(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.)

સેવા? કોઈ પણ યુવાન ભારતીયને પૂછો અને તેને એમ લાગશે કે તમે ભારતીય સનદી સેવા (IAS) કે ભારતીય વિદેશી સેવા (IFS) કે ભારતીય પોલીસ સેવા (IPS) કે રાજ્ય સનદી સેવા કે બેંકિંગ સેવા કે એના જેવી કંઈક વાત કરો છો. આ એક દુર્દશા છે. ‘સેવા’ શબ્દ જ પોતાનો સાચો અર્થ ખોઈ બેઠો હોય એવું લાગે છે. અંગ્રેજી શબ્દ ‘સર્વિસ’ એટલે સ્વામી વિવેકાનંદના મત મુજબ માત્ર સેવા.

ઘણા લોકો એવું માનતા હોય છે કે જુદાં જુદાં છાપાંમાં લેખો લખીને કે બીજી ઑક્ટોબર(ગાંધીજયંતી)ને દિવસે દર્દીઓને ફળનું વિતરણ કરીને તેઓ સમાજની સેવા કરી રહ્યા છે. કૉલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના)નો દાખલો લઈએ. જે કોઈ આ યોજનામાં દાખલ થાય તે વિદ્યાર્થી લોકોના સમૂહને શિક્ષિત કરવા જેવી પ્રવૃત્તિ કરવા માટે વધારાના ૧૦ ગુણ મેળવવા પાત્ર ઠરે છે. વિદ્યાર્થીઓને પણ જ્યારે કહેવામાં આવે છે કે ‘સર્વિસ’ એટલે સેવા, ત્યારે તેઓને પણ ભરપેટ હસવું આવે છે. કેટલાક લોકો સેવા કરે છે, કારણકે તેની ચાલ છે. કેટલાક લોકો સાચા મુદૃાઓથી અળગા રહેવામાં વધુ સલામતી જુએ છે. સરકાર પણ અત્યારે યુવકો દ્વારા સંચાલિત સ્વૈચ્છિક સંસ્થાઓને અનુદાન આપવામાં ઘણી સાવચેત થઈ ગઈ છે.

સૂત્રો તો આપણી પાસે ઢગલાબંધ છે. “મેરા ભારત મહાન!” ખરેખર? આપણામાંના કેટલા આપણા દેશ કે આપણા લોકોની દરકાર કરે છે? બીજી બાજુ આપણા વહેવારડાહ્યા વડીલો તેમના બાળકોને તેમનો સમય સમાજ સેવા પાછળ બરબાદ ન કરવાની સલાહ આપે છે. તેઓ કહે છે, “૧૨મી જાન્યુઆરી કે બીજી ઑક્ટોબરના દિવસની ઠીક લાગે તો નાની એવી ઉજવણી કરો, પણ માણસોને અનુસરવામાં તમારો સમય બરબાદ ન કરો.”

અલબત્ત, આ ચિત્રની ઊજળી બાજુ પણ છે. સેંકડો સંસ્થાઓ અને હજારો યુવકો સેવાની ભાવનાથી સમાજની સેવા કરે છે. પણ આપણાં પ્રસાર માધ્યમોને તેમનામાં રસ નથી.

સેવાનો આ આદર્શ વધુ ને વધુ લોકોમાં કેવી રીતે પ્રસરે એ જોઈએ. આ લેખને આપણે ચાર ભાગમાં વહેંચીશું:

૧) વાસ્તવિક પ્રશ્ન અને જરૂરિયાત

૨) સેવાના આદર્શનું મહત્ત્વ

૩) યુવકો માટે રાષ્ટ્ર શું કરી શકે?

૪) યુવક કે યુવતી સેવાને કેવી રીતે પોતાનો આદર્શ બનાવી શકે?

