(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.)

સ્ત્રીત્વ અને માતૃત્વ

સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ વિશ્વમાં સ્ત્રી અને પુરુષ એમ બંનેનાં અલગ અલગ કાર્યક્ષેત્રો છે. અમુક કાર્યો એવાં છે કે પુરુષ કરી શકે નહીં; તે કાર્યો માત્ર સ્ત્રીઓ માટે જ અનામત હોય છે. મૃદુતા, પ્રેમ, ધૈર્ય, સેવા અને ત્યાગ – આ બધા ગુણો સ્ત્રીઓમાં સહજ હોય છે; જ્યારે સ્વતંત્રતા, ક્રિયાશીલતા, સત્તાધિકાર અને આક્રમકતા પુરુષોમાં સહજ હોય છે. ડૉ. એલિક્સ કૅરૅલ પોતાના પ્રખ્યાત પુસ્તક, “રહસ્યમય માનવ”માં કહે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત પાયાનો છે. હકીકતમાં સ્ત્રી પુરુષ કરતાં બિલકુલ ભિન્ન છે. સ્ત્રીના શરીરનો એક એક કોશ તેના સ્ત્રીત્વને પુરવાર કરે છે.

સ્ત્રીની આ અદ્વિતીયતા કેવા પ્રકારની છે? સ્ત્રીત્વનું તત્ત્વ શું છે? માતૃત્વ એ સ્ત્રીત્વનું તત્ત્વ છે. દરેક સ્ત્રી સંભાવ્ય માતા છે, અને જ્યાં સુધી સ્ત્રી પોતાના સંભાવ્ય માતૃત્વને પૂર્ણ રીતે પ્રગટ ન કરે ત્યાં સુધી સ્ત્રી પોતાના જીવનમાં સંતોષ અને પરિપૂર્ણતા પ્રાપ્ત કરી શકતી નથી. સ્વામી વિવેકાનંદ પોતાના વ્યાખ્યાન – ભારતની સ્ત્રીઓ – માં કહે છે, ‘સ્ત્રીનું સ્ત્રીત્વ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે રાહ જોવાની હોય છે, તે છે સ્ત્રીનો, સ્ત્રીસુલભ સ્વભાવ, અને તે છે માતૃત્વ’. પરમ તત્ત્વનું ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ’માં વિભાજન આદિકાળથી ચાલતું આવેલું છે. અને એમ કહેવાય છે કે સ્ત્રી અને પુરુષ એ વિભાજનનું સ્થૂળ અને શારીરિક પ્રગટીકરણ છે. ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ’ સ્વભાવમાં ભિન્ન છે પરંતુ જીવનને બધી રીતે સમૃદ્ધ બનાવવા માટે સહકારથી સાથે રહે છે. સ્ત્રી અને પુરુષ એકબીજાનાં પૂરક છે. અને જીવનમાં બંનેએ પોતાનો વિશિષ્ટ રોલ ભજવવાનો છે. બંનેનું લક્ષ્યાંક એક જ છે – આત્મજ્ઞાન. નિઃસ્વાર્થ અને સર્વ ત્યાગ કરતો પ્રેમ એ માતૃત્વનો આત્મા છે. જ્યારે સ્ત્રી માતા બને છે ત્યારે આ પ્રકારના પ્રેમનું તેનામાં પ્રગટીકરણ થાય છે.

અહીં એક અગત્યનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે: શું માતૃત્વ શારીરિક ગુણધર્મનું સૂચન કરે છે? શું માતૃત્વ પ્રાપ્ત કરવા માટે એ જરૂરી છે કે સ્ત્રીએ લગ્ન કરવું જોઈએ અને બાળકને જન્મ આપવો જોઈએ? આ પ્રશ્નનો જવાબ શોધવામાં આપણે શ્રી શારદા દેવીની મહાનતા અને તેમણે આપેલા અનન્ય પ્રદાનની નોંધ લેવી જોઈએ. મોટા ભાગની સ્ત્રીઓ માટે લગ્ન ક૨વું અને બાળકને જન્મ આપવો એ સ્ત્રીઓમાં રહેલા સહજ માતૃત્વને સમજવા માટે અને પ્રગટ કરવા માટે જરૂરી છે, પરંતુ આ અનિવાર્ય શરતો નથી. સ્ત્રીમાં રહેલું માતૃત્વ પ્રકૃતિદત્ત છે. માતૃત્વનું પ્રકટીકરણ બાળકને જન્મ આપવો એ બાબત પર નિર્ભર નથી. આ બાબતને શ્રી શારદા દેવીએ તેમના જીવન દ્વારા સ્પષ્ટ રીતે પ્રતિપાદિત કરી છે.

