લોકપ્રિયતાનાં સામાજિક કારણો

ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે. ભારત સેવાશ્રમ સંઘની અનુપ્રેરણાથી હિન્દુ મિલન મંદિર, ખ્રિસ્તી મિશનરીઓથી પ્રોત્સાહિત થયેલ યંગ મેન્સ કિશ્ચિયન એસોસીએશન તથા પોંડિચેરીના અરવિંદ આશ્રમના આદર્શો પર રચાયેલ વિભિન્ન પાચક્રોનાં નામ અહીં ઉલ્લેખી શકાય. આ બધામાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના ભાવાદર્શો પર શરૂ કરાયેલ સંસ્થાઓની સંખ્યા કદાચ સૌથી વધારે છે. રામકૃષ્ણ મિશન સિવાય પણ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાયેલ જુદાજુદા આશ્રમો, સેવા-સમિતિઓ, કલબો, પાઠચક્રો વગેરેની સંખ્યા ફકત ભારતવર્ષમાં જ હજારથી વધારે છે. ચૈતન્યદેવની અનુપ્રેરણાથી અમુક સમયે બંગાળના ગામડે-ગામડે કેટકેટલી હરિસભાઓની સ્થાપના થઈ હતી. તેવી જ રીતે આજે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આદર્શો પર રચાયેલ સંસ્થાઓ સર્વત્ર ફેલાયેલી છે. તેનું કારણ શું છે? લોકજીવનમાં આ પ્રભાવની પાછળ જે સામાજિક કારણ છે, તેને રામકૃષ્ણ મિશનની કર્મધારા વિશે વિચાર કરવાથી જ સમજી શકાય છે.

સૌ પ્રથમ તો ધાર્મિક આદર્શો પર સંગઠિત હોવા છતાં પણ કોઈ વિશેષ ધર્મ પ્રત્યેના સાંપ્રદાયિક મનોભાવનો અભાવ અને સર્વ ધર્મો પ્રત્યે વ્યકત થતી શ્રદ્ધાને કારણે મુસલમાનો અને ખ્રિસ્તીઓ વગેરે અન્ય ધર્માવલંબીઓ પણ આ બધામાં સહયોગ આપે છે. મુસલમાનોની ઈદે-મિલાદ, ખ્રિસ્તીઓની ક્રિસ્ટમસ-ઈસ્ટર, અને બૌદ્ધોની બુદ્ધ પૂર્ણિમાનું આયોજન રામકૃષ્ણ મઠમાં હિંદુઓના ઉત્સવોની જેમ જ કરવામાં આવે છે.

બીજું, રામકૃષ્ણ મિશનમાં ભારતનાં વિભિન્ન ક્ષેત્રોના સાધુઓનો સમૂહ રહે છે. જેમ કે મિશનની કેરલની શાખામાં મલયાલી, કર્ણાટકમાં કન્નડ, મહારાષ્ટ્રમાં મરાઠી, પશ્ચિમ બંગાળમાં બંગાળી અને ગુજરાતમાં કેટલાક ગુજરાતી સાધુઓ રહે છે. જેને પરિણામે તે-તે ક્ષેત્રની ભાષા અને સંસ્કૃતિ કોઈ મુશ્કેલી ઊભી કરતાં નથી. એને લીધે શ્રીરામકૃષ્ણને ભાવ અનુસાર ગ્રહણ કરવામાં સ્થાનિક લોકોને સગવડ રહે છે. તેમજ પોતપોતાના ક્ષેત્રની પોતાની સંસ્કૃતિની વિશિષ્ટતાઓ જળવાય અને એને પ્રધાનતા આપી શકાય એ પણ તેનું એક બીજું કારણ છે. પૂજા અને ઉત્સવોમાં સ્થાનિક ભોજન જ સમર્પણ કરાય છે. તે સિવાય મહારાષ્ટ્રમાં ગણેશપૂજા, કેરલમાં વિષ્ણુપૂજા, મેઘાલયમાં વેદિયાનખલમ્ વગેરે આદિવાસી અનુષ્ઠાન, ગુજરાતમાં જન્માષ્ટમી, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા, બાંગ્લાદેશમાં ઈદ, નાગાલેન્ડમાં ક્રિસ્ટમસ વગેરે ક્ષેત્રીય ધાર્મિક ઉત્સવોમાં રામકૃષ્ણ મિશનના સહભાગી થવાથી સ્થાનિક નિવાસીઓનો મિશનોની સાથે સહજપણે આત્મીયતાનો ભાવ ઊભો થાય છે. આ બધાં કારણોથી રામકૃષ્ણ મિશન આદર્શ અને વ્યવહારમાં અખિલ ભારતીયતા પ્રદર્શિત કરે છે જેથી તે સર્વગ્રાહ્ય બની રહે છે.

