વૈદિક કાળની એક બ્રહ્મવાદિની વિદુષી તરીકે ગાર્ગીનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. ગાર્ગી જેવી વિદુષી હતી તેવી જ તેજસ્વિની અને ભરસભામાં માર્ગ મૂકાવે તેવી પ્રતિભાશાળી સ્ત્રી હતી.

ગાર્ગીના પિતાનું નામ ‘વચક્નુ’ હતું, એટલે તે ‘વાચક્ નવી’ તરીકે પણ ઓળખાય છે. ‘ગર્ગ’ ગોત્રમાં તે જન્મી હતી, એટલે તે ગાર્ગી તરીકે પણ ઓળખાય છે. વાચક્નવી કરતાં ગાર્ગી નામથી તે વધુ જાણીતી થઈ છે.

ભરી સભામાં પણ આ તેજસ્વી વિદુષી કેવો શાસ્ત્રાર્થ કરી જાણતી હતી તેનું આબેહૂબ વર્ણન બૃહદારણ્યક ઉપનિષદમાં મળે છે.

રાજા જનક જનક વિદેહી, બહુ વિદ્યાવ્યાસંગી અને સત્સંગી હતા. તેમના દરબારમાં કોઈ ને કોઈ વિષય ઉપર શાસ્ત્રાર્થ થયા જ કરતો હતો.

રાજા જનક વિધવિધ પ્રકારના યજ્ઞો પણ કરાવતા હતા. આવા યજ્ઞોમાં દેશભરના વિદ્વાનો એકત્ર થતા અને જ્ઞાનચર્ચા ચાલતી. એક વાર જનકે બહુ મોટો જ્ઞાનયજ્ઞ આરંભ્યો. તેમાં ભાગ લેવા પોતાના દેશના તેમ જ આજુબાજુના બીજા પ્રદેશોના અનેક વિદ્વાન બ્રાહ્મણો એકત્રિત થયા હતા.

આટલી મોટી સંખ્યામાં વિદ્વાન બ્રાહ્મણોને એકત્રિત થયેલા જોઈ સ્વાભાવિક રીતે જ રાજા જનકને થયું: ‘બ્રહ્મ (બ્રહ્મતત્ત્વ) જાણે તે બ્રાહ્મણ. લાવો ને, જોઈએ તો ખરા, આટલા બધા વિદ્વાન બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા કોણ છે? જે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા ઠરે તેને હું સોનાથી મઢેલાં શીંગડાંવાળી ઉત્તમ જાતની એક હજાર ગાયો ભેટ આપીશ.’

રાજા જનકે પોતાનો આ વિચાર જાહેર કર્યો અને કહ્યું: ‘હે બ્રાહ્મણો, આપનામાંથી જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા (બ્રાહ્મણ) હોય તે આ સોને મઢેલાં શીંગડાંવાળી ગાયોને દોરી જાય!’

રાજાની આ જાહેરાત પ્રમાણે કોઈ બ્રાહ્મણ પોતાને શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની પુરવાર કરીને એ હજાર ગાયો હાંકી જવાની હિંમત કરતો નહોતો, સૌને પોતાની એવી યોગ્યતા વિષે શંકા હતી.

પરંતુ આ બધા બ્રાહ્મણોમાં એક હિંમતબાજ અને પોતાના બ્રહ્મકર્મ તેમ જ બ્રહ્મજ્ઞાન વિશે અચળ શ્રદ્ધા ધરાવનાર બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ બીજો કોઈ નહિ પણ મુનિ યાજ્ઞવલ્કય. મુનિ યાજ્ઞવલ્કયે વિચાર્યું: ‘આમેય મારા આશ્રમમાં ગાયોનો તોટો છે જ અને એને લીધે મારા વિદ્યાર્થીઓ બ્રહ્મચારીઓ બિચારા પૂરું દૂધે ય પામતા નથી અને રાજાએ આ ગાયોને કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણને આપી દેવા માટે ઘોષણા કરેલી છે જ. વળી કોઈ બ્રાહ્મણ ગાયોના ધણને હાંકી જવા ઊભો થતો નથી, તો પછી હું પણ ભણવા-ભણાવવાનું આદર્શ બ્રાહ્મણનું જ કામ કરું છું ને? અને એ કામ માટે હું ગાયો દોરી જાઉં તો એમાં ખોટું પણ શું છે? તો આ ગાયો મારા આશ્રમે લઈ જવા દે.’