સર્વસ્વનો શુદ્ધ ત્યાગ કરતો અને સર્વને આવરી લેતો પ્રેમ માતૃત્વનો સૂચક છે. જો દરેક સ્ત્રીને બચપણથી એમ શિખવવામાં આવે કે નિઃસ્વાર્થ માતૃપ્રેમ એ તેના વ્યક્તિત્વનો અનિવાર્ય ગુણધર્મ છે તો દરેક સ્ત્રી એ વલણ કેળવી શકે. માતૃત્વની પવિત્રતા એ દરેક સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે. દરેક સ્ત્રી માતા છે જ; તેણે કંઈ માતા બનવાનું હોતું નથી. શુદ્ધ, નિઃસ્વાર્થ અને બધાને આવરી લેતા પ્રેમના સ્વરૂપમાં તેણે પોતાનું પ્રકૃતિદત્ત માતૃત્વ પ્રગટ કરવાનું છે.

એ યાદ રાખવું જરૂરી છે કે કોઈ સ્ત્રી પરણે અને બાળકને જન્મ આપે પરંતુ તેના જીવનમાં નિઃસ્વાર્થ પ્રેમ પ્રગટ ન કરે અને સ્વાર્થી અને વિષયાસક્ત જીવન જીવે, તો તેવી સ્ત્રીને માતા કહી શકાય નહિ. તેણે બાળકને જન્મ આપ્યો હોય, પરંતુ સાચા અર્થમાં તેણે માતૃત્વ પ્રાપ્ત કર્યું નથી. આથી ઊલટું, જો કિશોરીઓને અનુકૂળ વાતાવરણ અને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓમાં પણ માતૃત્વ પ્રગટ થઈ શકે. શ્રી શારદા દેવીની બાલ્યાવસ્થામાં આપણે આ હકીકત જોઈએ છીએ.

મા સમાન પ્રેમાળ પુત્રી

શ્રી શારદા દેવીના જીવનમાં બાલ્યાવસ્થાથી નિઃસ્વાર્થ પ્રેમ અને અથાક સેવાના ગુણો જોવા મળે છે. કુટુંબનાં બાળકોમાં શ્રી શારદા દેવી સૌથી મોટાં હતાં. એક કિશોરી તરીકે, શ્રીમા પોતાના નાના ભાઈઓની સંભાળ રાખતાં હતાં. જયરામવાટી શ્રીમાનું જન્મસ્થળ છે અને ત્યાં આમોદર નામની એક નાની નદી છે. શ્રીમા પોતાના નાના ભાઈઓને નદીએ લઈ જતાં અને સ્નાન કરાવતાં અને ત્યાર પછી ચોખાની બનાવેલી વાનગીનો નાસ્તો આપતાં.

શ્રીમાના પિતા કપાસની ખેતી કરતા. કપાસ એકઠો ક૨વા માટે શ્રીમાનાં માતા ખેતરે જતાં અને નાની શારદા માતાને મદદ કરવા સાથે જતી. જનોઈ કાંતવામાં નાની શારદા માતાને મદદ કરતી.

પશુઓ માટે ઘાસ કાપવા માટે નાની શારદાએ ગળાડૂબ પાણીમાં જવું પડતું હતું. અને ડાંગરનાં ખેતરોમાં કામ કરતા મજૂરો માટે ખોરાક લઈ જવો પડતો હતો. આ બધાં કામ નાની શારદા પ્રેમપૂર્વક કરતી હતી.

જ્યારે શ્રી શારદાદેવી દશ-અગિયાર વર્ષનાં હતાં ત્યારે જયરામવાટી અને આજુબાજુના વિસ્તારોમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. શ્રીમાના પિતા ખૂબ જ પવિત્ર અને ઉદાર વ્યક્તિ હતા. જો કે તેઓ પોતે સાધન સંપન્ન વ્યક્તિ ન હતા તો પણ તેઓએ ભૂખ્યાં લોકો માટે મફત રસોડું શરૂ કર્યું. મોટાં વાસણોમાં ખીચડી બનાવવામાં આવતી અને પાંદડાંની બનાવેલી થાળીઓમાં ગરમા ગરમ એ પીરસવામાં આવતી. દુષ્કાળગ્રસ્ત લોકો એટલા ભૂખ્યા હતા કે ખોરાક થોડો ઠંડો થાય ત્યાં સુધી રાહ જોઈ શકે તેમ ન હતા. નાની શારદા બંને હાથોમાં પંખા લઈને હવા નાખતી જેથી ગરમ ખોરાક જલદી ઠંડો થાય અને ભૂખ્યા લોકો જમવાનું શરૂ કરી શકે.

