‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેઈડ એબાઉટ ઈટ’માંથી ગુરુ વિશેના બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ) ના વિચારો શ્રીમનસુખભાઇ મહેતા દ્વારા સંકલિત ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં પ્રસ્તુત છે. – સં.

* શ્રીરામકૃષ્ણ કહેતા, ‘ગુરુ તો હજારો મળી શકે પણ શિષ્ય વિરલ હોય છે.’ સલાહ આપનારા ઘણા હોય છે, પણ એને કાન દેનાર કેટલા હોય છે ? જો માણસને ગુરુની વાણીમાં શ્રદ્ધા હોય અને તે તેનું અનુસરણ કરે તો બધી શંકાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય. જો માણસને પોતાના ગુરુના શબ્દોમાં વિશ્વાસ હોય તો ઈશ્વર એની બધી ઇચ્છાઓ પૂરી કરે. ગુરુ શિષ્યનો હાથ પકડીને તેને સત્યના પથે દોરી જાય છે.

* સાત દરવાજાવાળા એક મહેલમાં રાજા રહે છે. એક ગરીબ માણસ એ રાજાને મળવા વિનંતી કરે છે. રાજાના પ્રધાને એની વિનંતી માનીને સાતે સાતે દરવાજાઓમાંથી રાજાની સમક્ષ લઈ જાય છે. દરેક દરવાજે શાહી પોષકમાં સજ્જ અધિકારી ઊભો છે અને તેને જોઈને દરેક વખતે દરવાજામાંથી પસાર થતી વખતે પ્રધાનને ગરીબ માણસ પૂછે છે કે આ રાજા પોતે છે ? પ્રધાન દરેક વખતે ‘ના’માં જવાબ આપે છે. અંતે તેઓ સાતમા દરવાજે પહોંચ્યા અને રાજા પોતાના ભવ્યભપકા અને સુંદરતા સાથે એની સમક્ષ ઊભા છે. પછી પેલા ગરીબે પ્રશ્ન ન પૂછ્યો; તે પોતાના રાજાને ઓળખી ગયો. આવું જ ગુરુનું છે. રાજાના પ્રધાનની જેમ ગુરુ પોતાના શિષ્યને આધ્યાત્મિક ઉઘાડના જુદા જુદા તબક્કા સુધી લઈ જાય છે અને ગુરુ અંતે તેમને ઈશ્વર પાસે છોડી દે છે.

* આટલું જાણી લો ! તમારા પોતાના મનમાં ગુરુ કરતાં કોઈ વધારે મહાન નથી. જ્યારે પ્રાર્થના અને ચિંતનમનનથી મન પવિત્ર થાય ત્યારે તે તમને ભીતરથી જ દોરવણી આપશે. તમારી દૈનંદિન ફરજોમાં પણ આ ભીતરના ગુરુ તમને માર્ગદર્શન આપશે અને જ્યાં સુધી ધ્યેયસિદ્ધિ ન થાય ત્યાં સુધી તમને સતત મદદ કરતા રહેશે.

* એટલે જ ગુરુની સહાય ઘણી આવશ્યક છે. ગુરુ પોતાના શિષ્યને એની પ્રકૃતિને અનુસરીને તેનો ચોક્કસ આદર્શ પસંદ કરવામાં સહાય કરે છે અને પછી એ આદર્શ પર એકાગ્રતા કેળવવા યોગ્ય શ્રેષ્ઠ મંત્ર પણ આપે છે.

ગુરુના શબ્દોમાં અચલ શ્રદ્ધા સાથે શિષ્યે પુન : પુન : મંત્રજાપ અને તેના અર્થ પર ધ્યાન ચિંતનનો અભ્યાસ નિયમિત રીતે કરવો જોઈએ. આમ કરવાથી તેને હૃદયની શાંતિ મળશે.

* આધ્યાત્મિકતાનો પથ અનુસરવો ઘણો દુષ્કર છે. શિષ્ય ગમે તેટલો ચતુર હોય કે ગમે તેવો બુદ્ધિમાન હોય પણ દિવ્યપ્રકાશના માર્ગદર્શકની સહાય સિવાય તે આધ્યાત્મિક પથે ચોક્કસ ડગી જવાનો.

* પહેલા અનુભૂતિ અને પછી શ્રદ્ધા. પહેલાં તો આધ્યાત્મિક જિજ્ઞાસુએ પોતાની શ્રદ્ધાને જાગૃત કરવી જોઈએ, પછી ભલે એ અંધશ્રદ્ધા પણ હોઈ શકે, પણ તેના ગુરુના કે કોઈ મહાન આત્માના શબ્દોમાં શ્રદ્ધા હોવી જોઈએ. તો જ જિજ્ઞાસુ પોતાના ધ્યેય તરફ આગળ વધી શકે.

* પ્રાથમિક તબક્કે ગુરુની સેવા આવશ્યક છે. પરંતુ પછીથી મન પોતે જ ગુરુનો ભાગ ભજવશે. ગુરુને સામાન્ય માણસ જેવા ગણવા કે જોવા ન જોઈએ. તેનો દેહ ઈશ્વરનું મંદિર છે. આ આદર્શ સાથે જો શિષ્ય ગુરુની સેવા કરી શકે તો તે તેને માટે ગહન પ્રેમ સંપાદિત કરી શકે. આ જ પ્રેમ પછીથી ઈશ્વર પ્રત્યેના ગહન પ્રેમમાં વિકસે છે.

