(શ્રી ફ્રેંક લીમેન્સ – પોતે એક વિશાળ આંતરરાષ્ટ્રીય બીઝનેસ સંસ્થા Oce Internationalમાં વાઈસ પ્રેસીડન્ટ રૂપે કાર્ય કરે છે, જેમાં સમગ્ર વિશ્વમાં લગભગ ૪૦૦૦ લોકો કાર્ય કરે છે. તેમણે પોતે આ સંસ્થામાં વેદાંતના વિચારોનો અમલ કર્યો અને પરિણામે હરિફાઈના જગતમાં ટક્યા તેમ જ શાંતિ અને આનંદ મેળવ્યાં. નેધરલેન્ડમાં રામકૃષ્ણ વેદાંત સોસાયટીના તેઓ પ્રથમ પ્રૅસીડેન્ટ હતા. હાલ તેના સદસ્ય છે. ૧૮થી ૨૦ જૂન ૧૯૯૩માં હૉલેન્ડમાં યોજાયેલ યુરોપિયન વેદાંત કોન્ફરન્સમાં તેમણે આપેલ પ્રવચનનો આ સાર છે.)

મૅનૅજમૅન્ટ શું છે?

મૅનૅજમૅન્ટની વ્યાખ્યા આ રીતે કરી શકાય; “લોકો દ્વારા કાર્યો કરાવવાં.” આ વ્યાખ્યામાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છેઃ

–‘‘કાર્યો’’ – એટલે કે, ચોક્કસ ધ્યેયો, જે સિદ્ધ કરવાનાં છે.

-‘‘કરાવવાં’’– એટલે કે, અમલ અને ક્રિયા.

-‘‘લોકો દ્વારા’’– એટલે કે, જવાબદારીની વહેંચણી, સંસ્થા અને પ્રત્યાયન.

મૅનૅજર કઈ રીતે કાર્યક્ષમ બને તેનો આધાર આ ત્રણે તત્ત્વોનાં યોગ્ય સંતુલન પર છે. આ સંતુલનનો આધાર તેના સંચાલનની કાર્ય પદ્ધતિ પર છે.

મૅનૅજમૅન્ટની શૈલી

સંચાલનની શૈલીનો આધાર મુખ્યત્વે મૅનૅજરના વલણ તથા તેની જીવનદૃષ્ટિ પર છે. તેનું દર્શન વ્યક્તિની સંભાળ સામે સમૂહની સંભાળ વચ્ચે પસંદગી, તેના હેતુઓ અને તેને આધારે થતાં કાર્યમાં થઈ શકે છે. માત્ર કામના પરિણામ પર જ ભાર મૂકવો તે લશ્કરી મૅનૅજમૅન્ટનું લક્ષણ છે. (“તેમણે શું કરવું તે હું કહું છું”) માત્ર વ્યક્તિની સંભાળ પર ભાર મૂકવો તે સર્જનાત્મક સંચાલન શૈલીનું લક્ષણ છે. (“તમારામાંથી કોના પાસે સારો વિચાર છે?) બન્ને પર સંતુલિત મહત્ત્વ આપવું તે સર્વસંમતિ દ્વારા થતા સંચાલનનું લક્ષણ છે.

મૅનૅજરની જીવનદ્દષ્ટિ તેની સંચાલન કરવાની શૈલીમાં મહત્ત્વનો ભાગ ભજવતી હોવાથી, આપણે સંચાલનની બે વિચારધારાઓ તપાસીશું: પારંપારિક પશ્ચિમી વિચારધારા અને વેદાંતની વિચારધારા, જે પશ્ચિમી મૅનૅજમૅન્ટના ખ્યાલને વિશાળ તથા અદ્યતન મૅનૅજમૅન્ટ શૈલીમાં વિકસાવે છે – જે વર્તમાન સમય માટે આદર્શરૂપ છે.

પશ્ચિમની મૅનૅજમૅન્ટની વિચારધારા

પારંપારિક પશ્ચિમની દૃષ્ટિ ગ્રીક તથા ન્યૂટનના વિશ્વ વિષેના ખ્યાલ પર આધારિત છે: આ ખ્યાલના મતે-

* આપણે વસ્તુઓના જગતમાં રહીએ છીએ.

* તેથી દરેક વસ્તુને કદ, વજન, સમય, વર્તન વગેરેના સંદર્ભમાં માપી શકાય. 

* દરેક બાબત વિષે આયોજન કરી શકાય તથા તેનું પરિણામ નક્કી કરી શકાય.

તેથી મૅનજર પોતાના હેતુઓને સ્પષ્ટ રીતે વર્ણવી શકશે. દા.ત. ‘અ’ યુનીટનું ઉત્પાદન કરવાની બાબતમાં તે પોતાને જરૂરી લોકો વિષે સ્પષ્ટ જણાવી શકે. અથવા, ‘ક’ કે ‘ખ’ વર્ગના લોકોની સંખ્યા વિષે, તેમણે કરવાનાં કામ વિષે તે સ્પષ્ટ વર્ણન કરી શકશે.