આવા નાના પ્રસંગો બતાવે છે કે નિઃસ્વાર્થ પ્રેમ અને અથાક સેવા જેવા ગુણો શ્રી શારદાદેવીના વ્યક્તિત્વમાં સહજ હતા. આજ્ઞાંકિત અને નિષ્ઠાવાન પુત્રી તરીકે શ્રી શારદાદેવી પોતાનાં માતાપિતાની સેવા કરવાની કોઈ પણ તક જતી કરતાં ન હતાં.

નિષ્ઠાવાન સહધર્મિણી

લગ્ન માનવજીવનનો એક અગત્યનો પ્રસંગ છે. હિંદુ વિચારકોએ એ પ્રસંગ વિષે ખૂબ જ વિચાર કર્યો છે. કોઈ પણ હિંદુ માટે લગ્ન એ સ્ત્રી અને પુરુષ માટે સાથે રહેવાનો અને દુન્યવી વિષયાસક્ત જીવન જીવવાનો કરાર નથી. હિંદુ માટે લગ્ન સ્ત્રી અને પુરુષને વિશુદ્ધ કરનાર ધાર્મિક સંસ્કાર છે. આ ધાર્મિક સંસ્કારનો હેતુ સ્ત્રી-પુરુષ બંન્નેને તેઓની પશુવૃત્તિ પર વિજય મેળવવામાં સહાય કરવાનો છે. અને તેઓએ શારીરિક આનંદની ભૂમિકાએથી આધ્યાત્મિક આનંદની ભૂમિકાએ પોતાની જાતને લઈ જવાની છે. અને આ ધાર્મિક સંસ્કાર સ્ત્રી અને પુરુષને એ આધ્યાત્મિક અનુભૂતિ તરફ લઈ જાય છે કે જ્યાં એક પરમ તત્ત્વમાં બધા આત્માઓની એક્તાનો અનુભવ થાય છે. તેથી જ હિંદુ પત્નીને સહધર્મિણી એટલે કે પોતાના પતિની ધાર્મિક સમોવડી કહેવામાં આવે છે. અહીં ધર્મનો અર્થ માત્ર કોઈ સંપ્રદાય કે ચર્ચનું સભ્યપદ અને તે તરફની ગાઢ શ્રદ્ધા એમ નથી થતો. ધર્મનો અર્થ એ થાય છે કે ઉચ્ચતમ આધ્યાત્મિક આદર્શ – આત્માનુભૂતિ – આત્મજ્ઞાન – માટે પ્રવૃત્ત થવું. સહધર્મિણી હોવાથી હિંદુ પત્નીની એ ફરજ બને છે કે ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિના શિખરે પહોંચવામાં પોતાના પતિની સહાય કરે. આ માટે તેણે પોતે આધ્યાત્મિક સાધક બનવું જોઈએ.

શ્રી શારદાદેવી આ સહધર્મિણીના આદર્શના જીવંત ઉદાહરણ હતાં. તેમના પતિ, શ્રીરામકૃષ્ણ સર્વસ્વનો ત્યાગ કરનાર સંત હતા. તેઓ સ્ત્રી માત્રમાં દિવ્ય માતાનું પ્રગટીકરણ જોતા. તેમના જીવનનો એક માત્ર હેતુ ઈશ્વર પ્રાપ્તિ હતો. શ્રીરામકૃષ્ણનું લગ્ન થયું ત્યાં સુધીમાં તેઓશ્રી ‘આધ્યાત્મિક અનુભૂતિ’ના ઉચ્ચતમ શિખરે પહોંચી ગયા હતા, અને સર્વોચ્ચ બ્રહ્મની અનુભૂતિમાં પાકે પાયે સ્થિર થઈ ગયા હતા. લગ્નના સમયે તેઓશ્રીની ઉંમર ચોવીસ વર્ષની હતી.