ત્રીજી વાત એ છે કે જુદીજુદી સામાજિક સમસ્યાઓ પ્રત્યેનો રામકૃષ્ણ મિશનનો દૃષ્ટિકોણ આધુનિક રહ્યો છે. જેમકે, પરિવાર નિયોજનનું સમર્થન કરવું, નારીસ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપવું, વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતોને શબ્દશ: ગ્રહણ કરવા, વગેરે વર્તમાન પૃથ્વીની એક તરફ અનેક ગ્રહોની ઉપસ્થિતિને પ્રાચીન દૃષ્ટિકોણથી ન જોતાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવીને શાંતિયજ્ઞ વગેરે તે કરતું નથી કે કોઈ ધાર્મિક અંધશ્રદ્ધામાં માનતું નથી.

ચોથું કારણ એ છે કે મિશનમાં અધિકાંશ સંન્યાસીઓ, બ્રહ્મચારીગણ વિશ્વવિદ્યાલયની ડિગ્રીવાળા છે. તેથી તેમનાં વ્યાખ્યાનો બૌદ્ધિક રીતે સક્ષમ અને વસ્તુનિષ્ઠ દૃષ્ટિવાળાં હોય છે. ભૌતિક જ્ઞાનના વિષયોમાં પણ વ્યાખ્યાનો આપવાની ક્ષમતા વાળા સાધુઓ અહીં હોવાથી બુદ્ધિજીવી અને શિક્ષિત લોકોની શ્રદ્ધાયુકત દૃષ્ટિ સ્વાભાવિક રીતે મિશન તરફ આકર્ષાય છે.

પાંચમી બાબત એ છે કે મિશનમાં સાધુ તરીકે સહયોગ આપવા માટે કડક કાયદા અને હોવાથી તેમની સંખ્યા કરતાં ગુણાત્મકતા તરફ વધુ ધ્યાન આપવાનું શક્ય બન્યું છે.

રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો

સ્વાધીન ભારતમાં સેવાને ક્ષેત્રે કામ કરતાં પ્રતિષ્ઠાનોમાં રામકૃષ્ણ મિશન, સંભવ છે કે સૌને વધારે આકર્ષી શકે તેમ છે. જાતિ કે ધર્મને મહત્ત્વ આપ્યા સિવાય સૌની સહાયતા કરવા માટે દોડી જવામાં આજે પણ બીજું કોઈ ધાર્મિક પ્રતિષ્ઠાન મિશન જેટલું ઉદાર ભાગ્યે જ થઈ શક્યું હશે. આપણા દેશમાં સેવાના માધ્યમથી ધર્મપરિવર્તન કરવા માટે ઊભી કરાયેલ સંસ્થાઓથી તો રામકૃષ્ણ મિશન અલગ જ છે.

