(ગતાંકથી ચાલુ)

ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું જ્ઞાન, અનુભવ વગેરે સ્થૂળ ભૌતિક પદાર્થો સુધી જ સીમિત હોય છે. જ્યારે ધાર્મિક અને આધ્યાત્મિક તત્ત્વો ખાસ કરીને ઈન્દ્રિયાતીત હોય છે. એટલે જે સાધારણ વ્યક્તિ પંચેન્દ્રિયોથી થતા જ્ઞાન સિવાયના બીજા કોઈ જ્ઞાનની ધારણા કરી શકતી નથી તેને માટે સગુણ સાકાર ઈશ્વર એટલે કે દ્વૈતવાદની જ ખાસ જરૂર છે. તે સિવાય તેનું કામ ચાલે નહીં. સ્વામીજીએ ઘણુંખરું ચેતવણીના રૂપમાં જ કહ્યું છે – “પંચેન્દ્રિયમાં ખૂંપેલો જીવ સ્વાભાવિક રીતે દ્વૈતવાદી હોય છે. જ્યાં સુધી આપણે પંચેન્દ્રિયમાં પડેલા છીએ ત્યાં સુધી આપણે સગુણ ઈશ્વરને જ જોઈ શકીશું. સગુણ સિવાય બીજા કોઈ ભાવને અનુભવી શકાશે નહીં… રામાનુજે કહ્યું છે, “જ્યાં સુધી તમે પોતાનો વિચાર દેહ, મન કે જીવ તરીકે કરશો ત્યાં સુધી જ્ઞાન અંગેની તમારી પ્રત્યેક ક્રિયામાં જીવ – જગત અને એ બંનેને કારણે સ્વરૂપ વસ્તુનું વિશેષ જ્ઞાન રહેશે.”૧૮

પરંતુ દ્વૈતવાદ આધ્યાત્મિક અનુભવની ચરમ અવસ્થા નથી. આધ્યાત્મિક જ્ઞાન તથા અનુભવની પરમ અવસ્થા તો અદ્વૈત જ્ઞાન જ છે. આ સંદર્ભમાં સ્વામીજી ફરીથી કહે છે- “પરંતુ મનુષ્યના જીવનમાં કોઈ-કોઈ વાર એવો સમય આવે છે જ્યારે તેનું શરીરજ્ઞાન-બિલકુલ ચાલ્યું જાય છે અને મન પણ ક્રમશઃ સૂક્ષ્માતિસૂક્ષ્મ થતું થતું છેવટે અંતર્હિત થઈ જાય છે. જ્યારે દેહ બુદ્ધિમાં ઉત્પન્ન થતા ભય અને દુર્બળતાના બધા ભાવો શમી જાય છે – ત્યારે, ફક્ત ત્યારે જ, પેલા પ્રાચીન મહાન ઉપદેશનું સત્ય સમજાય છે. તે ઉપદેશ છે –

इहैव तैर्जित सर्गो येषां साम्ये स्थितं मनः।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः॥

“જેનું મન સામ્ય ભાવમાં અવસ્થિત છે તેમણે સંસારને અહીં જ જીતી લીધો છે. બ્રહ્મ નિર્દોષ સર્વત્ર સમાન છે. એટલે કે તેઓ બ્રહ્મમાં જ અવસ્થિત છે.”

समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम्।
न हिनस्त्यत्मनात्मानं ततो याति परां गतिम्॥

“ઈશ્વરને સમભાવથી સર્વત્ર અવસ્થિત જોઈને તે આત્મા પરમાત્માની હિંસા નથી કરતા, એટલે પરમગતિને પામે છે.”

આ રીતે આપણે જોઈએ છીએ કે સ્વામીજીએ આપણને ઈશ્વર અંગે એક એવી સાર્વલૌકિક અને સાર્વજનિક, ઉદાર અને વિશાળ ધારણા આપી છે કે જેથી બધા ધર્મોની વ્યક્તિઓ પોતપોતાની આસ્થા, વિશ્વાસ અને અધિકાર પ્રમાણે તેને પ્રાપ્ત કરી શકે.