શ્રી શારદાદેવીની ઉંમર એ સમયે છ વર્ષની હતી. તેઓ લગ્ન વિશે કશું જાણતાં ન હતાં. અને કોઈ આધ્યાત્મિક સાધના પણ કરી ન હતી. લગ્ન પછી ઘણાં વર્ષો સુધી તેમણે પોતાના પતિને જોયા ન હતા. ભારતના એક સામાન્ય ગામડાનાં વાતાવરણમાં તેમનો ઉછેર થઈ રહ્યો હતો. એ વાતાવરણમાં કોઈપણ ગામડામાં ઉછરતી એક કન્યા માટે એ સ્વાભાવિક છે કે તે ભવિષ્યના ગૃહસ્થ જીવન વિષે અને દુન્યવી આનંદ અને પ્રેમ વિષે સ્વપ્ન સેવે. એ વાતાવરણમાં ઉછરેલી ભાગ્યે જ કોઈ કન્યા એક સંન્યાસી-પતિ સાથે જીવવાનું સ્વપ્ન સેવે; અને પોતાની સુવિધા અને સુખને અવગણીને સંપૂર્ણ રીતે પોતાના પતિની સેવામાં સમર્પિત થઈ જાય. પરંતુ શારદાદેવી કોઈ સામાન્ય કન્યા ન હતાં. તેમની સ્વભાવદત્ત દિવ્યતાએ તેમના મનને પવિત્ર અને વિશુદ્ધ રાખ્યું. જ્યારે શારદા દેવી અઢાર કે ઓગણીસ વર્ષનાં હતાં ત્યારે એવી અફવાઓ સાંભળવા લાગ્યાં કે તેમના પતિ કે જેઓ દક્ષિણેશ્વરમાં રહેતા હતા તેઓ પાગલ બની ગયા છે. દક્ષિણેશ્વર જયરામવાટીથી સાઠ માઈલ દૂર હતું. ઘણાં વર્ષો થયાં શ્રી શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને જોયા ન હતા. પરિસ્થિતિની ખાતરી કરવા માટે તેમણે જાતે જવાનું નક્કી કર્યું. તે પ્રમાણે શ્રી શારદાદેવી ૧૮૭૨ના વર્ષમાં ક્યારેક દક્ષિણેશ્વર પહોંચ્યાં. તેમણે જોયું કે તેમના પતિ એક સદગૃહસ્થ અને ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ હતા. પોતાના પતિની સેવામાં સંપૂર્ણ રીતે સમર્પિત થવાનું અને દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ સાથે રહેવાનું તેમણે નક્કી કર્યું. ખૂબ જ બુદ્ધિશાળી હોવાથી, શ્રી શારદાદેવી થોડા જ દિવસોમાં પોતાના પતિની અનન્ય મહાનતા સમજી શક્યાં. શ્રી શારદાદેવી એ બાબત સમજવા લાગ્યાં કે તેમના પતિ ખૂબ ઉચ્ચ ભૂમિકાવાળી આધ્યાત્મિક ચેતનામાં રહેતા હતા.

શ્રી શારદાદેવીના જીવનમાં એક નવું પ્રકરણ ખુલ્યું. તેમના દિવ્ય પતિની સાથે રહેવાથી તેમની સ્વભાવદત્ત આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થઈ. જીવન પ્રત્યેની તેમની દૃષ્ટિ બદલાઈ ગઈ. એક દિવસે શ્રીરામકૃષ્ણે તેમને પૂછ્યું: “તમે મને માયામાં નીચે ધસડવા માંગો છો? શ્રી શારદાદેવીએ તરત જ જવાબ આપ્યો, “મારે તેમ શા માટે ક૨વું જોઈએ? ધાર્મિક જીવનના માર્ગમાં મદદ કરવા માટે હું આવી છું.” એક દિવસે શ્રી શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું, “તમે મને કઈ દૃષ્ટિએ જુઓ છો? એક પણ ક્ષણ અચકાયા વિના શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો, “મા કાલીના મંદિરમાં જે માતા છે તે જ આ માતા છે કે જેણે આ શરીરને જન્મ આપ્યો અને અત્યારે મારી સેવા કરે છે.”

શ્રીરામકૃષ્ણ અને દેવી શારદાદેવીનો સંબંધ કદી પણ શારીરિક ભૂમિકાએ ન ગયો. પરંતુ હંમેશાં આધ્યાત્મિક ભૂમિકાએ રહ્યો. એક રાત્રીએ શ્રી રામકૃષ્ણે શારદાદેવીનું વિશ્વની દિવ્ય માતા તરીકે પૂજન કર્યું. તે પૂજન વડે શ્રીરામકૃષ્ણે શારદાદેવીમાં સુષુપ્ત રીતે રહેલા દિવ્ય માતૃત્વને જાગૃત કર્યું. તે દિવસથી શારદાદેવી વર્તમાન યુગનાં માનવજાતનાં સાચાં પવિત્ર માતા બન્યાં. પતિ અને પત્ની આધ્યાત્મિક એકરૂપતાની અનુભૂતિમાં પ્રસ્થાપિત થયા પછી, દાંપત્ય જીવનના ક્ષેત્રે ઈતિહાસનું સર્જન થયું હતું. સહધર્મિણીના સાચા આદર્શને શારદાદેવીના દૃષ્ટાંતરૂપ જીવનમાં સંપૂર્ણરીતે આચરણમાં મૂકવામાં આવ્યો હતો. જ્યારે શ્રીમાને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાના પતિના આ પૃથ્વી પરના આધ્યાત્મિક ધ્યેયમાં સહાય કરવા માટે આવ્યાં છે ત્યારે તેમણે સંપૂર્ણરીતે પોતાની જાતને પોતાના પતિની સેવામાં અર્પણ કરી દીધી.