આ વિચારે મુનિ યાજ્ઞવલ્ક્યે પોતાના પટ્ટ બ્રહ્મચારીને ગાયોને દોરી જવા માટે આજ્ઞા કરી. ગુરુનો આદેશ માથે ચડાવીને બ્રહ્મચારી ઊઠ્યો અને ગાયોને દોરી જવા લાગ્યો.

આથી ત્યાં ઉપસ્થિત થયેલા સૌ બ્રાહ્મણો ખળભળી ઊઠ્યા. તેમાં રાજા જનક વિદેહીના અશ્વલ નામના મુખ્ય હોતાએ (હોમ કરનાર બ્રાહ્મણે) અધીર બનીને યાજ્ઞવલ્ક્યને સીધો જ પ્રશ્ન કર્યો: ‘યાજ્ઞવલ્ક્યજી, શું અહીં એકત્ર થયેલા સૌ બ્રાહ્મણોમાં તમે જ શ્રેષ્ઠ છો? તમારા કરતાં વધુ બ્રહ્મવેત્તા કોઈ છે જ નહિ? ઊભા રહો, ગાયો દોરી જતાં પહેલાં તમારે તમારી આ વાત સાબિત કરી બતાવવી પડશે.’

યાજ્ઞવલ્ક્યે જવાબમાં અત્યંત નમ્રતા સાથે કહ્યું: ‘ભાઈઓ, અહીં ઉપસ્થિત થયેલા સૌ બ્રાહ્મણોમાં હું સર્વશ્રેષ્ઠ છું એવો મારો દાવો નથી. પરંતુ મારા આશ્રમમાં ગાયોની ખૂબ જરૂર છે. મારા બ્રહ્મચારીઓ બિચારા પૂરું દૂધ પણ પામતા નથી. એટલે આ ગાયોને દોરી જવાની મેં હિંમત કરી છે. આમ છતાં મારા શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા હોવાના સંબંધમાં તમારે સૌને શાસ્ત્રાર્થ કરવો હોય તો તેની પણ મને ના નથી. હું યથાશક્તિ – યથામતિ તમારા પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીશ.’

યાજ્ઞવલ્ક્યનો આવો જવાબ સાંભળી, જે જે બ્રાહ્મણોને યાજ્ઞવલ્ક્યની શ્રેષ્ઠ બ્રહ્મવિદ્યાની ખાતરી કરવી હતી તેઓ વારાફરતી ઊઠ્યા અને યાજ્ઞવલ્ક્યને એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યા. સૌ પ્રથમ રાજા જનક વિદેહીના હોતા-અશ્વલે જ યાજ્ઞવલ્ક્યને ચૂંટી ચૂંટીને કેટલાયે પ્રશ્નો પૂછ્યા. પરંતુ એ બધાયે પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપીને યાજ્ઞવલ્ક્યે તેને બેસાડી દીધો. અશ્વલ પછી જરત્કારુ ગોત્રમાં જન્મેલા આર્તભાગે પ્રશ્નો પૂછવા માંડ્યા. તેને પણ યથાર્થ જવાબ મળ્યા. એ પછી લાહ્યાયન, ભુજ્યુ, ચાક્રાયણ, ઉશસ્ત અને કુષીતકના પુત્ર કહોલે યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો પૂછ્યા. તેઓને પણ યાજ્ઞવલ્ક્ય તરફથી સંતોષકારક જવાબો મળ્યા.

એ પછી ઊઠી મહાપંડિતા ગાર્ગી. આ વખતે સૌને થયું કે, ‘મહાપંડિતા ગાર્ગીના પ્રશ્નોના જો સંતોષકારક જવાબો મળે, તો સમજવું કે યાજ્ઞવલ્ક્ય સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા ખરા.’

ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને અધ્યાત્મજ્ઞાનને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમાંના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો આ પ્રમાણે છે:

ગાર્ગીએ પૂછ્યું: ‘ભગવન્, દુનિયામાં આ બધા જે પાર્થિવ પદાર્થો છે, તે સૌ શામાં ઓતપ્રોત છે?

યાજ્ઞવલ્કયે કહ્યું: ‘જળમાં ઓતપ્રોત છે.’

‘તો પછી જળ પોતે શામાં ઓતપ્રોત છે?

‘જળ વાયુમાં ઓતપ્રોત છે, યાજ્ઞવલ્ક્યે કહ્યું.

આ પ્રકારે, એક પછી એક વાયુ, આકાશ, અંતરિક્ષ, ગંધર્વલોક, આદિત્યલોક, ચંદ્રલોક, નક્ષત્રલોક, દેવલોક, ઈન્દ્રલોક અને પ્રજાપતિલોક વિશે પ્રશ્નોત્તરી થયા પછી ગાર્ગીએ પૂછ્યું: ‘ત્યારે બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે?

ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું: “ગાર્ગી! તમારો આ પ્રશ્ન મર્યાદા બહારનો છે; કારણ કે તમામ પદાર્થો બ્રહ્મમાં સમાયેલા છે. બ્રહ્મથી અધિક કોઈ વસ્તુ નથી. તમારું જ્ઞાન અને તમારો આત્મા પણ એ બ્રહ્મમાં સમાયેલાં છે. તેથી હવે તમે જો આગળ પ્રશ્ન પૂછશો તો તમારું મસ્તક તૂટી પડશે. (અર્થાત્ એક પછી એક દરેક વસ્તુ શામાં રહેલી છે એમ પૂછવા જતાં એ પ્રશ્નનો કોઈ છેડો જ નહીં રહે અને તમારું જ્ઞાન-જ્ઞાનરૂપ મસ્તક નિરાધાર બની જશે.) તેથી બ્રહ્મ જ સર્વનો આશ્રય હોઈ ‘બ્રહ્મ શામાં રહેલું છે’ એવો બ્રહ્મથી આગળનો પ્રશ્ન તમારાથી થઈ શકે નહીં.”

ગાર્ગી એવી આછકલી વિદુષી નહોતી. તેને પોતાને પણ યાજ્ઞવલ્ક્યની વિદ્વતા માટે માન ઊપજ્યું હતું અને તે પછી તેણે પ્રશ્નો પૂછવાનું વિનયપૂર્વક મોકૂફ રાખ્યું.

ગાર્ગીના બેસી ગયા પછી બીજા કેટલાયે વિદ્વાનોએ પ્રશ્નો કર્યા. તેમને સૌને યાજ્ઞવલ્ક્યે યથાર્થ ઉત્તરો આપીને સંતોષ્યા.

સૌના પ્રશ્નો થઈ રહ્યા પછી, સૌએ ગાર્ગી તરફ મીટ માંડી. સૌ એકમતે બોલી ઊઠ્યા: ‘ગાર્ગી હવે તમારે છેવટના જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછી લો; અને યાજ્ઞવલ્ક્યના શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા સંબંધી તમે જ તમારો અભિપ્રાય ઉચ્ચારો. તમારો અભિપ્રાય અમને સૌને માન્ય રહેશે.’

સૌની વિનંતીને માન આપીને ગાર્ગી ફરી ઊભી થઈને બોલી: ‘માન્યવરો, આપણે આ જે પ્રદેશમાં એકત્ર થયાં છીએ તેમાં ક્ષત્રિયો માટે એક નિયમ હોય છે. તે એ કે અહીંનો ક્ષત્રિય માત્ર બે તીર જ પોતાના ભાથામાં રાખે છે. એ બે તીરોથી જો તે તેના હરીફને વીંધી શકે તો ઠીક, નહિ તો પછી તે પોતાનો પરાજય સ્વીકારે છે. એ જ રીતે હું પણ મહા વિદ્વાન એવા યાજ્ઞવલ્ક્યને છેવટના બે પ્રશ્નો જ પૂછીશ. એ બે પ્રશ્નોના જો તે સંતોષકારક જવાબો આપી શકશે, તો આપણે સૌ તેમને અહીં એકત્ર થયેલા બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા જાહેર કરીશું અને જનક રાજાએ દાન દેવા કાઢેલી હજાર ગાયોના સાચા હક્કદાર ગણીશું.’

આમ કહીને ગાર્ગીએ પરબ્રહ્મ સંબંધી બે મહત્ત્વના પ્રશ્નો યાજ્ઞવલ્ક્યને કર્યા. આ બંને પ્રશ્નોના યાજ્ઞવલ્ક્યે ઉચિત ઉત્તરો આપ્યા. એટલે ગાર્ગીએ ‘યાજ્ઞવલ્ક્ય શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છે’ એવો પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો. ગાર્ગીનો એ અભિપ્રાય સૌએ એકી અવાજે વધાવી લીધો.

આ ઉપરથી ગાર્ગી પોતે કેવી મહાપંડિતા હતી અને પંડિતોની સભામાં પણ તેનું કેવું વજન પડતું હતું એ હકીકત અત્યંત સ્પષ્ટ થાય છે. આ વિદુષી સ્ત્રીએ પોતાનું સમગ્ર જીવન એક કુમારિકા અને તપસ્વિની તરીકે ગાળ્યું હતું. ગાર્ગી વિશે આથી વધુ માહિતી ઉપલબ્ધ નથી, એ શોકનો વિષય છે.