રામકૃષ્ણ મઠ અને મિશનનું કાર્ય ઘણે ભાગે ત્રણ ભાગમાં થાય છે : અન્નદાન, વિદ્યાદાન અને આધ્યાત્મિક સત્યનો પ્રચાર. અન્નદાનનો અર્થ ભિક્ષા નથી થતો; પરંતુ તેનું મૂળ લક્ષ્ય તો છે દુ:ખી માનવ સુધી અન્ન-વસ્ત્ર-આવાસ અને તબીબી સહાયતા સેવાના માધ્યમ દ્વારા પહોંચાડવી. તે સિવાય અનાથ અને દરિદ્રનારાયણને જીવનોપયોગી તથા શિક્ષણના ક્ષેત્રમાં આ માધ્યમ દ્વારા સહાયતા કરવી. તબીબી સહાયનાં ક્ષેત્રે મઠ મિશન દ્વારા ૧૪ હોસ્પિટલો, ૮૧ દવાખાનાંઓ તથા ૨૨ ફરતાં દવાખાનાં મારફત ગરીબોને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે. એલોપેથિક, હોમિયોપેથિક અને આયુર્વેદિક પદ્ધતિની સારવાર પ્રચારની સાથે ગ્રામીણ પ્રદેશો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કુદરતી આફતને સમયેરાહતકાર્યોની સાથે પુનર્વસવાટ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં દુર્દશાગ્રસ્ત લોકો માટે ગૃહનિર્માણનું કામ થયું છે. આપણા પડોશી દેશ નેપાળમાં રામકૃષ્ણ મિશને દુર્દશાગ્રસ્ત લોકો માટે ગૃહનિર્માણની એક કરોડ રૂપિયાની યોજના પોતાના હાથમાં લીધી હતી. શિક્ષણક્ષેત્રે તો સ્કૂલ-કૉલેજો સિવાય જૂદીજૂદી જગ્યાએ છાત્રાલયો તૈયાર કરીને વિદ્યાર્થીઓને ભણવા-ગણવાની સગવડ કરી આપી છે.

શિક્ષણના ક્ષેત્રે રામકૃષ્ણ મિશનનો પરિચય કંઈ નવો નથી. સાધારણ અનૌપચારિક શિક્ષણનાં અને હસ્ત કારીગરીના શિક્ષણનાં લગભગ ૧૬૦૦ પ્રતિષ્ઠાનો હાલ રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ચાલી રહ્યાં છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે લગભગ ૧,૪૦,૦૦૦ શિક્ષાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે એમ જણાય છે કે આ શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ ૬૨% શિક્ષાર્થીઓ ગરીબ ઘરોમાંથી આવે છે. જેમાંથી ૨૫% ગરીબીની સીમારેખા નીચે જીવતાં લોકોમાંથી આવે છે. એમ તારણ કાઢી શકાય કે ૯% ઉચ્ચ વર્ગમાંથી, ૨૯% મધ્યમવર્ગમાંથી, ૪૦ % નિમ્નવર્ગમાંથી અને બાકીના ગરીબીની સીમારેખા નીચે જીવતાં કુંટુંબોમાંથી આવે છે. તેમાંથી ૪૧% નિ:શુલ્ક અથવા અંશત: શુલ્ક દઈને ભણે છે. કોલેજમાં ૩૩%, ઉચ્ચ વિદ્યાલયોમાં ૨૮% તથા પ્રાથમિક અને મિડલ સ્કૂલોમાં ૬૩% વિદ્યાર્થીઓ છે. બીજે ઠેકાણે અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા શિક્ષાર્થીઓ માટે સ્ટાઈપેંડની વ્યવસ્થા તો વળી એથીય ઘણી વધારે છે. આજે પણ ભારતની જુદી-જુદી જગ્યાએથી જ નહીં, પરંતુ પરદેશી સરકારો અને સામાન્ય લોકો તરફથી પણ નવી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટે મિશનને આમંત્રણ આપવામાં આવે છે. પરંતુ સીમિત શક્તિ અને સુવિધાને કારણે મિશનના કાર્યકર્તાઓ આ બધાં આમંત્રણોનો સ્વીકાર કરી શકતા નથી.

શિક્ષણના વિસ્તારને ક્ષેત્રે રામકૃષ્ણ મઠ અને મિશનનાં પુસ્તકાલયોએ પણ વિશેષ ભૂમિકા ભજવીછે. સ્કૂલ-કૉલેજનાં પુસ્તકાલયો સિવાય પણ ૧૧૫થી વધારે જાહેર પુસ્તકાલયો છે. જેમાંથી શહેરોમાં ૩૧, ઉપનગરોમાં ૩૩ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૫૧ કરતાં પણ વધારે છે. અધિકાંશ પુસ્તકાલયો સાથે નિ:શુલ્ક વાચનાલયોની સુવિધા પણ જોડાયેલી છે. તે સિવાય ફરતાં પુસ્તકાલયોના માધ્યમથી ગ્રામજનો ઘેર-બેઠાં વાંચવા માટેનાં પુસ્તકો મેળવી શકે છે.