શ્રીરામકૃષ્ણની હોજરી બહુજ નાજુક હતી અને ખોરાકમાં થોડી અનિયમિતતા પણ તેમની હોજરી સહન કરી શકતી નહીં. તેથી શ્રીરામકૃષ્ણનો ખોરાક ખૂબજ કાળજીપૂર્વક તૈયાર કરવો પડતો હતો. શ્રીરામકૃષ્ણની તબિયત અને હોજરીને અનુકૂળ પડે તેવી રીતે શ્રીમા રસોઈ બનાવતાં હતાં. શ્રીરામકૃષ્ણ તે બાબત બરાબર સમજતા હતા અને આ બાબતમાં શ્રીમા ૫૨ સંપૂર્ણ રીતે નિર્ભર હતા. દક્ષિણેશ્વરમાં શ્રીમાની મુખ્ય ફરજ એ કે શ્રીરામકૃષ્ણ માટે રસોઈ બનાવવી અને તેમને જમાડવા.

આમ છતાં તેમની સેવાનું ક્ષેત્ર શ્રીરામકૃષ્ણ પૂરતું મર્યાદિત ન હતું. શ્રીરામકૃષ્ણ સાથે સંબંધિત વ્યક્તિઓ અને બીજી વ્યક્તિઓનો પણ શ્રીમાના સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો હતો. જ્યારે શ્રીમા દક્ષિણેશ્વર આવ્યાં ત્યારે તેમનાં વૃદ્ધ સાસુ પણ ત્યાં રહેતાં હતાં. શ્રીરામકૃષ્ણ પોતાની માતાને ખૂબ જ માન આપતા હતા. એક બે-માળના નાના મકાનમાં શ્રીમા તેમનાં સાસુ સાથે રહેતાં હતાં. આમ તો એ મકાન મંદિરમાં સંગીત વગાડવાના હેતુસર બાંધવામાં આવ્યું હતું. શ્રીમાનાં સાસુ પહેલે માળે રહેતાં હતાં અને શ્રીમા નીચે રહેતાં હતાં. ઘરની ફરજો બજાવતાં શ્રીમા તેમનાં સાસુની બરાબર સંભાળ લેતાં, અને જ્યારે વૃદ્ધ સાસુ શ્રીમાને બોલાવતાં ત્યારે દોડીને ઉ૫૨ જતાં અને સાસુની સેવા કરતાં.

દિવસો પસાર થવાની સાથે, ઘણા ભક્તો શ્રીરામકૃષ્ણ પાસે આવવા લાગ્યા, અને ક્યારેક અમુક ભક્તો શ્રીરામકૃષ્ણ પાસે રહેતા. અલગ અલગ ભક્તોના સ્વાદ પ્રમાણે શ્રીમા અલગ અલગ પ્રકારની રસોઈ બનાવતાં. રાખાલ (સ્વામી બ્રહ્માનંદ) માટે શ્રીમા ખીચડી બનાવતાં. નરેન (સ્વામી વિવેકાનંદ) માટે જાડી રોટલી અને ઘટ્ટ મસુરની દાળ બનાવતાં. ક્યારેક રસોઈ એટલી બધી બનાવવાની થતી કે શ્રીમાને લગભગ આખો દિવસ રસોડામાં રહેવું પડતું. પરંતુ શ્રીમા આ રસોઈનો બોજો આનંદથી ઉઠાવતાં. શ્રીમાના જીવનનો એક માત્ર હેતુ શ્રીરામકૃષ્ણની સેવા કરવાનો હતો, અને શ્રીરામકૃષ્ણને તેઓ સ્વયં ઈશ્વરનો અવતાર માનતાં હતાં. આ સેવા દ્વારા શ્રીમા પોતાના દરેક કાર્યને અને પોતાના સમગ્ર જીવનને દિવ્ય બનાવતાં શીખ્યાં. અને સાથે સાથે પોતાનામાં વિકસી રહેલા દિવ્ય માતૃત્વને પ્રગટ કરતાં પણ શીખ્યાં. દક્ષિણેશ્વર અને કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણ સાથે ગાળેલાં વર્ષો શ્રીમા માટે વિધાયક અને પરમ આનંદનાં હતાં. જે મૂલ્યો માટે શ્રીમા જીવન જીવ્યાં અને દૃષ્ટાંત પૂરું પાડ્યું, તે માટે પણ તે વર્ષો બાકીના વિશ્વ માટે અગત્યનાં છે. શ્રીમાએ પોતાના જીવન દ્વારા એ બતાવ્યું કે લગ્ન એ આધ્યાત્મિક ભાગીદારી છે, એક આધ્યાત્મિક જીવન જીવવાની રીત છે, અને લગ્નને એ રીતે જોવામાં આવે તો લગ્ન ઉચ્ચતર અનુભૂતિમાં બાધારૂપ નથી. બીજું તેમણે એ પણ બતાવ્યું કે સતત પ્રવૃત્તિઓની વચ્ચે પણ ગહન આધ્યાત્મિક સાધના થઈ શકે છે. ઈશ્વરનું સતત સ્મરણ થઈ શકે છે અને સમગ્ર જીવનને ઈશ્વરની અતૂટ પૂજામાં (સેવામાં) રૂપાંતરિત કરી શકાય છે. ત્રીજું, શ્રીમાએ એ પણ બતાવ્યું કે એક સ્ત્રીના જીવનમાં, પત્નીના, સાધ્વીના અને માતાના એમ ત્રણ વિરોધાભાસી આદર્શોનું સંપૂર્ણ એકીકરણ કરી શકાય છે. એક સ્ત્રી માટે શ્રી શારદાદેવી સંપૂર્ણ વ્યક્તિત્વનું ઉદાહરણ પૂરું પાડે છે.