ગાર્ગી જેવી ભારતવર્ષની વિદુષી કુમારિકા માટે કોઈ પણ દેશ ગર્વ લઈ શકે.

જ્ઞાની મૈત્રેયી

વેદકાળની વિદુષી સ્ત્રીઓમાં બે ઝળહળતાં નામો તે આ: એક ગાર્ગી અને બીજી મૈત્રેયી: આ બે સ્ત્રીરત્નો પ્રાચીન ભારતીય સંસ્કૃતિની યશકલગીમાં બે સુંદર પુષ્પોની જેમ સોહે છે.

આમ જોવા જઈએ તો ગાર્ગી મૈત્રેયીની માસી થતી હતી. મૈત્રેયીમાં વિદુષી માસી ગાર્ગીના ભણતરના પૂરેપૂરા સંસ્કાર ઊતર્યા હતા. ગાર્ગીની પેઠે મૈત્રેયી પણ બ્રહ્મજ્ઞાની હતી.

ગાર્ગી માસીને અપરિણીત જીવન ગાળવું પસંદ પડ્યું હતું; જ્યારે પોતાની વિદ્વાન ભત્રીજી મૈત્રેયીના પતિ તરીકે ગાર્ગીએ જ પેલા શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની યાજ્ઞવલ્ક્ય મુનિને પસંદ કર્યા હતા.

મુનિ યાજ્ઞવલ્ક્યને મૈત્રેયી સિવાય કાત્યાયની નામની એક બીજી સ્ત્રી પણ હતી. તે મૈત્રેયીથી ઉંમ૨માં નાની હતી. મૈત્રેયી પોતાની આ શોકને સગી બહેનની જેમ જ રાખતી હતી.

પ્રાચીન કાળના આર્યજનો આશ્રમધર્મનું બરાબર પાલન કરતા હતા. તેઓ ઉંમર થતાં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચારે આશ્રમો અપનાવતા હતા. યથાસમયે મુનિ યાજ્ઞવલ્ક્યે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને વાનપ્રસ્થાશ્રમ અપનાવવાનો નિશ્ચય કર્યો. આ પહેલાં તેમણે પોતાની બંને અર્ધાંગનાઓ મૈત્રૈયી અને કાત્યાયનીને પોતાની પાસે બોલાવી કહ્યું: ‘દેવીઓ, મારો વિચાર હવે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો છે, તે માટે અનુમતિ આપો, એટલે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી હું કોઈ એક અરણ્ય એકાંતવાસ અને પ્રભુભજનમાં ચિત્ત પરોવું. હું અહીંથી જાઉં તે પહેલાં આપણી પાસે જે ધનદોલત કે જરજમીન છે તે તમારા બેની વચ્ચે વહેંચી દઉં. જેથી પાછળથી કશા ટંટા ઊભા થવા ન પામે, બોલો, તમારા બે જણાંનો શો વિચાર છે?

આ સાંભળીને કાત્યાયનીને તો ખાસ કંઈ નવું ન લાગ્યું. કેમ કે અસલના ઋષિમુનિઓ આ પ્રમાણે કરતા આવ્યા હતા અને પોતાના પતિ મુનિ – યાજ્ઞવલ્ક્ય પણ આમ કરે એમાં કોઈ નવાઈ નહોતી, પરંતુ બ્રહ્મજ્ઞાની મૈત્રેયીના મગજમાં ઉપરાઉપરી વિચારો આવવા લાગ્યા. તેને થયું: ‘શું ભૌતિક સુખો પાછળ જ માનવીએ જીવનભર પડવું જોઈએ? ના, ના, આપણી આર્ય સંસ્કૃતિનો એ આદર્શ નથી. અરે, ખુદ મારા પતિ જ જ્યારે આ સંસારના ભૌતિક પદાર્થો તજીને પ્રભુના સાંનિધ્યમાં જવા તૈયાર થયા છે, ત્યારે મારે શા સારુ એ પદાર્થોમાં ભરાઈ રહેવું? બ્રહ્મતત્ત્વની ખોજ, અધ્યાત્મતત્ત્વ વિદ્યાની ઉપાસના શું એકલા પુરુષોનો જ ઈજારો છે? સ્ત્રીઓ પણ શું એ માર્ગે જઈને પોતાનું સાચું કલ્યાણ ન કરી શકે? મારી સમક્ષ તો મારાં માસીબા – ગાર્ગી માસીનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ખરું પૂછો તો એ મારાં ગાર્ગી માસીનું શિક્ષણ ઉજાળવાનો આ પ્રસંગ મારા માટે ખડો થયો છે. મુનિવર મારા ગળામાં સંસારના ભૌતિક પદાર્થો નાખવા માગે છે, પરંતુ એમાંથી હું છૂટું તો જ એમાં મારી વડાઈ. વળી જ્યાં પતિ ત્યાં સતી. મારા પતિના માર્ગે જવામાં મને શું વાંધો હોઈ શકે?