અહીં આંત૨ પ્રેરણાની જરૂર નથી, નથી લાગણીઓની જરૂર, માત્ર હકીકતો જ! બધું જ માપી શકાય તથા તેના પરિણામ વિષે આગાહી કરી શકાય. અહીં વ્યક્તિની જરૂરિયાતોને નાણાકીય વળતરમાં સમજવામાં આવે છે.

અહીં ટૂંકા ગાળાની કાર્યક્ષમતા મુખ્ય બાબત છે. લાંબા ગાળાનો વિકાસ તથા વ્યક્તિગત વિકાસ ગૌણ બાબત ગણાય છે.

આ દૃષ્ટિમાં મૅનૅજરનો સંસ્થા પર પ્રબળ પ્રભાવ છે તે જ નિર્ણયો લે છે. સફળતાનો યશ તે વ્યક્તિગત રીતે લે છે.

આ સંચાલનનો ખ્યાલ ટૂંકા ગાળાની કાર્યક્ષમતા તથા કાર્યો માટે સારો છે. પણ લાંબે ગાળે પરિણામોને સહન કરવું પડે છે. તેની અસર મૅનૅજર પર પણ પડવાની. જો ઈચ્છિત પરિણામો ન આવે, તો તેની ચિંતા વધશે. તેની ઊંઘ હરામ થઈ જશે. તેને શાંતિ નહીં મળે, અને તેની ઉંમર વધતી જશે તેમ તે તેનાથી યુવા કાર્યકરો સાથે તાલ નહીં મેળવી શકે તો તે હતાશ થશે તથા હૃદયની સમસ્યાઓ વધશે.

વેદાંતની મૅનૅજમૅન્ટની વિચારધારા

વેદાંતની મૅનૅજમૅન્ટની દૃષ્ટિ વેદાંત – તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો તથા તેને અમલમાં મૂકવાના માર્ગ પર આધારિત છે. વર્તમાન સમય માટે તે આદર્શ ખ્યાલ છે. તે મૅનૅજરને કાર્યક્ષમ થવામાં તથા અત્યંત મુશ્કેલ સંયોગોમાં પણ સ્વયં તથા બાહ્ય પર્યાવરણ સાથે શાંત અને સ્વસ્થ રહેવામાં સહાયરૂપ થશે.

ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના અઢારમા શ્લોકમાં કહ્યું છે, ‘જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે.’

આ શ્લોક ભારપૂર્વક કહે છે કે આપણે કર્મના ફળ પ્રત્યે અનાસક્ત થવું જોઈએ. આનો મૅનૅજર અમલ કરે તો શું થાય?

(૧) પ્રથમ તો તે જે તે સમયે જે કરે છે ત્યારે વ્યક્તિગત સ્વાર્થના વિચારોથી વિચલિત થયા વગર કેન્દ્રિત થઈ શકે છે. આ એકાગ્રતા તેને તે જે કરે છે તેમાં પૂર્ણતા મેળવવા તરફ દોરશે. આ રીતે દરેક કામ કરવાથી અંતિમ પરિણામ સહજ રીતે પૂર્ણ જ રહેવાનું. તેથી ધ્યેય અને તેની પ્રક્રિયા વચ્ચે અદ્વૈત સ્થપાશે. પ્રક્રિયામાં માપદંડ નથી, પરંતુ ધ્યેયે ન પહોંચાય. તેથી, જો પ્રક્રિયામાં ખામી રહે તો ધ્યેયે ન પહોંચાય. તેથી સફળતા માટે પરિણામ જ માત્ર મહત્ત્વનો માપદંડ નથી, પરંતુ પ્રક્રિયા અને પરિણામ બન્ને છે.

આ પ્રકારની મૅનૅજમૅન્ટની વિચારધારા જપાની મૅનૅજમૅન્ટની વિચારધારામાં પણ જોવા મળે છે.

આજે સમગ્ર વિશ્વમાં મૅનજરો “ટોટલ ક્વૉલિટી મૅનૅજમૅન્ટ” (પૂર્ણ ગુણવત્તાવાળું સંચાલન) એ નવા ખ્યાલ વિષે ચર્ચા કરે છે. પણ જેઓ ૩૦૦૦ વર્ષ જૂના વેદાંતિક વિચારોથી પરિચિત છે તે તેને વેદાંતિક ખ્યાલ તરીકે જ સ્વીકારે છે. ‘ટોટલ ક્વૉલીટી મૅનૅજમૅન્ટ’ એ વસ્તુઓની ગુણવત્તા જ માપવી, તેની ખામીઓ દૂર કરવી વગેરે જ નથી; તે તો દરેક વસ્તુ કે પગલાંને શરૂથી જ પૂર્ણ કરવા તરફ ભાર મૂકે છે.

(૨) બીજું, તે કામની ભાગીદારી તરફ દોરે છે. મૅનૅજર અહીં એ સ્વીકારે છે કે જ્યાં સુધી કામ થાય છે ત્યાં સુધી પોતે કર્યું કે બીજાએ તે મહત્ત્વનું નથી, તેથી સિદ્ધિઓ પોતે જ મેળવી છે તેવું તે ગૌરવ નહીં લે, પણ સમગ્ર જૂથના સભ્યોની સિદ્ધિનું ગૌરવ અનુભવશે. આ ઘટનાને પરિણામે તેની સંસ્થાના સભ્યો વધુ સિદ્ધિ માટે પ્રેરિત થશે.

