“શ્રીરામકૃષ્ણ જ્યોત”નો દીપોત્સવી અંક અતિ સુંદર અને મૂલ્યવાન બન્યો છે. શિક્ષણ પ્રણાલીના સર્વ પાસાંઓના તાણાવાણા લેખો દ્વારા વણી લેવાયા છે. પ્રદૂષિત જીવનનાં મૂળ કેળવણીના ઊંધા અધ્યાસો આપણે આચરી બેઠા છીએ તેમાં છે અને પરિણામે સાચી દૃષ્ટિ ખીલી નથી. દેશ આખાને આજની કેળવણી કેળવી શકી નથી. ચારિત્ર્યની ડિઝાઈન પરિણામે ઊઠી નથી. યોગ્ય નેતાગીરીનો અભાવ તો છે જ, સાથે સાથે સ્વાર્થ સાધુ અને તકસાધુ રાજકારણીઓએ આ દેશની પ્રજાના જીવનને ડહોળી નાખ્યું છે. તેમાં આવો નાનો દીવો દિશાસૂઝ કરે એનું મારે મન મહત્ત્વ છે.

– યોસૅફ મૅકવાન

(જાણીતા સાહિત્યકાર)

“શ્રીરામકૃષ્ણ જ્યોત’’નો દીપોત્સવી અંક શિક્ષણ અંક બનાવીને આપે સમયોચિત ઉત્તમ ધર્મ કાર્ય કર્યું છે. વર્તમાન સમયમાં જેવું હોય તેવું પણ શિક્ષણ જ તરણોપાય બની રહે તેમ છે. પૂજ્ય વિવેકાનંદજીના શિક્ષણ વિષેના વિચારો આજે પણ પ્રસ્તુત અને દીપ શિખા બની શકે તેમ છે. આ અંકમાં આ ઉપરાંત પણ અનુભવી અધ્યાપકો અને મનીષીઓના વિચારપ્રેરક લેખોને લીધે આ અંક એક સંદર્ભ ગ્રંથ બની રહ્યો છે. સુઘડ છપાઈ, સંગ્રહણીય છબીઓ અને સુરેખ સુઘડ ગેટઅપથી આ અંક સર્વાંગ સુંદર બની રહ્યો છે.

પ્રા. ડૉ. શ્રી વસંતભાઈ પરીખ

અમરેલી

“શ્રીરામકૃષ્ણ જ્યોત” શિક્ષણ અંગેનો દીવાળી અંક વાંચ્યો. ઘણો જ ગમ્યો. શિક્ષણ સાથે સંકળાયેલા પ્રાધ્યાપકો – શિક્ષકોમાં પ્રચાર પસાર કરવા જેવો આ અંક છે.

પ્રા. પ્રવિણભાઈ રાઠોડ

 મોરબી

“શ્રીરામકૃષ્ણ જ્યોત” દીવાળી અંકના બધા જ લેખ ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ છે. પૂજ્ય રામકૃષ્ણદેવ અને પૂ. માતાજી શારદાદેવી તથા પૂ. વિવેકાનંદજીના અલગ અલગ ફોટાઓ પણ અત્યંત આકર્ષક છે. વળી આ ફોટાઓ નીચે લખાયેલ સૂત્રો જીવનમાં ખૂબ જ ઉપયોગી બને એવાં છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમની માનવ ધર્મ સેવા સાથે “શ્રીરામકૃષ્ણ જ્યોત” રૂપી જ્ઞાનધારા અવિરત વહેતી રહે અને દિનપ્રતિદિન પ્રગતિના પંથને વધારે પ્રકાશમય બનાવે એ જ અભ્યર્થના.

– જયંતિભાઈ સી. બાવળીયા

તલાટી કમ – મંત્રી મુ. ઘોઘા સમડી, તા.ગઢડા

“શ્રીરામકૃષ્ણ જ્યોત” દીવાળી અંક જોયો. ખરેખર સૌંદર્યથી ભરપૂર અંક છે. વિચારોત્તેજક અંક બન્યો છે. એકેએક લેખ વિચારોને પ્રેરે છે.

હરેશભાઈ ધોળકીયા,

ભુજ (કચ્છ)

પ્રત્યેક વાંચક/ગ્રાહકના દિલમાં દીવો કરવાના શુભ આશયથી પ્રગટ થયેલ આપનો દીપોત્સવી અંક વાંચ્યો/ માણ્યો. શિક્ષણના સાધક માટે આ અંક કેવળ અંક લાગવાને બદલે કાયમી સાચવવાનો ગ્રંથ બની રહેશે – જેના અંકમાં આળોટીને આનંદ પામી શકીએ તેવો આ અંક છે. શિક્ષણ એ માહિતીના પોટલાને બદલે સંસ્કારના શ્વાસની અવિરત અને સહજ પ્રક્રિયા બની રહે તે ચિંતન અભિવ્યક્ત કરતા આ અંકમાં…

શિક્ષણની ભારતીય પ્રણાલી લેખમાં વિદ્યાર્થી જીવનના આદર્શ યોગ્ય દૃષ્ટાંત દ્વારા શિક્ષણમાં શુદ્ધિકરણ અને પરા વિદ્યાની અપેક્ષા. કેળવણીનાં મૂળ તત્વોમાં સત્યની શોધ; શ્રદ્ધા ને નમ્રતા, હિંમત તથા અમીદૃષ્ટિના પાયા રચી લેખમાં વ્યક્ત થયેલ યથાર્થ કેળવણીની સંકલ્પના.

સ્વામી શ્રી રંગનાથાનંદનો લેખ તો માણસને તેના ગુરુશિખરનો ખ્યાલ આપી અંદરના આવિર્ભાવ દ્વારા ‘સ્વ’ને સર્વસ્વમાં પ્રસા૨વાની પ્રેરણા આપે છે. વેદાંતિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યક્તામાં પૂજ્યવર શ્રી કેશવલાલ શાસ્ત્રીએ માનવની આંતરિક અદ્‌ભુતતાના તાત્ત્વિક વિવરણ દ્વારા દર્શાવેલ વેદાંતિક મૂલ્યો એ વિશ્વનો વૈભવ બની શકે છે. માનનીય શ્રી મનસુખલાલ મહેતાનો લેખ શ્રી રામકૃષ્ણ મિશન મઠ દ્વારા ચાલતી વિવિધ સંસ્થાઓની માહિતી એ વટવૃક્ષ અને તેની વડવાઈઓનો સાર્થક પરિચય કરાવે છે.

ટૂંકમાં શિક્ષણના સાધક ને સંતૃપ્ત કરનારો અને જેના વારંવારના આચમનથી દિલમાં દીવો કરનારો આ ખરો Greeting ગ્રંથ છે.

શ્રી નિરંજનભાઈ બી. મહેતા, રાજકોટ

Total Views: 222

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.