આ બધા વિચારો ઉ૫૨થી મૈત્રેયીએ હોઠ ભીંસીને દૃઢ નિશ્ચય કરી લીધો: પતિ સાથે પોતે પણ વાનપ્રસ્થાશ્રમ સ્વીકા૨વો; સંસારના ભૌતિક પદાર્થોનો ત્યાગ કરીને બ્રહ્મજ્ઞાનમાં ચિત્ત લગાડી દેવું.

મૈત્રેયીએ પોતાના આ બધા વિચારો મુનિ યાજ્ઞવલ્ક્ય આગળ અત્યંત નિખાસલભાવે પ્રગટ કર્યા અને પોતાનો પણ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો દૃઢ નિશ્ચય જાહેર કરતાં કહ્યું: “મુનિવર, આપણી જે ભૌતિક માલમિલકત છે, તે બધી જ તમે મારી બહેન કાત્યાયનીને આપી દો; મારે એમાંનું કાંઈ ન જોઈએ. મને તો જોઈએ આપના સત્સંગનો લાભ; મને તો જોઈએ આપની સાથે એ અમૃતત્વનું પાન; ‘યેનાહં નામૃતા સ્યામ્ કિમહં તેન કુર્યામ્’ (“જેનાથી મને અમૃત્વની પ્રાપ્તિ ન થઈ શકે તેવા આપના ધનને લઈને હું શું કરું?)

મૈત્રેયીના આવા ઉચ્ચ સંસ્કારો જોઈ મુનિ યાજ્ઞવલ્ક્ય ઘણા ખુશ થયા અને પ્રસન્નચિત્તે તેમણે તેને વાનપ્રસ્થાશ્રમમાં પોતાની સાથે લઈ અધ્યાત્મજ્ઞાનના માર્ગમાં આગળ વધારી.

પછી મૈત્રેયી અધ્યાત્મજ્ઞાનમાં બ્રહ્મવિદ્યામાં કેટલી આગળ વધી હતી તેનું એક જ દૃષ્ટાંત બસ થશે. આપણી પેલી વિખ્યાત પ્રાર્થના સાંભળી છે ને?

અસતો મા સદ્ ગમય, તમસો મા જ્યોતિર્ગમય

મૃત્યોર્માઽમૃતં ગમય, આવિરાવીર્ય એધિ;

રુદ્રયત્તે દક્ષિણં મુખમ્, તેન માં પાહિ નિત્યમ્ ॥

(હે પ્રભુ! મને અસત્-માંથી સત્-માં દોરી જાઓ; અંધકારમાંથી મને પ્રકાશમાં દોરી જાઓ, મૃત્યુમાંથી અમૃતમાં દોરી જાઓ; હે પ્રકાશસ્વરૂપ પરમાત્મા! તમે મારામાં પ્રકાશિત થાઓ; હે રુદ્ર (મહાદેવ), તમારા પ્રસન્ન મુખનું મને દર્શન કરાવો; તમારા એ પ્રસન્ન મુખ વડે મારી રક્ષા કરો.)

ઉરમાંથી જ સીધી પ્રગટ થતી આપણી આ શ્રેષ્ઠ પ્રભુપ્રાર્થનાની રચયિત્રી બીજું કોઈ નહિ, પણ આ મૈત્રેયી જ હતી.

મૈત્રેયી મિત્રમુનિની કન્યા હતી, તે ઉપરથી તેનું ‘મૈત્રેયી’ એવું નામ પડ્યું હતું. મિત્રમુનિ એક આદર્શ બ્રાહ્મણને છાજે તેવી એક પાઠશાળા ચલાવતા હતા. મૈત્રેયી પોતાના પિતાની આ પાઠશાળામાં જ ભણીગણી હતી, અને પંડિતા બનીને તેણે આ પાઠશાળામાં શિક્ષિકા તરીકે પણ પોતાની સેવા આપી હતી.

(સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘ભારતનાં સ્ત્રીરત્નો’માંથી સાભાર)

Total Views: 487

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.