(૩) ત્રીજું, દિવસ પૂરો થશે અને પરિણામ ધાર્યું નહીં આવે તો તે ચિંતાગ્રસ્ત નહીં થાય. તે વિચારશે કે, “જૂથના બધા સભ્યોએ પોતાથી થાય તેટલું સારું કામ કર્યું. આવતી કાલે અમે વધારે સારું કામ કરીશું.” તેથી તે તાણમુક્ત અને હળવો રહેશે.

વેદાંત એ અદ્વૈત તથા નિષ્ઠાનું તત્ત્વજ્ઞાન છે, જે માને છે કે ‘દરેક વ્યક્તિ પોતામાં રહેલ અદ્વૈત ચેતનાનો વિકાસ કરી શકે.’ આ ચેતના તેનામાં પ્રબળ શક્તિ પ્રગટાવશે અને તે તેને હંમેશ માટે મુક્ત કરશે. તે એમ પણ માને છે કે અદ્વૈત એ શુદ્ધતમ પ્રેમ છે.

જો મૅનૅજર પાસે આ પ્રેમને વ્યવહારમાં અમલ કરવાની હિંમત હશે તો શું પરિણામ આવશે?

તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય તથા વ્યક્તિગત સાહસ માટે અવકાશ સર્જશે. પ્રથમ કાર્ય તે ‘જીવો અને જીવવા દો’નો સૂર અપનાવીને કરશે; એટલે કે પોતે પોતા માટે ઈચ્છે તેવી જ સ્વતંત્રતા બીજાને આપવી તે. બીજું કાર્ય તે અન્ય સભ્યોને સત્તામાં ભાગીદારી આપી તથા તેમને પડકારરૂપ કાર્યો સોંપી તેમનામાં આત્મવિકાસની પ્રેરણા જગવશે. બન્ને દ્વારા, સામૂહિક ધ્યેયોની સિદ્ધિ તથા તત્કાલીન વ્યવસાયિક પરિસ્થિતિમાં કર્મચારીનાં સુખ તરફ બધા જશે.

અહીં તેનો પારંપારિક પશ્ચિમી મૅનૅજમૅન્ટના ખ્યાલ સાથે તફાવત જાણી લેવો જોઈએ. “વ્યક્તિગત કાર્ય અહીં વ્યક્તિના આત્મવિકાસ સાથે જોડાયેલ છે, નહીં કે નાણાંકીય વળતર કે સજા સાથે.”

તેથી વેદાંતની મૅનૅજમૅન્ટ વિષેની દૃષ્ટિ પશ્ચિમના પારંપારિક મૅનૅજમૅન્ટના ખ્યાલને વિશાળ, અદ્યતન કરે છે. અને વ્યક્તિની જરૂરિયાતો તથા સંસ્થાનાં ધ્યેયો વચ્ચે પૂર્ણ સંતુલન સાધે છે.

સારા મૅનૅજર કેમ થવાય?

આ પ્રશ્ન આપણા બધા માટે ઉપયોગી છે. માતા કુટુંબનું સંચાલન કરે છે. તેને તેનાં બાળકોનાં ઉછેર માટે તેના પતિ, કુટુંબના અન્ય સભ્યો તથા શાળાના શિક્ષકોની સહાયની જરૂર છે. સ્વામી આશ્રમનું સંચાલન કરે છે, તેના ભક્તોના ટેકાની આવશ્યક્તા છે. મૅડિકલ ડૉક્ટર તેની પ્રૅક્ટીસનું સંચાલન કરે છે. તેને તેનું કામ સારી રીતે કરવા માટે તેના સહાયકની સહકાર્યકરોની તથા તેના દર્દીઓની પણ સહાયની જરૂર પડે છે…વગેરે.

સારો મૅનૅજર વેદાંતના મૅનૅજમૅન્ટના સિદ્ધાંતોને અનુસરશે. એટલે કે,તેના પાસે નિશ્ચિત અને સ્પષ્ટ ધ્યેય હશે.

આ ધ્યેય સિદ્ધ કરવા માટે તેના પાસે પોતાની શક્તિ એકાગ્ર કરવાની આવડત હશે.

તે સારો શ્રોતા હશે. તેને બીજા પ્રત્યે સહાનુભૂતિ હશે. વ્યક્તિગત સ્વાર્થ ભાવનાથી મુક્ત હશે. બીજા શબ્દોમાં કહીએ તો, ભગવદ્ગીતાના અંતિમ શ્લોકમાં સૂચવેલ ડહાપણ અને કાર્યનો તેનામાં સમન્વય હશે.

શ્લોક છે, “જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે.’’ એટલે કે પૂર્ણ આનંદ છે. 

ભાવાનુવાદ: શ્રી હરેશ ધોળકિયા

Total Views: 199

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.