ધર્મપ્રચારની બાબતમાં રામકૃષ્ણ મઠ અને મિશન શ્રીરામકૃષ્ણ દ્વારા પ્રતિપાદિત ઉદાર ભાવો ઉપર જોર દે છે. મિશનનું સભ્યપદ પ્રાપ્ત કરતી વખતે જે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે, તેમાંની એક છે- “હું સમસ્ત ધર્મોને ઈશ્વરાભિમુખ પથ માનું છું, અને વાસ્તવિક જીવનમાં પણ સર્વધર્મમાં માનવાવાળી વ્યક્તિઓ તરફ મૈત્રી અને શાંતિભાવ દૃઢ કરીશ. ધર્મ અને સંસ્કૃતિના પ્રચારાર્થે મઠ અને મિશન તરફથી જુદી-જુદી ૮ ભાષાઓમાં ૧૪ પત્રિકાઓનું નિયમિત રીતે પ્રકાશન થાય જેમાંથી અંગ્રેજીમાં ૫, બંગાળીમાં ૨ અને ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં એક-એકનું થાય છે. તે સિવાય ૨૦૦ થી વધારે અર્ધવાર્ષિક અને વાર્ષિક પત્રિકાઓ પ્રકાશિત થાય છે. ૩૦ પ્રકાશન કેન્દ્રો નિયમિત રીતે દેશી અને વિદેશી ભાષાઓમાં પુસ્તક પ્રકાશનનું કાર્ય કરે છે. મઠ-મિશન પોતાના ખર્ચે જે પુસ્તકોનું પ્રકાશન કરે છે તેમાંથી ૪૯.૭% ની કિંમત સાડા પાંચ રૂપિયાથી તથા ૮૮% ની કિંમત એકવીસ રૂપિયાથી ઓછી હોય છે. ઓછી આવકવાળા લોકો પણ પુસ્તકનો લાભ લઈ શકે એ ઉદ્દેશ્ય હોવાને લીધે જ મઠ-મિશનનાં પુસ્તકોની કિંમત આટલી ઓછી રાખવામાં આવે છે. ગામે-ગામ જઈને ચલચિત્રો દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃતિ અને શિક્ષણના પ્રચાર અર્થે ફરતાં દૃશ્ય શ્રાવ્ય સાધનોથી કામ કરતી ૧૫ શાખાઓ છે. તે સિવાય સાંસ્કૃતિક અનુસંધાન કેન્દ્ર, મ્યુઝિયમ, આર્ટ ગેલેરી વગેરે શાખાઓ પણ સાંસ્કૃતિક પ્રચાર માટે વિશેષ ઉલ્લેખનીય છે. અનુસૂચિત જાતિ અને આદિવાસીઓને સાંસ્કૃતિક શિક્ષણ આપવા માટે મઠ-મિશન તરફથી જુદીજુદીજગ્યાએ મેળાઓ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ૨૦ થી વધારે કેન્દ્રોમાં સંગીત, નાટક, ચિત્રકામ તથા અન્ય કલાઓનું શિક્ષણ આપવામાં આવે છે.

શ્રીરામકૃષ્ણ દ્વારા ઉપદેશાયેલ ઉદાર ધર્મમતના તાત્ત્વિક અને વ્યાવહારિક પ્રચાર માટે મઠ-મિશનના સંન્યાસીઓ પૃથ્વીના બધા દેશોમાં ફરી વળ્યા છે. ઑસ્ટ્રેલિયાનાં જુદાંજુદાં શહેરોમાં, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા, રોડેશિયા, કેનિયા અને મિસ્રમાં, યુરોપમાં બ્રિટન, ફ્રાંસ, સ્વીટઝરલેંડ, જર્મની, ઈટલી, હૉલેન્ડ, સ્પેન, બેલ્જીયમ, ડેન્માર્ક વગેરે રાષ્ટ્રોમાં, દક્ષિણ અમેરિકાના આર્જેન્ટીના, બ્રાઝીલ, પેરૂ, વેનેઝુએલા વગેરે દેશોમાં, ઉત્તર અમેરિકામાં કેનેડા, સંયુક્ત રાષ્ટ્ર, કયુબા, એશિયાના જપાન, મલેશિયા, ઈન્ડોનેશિયા, ઈરાક વગેરે દેશોમાં શ્રીરામકૃષ્ણની વાણીને સંન્યાસીગણે પહોંચતી કરી દીધી છે. રશિયા, પોલેંડ, ઝેકોસ્લાવેકિયા, યુગોસ્લેવિયા, હંગેરી, તાઈવાન, ફીલીપાઈન વગેરે દેશોમાં નિયમિત રીતે સંન્યાસીગણ વ્યાખ્યાનો આપવા જાય છે અને અધ્યયન મંડળ (study circles) ના માધ્યમથી પોતાનું કાર્ય સંચાલિત કરે છે. હવે ચીનની કમ્યુનિસ્ટ સરકારે પોતાના દેશમાં સ્વામી વિવેકાનંદની રચનાવલીનો ચીની ભાષામાં અનુવાદ પ્રકાશિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