વાસ્તવિક પ્રશ્ન અને જરૂરિયાત

યુવકો સેવા કરવા માટે કેમ ખચકાય છે? તમે ક્યારેય આ પ્રશ્ન તેમને પૂછ્યો છે? તેમનો જવાબ સીધો સાદો છે. “સ્વામીજી, હું એક વિદ્યાર્થી છું, પ્રથમ વર્ગમાં પાસ થવા માટે મારે સખત મહેનત કરવી જ જોઈએ, બાકી મને સારી નોકરી નહીં મળે.” કોઈ યુવાન કર્મચારીને આ પ્રશ્ન પૂછો, તે કહેશે, “મારે રોજી રળવાની છે. મારે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ. મારાં મા-બાપ મારી પાસેથી ઘણી બધી અપેક્ષા રાખે છે. જો હું સમાજ સેવા પાછળ સમય આપું તો મારી કારકિર્દીનું શું થાય? કોઈની પાસે બીજાની સેવા કરવા માટે જરા પણ સમય નથી. આજનો પ્રશ્ન એ છે કે યુવકોએ એક મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે, અને તેને એમ લાગે છે કે સેવાની તેની વ્યસ્તતા તેને તેની મંઝિલે પહોંચવામાં મદદરૂપ નહીં થાય.

હું તેને પૂછું છું, “તમને તમારી પરીક્ષામાં પ્રથમ વર્ગ આવે તો તમને સારી નોકરી મળી જ જશે તેવી કોઈ ખાતરી છે? તેઓ મૌન સેવે છે, હું કોઈ યુવાનને પૂછું છું, “તમારો સ્વ-લક્ષી અભિગમ તમને કોઈ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થયો છે? ફરી એક વાર પ્રશ્ન અનુત્તર રહે છે.

આને માટે આપણો આધુનિક શિક્ષણનો અભિગમ જવાબદાર છે. શિક્ષકો અને વાલીઓ તેમનાં બાળકોને સ્પર્ધા કરવાનું અને બને તેટલું રળવાનું કહે છે. તેનો અશબ્દ સંદેશ એટલો જ છે કે તેમણે પોતાના જીવનની જ કાળજી લેવી, બીજાના જીવનની દરકાર ન કરવી. આજે આપણે એ દર્શાવવાની જરૂર છે કે બીજી કોઈપણ પ્રાપ્તિ કરતાં સેવાભાવ જ વધુ ને વધુ ઊંચી ને ઊંચી પ્રગતિ કરવામાં મદદરૂપ છે. કમનસીબે આ ઉપદેશ માત્ર આશ્રમોમાં કે થોડી ઘણી શાળાઓના નૈતિક શિક્ષણના વર્ગોમાં જ આપવામાં આવે છે. પણ સામાન્ય રીતે કોઈ કેઈસ-સ્ટડી ચર્ચવામાં આવતો નથી અને આધુનિક વાસ્તવિક જીવનની પરિસ્થિતિ સંદર્ભે સેવાભાવને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું નથી.

ઘણીયે વાર વિદ્યાર્થીઓ મને પૂછે છે, “સામાન્ય માણસ માટે નિ:સ્વાર્થ બનવું ખરેખર શક્ય છે? હું તેમને કહું છું, “ચાલો, થોડો ફેર કરીએ તો કેવું? એમ માનોને કે નિ:સ્વાર્થ (Selfless) નહીં પણ ઓછા સ્વાર્થી (Less-self). તમે ગયે વર્ષે હતા તેના કરતાં વધુ ઓછા સ્વાર્થી થયા કે નહીં તે તપાસો. સંચાલકીય તાલીમ વર્ગોમાં – ખાસ કરીને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં – ડાયરેક્ટરો મને પૂછે છે, “સ્વામીજી, અમારા બે પ્રશ્નો છે. પહેલો, તમારી કાર્યપદ્ધતિ સફળ થશે? બીજો પ્રશ્ન, તેનાથી અમે વધુ નફો મેળવી શકીશું? આનો પણ જવાબ બહુ સીધો સાદો છે, “એક વાર અજમાવીને અનુભવ તો કરો! તેનાથી તમારો નફો જરૂર વધુ થશે.”

