મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે શું? આનંદ મેળવીશ, એમ વિચારીને અનેક પ્રકારના પ્રયત્નો કર્યા, ઉપાયો કર્યા, ત્યાંથી ધક્કા ખાઈને પછી બીજો કોઈ ઉપાય કર્યો. આ રીતે સમગ્ર જીવન વીતી જાય છે. આનંદના અધિકારી થવાનું એના ભાગ્યમાં નિર્માયું નથી. તે સમગ્ર જીવનમાં કૂલીની જેમ વ્યર્થ પરિશ્રમ કરીને, અનેક પ્રકારનાં દુઃખ અને કષ્ટો ભોગવીને, આ સંસારમાંથી ચાલ્યો જાય છે. બસ, આવવું-જવું જ એના હાથમાં આવે છે. ઉદ્દેશ્યને ભૂલી ખોટા સુખની પાછળ દોડવાથી આ દશાને છોડી બીજા કોઈની આશા રાખી શકાતી નથી. સાચો આનંદ મેળવવા માટે સંસારસુખને તિલાંજલિ દઈને, ક્ષણિક આનંદનો મોહ છોડીને, ભગવાનમાં જ સોળેસોળ આના મન લગાડવું જોઈએ. એમના પ્રત્યે મન જેટલું વધારે જશે, એટલો જ વધારે આનંદ પ્રાપ્ત થશે. સંસાર પ્રત્યે, ભોગ પ્રત્યે મન જેટલું વધારે જશે, દુઃખ-કષ્ટ પણ એટલાં જ વધારે મળશે.

માનવ-સ્વભાવ કેવો છે તે જાણો છો? ફક્ત સુખ જ શોધે છે, મજા શોધે છે. નાનાં-મોટાં, ધનિક-ગરીબ બધાં જ સુખ માટે દોડધામ કરી રહ્યાં છે, પણ પ્રારંભમાં જ ભૂલ કરી બેઠાં છે. મારો વિશ્વાસ છે કે એ લોકોમાંથી ૯૯ ટકાથી પણ વધારે લોકો જાણતા નથી કે સાચું સુખ અને સાચો આનંદ કયાં છે? એટલા માટે મનુષ્ય નજર સામે જે કંઈ જુએ છે, તેને પકડે છે અને વિચારે છે કે આ જ બરોબર છે. ત્યાં ધક્કા ખાય છે, પછી બીજી વસ્તુ પકડે છે – ફરીથી ધક્કા ખાય છે-પણ મજા તો જુઓ – વારંવાર ધક્કા ખાય છે – તો પણ તે રસ્તો બદલતો નથી, સાચો રસ્તો પકડતો નથી. ઠાકુર એક સુંદર મજાની વાત કહેતા: ‘ઊંટ કાંટાળું ઘાસ છોડીને બીજું સારું ઘાસ મળે તો પણ ખાશે નહીં. એ જાણે છે કે કાંટાળું ઘાસ ખાવાથી તેનું મોઢું ચિરાઈ જશે, અને તેમાંથી લોહી વહેવા લાગશે, તો પણ તે તે જ ખાશે. સત્‌સંસ્કાર, સત્‌સ્વભાવ અને સદિચ્છાના અનુશીલનના અભાવને લઈને મનુષ્યની આવી દશા થાય છે. તમે હજુ બાળકો છો. દુનિયાની છાપ હજુ પણ તમારા પર પડી નથી. આ સમયે જો પ્રાણપણથી લાગી જાઓ તો દુ:ખ-કષ્ટમાંથી બચી જશો.

કેટલીય સમૃદ્ધિ ભલે ને હોય? કેટલાય આત્મીય સ્વજન અને બંધુ-બાંધવો પણ કેમ ન હોય, કોઈ પણ ચીજ શાશ્વત આનંદ આપી શકતી નથી. પાંચ કે દસ મિનિટ અથવા તો વધુમાં વધુ અર્ધો કલાક. કોઈ પણ સાંસારિક આનંદ આથી વધારે સ્થિર હોતો નથી. આ આનંદ પછી વિષાદ આવે છે, અંગ્રેજીમાં જેને action and reaction (ક્રિયા અને પ્રતિક્રિયા) કહે છે. એવો આનંદ જોઈએ જેની પ્રતિક્રિયા ન થાય. એકમાત્ર ભગવદ્આનંદની પ્રતિક્રિયા થતી નથી. એના સિવાય જેટલા પ્રકારના આનંદ છે તેની વાત ભલે કરો, પણ બધાની પ્રતિક્રિયા હોય છે જ. પ્રતિક્રિયા થવાથી દુઃખ-કષ્ટ પણ થાય જ. (‘ધ્યાન, ધર્મ અને સાધના’ પૃ.૧૧૮)

Total Views: 533

3 Comments

  1. લલિત દેવાણી January 2, 2023 at 3:06 pm - Reply

    સહજ રીતે આત્મપદ કેમ પમાય….

  2. Shakti Kishorbhai Gohel January 2, 2023 at 9:10 am - Reply

    🙏😇

  3. Kamlesh Nakrani January 2, 2023 at 4:13 am - Reply

    સ્વામીજી આપની વાત તદ્દન સાચી છે. પરંતુ સાંસારીક જવાબદારીઓ નિભાવવાની સાથે ભગવદ્સંગ કેમ કરવો.
    માર્ગદર્શન આપશો.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.