પૂર્ણ વિકસિત દિવ્ય માતૃત્વ

જો દક્ષિણેશ્વરમાં શ્રી શારદાદેવીમાં દિવ્ય માતૃત્વ વિકસવા માંડ્યું, તો તે માતૃત્વ શ્રીરામકૃષ્ણના દેહવિલય પછી સંપૂર્ણ રીતે વિકસ્યું. ત્યાર પછીનું શ્રીમાનું જીવન એ દિવ્ય માતૃત્વનું પ્રગટીકરણ હતું. શ્રી શારદાદેવીનો પ્રેમ માત્ર શુભેચ્છા કે કરુણા વ્યક્ત કરતું વલણ ન હતું કે જે બધા આધ્યાત્મિક સ્ત્રી પુરુષોમાં જોવા મળે છે. તે પ્રેમ સચોટ અને તીવ્ર હતો, ખૂબજ માનવસહજ અને અંગત હતો, દુન્યવી માતાના પ્રેમ કરતાં વધારે સાચો અને સ્પષ્ટ હતો. તે પ્રેમ તીવ્ર પણ હતો અને વિસ્તૃત પણ હતો. તે પ્રેમ સ્થિર હતો અને કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થાય તેવો ન હતો. શ્રીમાની પાસે જનાર કોઈપણ વ્યક્તિ શ્રીમાનો વિશુદ્ધ પ્રેમ અનુભવ્યા વગર રહી શકતી નહિ. ભક્તો એ અનુભવતા કે શ્રીમાનો પ્રેમ તેઓની માતા કરતાં પણ ચડિયાતો હતો. અહીં થોડાં ઉદાહરણો એ બતાવશે કે શ્રીમાનો પ્રેમ કેટલો ગહન અને વિશાળ હતો. જ્યારે જયરામવાટીમાં શ્રીમાનું ઘર બંધાતું હતું ત્યારે બાજુના ગામડાંઓના મુસ્લિમ મજૂરોને મકાનના બાંધકામના કામ માટે રાખવામાં આવ્યા હતા. મુસ્લિમ મજૂરો એ પહેલાં લૂંટફાટ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. જયરામવાટીની દરેક વ્યક્તિ તે મજૂરોથી ડરતી હતી અને તેઓને ધિક્કારતી હતી. પરંતુ જ્યારે તે ડાકુઓ શ્રી શારદાદેવીના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓનું જીવન બદલાઈ ગયું હતું. એક દિવસ એક મુસ્લિમ મજૂર શ્રીમા માટે થોડાં કેળાં લાવ્યો અને કહ્યું: “મા, આ કેળાં હું શ્રીરામકૃષ્ણ માટે લાવ્યો છું, તમે તે સ્વીકારશો? શ્રીમાએ કહ્યું, “હા, દીકરા હું તે સ્વીકારીશ.” અને શ્રીમાએ આનંદપૂર્વક કેળાં સ્વીકાર્યાં. એક સ્ત્રી ભક્ત ત્યાં ઊભી હતી. તેણે શ્રીમાને કહ્યું: “આ લોકોને હું ઓળખું છું. તેઓ લૂંટારાઓ છે. શ્રીરામકૃષ્ણ માટે તમે શા માટે તેઓની વસ્તુઓ સ્વીકારો છો? ધીર ગંભીર અવાજે શ્રીમાએ પ્રત્યુત્તર આપ્યો: હું જાણું છું કે કોણ સારું છે અને કોણ ખરાબ છે.”

