મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,

મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું,

મને હશે શું થાતું, નાથ નિહાળજો રે,…મારી

અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિષે નહિ કાચા,

દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે….મારી

વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો?

મહા મુંઝારો મારો નટવર, ટાળજો રે…મારી

કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?

લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે..મારી

‘કેશવકૃતિ’માંથી

આશ્રમ ભજનાવલિમાં પાનાં-૧૫૬

લાજ તમારી જાશે,

ભૂધર ભાળજો રે.

દુર્યોધનનો દરબાર ભરાયો છે, દ્રૌપદીનાં ચીર, ભરસભામાં ખેંચાઈ રહ્યાં છે, પાંચ પાંડવો લાચાર છે, ભીષ્મ પિતામહ જેવા કુટુંબના વડા અસહાય બની બેઠા છે. દ્રૌપદી પોતાની શક્તિથી બને એટલી મહેનત કરે છે, પોતાનાં વસ્ત્રોને જાળવવા. એક બાજુ દુઃશાસનની પાશવી લીલા અને બીજી બાજુ લાચાર, પામ૨, નિર્બળ એવી દ્રૌપદીનો વસ્ત્રો સંભાળી રાખવાનો શક્તિહીન પુરુષાર્થ. છેવટે દ્રૌપદીની ગગનભેદી ચીસ, દ્રૌપદીના આર્તહૃદયનો પોકાર

“લાજ તમારી જાશે,

ભૂધર ભાળજો રે.”

દ્વારકામાં, ભગવાન શ્રીકૃષ્ણે પાંચાલીનો આર્તહૃદયનો પોકાર સાંભળ્યો અને પછી તો, “સભા બીચ કૃષ્ણ કૃષ્ણ દ્રૌપદી પુકારી અને ઇતનેમેં હરિ આ ગયે બસનન આરૂઢ ભયે” ‘આર્યધર્મપ્રકાશ’ના તંત્રી અને કેશવકૃતિ જેવા કાવ્યગ્રંથ લખનાર કેશવરામ હરિરામ ભટ્ટ (૧૮૫૧ – ૧૮૯૬) દ્વારા અત્યંત સ૨લ અને સાદી ભાષામાં લખાયેલ “મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે” ભજન ગુજરાતની પ્રજાનું અત્યંત માનીતું અને ઘેરે ઘે૨ ગવાતું ભજન છે. ભજનનો કેન્દ્રવર્તી વિચાર આર્તહૃદયનો પોકાર છે. ઉ૫૨ દ્રૌપદીનું જે દૃષ્ટાંત છે એ આર્તહૃદયના પોકારનું અજોડ દૃષ્ટાંત છે. માણસ થાકીને, હારીને, તૂટીને, કાતર હૃદયે પ્રભુનું શરણ સ્વીકારે છે. ત્યારે ‘પ્રપત્તિયોગ’ બને છે. એના અંતરમાંથી નીકળતી ‘આહ’ વાદળાંઓને ચીરીને પ્રભુ પાસે પહોંચે છે,

“આહ, જાતી હૈ ફલક પર રહેમ લાને કે લિયે

બાદલોં હટ જાઓ, દેદો રાહ જાને કે લિયે”

અને પછી પ્રભુકૃપાનો વરસાદ અને આફતમાંથી ભક્તની મુક્તિ.

ભક્ત તો ભગવાનને વિનંતી કરે છે કે, “મને તારો પોતાનો માની તારા ચરણમાં સ્થાન આપ.” પાંચ પાંડવોને પ્રભુએ પોતાના માન્યા, સુદામા અને શબરીને પ્રભુએ પોતાનાં માન્યાં, સુગ્રીવ અને વિભીષણને ભગવાને પોતાના માન્યા, પ્રહલાદ અને ધ્રુવને પોતાના કરી ખોળામાં લીધા. ‘કઈ લાયકાત હતી આ બધાંની?’ ૫૨મ શરણાગત ભાવ, એ જ મોટી લાયકાત.

ભક્ત, આ ભજનમાં પોતાનું અબોધપણું ખુલ્લું કરે છે, પથ્ય શું છે અને અપથ્ય શું છે, સારું શું છે, અને ખરાબ શું છે, સુપાચ્ય શું છે અને વજર્ય શું છે, એવી કોઈ ગતાગમ આપણને એનામાં જોવા મળતી નથી. એ તો બસ એટલું જ કહે છે, “પ્રભુ, દુ:ખનો કોઈ પાર નથી, હે નાથ! તું તો બધું જ જાણે છે. મને આવી પડેલી આફતમાંથી ઉગારી લે.”

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું,

મને હશે શું થાતું, નાથ નિહાળજો રે.