હાલ મઠ-મિશનનું ૭૩% કાર્ય ગ્રામીણ પ્રદેશોમાં ચાલી રહ્યું છે. શિક્ષણ, તબીબી સહાય વગેરેની વ્યવસ્થા કરવા ઉપરાંત ગામડાંના યુવકોને સંગઠિત કરીને તેમની શક્તિ ગ્રામોન્નતિનાં કાર્યોમાં ઉપયોગી થાય એ માટે મઠ-મિશન પોતાની જુદી-જુદી શાખાઓ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. અહીં તે વિસ્તૃત વિવરણ ન કરતાં સંક્ષેપમાં કેટલીક શાખાઓનાં કાર્યનું વિવેચન કરેલ છે. બેલુર મઠથી પલ્લીશ્રી અને પલ્લીમંગલમ્ નામના બે કાર્યક્રમો આપવામાં આવે છે, જેના પ્રથમ ચરણ તરીકે આંધ્ર પ્રદેશના ૧૦ અને પશ્ચિમ બંગાળનાં ૬ગામોને લેવામાં આવ્યાં છે. અનેક બેકાર યુવાનોને અને ખેડૂતોને આ વિષયમાં વિશેષ પ્રશિક્ષણ આપવા માટે તેમને આર્થિક સહાય, કારીગરી સહાય આપવાના અને સંશોધનના રિપોર્ટો આપવામાં આવ્યા છે. આ યુવાનો પોતાના ગામની આર્થિક, સામાજિક અને નૈતિક અવસ્થાની પોતે જાણકારી મેળવીને રિપોર્ટ તૈયાર કરે છે અને મિશનની સહાયથી પોતાની જાતને કૃષિ કે લઘુ ઉદ્યોગમાં ગોઠવવાના પ્રયત્નો કરે છે. પછી આ યોજનામાં તેઓ બીજા ગ્રામવાસીઓને પણ ખેંચી લાવે છે તથા બધા સાથે મળીને ગામની ખેતી, ઉદ્યોગ, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રે જુદી-જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. એમ જણાય છે કે આ પ્રકારે ખેડૂતોની ખેતી પેદાશમાં ત્રણ ગણો વધારો થાય છે. માછલીનું ઉત્પાદન ચાર ગણું વધ્યું છે. તે સિવાય આ યુવકોએ આમાંનાં ૧૦ ગામડાંમાં રાત્રિશાળાઓ અને પ્રૌઢશિક્ષણ કેન્દ્ર શરૂ કર્યાં છે. લઘુ ઉદ્યોગના ક્ષેત્રે તેઓ જુદી જુદી સંસ્થાઓ સાથે મરઘાં ઉછેર, દૂધ કેન્દ્રો અને બીજા નાના-મોટા વ્યવસાયો શરૂ કરી શક્યા છે. મિશનની નરેન્દ્રપુરની શાખા છેલ્લાં ત્રીસ કરતાં પણ વધારે વર્ષોથી આ બધાં કામો કરી રહી છે. પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાનાં ૮૬ કેન્દ્રો દ્વારા ૪૦૦ ગામડાંઓમાં ઉકત શાખા જે કાર્ય કરે છે તેની પ્રશંસા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રસંઘમાં પણ થઈ છે. જેના પરિણામે ભારતની કેન્દ્ર સરકાર તથા વિભિન્ન રાજય સરકાર પોતાના શિક્ષાર્થીઓને વધારે પ્રશિક્ષણ લેવા નરેન્દ્રપુર મોકલે છે. નરેન્દ્રપુરની મદદથી રાત્રિશાળાઓ ખોલીને ઉત્તમ પદ્ધતિથી ખેતી કરીને, માછલી ઉદ્યોગ, મરઘાં ઉછેર, દૂધ કેન્દ્રો વગેરેની સાથે નળિયાં બનાવવાં, છત્રીઓ બનાવવી, લાકડાકામ, માટીકામ જેવા કુટિર ઉદ્યોગો દ્વારા હજારો ગ્રામોનાં સ્ત્રી-પુરુષો અને બેકાર યુવકો પગભર થઈ રહ્યા છે.