મનુષ્યનું ભવિષ્ય:

કોઈ પણ જીવનદર્શનમાં ભવિષ્યની ધારણા, તેના ઈશ્વર જીવ અને જગત અંગેની ધારણા પર આધારિત હોય છે. જો તે ભૌતિકવાદી દર્શન હોય તો ત્યાં ઈશ્વર આત્મા વગેરે તત્ત્વોને માટે કોઈ સ્થાન ન હોય. આ દર્શનનું એક માત્ર સત્ય ઈન્દ્રિયગમ્ય ભૌતિક જગત છે. હવે બધી ભૌતિક વસ્તુઓ એક નિશ્ચિત સમયે ઉત્પન્ન થાય છે એટલે ભૌતિક નિયમાનુસાર એક નિશ્ચિત સમયમાં એ બધાનો વિનાશ થવાનો જ. તેથી ભૌતિકવાદી જીવનદર્શનનું ભવિષ્ય વિનાશ – સમૂળગો વિનાશ જ છે. અંધકાર અને વિનાશ સિવાય તેના બીજા કોઈ ભવિષ્યની આશા હોઈ શકે નહીં.

પરંતુ જે દર્શનમાં આ ભૌતિક જગતની પાછળ એક ચૈતન્ય સત્તાની ધારણા કરવામાં આવી છે અને તેનો સાક્ષાત્કાર કરવામાં આવ્યો છે તેમાં મનુષ્ય તથા જગતના ભવિષ્યનો અંધકારમય વિનાશ નથી. પરંતુ એક શાશ્વત અખંડ, પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય સત્તાની અનુભૂતિ અને અમરત્વ છે. સ્વામી વિવેકાનંદજીએ આપણને એક આવું જ જીવનદર્શન આપ્યું છે. જે વિધેયાત્મક અને આશાવાદી છે.

આપણે પોતે જ પોતાના ભાગ્યવિધાતા છીએ:

જ્યારે આપણે સ્વાધીન હોઈએ ત્યારે જ ભવિષ્ય માટેનો પ્રશ્ન ઊભો થાય છે. જે સ્વાધીન નથી તે પોતાના ભવિષ્યનો નિર્ણય કેવી રીતે કરી શકે? તે જે સત્તાને આધીન છે તે સત્તા જ તેના ભવિષ્યનો નિર્ણય કરી શકે. દુનિયાના ઘણા ધર્મો તથા દર્શનોની એવી માન્યતા છે કે મનુષ્ય તો સદા પરાધીન છે. જેને આપણે ગૉડ, અલ્લાહ, મસીહા, ભગવાન વગેરે જે કાંઈ કહીએ તે એક સર્વતંત્ર સ્વતંત્ર એવી સત્તા છે. જે મનુષ્યની ભાગ્ય નિર્માતા છે. તેની ઇચ્છા પ્રમાણે જ મનુષ્ય સારો, ખરાબ, સુખી, દુ:ખી વગેરે થાય છે. તેના પોતાના હાથમાં કંઈ નથી. આ પ્રકારની ધારણા મનુષ્યને નિરીહ અને તુચ્છ બનાવી દે છે. તે પોતાના ભવિષ્ય અંગે પરમુખાપેક્ષી બની જાય છે. સ્વામી વિવેકાનંદના જીવનદર્શનમાં આવા કોઈ ભાવને જરા પણ સ્થાન નથી. નરકેસરી વિવેકાનંદે પોતાના પ્રયત્નો દ્વારા પુરુષાર્થ કરીને બધી મુશ્કેલીઓ, બધાં વિઘ્નો વગેરેને પાર કરીને, પોતાના જીવનને પરમાત્માની અભિવ્યક્તિનું એક શ્રેષ્ઠ સાધન બનાવ્યું હતું. મનુષ્ય જીવનમાં સંભવિત પરમોત્કૃષ્ટ શક્તિ તેમના પૂત જીવનમાં પૂર્ણરૂપે વિકસિત તથા પ્રગટ થઈ હતી. તેમના જીવનના નિર્માતા તેઓ પોતે જ હતા અને એટલે જ માનવમાત્રને આહ્‌વાન કરીને તેમણે વજ્ર જેવા દૃઢ શબ્દોમાં કહ્યું છે – “આપણે પોતે જ પોતાના ભાગ્યવિધાતા છીએ. જો આપણું ભાગ્ય ગુમાવીએ તો તેમાં બીજા કોઈનો દોષ નથી. અથવા જો આપણું ભાગ્ય સારું હોય તો તેને માટે પણ કોઈની પ્રશંસા કરવી જરૂરી નથી. પવન તો હંમેશાં વહેતો હોય છે. જે વહાણના સઢ ખુલ્લા હોય તેમને પવનનો સાથ મળે છે અને તેઓ આગળ વધે છે. પરંતુ જેમના સઢ ખુલ્લા નથી હોતા તેમને પવન મળતો નથી. તો શું એમાં પવનનો દોષ છે ? આપણામાં કોઈ સુખી છે તો કોઈ દુ:ખી એ માટે કરુણામય પરમેશ્વરને દોષિત ગણાવી શકાય? તેની કૃપા દિન – રાત વરસી રહી છે અને જેની દયાનો કોઈ અંત નથી. આપણા ભાગ્યના નિર્માતા આપણે પોતે જ છીએ.”૧૯

