(શ્રી ઓ.પી.એન. કલ્લા સ્પેસ એપ્લીકેશન સેન્ટર, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર તેમ જ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદના અધ્યક્ષ છે. ઈન્સેટ-૨ની સફળતામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.)

આપણા દેશમાં ઉપગ્રહ સંદેશા વ્યવહારે પ્રાયોગિકમાંથી હવે વ્યાવહારિક કાર્યસ્વરૂપના તબક્કામાં પ્રવેશ કર્યો છે. ૧૯૭૫-’૭૬માં અમેરીકન બનાવટના ATS – 6 (એ ટી એસ -૬) ઉપગ્રહ દ્વારા “સેટેલાઈટ ઈન્સ્ટ્કશનલ ટેલીવીઝન એક્સપેરીમેન્ટ” (STTE) અને ત્યારબાદ ૧૯૭૭ – ’૭૯ દરમ્યાન, “ફ્રાન્કો જર્મન સેટેલાઈટ સીમ્ફોની’ વડે “ટેલીકોમ્યુનિકેશન એક્સપેરીમેન્ટ પ્રોજેક્ટ” (STEP) ચલાવવામાં આવતા હતા. આ પ્રયોગથી દેશની દૂરસંદેશાવ્યવહાર પદ્ધતિ માટે ઉપગ્રહોના ઉપયોગની મહત્તા સમજાઈ અને સાથે સાથે એ કાર્ય માટેનાં મૂળ નખાયા, અને સરકારે “ઈન્ડિઅન નેશનલ સેટેલાઈટ સીસ્ટમ” (ઈન્સેટ) ને લીલી ઝંડી આપી. આમ, ઈન્સેટ દ્વારા દેશની મહત્ત્વની આવશ્યકતાઓ પૂરી પાડવા માટે પ્રત્યક્ષ સ્વરૂપે અવકાશક્ષેત્રમાં આપણે પદાર્પણ કર્યા. વિવિધ ક્ષેત્રોને આવરી લેતી આ બહુલક્ષી યોજનામાં આંતરિક દૂર સંદેશાવ્યવહા૨, પૃથ્વીનાં હવામાનને લગતી માહિતી મેળવી તેનું પ્રસારણ, દૂરદર્શનનું સીધું પ્રસારણ, આકાશવાણી અને દૂરદર્શનનાં જમીન પરનાં કેન્દ્રોનાં મોજા ઝીલી તેનું દેશભરનાં મથકો સુધી પ્રસારણ, તદ્ઉપરાંત કેટલીક તાત્કાલિક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો.

‘ઈન્સેટ’નો આ પ્રકલ્પ એક સંયુક્ત સાહસ છે જેમાં “ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ” (DOS), “ધ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન્સ” (DOT), “ધ ઈન્ડિયા મટીરીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ” (IMD) આકાશવાણી અને દૂરદર્શન જેવાં વિવિધ સરકારી ખાતાંઓ અને સંસ્થાઓને સાંકળી લેવામાં આવેલ છે.

પ્રારંભમાં ઈન્સેટ – ૧ની યોજના તૈયાર થઈ જેમાં બે બહુલક્ષી ઉપગ્રહો ધરાવતા અવકાશીય ઘટકનો સમાવેશ કરવામાં આવ્યો. આ યોજના અંતર્ગત તમામ સેવાઓ મળી રહે એવો એક પ્રાથમિક ઉપગ્રહ અને બીજો મુખ્ય (Major) ઉપગ્રહ જે નિશ્ચિત સેવાઓ ઉપરાંત વધારાની પ્રસારણ સેવાઓ અને અન્ય મહત્ત્વની બાબતો માટે સુસજજ કરવામાં આવ્યો.

સાત વર્ષનું આયુષ્ય ધરાવતા આ ઈન્સેટ ઉપગ્રહો ભારતીય ધારા ધોરણોને અનુલક્ષીને અમેરીકાની ફોર્ડ એરોસ્પેસ કોર્પોરેશન (FAC) દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. અમેરીકા પાસેથી ઈન્સેટ – ૧ શ્રેણીના A,B,C,D, એ રીતે ચાર ઉપગ્રહો ખરીદવામાં આવ્યા હતા, જેમાંનો ઈન્સેટ-૧ બી ૧૯૮૩થી ૧૯૯૦ સુધી કાર્યરત રહ્યો જ્યારે ઈન્સેટ – ૧ ડી હાલ કાર્યરત છે.

આ પહેલાં જો કે ૧૯૮૧માં ‘એપલ’ ઉપગ્રહ અવકાશમાં છોડીને આપણા દેશે ઘર – આંગણે ઉપગ્રહો બનાવવાની ક્ષમતા સિદ્ધ કરી. એ ઉપગ્રહ મારફતે સંદેશા વ્યવહારના ઘણા પ્રયોગો પણ હાથ ધરાયા. આ સિદ્ધિથી પ્રોત્સાહિત થઈને ’૯૦ના દાયકા દરમ્યાન, વિદેશી બનાવટના ઈન્સેટ – ૧ ઉપગ્રહોને સ્થાને આપણા વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા ઈન્સેટ – ૨ ઉપગ્રહોની શ્રેણી તૈયાર કરી અને અવકાશમાં મૂક્યા.

‘અવકાશીય ઘટક’ની આ યોજના અને તદ્અનુરુપ ઉપગ્રહોને ‘DOT’, ‘IMD’, ‘AIR’, અને દૂરદર્શન જેવી સંસ્થાઓની આવશ્યક્તાને ધ્યાનમાં લઈ ઓપ આપવામાં આવ્યો.