વેદાન્તને વ્યવહારુ બનાવવું જ પડશે. આજે લોકો જે પ્રશ્નોનો સામનો કરે છે તેના ઉકેલ માટે આ મહાન તત્ત્વદર્શનને આધુનિક પરિપ્રેક્ષ્યમાં ચર્ચવું પડશે. સેવાના આનુષંગિક પ્રશ્નના હાર્દમાં એ વસ્તુ પડેલી છે કે લોકો એવું માને છે કે પરલક્ષી અભિગમ કોઈને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ બનતો નથી. આ ખોટા ખ્યાલને કઈ રીતે દૂર કરી શકાય? સેવાભાવ કે પરલક્ષીના અભિગમને જીવનના દરેક ક્ષેત્રમાં કઈ રીતે વધુ વ્યવહારુ બનાવી શકાય?

સેવાના આદર્શનું મહત્ત્વ

લોકો કહે છે, “પૈસો એટલે શક્તિ. જ્ઞાન એટલે સામર્થ્ય.” જો પૈસામાં શક્તિ હોય તો ભારતે IMF અને બીજા દેશો પાસે ફરીથી લોન મેળવવા શા માટે જવું પડે? (૧૯૮૦ના દશકામાં ભારતે IMF પાસેથી કરોડો ડૉલરનું દેવું કરેલું.) વેપાર કરવા માટે મૂડી કરતાં સાહસની વધુ જરૂર હોય છે. આજના મોટા ભાગના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમણે જ્યારે તેમનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે નાણાકીય રીતે સદ્ધર નહોતા. “જ્ઞાન એટલે શક્તિ” એ સાચું, પણ એ જ્ઞાન અસરકારક હોય તો જ. જો તેમ ન હોય તો જ્ઞાન તદૃન શક્તિહીન છે. જ્ઞાન માહિતી આપે છે, પણ નિર્ણય લેવા માટે માત્ર માહિતી પર્યાપ્ત બનતી નથી. તેને માટે કંઈક બીજી વસ્તુની જરૂર છે અને આ ‘કંઈક બીજી વસ્તુ’ એટલે બુદ્ધિ.

વધુ શક્તિશાળી કોણ છે: કંપનીનો ડાયરેક્ટર કે કર્મચારી મંડળનો નેતા? સ્વાભાવિક છે કે કર્મચારી મંડળનો નેતા વધુ શક્તિશાળી છે. શા માટે? કારણ કે ડાયરેક્ટર કરતાં તેની સાથે વધુ માણસો છે. સાચી શક્તિ લોકોમાં પડેલી છે, ધન કે જ્ઞાનમાં નહીં.

પૈસો કે જ્ઞાન ગૌણ છે, લોકો પ્રાથમિક વાસ્તવિકતા છે. તમને સમર્થન લોકો આપવાના છે. તેમનું સમર્થન તમે કેવી રીતે મેળવી શકો? એમનાં હૃદય જીતીને, અને તેમની સાચી કાળજી લીધા વગર તમે તેમનાં હૃદય જીતી શકો નહીં. કોઈ માણસ મુશ્કેલીમાં હોય ત્યારે તમે તેને મદદ કરો કે તેની પડખે ઊભા રહો, કે તેના કોઈ પ્રશ્નોને હલ કરવામાં તમે એને મદદ કરો તો તે તમારો બની જાય. આ પગથિયેથી આપણે શરૂઆત કરવી જોઈએ. ક્ર્મશ: આપણને વધુ ને વધુ લોકો સુધી પહોંચવું જોઈએ. (વ્યાપારમાં વધુ ને વધુ એકમો ઊભાં કરવાની વાત સામાન્ય છે.) બીજાની કાળજી લેવાની આ વૃત્તિ તમને લોકપ્રિય બનાવશે. લોકપ્રિયતા બીજા લોકો ઉપરની તમારી પકડને વધુ મજબૂત કરશે. અને આમ તમે શક્તિશાળી બનશો. આકૃતિ-૧ માં જણાવ્યા મુજબ આ સિલસિલો ચાલુ રહેશે. આ પદ્ધતિ માત્ર યુવાનો માટે જ નહીં, પણ સમાજ માટે પણ મદદરૂપ છે. આપણો સાંપ્રત સમાજ ઘણા બધા ગંભીર પ્રશ્નોથી પીડાય છે, કારણકે આપણી ચીલાચાલુ વિચારવૃત્તિ સ્વલક્ષી અભિગમ ઉપર આધારિત છે. આકૃતિ-૨ દર્શાવે છે કે જૂના (આમ તો સમકાલીન) વિચારોએ નવા વિચારોને સ્થાન આપવું જ પડશે.