એ મજૂરોમાં એકનું નામ અમજદ હતું. એક દિવસે શ્રીમા અમજદને ઘરમાં ભોજન માટે લઈ ગયાં. તેને ઓસરીમાં બેસાડવામાં આવ્યો અને શ્રીમાની ભત્રીજી નલિનીને કહેવામાં આવ્યું હતું કે અમજદને ભોજન પીરસે. પરંતુ નલિની નાતજાતમાં ચુસ્તપણે માનતી હોવાથી, દૂર ઊભા રહીને ભોજનની વાનગીઓ અમજદની થાળીમાં ફેંકવા માંડી. શ્રીમાએ તે જોયું અને કહ્યું “જો તમે કોઈ વ્યક્તિને એ રીતે જમાડો, તો તે કેવી રીતે ભોજનનો આનંદ લઈ શકે? શ્રીમાએ નલિનીના હાથમાંથી વાનગીઓ લઈ લીધી અને જાતે જ તે ગરીબ વ્યક્તિને પીરસવા લાગ્યા. જ્યારે અમજદે જમી લીધું ત્યારે શ્રીમાએ જાતેજ તે જગ્યા સાફ કરી. પ્રણાલિકાથી વિરુદ્ધનું એ કાર્ય જોઈને નલિનીને આઘાત લાગ્યો અને તે બોલી ઊઠી, “અરે ફઈબા, ચોક્કસપણે તમે તમારી જ્ઞાતિ ગુમાવશો.” શ્રી શારદાદેવીએ તુરત પ્રત્યુત્તર આપ્યો, “ચૂપ રહે, જેવી રીતે શરત મારો પુત્ર છે તેવી જ રીતે અમજદ પણ મારો પુત્ર છે.” જ્યારે પુત્રો લૂંટારાઓ અને ડાકુઓ બને છે ત્યારે માતાઓ પોતાના પુત્રોને ધિક્કારે છે. પરંતુ શ્રીમાએ એક લૂંટારાને (જે ઘણી વખત જેલમાં જઈ આવેલો હતો) પોતાના પુત્ર તરીકે અપનાવ્યો. શરત મહારાજ, સ્વામી શારદાનંદજી, શ્રીરામકૃષ્ણના શિષ્ય હતા. તેઓ જ્ઞાન પ્રાપ્ત થયેલ વ્યક્તિ હતા, ખૂબ જ ઉચ્ચ કક્ષાના સંન્યાસી હતા, અને જીવનપર્યંત શ્રીમાની સેવામાં રહેનાર હતા. જ્યારે બીજી બાજુએ, અમજદ એક ચોર હતો. પરંતુ શ્રીમાએ તેમના સર્વગ્રાહી પ્રેમમાં કોઈપણ ભેદભાવ રાખ્યો નહીં.

કોઈપણ સ્ત્રી અથવા પુરુષ માટે મોટામાં મોટી સહાય તે આધ્યાત્મિક સહાય છે. આધ્યાત્મિક નિયમોને અનુસરીને અને આધ્યાત્મિક જીવન જીવીને જ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકાય. સર્વની માતા હોવા ઉપરાંત શ્રી શારદાદેવી આધ્યાત્મિક શક્તિના શાશ્વત સ્રોત હતાં. કોઈ પણ ભેદભાવ વિના શ્રીમા તેમની પાસે આવનાર કોઈપણ વ્યક્તિને આધ્યાત્મિક ઉપદેશ આપતાં. તે વ્યક્તિ ઉપદેશ ગ્રહણ કરવા માટે લાયક છે કે કેમ તે બાબત શ્રીમા ધ્યાનમાં લેતાં નહીં. લાયકાત ન ધરાવતાં સ્ત્રી અને પુરુષો પણ શ્રીમાની પાસે આધ્યાત્મિક ઉપદેશ અને આશ્રય માટે આવતાં. તેઓનાં ચારિત્ર્ય વિશે પૂરેપૂરી જાણકારી હોવા છતાં શ્રીમા, અમાપ કરુણાને લીધે તેઓને અપનાવતાં. તેઓને જરૂરી ઉપદેશ આપતાં અને તેઓનાં જીવન અને ચારિત્ર્યને બદલી નાખતાં. આ માત્ર સામાન્ય આધ્યાત્મિક ઉદારતાનું કાર્ય ન હતું. આનો અર્થ એ થતો હતો કે શ્રીમા તેઓનાં પાપ કર્મોનો સ્વીકાર કરીને પોતે સ્વયં તેઓના વતી દુઃખ અને પીડા ભોગવતાં. જ્યારે શ્રીમાના એક શિષ્યે પૂછ્યું કે “શ્રીમા શા માટે એવા લોકોને શિષ્યો તરીકે સ્વીકારે છે? ત્યારે શ્રી શારદાદેવીએ પ્રત્યુત્તર આપ્યો, “હું તેઓની માતા છું, જ્યારે બાળક ધૂળ અને કાદવથી ખરડાઈને મા પાસે આવે ત્યારે શું માની એ ફરજ નથી કે પોતાના બાળકને સાફ કરે? આત્મભોગ વિના પ્રેમનો કોઈ અર્થ નથી. ત્યાગ અને સહન કરવાની તત્પરતા માતૃત્વને માનવ પ્રેમની શ્રેષ્ઠ અભિવ્યક્તિ બનાવે છે. ઉચ્ચતમ પ્રકારના આત્મભોગ દ્વારા શ્રીમાએ એ આદર્શને શ્રેષ્ઠતમ ભૂમિકાએ મૂકી દીધો.