જગત ઉ૫૨નું કોઈ વિજ્ઞાન પૂર્ણ નથી. પૂર્ણ તો ફક્ત પરમાત્મા જ છે. માનવની અપૂર્ણતાનો, માનવની મર્યાદાઓનો તો કોઈ પાર નથી. તબીબી વિજ્ઞાન, આયુર્વેદ, યુનાની, વૈદકશાસ્ત્ર બધાંને પૂરતી મર્યાદા છે. તો પછી સાચા અને અનાદિ વૈદ્યને શરણે શા માટે ન જવું? બાઇબલમાં તબીબને ઉદ્દેશીને કહ્યું છે, “Physician heal thyself.” હે તબીબ! તું પહેલાં તારું સ્વાસ્થ્ય તો સુધાર. માંદલ વૈદ્ય અન્ય રોગીને શી રીતે સાજો કરે? આપણે ત્યાં તો કહેવાયું છે, “ઔષધ જાહ્નવી તોયં વૈદ્યો નારાયણો હરિ.” શ્રેષ્ઠ ઔષધ ગંગાનું પવિત્ર જળ અને ઉત્તમ વેદ્ય પરમકૃપાળુ પરમાત્મા. માત્ર શારીરિક રોગ જ નહીં પણ ભવરોગ ટાળનાર ભગવાન પાસેથી જ સા૨વા૨ કેમ ન લેવી?

અનાદિ આપ જ વૈદ્ય છો સાચા,

કોઈ ઉપાય વિષે નહિ કાચા.

અનાદિ, અનંતને પોકા૨ પાડતો ભક્ત થોડો અકળાય છે, અસ્વસ્થ બને છે, ફરી પોકાર કરે છે. એને ભગવાનની સર્વજ્ઞતામાં વિશ્વાસ છે, એને ભગવાનની સાર્વત્રિકતામાં શ્રદ્ધા છે, એને ભગવાનની સર્વશક્તિમત્તામાં કોઈ સંશય નથી અને એટલે જ એ વિશ્વેશ્વરને પ્રાર્થે છે, હે વિશ્વેશ્વર મારો મૂંઝારો તો જુઓ, તમારા હાથમાં જ બાજી છે અને તમે ધારો તો હારને જીતમાં પલટી નાખવા સક્ષમ છો તો પછી મને શા માટે ટટળાવો છો? ‘વેલેરા પધારો હરિ, ભક્તોની વહારે’ હું તો તારાં ચરણ પકડી બેઠો છું.

વિશ્વેશ્વર શું હજુ વિસારો,

બાજી હાથ છતાં કાં હારો?

હવે તો આ દેહરૂપી ગઢ ઘેરાઈ ગયો છે. અમારો પુરુષાર્થ નકામો છે. દવા નહિ પણ દુવા એક જ બચવાનો સાચો માર્ગ છે. ભક્ત તો ભૂધરને એક જ વિનંતી કરે છે, “હે ભૂધર! તું અમારું રક્ષણ નહિ કરે તો, લાજ તારી જશે, મારી નહિ.”

લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.

પરમ શરણાગતભાવનું આ ભજન પ્રપત્તિયોગમાં પરિણમે છે અને પરિણામે ભક્તનું યોગક્ષેમ ઇચ્છતા ભગવાન ભક્તની લાજ બચાવવા હાજરાહજૂર થાય છે.

‘વર્ણસંગાઈ’ અલંકારની ભરમાર તો જુઓ આ ભજનમાં.

– હાથે હરિ સંભાળ જો રે. હ, હ

– પોતાનો જાણી, પ્રભુપદ પાળજો રે. ૫,૫,૫

– નાથ નિહાળજો રે. ન,ન,

– વેળા વાળજો રે. વ,વ

– મહા મૂંઝારો મારો. મ,મ,મ

– ભૂધર ભાળજો રે. ભ,ભ

અનાયાસે યોજાયેલ ‘વર્ણસંગાઈ’ અલંકાર ‘શ્રવણ’ને અત્યંત રોચક લાગે છે.

એ જ રીતે, હરિ, નાથ, વિશ્વેશ્વર, નટવર અને ભૂધર જેવાં ભગવાનનાં નામો કાવ્ય ને અને કડીને અનુરૂપ ખૂબ જ સાહજિકતાથી કવિની કલમમાંથી સરી પડ્યાં છે.

‘અમૃતમ્’ નામની પુસ્તિકામાં, ‘પ્રેરણા’ વિભાગમાં આવતી એક ‘પ્રેરણા’ જોઈએ.

“પ્રભુ સમક્ષ એકાંતભાવે રજૂ થયેલ તમારી પામરતા, કૃપાની મધુવર્ષાની અચૂક યોગ્યતા સિદ્ધ કરે છે. તમારું સ્વાભાવિક દૈન્ય, અનંત શક્તિને તમને સહાયક થવાની સુભગ પળો ઉત્પન્ન કરે છે.

તમારી અલ્પજ્ઞતાની સ્વીકૃતિ, ભગવાનના અમોઘ જ્ઞાનપ્રવાહને તમારા તરફ પ્રવાહિત કરવાનો સુઅવસર ઉત્પન્ન કરશે.

વાયુ વિકંપિત વર્ષા બિન્દુ જેવું તમારું નિઃસહાય અસ્તિત્વ જ્યારે માયિક પવનથી કંપાયમાન બને ત્યારે પ્રાર્થના કૃપાસિંધુને તમને મળવા મિલનોત્સુક ક૨શે.”

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે

પદ્યમાં લખાયેલું આ ભજન એક કવિહૃદયની નમ્ર પ્રાર્થના જ છે ને!

ક્રાંતિકુમાર જોશી

પ્રેરણા – પાન – ૯૯ – અમૃતમ્

પ્રમુખ, શ્રી ભગવત્ સાધન સંઘ ગોંડલ – ૩૬૦૩૧૧

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.