આમ આપણે તપાસ્યું કે સ્પર્ધાત્મકતા, સ્વાર્થ કે રોજગાર મેળવવાની વૃત્તિ આપણી મહાન ઉપલબ્ધિ માટે જરૂરી નથી. સેવા તેમજ યજ્ઞના આદર્શ ઉપર આધારિત અભિગમ આપણને વધુ સ્વાતંત્ર્ય અને સલામતી આપી શકે તેમ છે.

આ પ્રશ્નને પુનર્વ્યાખ્યાયિત કરીએ. આપણાં શાસ્ત્રો મુજબ પાયાનાં મૂલ્યો (પુરુષાર્થ) ચાર છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોટા ભાગના લોકોને સામાન્ય રીતે માત્ર બીજા અને ત્રીજા પુરુષાર્થમાં જ રસ હોય છે. આવા લોકો સમજી શકતા નથી કે જ્યારે આ બન્ને પુરુષાર્થ પ્રથમ પુરુષાર્થ – ધર્મને અનુસરે છે, ત્યારે વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

દર્દી સાજો થાય કે ન થાય, પણ ડૉક્ટરને તો તેની ફી યથાવત્ મળી રહે છે. આત્મ-અવહેલનાના મિજાજમાં ભારતીય લોકોએ એક દૃષ્ટાંત ઘડી કાઢ્યું છે. તેઓ કહે છે, થોડા ભારતીય કરચલાઓને એક વાસણમાં મૂકો અને પછી તાસીરો નિહાળો. એક કરચલો બહાર આવવાનો પ્રયત્ન કરતો હશે, ત્યાં બીજો કોઈ કરચલો તેને પકડી રાખશે, પરિણામે તે બધા ઢાંકણા વગર પણ અંદર જ પડ્યા રહેશે. માની લો કે પેલો બીજો કરચલો પહેલા કરચલાને બહાર નીકાળવામાં મદદ કરે તો આ પ્રક્રિયા લંબાતા પોતે પણ બહાર ન નીકળી શકે?

સેવાના આદર્શની વૈશ્વિકતા

યુવકો અને યુવતીઓને તેમની કારકિર્દીમાં સેવાનો આદર્શ કઈ રીતે મદદરૂપ થઈ શકે તે હવે તપાસીએ. ‘કારકિર્દી માર્ગદર્શન’ના નામ હેઠળ આજે આપણે ત્યાં શું બને છે? શિક્ષક કે માર્ગદર્શક અભિરુચિ કસોટી લે છે અને વિદ્યાર્થીને કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ એવું આયોજન ઘડી આપે છે. આ આખો અભિગમ સ્વલક્ષી અભિગમ છે. ‘સમાજ પાસેથી હું શું મેળવી શકું? એ ખ્યાલ પર આધારિત આ અભિગમ છે. આપણા હજારો વિદ્યાર્થીઓ બરોબર જાણે છે કે આપણા મોટી સંખ્યાના ડૉક્ટરો કે ઈજનેરો કાં તો સંપૂર્ણ રીતે અથવા તો અપૂર્ણ રીતે બેકાર છે. છતાં પણ આ હજારો વિદ્યાર્થીઓ સંયુક્ત પ્રવેશ પરીક્ષા આપે છે. વળી આપણા મોટા ભાગના તેજસ્વી વિદ્યાર્થીઓ તબીબી, ઈજનેરી કે સંચાલનના ક્ષેત્રો તેમને એ ક્ષેત્રો માટે કોઈ ખાસ લગની હોવાને લીધે પસંદ કરે છે એવું નથી.

(ક્રમશ:)

ભાષાંતર: પ્રા. નલિન ઈ. છાયા

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.