સ્વામીજીનું આ જીવનદર્શન મનુષ્યને ભાગ્યવાદી અને અકર્મણ્ય થતાં બચાવી લે છે. તે મનુષ્યને પ્રેરણા આપે છે – કહે છે કે ભાઈ, તારી હાલની દીનદશાથી દુઃખી કે નિરાશ ન થા. તું કમ૨ કસ અને ફરી કામમાં લાગી જા. તારા વિગત કર્મોએ જો તેને દુઃખી અને હીન બનાવ્યો હોય, તો તું વર્તમાનનો સદુઉપયોગ કરીને એવાં શુભ કર્મો ક૨, કે જે તને ભવિષ્યમાં સુખી અને મહાન બનાવી દેશે. તારું ભાગ્ય તારી મુઠ્ઠીમાં છે. ઊઠ અને કાર્યમાં લાગી જા. ઉજ્જવળ ભવિષ્ય તારી રાહ જુએ છે.

આપણે જોયું કે અહીં નિર્ણાયક બળ સ્વાધીનતા છે. હવે જોઈએ કે સ્વાધીનતાનું તાત્પર્ય શું છે? તેનું તાત્પર્ય એ છે કે જવાબદારીનો ભાર આપણે પોતે ઉપાડવો. પોતાના સારા ખરાબ માટે પોતાની જાતને જવાબદાર ગણવી. પોતાના પગ પર ઊભા રહેવું. મનુષ્યના ભવિષ્ય માટે સ્વામીજીએ આ શરત જ મૂકી છે. તેઓ કહે છે – “એટલે પોતાના દોષ અંગે બીજા કોઈને જવાબદા૨ ન ગણતાં આપણે પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધા કામને માટે આપણે જ જવાબદાર છીએ એમ સમજવું જોઈએ. જે મુશ્કેલીઓ આપણે સહન કરી રહ્યા છીએ તે આપણાં કરેલાં કર્મોનું જ ફળ છે એમ જાણવું.”૨૦

બધી શક્તિ આપણી અંદર છે:

ધારો કે એમ માની લઈએ કે આપણા ભાગ્યના નિર્માતા આપણે જ છીએ તો પણ કેટલીક વાર મનમાં એવી શંકા જાગે છે કે આ ભાગ્યના નિર્માણ માટેની જરૂરી શક્તિ આપણને ક્યાંથી મળશે? મદદ ક્યાંથી મળશે? સ્વામીજી જણાવે છે કે આ બધી શક્તિ આપણામાં જ રહેલી છે. તેઓ જણાવે છે. – એટલે ઊઠો, સાહિસક બનો, વીર્યવાન થાવ, બધી જવાબદારી તમે પોતાના ખભા પર ઉપાડી લો. તમને જે બળ કે સહાયતાની જરૂર પડશે તે બધું તમારી ભીતર જ રહેલું છે. આ જ્ઞાન રૂપ શક્તિને આધારે તમે બળ પ્રાપ્ત કરો અને પોતાને હાથે પોતાના ભવિષ્યનું નિર્માણ કરો… “હવે તો સમગ્ર ભવિષ્ય તમારી સામે પથરાયેલું છે.”૨૧