રાંચીના દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથીરામકૃષ્ણ મિશન આદિવાસી ઉપજાતિઓની વચ્ચે આ જ પ્રકારે કાર્ય કરે છે. ત્યાંના લોકો ઉપર્યુકત જેવા કાર્યક્રમો દ્વારા લગભગ ૩૦૦ ગામડાંઓમાં નરેન્દ્રપુરની જેમ કામ કરે છે. પરિણામે શિક્ષણ મેળવેલ આદિવાસી અને જનજાતિના લોકો પોતાની ખેતપેદાશમાં ત્રણ ગણો વધારો કરી શક્યા છે. તેની સાથે જ કુટિર ઉદ્યોગ શરૂ કરીને તથા રાત્રિશાળાઓ ખોલીને ગ્રામોન્નતિના કાર્યમાં એક શક્તિશાળી ભૂમિકા પૂરી પાડી છે. તામીલનાડુની કોઈમ્બતુર શાખામાં બેકાર શિક્ષિત યુવકોએ પીંજણકામ, નેતરકામ, લઘુ યંત્રઉદ્યોગની શરૂઆત કરીને સાથે સાથે ગામડાંઓમાં સ્કૂલો, ટયુબવેલ, પમ્પ, સારવાર કેન્દ્રો વગેરેની પોતે જ શરૂઆત કરી છે. મૂળભૂત રીતે રામકૃષ્ણ મિશનનો ઉદ્દેશ્ય છે કે મિશનની સહાયથી શરૂઆતમાં ગ્રામવાસીઓને મદદ કરીને તેમનામાં આત્મવિશ્વાસ, કાર્યકુશળતા અને સંગઠનશકિતને જાગૃત કરવાં. આ રીતે ગ્રામવાસીઓની ચેતનામાં પરિવર્તન લાવીને તેમના દ્વારા જ ગ્રામોન્નતિ કરાવવી, એ મિશનનું લક્ષ્ય રહ્યું છે. રામકૃષ્ણ મિશનની જુદી-જુદી શાખાઓ તથા પશ્ચિમ બંગાળમાં નરેન્દ્રપુર, પુરૂલિયા, સરિષા, સારગાછી, મનસાદ્રીપ તથા શારદાપીઠ; તામિલનાડુમાં મદ્રાસ, નટરમપલ્લી અને કોઈમ્બતૂર; કેરલમાં તિરૂવલ્લા અને ત્રિચુર અરુણાચલમાં આલોંગ અને તિરપ; આસામમાં સિલચર; મેઘાલયમાં ચેસપુંજી; ગુજરાતમાં રાજકોટ; મધ્યપ્રદેશમાં નારાયણપુર, ઓરિસ્સામાં પુરી; રાજસ્થાનમાં ખેતડી; બિહારમાં રાંચી વગેરેના આશ્રમોએ ગ્રામોન્નતિ અને યુવા સંગઠનોના ક્ષેત્રમાં દૃઢ ભૂમિકા પૂરી પાડી છે. આ રીતે જ રામકૃષ્ણ આંદોલન પોતાની વિશેષતાઓને કારણે વ્યકિતક્રમના એક ઉજ્જ્વળ પરિવર્તનના રૂપમાં પરિણમિત થાય છે.

(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.)

ભાષાંતરકાર: શ્રી મતી પુષ્પા પંડ્યા

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.