સંપૂર્ણ સુસજ્જ ઈન્સેટ ૨ના અવકાશીય ઘટકમાં પ્રાથમિક ભ્રમણકક્ષાએ સ્થિત બે બહુલક્ષી ઉપગ્રહો મુકવામાં આવેલ છે. ઈન્સેટ – ૨ના પ્રથમ બે ઉપગ્રહોને પરીક્ષણ ઉપગ્રહો તરીકે છોડવામાં આવ્યા. જો કે, ‘ઈન્સેટ – ૨ એ’ના સફળ ઉડ્ડયન બાદ એને કાર્યરત ઉપગ્રહ જાહેર કરવામાં આવ્યો.

ઈન્સેટની ઘર આંગણે તૈયાર થયેલી આ દ્વિતીય શ્રેણીમાં ઈન્સેટ – ૨ એ’ પ્રથમ ઉપગ્રહ છે. આ ઉપગ્રહ ૧૯૯૦માં યુરોપીઅન લોન્ચ વ્હીકલ (ARIANE) ‘એરેને’ દ્વારા છોડવામાં આવ્યો, જે અવકાશીય સેવાઓ પૂરી પાડતો બહુલક્ષી, ભૂસ્થરીય પ્રથમ ઉપગ્રહ છે. જ્યારે ૧૯૯૧માં છોડાયેલો ‘ઈન્સેટ – ૨ – બી’ પણ હાલ કાર્યરત છે. ‘ઈન્સેટ – ૨ – સી’ ૧૯૯૫ના મધ્યમાં છોડવામાં આવે તેવી ધારણા છે. ઈન્સેટ – ૨ ઉપગ્રહો, ઈન્સેટ – ૧ જેવા જ છે. પણ, વજનની દૃષ્ટિએ ૫૦ ટકા વધારે ભારે છે અને કેટલીક બાબતોમાં વધારે ક્ષમતા પણ ધરાવે છે.

‘ઈન્સેટ ૨ – એ’ અને – ‘બી’ ઉપગ્રહો ૧૮ એકમોનું ‘સી બેન્ડ’ અને એક્સટેન્ડેડ સી બેન્ડ તથા, એફ.એસ.એસ. ટ્રાન્સપોન્ડર ધરાવે છે. એ જ રીતે ૨ – એસ બેન્ડ, ઉચ્ચ શક્તિ ધરાવતું એસ બેન્ડ ટ્રાન્સપોન્ડર ચેનલ, (જે તરંગોને વધારે શક્તિશાળી બનાવી, ભૂ મથકોને પ્રસારીત કરે છે) ડેટા રીલે ટ્રાન્સપોન્ડર, ૪૦૬ મેગાહર્ટઝ ધરાવતું સર્ચ અને રેસ્ક્યુ ટ્રાન્સપોન્ડર અને વી. એચ.આર.આર. – (વેરી હાઈ રીઝોલ્યુશન રેડીયોમીટર – જે એક પ્રકારની રડાર સીસ્ટમ છે) પણ ધરાવે છે. અત્યધિક શક્તિશાળી ઈલેક્ટ્રોનીક્સ પ્રણાલી પણ આ ઉપગ્રહોમાં સમાવિષ્ટ છે. ઈન્સેટ – ૧ જેવી જ SOW TWTA એસ બેન્ડ ટ્રાન્સપોન્ડર ચેનલ ઈન્સેટ – ૨માં વપરાઈ છે. સાથે જ Solid State પાવર ઈન્સેટ – ૨માં વપરાઈ છે. સાથે જ Solid State પાવર એમ્પ્લીફાયર્સ પણ બધા જ સી બેન્ડ અને એક્સટેન્ડેટ સી બેન્ડમાં પ્રસારણ કાર્ય માટે ગોઠવાયેલા છે. ‘ઈન્સેટ – ૨ – સી’ અને ‘૨ – ડી’ માં ત્રણ ક્યુ બેન્ડ ટ્રાન્સપોન્ડરની સાથે અગાઉના ઉપગ્રહમાં વપરાયેલ VHRRની જગ્યાએ મોબાઈલ કોમ્યુનીકેશન ટ્રાન્સપોન્ડર ગોઠવવામાં આવેલ છે.

ઈન્સેટ – ૨ના આ સમગ્ર પ્રકલ્પનાં સફળ કાર્યવહન માટે હસન ખાતે આવેલાં ‘ઈન્સેટ માસ્ટર કન્ટ્રોલ ફેસીલીટી’ની સગવડોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભ્રમણ દરમ્યાન જ V.H.R.R.ની ચકાસણી માટેનાં સાધનો ઉપરાંત ૧૧ મીટરનો વ્યાસ ધરાવતાં બે “સેટેલાઈટ કન્ટ્રોલ અર્થ સ્ટેશન” અને ઈન્સેટ – ૨ “સેટેલાઈટ કન્ટ્રોલ સેન્ટર” પણ તૈયાર કરવામાં આવ્યાં છે. વળી ઈન્સેટ – ૨ સી માં ગોઠવવામાં આવનારાં ક્યુ બેન્ડ માટે પણ વિશિષ્ટપણે સુધારા વધારા કરવામાં આવેલા છે.

ભાષાંતર: શ્રી નિરુપમ છાયા

(મૂળ અંગ્રેજી લેખનાં ભાષાંતર માટે ભુજની લાલન કૉલેજના પ્રાધ્યાપક લીંકન ચૈાહાણ અને દૂરદર્શનનાં સ્થાનિક હાઈ પાવર સ્ટેશનના આસી. ઈન્જી. શ્રી જાનીસાહેબનો સહકાર મળ્યો છે.)

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.