હવે એ બાબત તર્ક કરવાની કે પ્રમાણ દેવાની જરૂરત નથી કે મનુષ્યનું ભવિષ્ય તેનાથી ભિન્ન એવી કોઈ શક્તિના હાથમાં છે, જે પોતાની ઇચ્છાનુસાર મનુષ્યને સુખી કે દુઃખી કરી શકે, અથવા તેને ઉન્નત કે અવનત કરી શકે. મનુષ્યનું ભવિષ્ય તેના પોતાના વિચારો અને કર્મો પર આધાર રાખે છે. એટલે વિવેકપૂર્વક કર્મો કરીને મનુષ્ય પોતાના ભવિષ્યને ઉજ્જવળ અને આનંદમય કરી શકે છે.

વિશ્વ એક બની જશે:

સંભવિત અણુયુદ્ધ સંહારલીલાથી ત્રસ્ત, સત્તાખોરોના અત્યાચારોથી પીડિત અને ધનિકોથી શોષિત એવા ખખડી ગયેલા માનવની સામે એક બીજો મહાન શંકાસ્પદ પ્રશ્ન છે – આજનાં આ રાષ્ટ્રોનું અને આપણી આ પૃથ્વીનું ભાવિ કેવું હશે?

ત્રિકાલદર્શી ઋષિ વિવેકાનંદે પોતાની દિવ્ય દૃષ્ટિથી વ્યષ્ટિ અને સમષ્ટિ – બંનેનું ભવિષ્ય જોયું હતું ત્યારે જ તેમણે પોતાના એક પ્રસિદ્ધ વ્યાખ્યાન “અનેકાત્મકતામાં એકતા”માં સ્પષ્ટ શબ્દોમાં ધોષણા કરી હતી: “ધીમેધીમે રાષ્ટ્રોમાં પરસ્પર મેળ થતો જાય છે અને મારી એવી દૃઢ ધારણા છે કે એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે રાષ્ટ્ર નામની કોઈ વસ્તુ નહીં રહે. એક બીજા રાષ્ટ્રો વચ્ચેનો ભેદ દૂર થઈ જશે, જે એકતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તે આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ પણ એક દિવસ પ્રકાશી ઊઠશે.”

આપણા મનમાં કોઈ શંકા ન રહી જાય એટલે પોતાની આ ભવિષ્યવાણી પાછળ જે શાશ્વત સિદ્ધાંત અને દૃઢ આધાર છે તેની જાણ પણ સ્વામીજીએ આપણને કરી છે. હકીકતમાં જાય છે. આપણા બધા વચ્ચેનો ભાઈચારો એક સ્વાભાવિક બાબત છે. પરંતુ હાલ આપણે સૌ જુદાજુદા થઈ ગયા છીએ. આ વિખરાયેલા ભાવો ભેગા થઈને મળી જશે એવો દિવસ જરૂર આવશે. જ્યારે પ્રત્યેક વ્યક્તિ વૈજ્ઞાનિક વિષયોની જેમ જ આધ્યાત્મિક વિષયમાં પણ વ્યવહારકુશળ થઈ જશે. ત્યારે આ એકત્વની ભાવના સમગ્ર જગતમાં ફેલાઈ જશે. ત્યારે આખું જગત જીવનમુક્ત થઈ જશે. આપણી ઈર્ષ્યા, ઘૃણા, મેળ અને વિરોધમાંથી પસાર થતાં આપણે પેલી એક દિશા તરફ આગળ વધી રહ્યા છીએ.