શ્રીરામકૃષ્ણના દેહવિલય પછી તેઓના સંન્યાસી શિષ્યો થોડા સમય માટે વરાહનગર મઠમાં સાથે રહ્યા અને ત્યાર પછી અમુક શિષ્યો સમગ્ર દેશમાં પરિભ્રમણ કરતાં કરતાં ભિક્ષુક તરીકે કઠોર અને આત્મસંયમી જીવન જીવવા લાગ્યા. જ્યારે શ્રીમાને આ જાણ થઈ ત્યારે તેઓ પોતાના સંન્યાસી બાળકો માટે ખૂબ દિલગીર થયાં. જ્યારે શ્રીમા યાત્રાએ ગયાં ત્યારે બોધગયામાં એક મઠ જોયો કે જ્યાં સંન્યાસીઓ માટે ભોજન, કપડાં અને બીજી નાની સુવિધાઓ ઉપલબ્ધ હતી. એ જોઈને અને પોતાના સંન્યાસી બાળકો જે મુશ્કેલી સહન કરતાં હતાં તેનો વિચાર કરતાં, શ્રીમા દુઃખી થયાં, અને આંખમાં આંસુ સાથે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં: “હે ઈશ્વર, દયા કરો અને મારા બાળકો માટે સામાન્ય ભોજન અને કપડાંની વ્યવસ્થા કરો. જેઓએ પોતાનાં ઘર તમારા માટે છોડ્યાં છે તેઓને ભિખારીની જેમ રખડતા હું જોઈ શકતી નથી.” એ પ્રાર્થનાને કારણે એક પછી એક રામકૃષ્ણ આશ્રમો અસ્તિત્વમાં આવ્યા અને સંન્યાસીઓ માટે ભોજન અને કપડાંની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રીમાના જીવનનો મોટો ભાગ તેમના ગામડાના ઘરના સામાન્ય વાતાવરણમાં પસાર થયો હતો. ત્યાં સુવિધાઓ હતી નહીં. પરંતુ જ્યારે ભક્તો અને સંન્યાસીઓ શ્રીમાનાં દર્શને આવતા ત્યારે શ્રીમા તેઓને બધી સુવિધાઓ પૂરી પાડવાનો પૂરો પ્રયત્ન કરતાં. ત્યારે જયરામવાટી એક નાનું ગામ હતું અને દૂરના પછાત વિસ્તારમાં આવેલું હતું તેથી દૂધ, તાજાં શાકભાજી અને બીજા ખાદ્ય પદાર્થો સહેલાઈથી મળતા ન હતા. જ્યારે શહેરમાંથી શ્રીમાનાં આધ્યાત્મિક બાળકો શ્રીમાનાં દર્શને જયરામવાટી જતાં, ત્યારે હાથમાં વાસણ લઈને શ્રીમા દૂધ લેવા માટે ગામમાં ફરતાં. ઘણી વખત શ્રીમા દુ:ખ સાથે બોલી ઉઠતાં, “અરે ભગવાન, હું મારાં બાળકોને ખવડાવી ન શકી અને તેઓની બરાબર સંભાળ પણ ન લઈ શકી.” ગામડામાં વૃદ્ધાવસ્થામાં પણ શ્રીમા મોટા ભાગની રસોઈ જાતે જ કરતાં. તેઓ ભક્તોની બાજુએ બેસતાં અને પ્રેમથી સ્નેહાળ માતાની જેમ ભોજન કરાવતાં. એક સ્ત્રીનું જીવન પુત્રી તરીકે શરૂ થાય છે, સહધર્મિણી તરીકે વિકસે છે અને માતૃત્વમાં સર્વોચ્ચ સ્થાને પહોંચે છે. સ્ત્રીના જીવનના આ ત્રણ અગત્યના તબક્કાઓ શ્રી શારદાદેવીના જીવનમાં પૂરા વિકસ્યા હતા. સ્ત્રીત્વનું હાર્દ માતૃત્વના છે એ બતાવીને શ્રી શારદાદેવીએ પોતાના જીવનને અદ્વિતીય બનાવ્યું. શ્રી શારદાદેવીનું જીવન માતૃત્વના આધ્યાત્મિક અને દિવ્ય સ્વરૂપનું નવું પ્રગટીકરણ છે.

ભાષાંતર: શ્રી સી. એમ. દવે

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.