સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મતિથિ (૧, ફેબ્રુઆરી) પ્રસંગે

સાધન – ભજન કરો, સાધન – ભજન કરો. ભજન કરવાથી એક પ્રકારનો આનંદ મળે છે. એ આનંદનો આસ્વાદ એક વાર કર્યા પછી બધું જ ફિક્કું લાગે છે. પછી તમે જ્યાં પણ રહો, જેવી અવસ્થામાં રહો, તો પણ સાધન – ભજન સિવાય કંઈ ગમશે નહીં. પણ હા, એ બરોબર છે કે એમાં શરૂ શરૂમાં તો જરા પણ આનંદ મળતો નથી. ગુરુવચનોમાં શ્રદ્ધા રાખી કેટલાક દિવસ તે કરતા રહેવાથી જોશો કે આપોઆપ આનંદ આવવા લાગશે.

જે લોકો સાધન ભજન કરતાં હોય છે, તેઓ, બધી જ પરિસ્થિતિમાં કરતાં રહે છે, જ્યાં સુઅવસર – સુવિધા હોય છે ત્યાં તેઓ ખૂબ જ વધારે પ્રમાણમાં સાધન -ભજન કરે છે. અહીં સગવડ નથી, ત્યાં સગવડ નથી, એમ કહી જેઓ ફક્ત ભટકતા જ રહે છે, તેઓ કયારેય કંઈ પણ કરી શકતા નથી. રખડુની જેમ ભટકી ભટકી સમય બરબાદ કરે છે.

ખૂબ જપ કરો, બેટા, ખૂબ જપ કરો. કલિયુગમાં યજ્ઞયાગ કરવા બહુ જ મુશ્કેલ છે. જપ કરતાં કરતાં મન સ્થિર થઈને ઈષ્ટમાં લય પામી જશે. જપની સાથે સાથે ઈષ્ટમૂર્તિનું ચિંતન કરવું જોઈએ. એનાથી જપ – ધ્યાન બંને એકસાથે થઈ જાય છે. આ રીતે જપ કરવાથી ત્વરિત કામ થઈ જાય છે.

હંમેશાં સ્મરણ – મનન કરવું જોઈએ, જપ – ધ્યાન કરવા માટે સુયોગ અને સુવિધાઓ શોધી લેવાં પડે છે, પરંતુ સ્મરણ – મનન કરવા માટે કોઈની જરૂર પડતી નથી. ખાતાં – સૂતાં, ઊઠતાં – બેસતાં, દરેક વખતે સ્મરણ – મનન થઈ શકે છે. જો દિનરાત નિરંતર સ્મરણ – મનન કરી શકો તો જાણવું કે મન ઘણું ઊંચે પહોંચી ગયું છે. રામાનુજના મત અનુસાર આ અવિરત ચિંતનનું નામ જ ધ્યાન છે.

કામને જીતીશ, ક્રોધને જીતીશ, એમ બોલીને પ્રયત્ન કરવાથી આ શત્રુઓ કાબૂમાં લઈ શકાતા નથી. ભગવાનમાં મન પરોવવાથી તે બધા આપોઆપ ચાલ્યા જાય છે. ઠાકુર કહેતા: “પૂર્વ તરફ જવાથી પશ્ચિમ આપોઆપ પાછળ રહી જાય છે. તે માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી.” એમને પોકારો. એમને પોકારવાથી ષડરિપુ વગેરે કોણ જાણે કયાં ભાગી જશે.

તમે લોકો ઉ૫૨ ઉ૫૨થી જ૫ – ધ્યાન કરી રહ્યા છો. શું એ ફક્ત એકાદ બે કલાક કરવાનું કામ છે? દિવસ – રાત ચોવીસે કલાક એમનો ભાવ ગ્રહણ કરીને રહેવાય તો ત્યારે જ થાય. આ તમારા લોકોનો સમય છે. અરે ડૂબી જાઓ, ડૂબી જાઓ. વધારે સમય બરબાદ ન કરો. અર્ધરાત્રિમાં ખૂબ જપ – ધ્યાન કરવાં જોઈએ. એ સમય જપ – ઘ્યાન માટે ખૂબ અનુકૂળ છે.

પહેલી અવસ્થામાં ઘીમે ધીમે જપ – ધ્યાન વધારવાં જોઈએ. આજ એક કલાક કર્યું તો બે દિવસ પછી થોડો સમય વધાર્યું, પછી થોડા દિવસ બાદ હજુ પણ વધારે સમય લંબાવ્યો – આ રીતે ધીમે ધીમે વધારતાં જવું જોઈએ. ક્ષણિક ભાવાવેગથી, ઉત્તેજિત બનીને એકદમ વધારે માત્રામાં જપ – ધ્યાન કરી નાખવાથી તેની પ્રતિક્રિયા સંભાળવી મુશ્કેલ બની જાય છે. અને આ પ્રતિક્રિયા ન સંભાળી શકવાથી મન ખૂબ નીચે ઊતરી જાય છે.અને પછી, જપ – ધ્યાન કરવાની બિલકુલ ઈચ્છા થતી નથી. તે મનને ઉ૫૨ ઉઠાવીને ફરીથી જપ – ધ્યાનમાં એકાગ્ર ક૨વું ઘણું જ મુશ્કેલ કામ છે.

(‘ધ્યાન, ધર્મ અને સાધના’ પૃ.૧૪૦-૧૪૧)

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.