* ગુરુને સહસ્રારમાં રાખીને ધ્યાન ધરો. અને પછી એ સ્વરૂપને તમારા ઈષ્ટ આદર્શ સાથે ભેળવી દો. શ્રીરામકૃષ્ણે અત્યંત સ્પષ્ટ રીતે કહ્યું છે, ‘ધ્યાન ધરતી વખતે ગુરુ શિષ્ય સમક્ષ અલૌકિક દર્શનરૂપે દેખાય છે. તે શિષ્યને તેના ઈષ્ટ આદર્શ તરફ આંગળી ચીંધે છે અને કહે છે, ‘જો ત્યાં તારો ઈષ્ટ આદર્શ છે.’ પછી તે પોતે ઈષ્ટ આદર્શમાં ભળી જાય છે.’ આવી રીતે ગુરુ અને ઈશ્વરમાં ખરેખર ભેદ નથી.

* જેમણે દિવ્ય પ્રકાશવાળા ગુરુની કૃપા મેળવી છે તેઓ ઈશ્વરની અમીકૃપાવાળા છે. ઈશ્વર ભવસાગરને પાર કરવાનો કિનારો બતાવે છે અને શિષ્યના માર્ગનાં બધાં વિઘ્નો હરી લે છે. ગુુરુના શબ્દોમાં અટલ અને ઊંડી શ્રદ્ધા રાખો અને તેમના ઉપદેશોનું નિષ્ઠાપૂર્વક અનુસરણ કરો. આમ કરવાથી મનના મેલ ધોવાઈ જશે અને જ્ઞાનના પ્રભાતનો પ્રકાશ સાંપડશે. જેમને ગુરુમાં શ્રદ્ધા છે તેમને બોધજ્ઞાન ઝડપથી આવે છે. પરંતુ કોઈપણ શિષ્યે ગુરુમાં ઈશ્વરને જોતાં શીખવું જોઈએ. ગુરુને ક્યારેય માનવરૂપે જોવા ન જોઈએે. ઈશ્વરરૂપે ગુરુની સેવાપૂજા દ્વારા દેહ અને મન પવિત્ર થાય છે. ગુરુની સહાયથી પ્રથમ ઈશ્વર પ્રગટ થયા છે અને પછી ગુરુ અને ઈશ્વર એક બની જાય છે.

* જો માણસ ખરેખર ઈશ્વરને ઝંખતો હોય અને જો તે નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક સાધના કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતો હોય તો તેણે દિવ્યજ્ઞાનપ્રકાશવાળા ગુરુને શોધવા જ જોઈએ. જેના પર ગુરુની કૃપા થાય છે તે આધ્યાત્મિક પથને જાણે છે.

* ગુરુ વિના – ઈશ્વરને અનુભવી શકાય છે – પણ તે સરળ નથી. ગુરુ એક એવી વ્યક્તિ છે કે જે મંત્ર દ્વારા આપણને પથ બતાવે છે. તે આધ્યાત્મિક સાધનાનું રહસ્ય આપણને આપે છે. તે પોતાના શિષ્ય પર નજર રાખે છે અને તેનું રક્ષણ પણ કરે છે. ગુરુ બ્રહ્મજ્ઞાની હોવા જોઈએ.

* (એક શિષ્યે પૂછ્યું, ‘સાધકે ધ્યાન ધરતાં પહેલાં ગુરુની પૂજા કરવી જોઈએ, એવું શાસ્ત્રોમાં કહ્યું છે. તો પછી હું ગુરુની પૂજા કેવી રીતે કરું ?’) ગુરુ અને ઈશ્વર એક છે એમ જાણીને પહેલાં તેના પર હૃદયમાં ધ્યાન ચિંતન કરો, પછી ઈષ્ટદેવતા કે આદર્શમાં ગુરુના સ્વરૂપને ભળી જવા દો અને પછી જપધ્યાન દ્વારા આગળ વધો.

* શ્રદ્ધા ! ગુરુના શબ્દોમાં ઊંડી શ્રદ્ધા રાખો અને તમે સર્વ કંઈ મેળવી શકશો. ગુરુના શબ્દોમાં શ્રદ્ધા રાખ્યા વિના આધ્યાત્મિક જીવન નિષ્ફળ રહે છે. જેમ બિલાડીનું બચ્ચું પોતાની માતા પર બધું સોંપી દે છે તેમ તમે તમારી જાતને ગુરુને સમર્પી દો. પછી તે તમારી સંભાળ લેશે, તમને મદદ કરશે અને માર્ગદર્શન આપશે.

* બુદ્ધિનું ચાલે ક્યાં સુધી ? ગુરુનું શરણું લો. તેઓ પોતાના મહત્તર જ્ઞાનબોધથી અને જવાબદારીની ભાવનાથી તમારા કરતાં વધારે સમજે છે અને તમને બધાં પતનમાંથી રક્ષશે.

Total Views: 769

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.