાએ આપો. વહેલું મોડું તમારે આપી તો દેવું જ પડશે. તમે જન્મો છો ભેગું કરવા. મુઠ્ઠી ભરી-ભરીને તમે એકઠું કરવા ઇચ્છો છો. પરંતુ કુદરત તમારો ટોટો પીસીને તમારી મુઠ્ઠી ખુલ્લી કરાવી નાખે છે. તમારી ઇચ્છા હોય કે ન હોય, પણ તમારે આપી જ દેવું પડે છે. જે ઘડીએ તમે કહો કે ‘હું નહીં આપું’, એ જ ઘડીએ ફટકો પડે છે અને તમે દુઃખી થાઓ છો. એવો કોઈ નથી કે જેને લાંબે ગાળે ફરજિયાત બધું છોડવું નહીં પડે. માણસ આ નિયમની વિરુદ્ધ જવા જેટલો વધુ પ્રયત્ન કરે છે તેટલો તે વધુ દુઃખી થાય છે. આપણામાં આપી દેવાની હિંમત નથી, પ્રકૃતિની આ મહાન માગણીને સ્વીકારવા જેટલા આપણે અનાસક્ત થયા નથી, એ કારણસર જ આપણે દુઃખી થઈએ છીએ.

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘કર્મ અને તેનું રહસ્ય’માંથી પૃ. ૮, ૯)

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.