ઉપસંહાર

આપણું જીવન ઘણુંખરું ટુકડાઓમાં વહેંચાયેલું છે. જીવનનાં જુદાંજુદાં ક્ષેત્રો જેવાં કે સાહિત્ય, ધર્મ, સંગીત, કળા, વિજ્ઞાન, દર્શન, આધ્યાત્મિકતા અને કોણ જાણે કેટલાયમાં ચંચૂપાત કરી, આપણે અધિકાર પ્રાપ્ત કરીને ઘણું મેળવવા ઈચ્છીએ છીએ. આ બધાની સાથે સાથે સંસારના સુખ, ભૌગ વિલાસ, વૈભવ વગેરે તો જોઈએ જ છીએ.… અધિકાર માટેની અદમ્ય ઇચ્છા આપણી ઊંઘ ઉડાડી દે છે. આ કારણે જ આપણે ઈચ્છીએ છતાં જીવનમાં શાંતિ મેળવી શકતા નથી. સુખી અને પ્રસન્ન રહેવાની ચેષ્ટા કરવા છતાં આપણે દુઃખી અને અપ્રસન્ન રહી જઈએ છીએ. છેવટે આપણી ભગ્ન આશા-આકાંક્ષાઓના સ્તંભ સમાન આપણું જીવન રહી જાય છે. આ સ્તંભના શિખરે બેઠેલા આપણે વિવશતાથી એટલા માટે જીવીએ છીએ કે મૃત્યુનો ગાળિયો હજુ સુધી આપણા ગળામાં આવ્યો નથી.

જીવનને ટુકડાઓમાં વહેંચી શકાય નહીં. આપણા જીવનનો કેટલોક ભાગ આધ્યાત્મિક અને કેટલોક સાંસારિક – એમ થઈ શકે નહીં. જીવન એક સંપૂર્ણ એકમ છે. એટલે તે એકમના રૂપમાં જ જીવાવું જોઈએ. કાંતો આપણે ભૌતિકવાદી, સંસારી હોઈએ અથવા આધ્યાત્મવાદી, ઈશ્વરકેન્દ્રિય હોઈએ. બેઉ એક સાથે ચાલી શકે નહીં.

સ્વસ્થ અને સમ્યક્ જીવનદર્શનનો અભાવ આપણી આ ખરાબ અવસ્થાના મૂળમાં છે. સ્વસ્થ અને સમ્યક્ જીવનદર્શન વગર આપણું જીવન વ્યવસ્થિત તથા ઉન્નત થઈ શકે નહીં. જીવનનું મહાન લક્ષ્ય સ્વસ્થ જીવનદર્શન જ પૂરું પાડે છે. જીવનનું લક્ષ્ય મહાન હોય ત્યારે તેને આનુષંગિક એવી ક્રિયાઓ અને જીવનચર્યા વગેરે મનુષ્યને ગોઠવવું પડે છે. અને ધીરે ધીરે તેનું જીવન મહાનતા તરફ આગળ વધતું જાય છે.

આપણી નિમ્ન વૃત્તિઓનું નિયંત્રણ અને દમન કરવાનો ઉપાય સ્વસ્થ અને સમ્યક્ જીવન સિવાય નથી. તે એક સશક્ત પ્રહરીની જેમ મનુષ્યની પશુ પ્રવૃત્તિઓનું નિયમન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી હીન પ્રવૃત્તિઓના નિયમન અને દમન સિવાય કોઈ મનુષ્ય મહાન તો શું, સાધારણ, સજ્જન પણ થઈ શકતો નથી. એટલે વ્યક્તિ અને સમાજ, વ્યષ્ટિ અને સમષ્ટિના કલ્યાણ માટે એ અતિ આવશ્યક છે કે સમાજની સામે એક સ્વસ્થ અને સમ્યક્ જીવનદર્શન રજૂ કરવામાં આવે. તેનો પ્રસાર કરીને જીવનમાં પણ તેનું ઉત્તમ રીતે આચરણ કરવામાં આવે. યુગની ખુબ મહત્ત્વની જરૂરત આ જ છે.

વિશ્વમાનવ સ્વામી વિવેકાનંદે આપેલ જીવનદર્શન એવું દિવ્ય અમૃત છે, જે જાતિ, ધર્મ, લિંગ, દેશથી નિરપેક્ષ રહીને માનવમાત્રના પરમ કલ્યાણ માટે સંપૂર્ણ સમર્થ છે. એટલે કે આ જીવનદર્શનના પ્રચાર – પ્રસાર અને આચરણમાં વિશ્વનું કલ્યાણ સમાયેલું છે.

ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા

સંદર્ભ:

૧૮. જ્ઞાનયોગ, (હિન્દી) પાનું ૨૭૪

૧૯. જ્ઞાનયોગ, (હિન્દી) પાનું ૧૯૯

૨૦, જ્ઞાનયોગ, ૨૦૧

૨૧. જ્ઞાનયોગ, ૨૦૧

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.